ત્રીજું મૃત્યુ (વાર્તા) ~ હસમુખ કે. રાવલ
લગ્ન પછીના ઠાઠ જુદા હતા. મુન્ની જન્મી ત્યારે જલેબી ખાતાં મિત્રોએ કહેલું: લે, તારે ત્યાં તો સાક્ષાત લક્ષ્મીજી પધાર્યાં. અને થયું પણ એવું જ.
ગામની છેવાડી સોસાયટીમાં મકાન થયું. મજાનું બે માળનું. મીના એને શણગારે. પણ મારો વૈભવ અગાસી. સામે ખુલ્લું મેદાન. ગતી સવાર, આથમતી સાંજ, ઊડતાં પંખી ને ચરતાં ઢોર.
આજે સવારે વાછરડાં પર હાથ ફેરવવાની ઈચ્છા રોકી શકયો નહીં. મેદાનમાં ગયો તો વિચિત્ર દ્રશ્ય. વાછરડાંના મોં પર અણિયાળી લાકડાની બે ફાંસ બાંધેલી. લોકો એને માંકડી કહે.
વાછરડું પાવવા જાય તો ગાયને ફાંસ વાગે. તો બિચારી ગાય ઊભી રહે. પણ રબારીની લાંબી ડાંગ જે પીઠ પર પડે કે… ઑફિસમાં ય મને ફાંસ ને ડાંગ વાગતી રહી.
સાંજે પાછી એ જ અગાસી ને હું. છોકરાં ગધેડાનો કાન પકડી સવારી કરવા મથતાં હતાં ને વાંકુંચૂકું થતું ગધેડું સવારને પછાડી હોંચી! હોંચી! કરતું ભાગતું હતું. તો પેલી બાજુ નવરાં છોકરાં કૂતરાની પૂંછડીએ કાંટાનું જાળું બાંધી પજવતાં હતાં, તો આ બાજુ કોઈક તોફાનીએ ગધેડાની પૂંછડીએ ફટાકડાની લડ બાંધી સળગાવી, ફટ! કટ! ફટાફટ! ગધેડું જે જીવ લઈ દોડે.
હું ઊભો ઊભો બૂમો પાડું પણ સાંભળે કોણ? પસાર થતો રબારી કહે, ‘શાયેબ, નકામા ઘાંટા પાડશો નઈ. નધણિયાતાં ન નપાણિયાંની આ જ વલે થાય. બાકી મગદૂર સ કોઈની, ક મારાં જાનવર હાંમે આંગળી ઊંસી કર? તોડી નાં નાંખું!!
સાંજની ખીચડીનો સ્વાદ બગડી ગયો હતો.
હા, રાત મજાની ઊગી. ઉતરતો ઉનાળો ને અગાસી. પડખે મીના ને મુન્ની. પવન પંખો કરે, ઝાડવાં ઝીણી ઝાલર વગાડે ને તારા મઢ્યું આકાશ ચાદર ઓઢાડે. બર્થ-ડે હોય તેમ એક હાથમાં ગુલછડી ને બીજા હાથમાં કેક સાથે નિંદરરાણી હાજર.
પણ આજની વાત જુદી હતી. અટકચાળાં વરસાદી ફોરાંએ અડપલાં કરી ધરાર પથારીઓ ઉપડાવી. અંદર ધકેલ્યાં. તો અંદર લાઈટ ગુલ. ઉકળાટ પરસેવો પડાવે. ત્યાં બારીમાં બેઠા મરક મરક મલકાતા તારા ફરી અગાસીમાં બોલાવે.
માંડ આંખ મળે ત્યાં ફોરાં ફરી શેતરંજી ઉપડાવે. હું જીદે ચડું. અંગરખું ઉતારી અળાઈઓ ખંજવાળતો બરડો પલાળવા આંટા મારું. પણ છાંટા પાછા સંતાઈ જાય. વાયરો બંધ. અંગરખું વીંજયા કરું’.
ત્યાં રુમની વીજળીને દયા આવે. ઝબાક કરતી સાદ દઈ અંદર બોલાવે. ધરરર… પંખો થતાં પડખાંનો પરસેવો ચાટવા મથે, ઉતરતી રાતે ઉંબરે ટીંગટૉંગ જેવું થયું હતું. પણ સવારે સવારે બારણું ઊઘાડવા તો મીનાએ જ ઉઠવાનું હોયને!
અત્યારે કદાચ મીના ત્રીજી વખત ઢંઢોળતી હતી.: “કહું છું, ક્યાં સુધી છાતી વલૂરતા પડયા રહેશો ? ઊઠો ભૈસાબ, માઠા સમાચાર છે. મસાણે…”
અંધારામાં અથડાતી મારી આંખો ગુસ્સાની ગાંસડી સાથે અથડાઈ પડી. ને લસરક થતી એક ગાળ દડી પડી. મીનાને વાગી. તે લપકી: “ઘરમાં મા-બેન હોય તો બૈરા માણસ સાથે બોલતાં આવડે ને.”
ગુસ્સાની આખેઆખી ગાંસડી છૂટી જાત, પણ વહેલી સવારમાં જાગી ગયેલી મુન્નીને જોતાં હું શરમાયો. ને ગાંસડી મનના માળિયે ચડાવવા મથવા લાગ્યો. મનોમન મને તાગતી મીના દબાયેલા અવાજે બોલી: “પેલી માલતી, મનસુખની પરણેતર, બિચારી ઉપર પહોંચી ગઈ.”
મેં કહ્યું: “એમાં આપણે કેટલા ટકા. છ મહિનાથી નથી મનસુખને મળ્યો કે… ને એની બૈરીને તો જોઈ છે જ કોણે? ચલ, ઊભી થા. ઊંઘવા દે!”
પડખું ફેરવતાં પેલી ગાંસડી ફરી મારા માથા પર લપસી પડી હતી. પણ મીનાનું ધ્યાન ન હતું. એકલી એકલી બબડે જતી હતી.: “ગયા અઠવાડિયે તો બિચારી પિયરથી આવી હતી. બે મહિનાનો બાબલો લઈને. મારે તો રમાડવા જવાનુંય રહી ગયું.”
મારામાં ઓચિંતો ભૂકંપ સર્જાયો. બધું તળે ઉપર. ઉથલપાથલ. રોમેરોમ આકળ વિકળ. મારી મા પણ આમ જ. હું પણ માંડ બે મહિનાનો જ. મેં માને જોઈ ન હતી. માની વાતો સાંભળેલી: સોટી જેવી પાતળી ને લાંબી હતી. વગેરે वगेरे…
રણાં હચમચ્યાં, કબાટ ફેંદાયું, ખેસ ખેંચાયો. મીના બોલ્યે જતી હતી, “ચા તૈયાર છે. ભાખરી પડી છે. બપોર સુધી મેળ નહીં પડે… અરે માથું તો ઠીક કરો.” પણ હું તો મારે ખાસડાં ખોસતો દોડયો. લાશ જોવી હતી. બે મહિનાનું બાળક મૂકી શાંત પડેલી માની લાશ.
શેરીના નાકે સળગતાં છાણાંવાળી દોણી હતી. ત્યારે પણ આમ જ દોણી સળગતી હશે. નનામી પણ આમ જ પડી હશે. મા આમ જ સૂતી હશે. રાતા લુઘડામાં. કપાળે કંકુ. આંખો બંધ. હકડેઠઠ લોક. આમ હળવે હાથે ઉપાડીને નનામીમાં મૂકી હશે. મારેય હાથ દેવો હતો. રહી ગયો.
હું ઝઝુમતો અંદર ધસ્યો. બધાંની જેમ નીચું મોં કરી બેઠો. કોઈકે મુંજની દોરી પકડાવી. મેં ખેંચી. ખેંચાતાં ખેંચાતાં નનામી બંધાતી ગઈ. કાનને કંઈ સંભળાતું ન હતું. આંખોની હાલત, ખબર નથી. નનામી ઉચકાઈ. હું પાછળ પકેલાયો. બધા બહાર હડસેલાયા. ભેગો હુંયે હડસેલાયો, બધાય દોડયા, ભેગો હુંય દોડયો.
ઊંચીનીચી થતી નનામી પૂરમાં તણાતી નાવની જેમ ધકેલાતી જતી હતી. નનામી પકડવા હું જ તરતો, એમ દોડયો. હાશ. એક છેડો હાથ આવ્યો. મારે ખભે ફૂલ ઊગ્યાં.
નનામી છૂટી. મેંય છોડી. લાકડાં ગોઠવાયાં. મેંય ગોઠવ્યાં. લાશ ચિતા પર મૂકાઈ. મેંય ટેકો કર્યો. ચહેરો ફરી દેખાયો. કંકુવાળો. ના. હોઠ હસતા નથી, બોલતા નથી, રડતા નથી.
મા પણ નહીં હસી હોય, નહીં બોલી હોય, નહીં રડી હોય, શાંત દરિયો. જીવનની ભરતી નહીં, મરણની ઓટ નહીં. બધા આખેઆખી માલતી જોતા હતા. મને નખશિખ મા… દેખાતી હતી.
મનસુખે ઉબાડિયું લીધું. મને ના મળ્યું. તોય હું તેની પાછળ પસડાથી. મનસુખે પોક મૂકી: “માલતી…..!” મારું ગળું ફાટી ગયું : “માઆઆઆ….”
ભડાભડ ભડભડ – મા બીજી વખત ચિતા પર ચડી હતી. ધુમાડામાં શેકાતી આંખો નીતરતી રહી. આગની લપેટો ઓછી થઈ. અંગારા દેખાયા ત્યારે પાંચસાત ડાઘુ બચ્યા હતા.
મારા ખભે કોઈનો હાથ મૂકાયો. “તારી માને પણ આમ જ….!” કોણ હતું એ? ઓળખાયું નહીં. કપાળે કરચલી ને પોળી દાડી. હા. પરશોત્તમમામા. કેટલે વર્ષે!
****
પરશોત્તમમામા અમારા નાતીલા ન હતા. જશોદામાસીના ભાઈ એટલે મામા. માસીને એ ‘જશી’ કહેતા, માસી શિક્ષિકા હતાં. સાંભળતો થયો ત્યારથી કાન માસીની વાતો સાંભળે છે.
માસી માના ગામનાં, મા જેવાં ને મા જેવડાં. અમારા મેડે રહેતાં. મા શાંત થયા પછી બાજુના મહોલ્લામાં રહેવા ગયેલાં. પણ દૂધની બાટલી માસીએ પાયેલી, બાળોતિયા માસીએ ધોયેલાં, બાબરી માસીએ ઓળેલી.
એમ તો માસી કોળિયા ભરાવતી, તે આંખોને યાદ છે. હાથ પકડી માસી બાથરુમમાં ખેંચી જતી. મસળી મસળીને મેલ ઉતેડતી ને નવડાવતી, તે યાદ છે. પટિયાં પાડી, પાટી પકડાવી, શાળામાં લઈ જતી તે યાદ છે. દવા પીવડાવતી, તોફાને ચડું તો ચૂંટલી ખણતી ને વહાલી કરતી, તેય યાદ છે.
એમ તો પપ્પા રજાઈ ઓઢાડતા, તે યાદ છે, ધમકાવી ઊંઘાડતા, તે યાદ છે, ઊંચા સાદે ઊઠાડતા, તે યાદ છે ને સિનેમા જોવા લઈ જતા, એય યાદ છે. સિનેમામાં કયારેક માસીને જોયાનું પણ યાદ છે.
એકલો હોઉં ત્યારે માસી માની ખૂબ વાતો કરતી. “દેવકી ને હું. એક મહેલ્લાની, પાક્કી ગોઠણો. એક જ કૂવે પાણી ભરતી ને એક તળાવે વાસણ માંજતી. એક ફળિયામાં ગરબા લેતી ને એક નિશાળમાં ભણતી. એ ભણવામાં કાચી ને હું આંબે ચડવામાં કાચી. છેલ્લે બોલેલી: ‘જશી, આજથી આ તારો. એ દિવસથી તું મારો.'”
મારી મોટી મોટી આંખોને વાતોનાં બોર મમળાવ્યા સિવાય કંઈ ન સમજાય. છેવટે મલકાતી માસીના હાથ પહોળા થઈ જાય ને ભેટી પડાય.
લગભગ બીજામાં, હા, બીજા ધોરણમાં હતો, ત્યારે ભજન ગાતા પપ્પાએ બદલી કરાવી. હું માસી પાસે રહ્યો. પણ ત્રીજામાં ગયો ને માસીની બીજે ગામ બદલી થઈ.
હું માસી સાથે જવા તૈયાર હતો. પણ પપ્પાએ વધારે હોશિયાર કરવા છાત્રાલયમાં મૂક્યો. ધીમે ધીમે મને થાળીવાડકી માંજતાં, કપડાં ધોતાં, ઈસ્ત્રી કરતાં, ભાઈબંધની સુખડી ચોરતાં ને ગૃહપતિની સોટી ખાતાં આવડી ગયું. સોટી વાગી ચમચમ ને સમજણ આવી ધમધમ.
સમજણની ઉનાળુ રેતમાં બધું વિખરાઈ ગયું. હું મારે રસ્તે, માસી માસીના રસ્તે ને પપ્પા પપ્પાના રસ્તે. બદલીઓ કરાવતા, તાલુકા ને જીલ્લા વળોટતા પપ્પા લગભગ ન દેખાય એટલે દૂર જતા રહ્યા.
હુંય મારે માથું મારતો, પગ પછાડતો, હાથ દઝાડતો, કાચોપાકો રોટલો શેકતાં શીખી ગયો. પણ લોક પજવે. માસીને લટકમટક ચીતરે ને પપ્પાને…. ઉલટીસુલટી વાતો કાન ફોલી ખાતી. કાચી સમજના ઉકરડામાં શંકા સિવાય બીજું શું ઊગે? ઉકરડામાં શરીર વલૂર્યા કરું.
વૈદરાજ કહે, ” લોહીનો વિકાર છે.” પડીકીઓ આપે, પણ મટે નહીં. દાંત વડે નખ કાપતો રહ્યું. પણ નખ તો નખ. વધે ને વલૂરે. ચકામાં પર ફૂ… શું… ફૂંકયા કરું” ને મનોમન માસીને મનવટો આપવા મથ્યા કરું”.-છી… ગંદી…”
માસી મનમાં જ હોય. તે ફટ પૂછે- “કેમ?”
લોકોએ ગોખાવેલો જવાબ હોઠે હોય. “-જનમ આપે તે જનેતા. બાકી બધી ફજેતા….!”
પણ માસી મનમાં હાજરાહજૂર બેઠી હોય, એટલે મારાથી લોકો જેવું વિચારાય નહીં કે બોલાય પણ નહીં. બોલાય તો બોલાય મારા જેવું. –“પપ્પા સાથે સિનેમા?”
“-કેમ ના જોવાય ?”
“-એકલાં એકલાં ?”
“-એકલાં એકલાં કેમ? વચ્ચે ગલગોટા જેવો તું હોય ને તારા પડખે જીજા.”
“-જીજા?”
“-હજાર વાર જીજા.. જીજા.. જીજા…!”
અંધારાના પોલમાં લાઈટરનો તણખો ઝર્યો. પહેલી વખત મેં મને પ્રશ્ન કર્યો, “લોકો સાચા કે માસી ?”
ત્યાં “ખી ખીખી ખી… “કરતા લોકોએ આવ્યા અને ખળાય નહીં એવા હલ્લા શરુ કર્યા. હું કાચબો. આંખ, કાન, નાક, મોં, – બધું સંકોરી, કોકડું વળી ફંગોળાતો રહું.
ફંગોળાતો હતો ત્યાં એક દિવસ ટપ કરતી માસી ટપકી કહે : “ચાલ, ઈન્ટરવ્યૂ છે.”
ગેરહાજરીમાં વકરેલી નારાજગીની કાળી બિલાડી માસીની હાજરીમાં ‘મ્યાઉં’ કર્યા વગર સંતાઈ ગઈ. ને ચૂલા ઉપર રોટલાના બદલે શીરો શેકાવાની વાસ આવતાં, સમજણની ભોળી બિલાડી જાણે હસી, હસીને ‘મ્યાઉં, મ્યાઉં..’ કરતી, પૂંછડી પટપટાવતી માસીની આગળ પાછળ લટુડાંપટુડાં કરતી રહી. પણ માસી તો માસી. કામ પત્યું કે રવાના.
મહિને દાડે કડાઈમાં દેશી ધીનો શીરો શેકાયો પણ ખરો. તેની સુગંધને પગલે નવાં પેન્ટશર્ટ ખેંચાઈ આવ્યાં ને શો રુમના મિરરમાં મારી આંખો મિચકારાવા લાગી. માસીને કાગળ લખવા હાથ સળવળે, પણ નખ હાથ વલૂરી નાખે, કાગળ ચૂંથી નાખે.
અકળાયેલું મન ઊભા રસ્તે દોડયા કરે. તબડક તબડક. જાણે નથ્યુમિયાંનો ઘોડો. આંખો પર મોટા બે દાબડા. ન જમણે જોવાય ન ડાબે. નીચી મુંડીએ સીધા દોડવાનું. હાંકતા પગ, ફૂટપાથ પર જયોતિષી પાસે હાથ ધરતા ફસડાઈ પડે.
જયોતિષી ભાખે : “હૈ, બાપ હૈ. પર બાપ કી છાયા નહીં. સચ્ચી બાત?”
હું કહું.: “સાચી વાત.”
એ કહે, : “પર બચ્ચા, મા કા સુખ ભરપૂર હૈ. સચ્ચી વાત?”
હું બોલી પડું. : “ખોટી વાત. માનું તો મોઢું ય જોયું નથી.” -ને હાથ ખંખેરતો ઊભો થઈ જાઉં. ત્રાટક કરતો હોય એમ એ મારી શૂન્ય આંખોને જોઈ રહે અને કહે : ‘ઈમ્પોસિબલ…!’
તબડક તબડક.
જેના અભાવમાં વામણો છું. જે મારા કોષેકોષને બુચકારે છે ને હું જેના કોષકોષમાં પમરતો રહ્યું છું એ મા કોણ? દેવકી? કે… ? દેવકીને તો જોઈ નથી. મિત્રો પણ કંટાળે કહે,: કયા મા, મા લગા રખ્ખા હૈ? જવાન હો. શાદી કર લો, બાત ખતમ.
તબડક તબડક.
ખદબદતી ઉધાઈમાં બધું ખવાતું જતું હતું. માસીના સંબંધના નામે એક દીવાળી કાર્ડ બચ્યું હતું.
દીવાળી ગઈ ને માસી ફરી આવી ટપકી. -“ચાલ, ઈન્ટરવ્યૂ છે.”
-“હવે શાનો ઈન્ટરવ્યૂ?” તો કહે : “શરણાઈનો.”
ને શરણાઈ વગડાવા માસી અઠવાડિયા પહેલાં આવી ગઈ. પપ્પા ન આવ્યા, પત્ર આવ્યો. ત્રાહિત માણસ જેવા આશીર્વાદ ને “આ તો સપનું છે સંસાર.” વગેરે વગેરે…
માસીએ પપ્પાનો ફોટો સજાવ્યો. નવી ફ્રેમ ને નવો ફૂલહાર. કહે: બેટા, પપ્પાને પગે લાગીને સિધાવો.” ને એકાએક કુકરનો સંકટી વાલ્વ ફાટયો.
“-માનો ફોટો કેમ નહીં?”
માસી કહે : “છે? લાવ.”
વરાળ નીકળતી રહે. –“પાકી ગોઠણો હતી, તોય નથી? મેટ્રિકની પરીક્ષા વખતે સ્ટુડીયોમાં ફોટા પડાવેલા, ત્રણ ત્રણ કોપી. તોય નથી? તમારી પાસે?”
“-કેમ નથી? છે ને. આ હ્રદયમાં…!” માસીની ભીની આંખ જોતી મારી વરાળ હવામાં વિલાઈ ગઈ.
જાન નીકળી. કચવાતા મને હું પગે પડયો. છલકાતા હૈયે એણે ઓવારણાં લીધાં.
બીજા દિવસે એટલા જ ઓરતાથી અમને સજોડે પોંખ્યાં. થાળીના ઝાંખા અજવાળામાં માસીની બે આંખો ઝગમગ ઝગે. એ જ પ્રેમ. એ જ આશિષ. તે થશે ભાનસાન વલૂરતા નખ શાંત પડયા. ઘડીભર કેવળ હું બચ્યો. ને ભીતરની ભીતરની ભીતરથી અવાજનું ઝરણું ફૂટયું: “મા….!”
બીજા દિવસે વિદાય આપતાં હસતા મોઢે મેં માસીને સાડી આપી. એણે એટલી જ ઉલટથી મીનાને ઓઢાડી, ને ચાલી નીકળી.
ગરજ વીતી ને વધતા નખ પાછા વસૂરવા લાગ્યા. પંડમાં પેટેલી આગ વડવાનલની માફક ભભુક્યા કરતી: પપ્પાની ફ્રેમનું આટલું બધું જતન કેમ?… કેમ આટલું બધું જતન પપ્પાની ફ્રેમનું?….આગ ઠરતી ન હતી. રહી રહીને લપક્યા કરતી.
ત્યાં ઊંડેથી અવાજનો તાજો ઝરો ફૂટયો. -“જો સાવ એવું જ હોત તો એ પપ્પાને પરણી શકી હોત. કોણ રોકનાર હતું એને? પપ્પા? કે પપ્પાને એણે સંભળાવ્યું હશે : ‘મેરે તો ગિરપર ગોપાલ દૂસરો ન કોઈ…’ કે ‘આ તો સપનું છે સંસાર’ ગાતા પપ્પા જ ભાગ્યા હશે?
આગ ધીમી પડવા માંડી. પણ લોક ગોકીરાએ નવાં લાકડાં નાખ્યાં. ‘-ખીલે બંધાવું ન હતું. રાંડને છૂટું ચરવું હતું. બાપ-દીકરા બેયનો ભવ બગાડયો.’
ત્યાં અવાજની બીજી તેજ ધારા વછૂટી. સાવ અજાણી, મનસુખની પરણેતર જોતજોતાંમાં મા બની બેઠી ને જનમથી ડગલેને પગલે ટેકો આપી ઊભો કરનારી…?
નીતરતી આંખો ભાંગી પડી. પણ વચ્ચે માસી-પપ્પાનાં અડાબીડ જંગલ ને લોકોની વાતોનાં રણ…
અતળ તળિયેથી ત્રીજી વેગવાન ધારા ઉછળી : માસી-પપ્પા વિશે લોકો ગમે તે સળગતાં ઈંઘણાં નાખે. માત્ર તારી વાત કર. માસી ઝરણું છે કે આગ? તને શું લાગે છે? એણે તને બાળ્યો છે કે બચાવ્યો છે? પછાડયો છે કે પાળ્યો છે? પોષે તે પયોધર. પાળે તે મા. કલકલ ઝરા ને ભડભડ આગ. મનનો ખેલ શમતો ન હતો.
પરશોત્તમમામા સ્મશાન છોડી ઉપડયા. હું પાછળ ઘસડાયો. તે એસ.ટી. સ્ટેન્ડ તરફ વળ્યા. હું પણ, મને થાય: કંઈક બોલું. “મામા, તમે અહીં કયાંથી? ઘેર કેમ ન આવ્યા? માસી કેમ છે? ‘
માસીનું નામ પડતાં જ થાળીના ઝાંખા અજવાળામાં હજાર હજાર આંખો ઝગમગવા લાગી. પટિયાં પાડતી આંખો. પાટી પકડાવતી આંખો. દવા પીવડાવતી આંખો. ઈન્ટરવ્યૂમાં લઈ જતી આંખો. શરણાઈ વગાડતી આંખો. પોંખતી આંખો.
થાય : મામાને પાછા વાળું. નાના છોકરાની જેમ હાથ પકડી પરાણે ઘેર ખેંચી જાઉ. પણ અંદરથી મને કોઈકે પકડી રાખ્યો હતો. સજજડ.
મારી માફક કદાચ મામા પણ પોતાના કોચલામાં પૂરાઈ ગયા હતા. બે મૂંગા પડછાયા ડગલાં ભરતા જતા હતા. વચ્ચે મને ત્રીજો પડછાયો દેખાયો. બે હાથ પહોળા કરી ગુપચુપ ચાલતી સ્ત્રીનો પડછાયો. એની નજર મારા તરફ. મારી નજર એના તરફ.
બસ સ્ટેન્ડ આવ્યું. વહેતા ટોળા વચ્ચે અમે બે અલગ પથ્થર. બસ આવી. મામાનો પ્રાણ આવ્યો. દોડી બસમાં ગોઠવાયા. મારી અંદર કોક બોલે જાય: જનારો હમણાં જતો રહેશે, લોકાચાર તો નભાવ. તું તારે દૂરથી હાથ લાવી: ‘આવજો.’ કહી હાલી નીકળ.
પણ પગ માને નહીં. કહે : સ્મશાનમાં ખભે ઓચિંતો હાથ મૂકનાર ઘરડા જીવ સામે નહીં જોવાનું? ત્યાં હાથ ભારે હરખીલા થયા. તેમણે પાણીનું પાઉચ ખરીધું. ને બારી પાસે પહોંચી ગયા.
ડ્રાઈવર બેઠો. ઘરરરર… શરુ થયું. મેં પાણીનું પાઉચ મામાના હાથમાં પકડાવી દીધું.
મામાને ઓચિંતી વાચા ફૂટી. “બાળકુંવારી જશીનું કોણ હતું? તને કાળોતરી લખેલી, તોય ન આવ્યો?” મામાએ મારા હાથમાં પાણીનું પાઉચ પાછું પટક્યું.
હું શું બોલું? : નવું મકાન.? નવું સરનામું ? … કે શરીર વલૂરતા નખ બતાવું?
આંખમાં વહી જતી બસનો ધુમાડો, હાથમાં પાણીનું પાઉચ ને માથામાં આગ.. પાઉચની ધાર કરું ત્યાં રમઝટ ઝાપટું ત્રાટક્યું. વાહનોની ભાગાદોડી મચી ગઈ. ટ્રીન ટ્રીન ટી ટી પી… પી… અવાજો ઊંચકાયા ને શમી ગયા.
એકલદોકલ રસ્તા પર આકાશી ધંધૂડા. ત્રીમઝીક પાણી, ઝબક ઝબ વીજળી ને હવાની થાપટો ખાતાં દાંતનાં ડાકલાં વાગતાં હતાં.: “પલાળ, હજુ પલાળ, નવડાવ. મસળી મસળીને નવડાવ…!”
એમાં દૂરનો નહીં બોલાયેલો અવાજ ભળ્યો. ઝાંખો, પીળો, તીણો ને તીખો. – “વધારે પલડીશ નહીં. માંદો પડીશ.”
હવામાં ચાની હુંફાળી સોડમ વિખરાઈ ને શરીર પર વિકસની ફોરમ પથરાઈ. સાતે પાતાળ ભેદી, ઉપર ઉઠતી એક પોક આકાશમાં વિલાઈ ગઈ.
***
(નોંધઃ લેખકે આ વાર્તા મોકલી છે પણ વાચકોની જાણ ખાતર લેખકના વાર્તાસંગ્રહ –‘કાળીધોળી જાન’માં આ વાર્તા અને આવી અનેક સુંદર વાર્તાઓનો સમાવેશ છે.)