હાય રામ, આ કોનો છે જમાનો! (હાસ્યકથા) ~ ઊર્મિલા પાલેજા, મુંબઈ 

“હું કાલથી કામ પર નહીં આવું. તમે બીજી બાઈ શોધી લેજો. મારો આજ દિવસ સુધીનો પગાર, એટલે આજનો દિવસ આખો ગણવાનો, આપી દ્યો. અરે, ઊભા રહો, હું જ ગણીને કહી દઉં હિસાબના કેટલાં થશે!” ને પ્રમીલા ઉર્ફ પમીએ ક્લચ પર્સમાંથી ફટાક દઈને મોબાઈલ કાઢ્યો, ચાલુ કર્યો, કેલક્યુલેટર પર ગઈ ને ફટાફટ 26×200 કર્યુ જવાબ આવ્યો 5200…એને રાઉન્ડ ફિગર કરી ને બોલી, “છ હજાર આપી દો એટલે હું ચાલતી પકડું.”

“પણ આજે છવ્વીસમી તારીખ છે, તેં હજુ સુધી કામ શરૂ નથી કર્યું એટલે કામ પચ્ચીસ દિવસ જ કર્યું ગણાય કે નહીં?” સરલાએ કહ્યું. વડોદરામાં પોશ બંગલોઝ સોસાયટીના બંગલો નં.આઠમાં રકઝક ચાલતી હતી.

“આજે મને આવવા જવાનો ધક્કો થયો કે નહીં? મારો ટાઈમ તો લોસ્ટ થયો જ ને?”

“તારો પગાર મહિનાનો પાંચ હજાર છે તો અમારે પચ્ચીસ દિવસના પાંચ હજાર બસો શા માટે આપવાના?”

“માડી, જે મહિનાના થર્ટી વન ડેઝ હોય છે ત્યારે તમે મને પાંચ હજાર જ આપો છોને? ધીસ સપ્ટેમ્બર મન્થ ચાલે છે, આ વર્ષમાં ફાઈવ ટાઈમ્સ એકત્રીસ દિવસ આવ્યાં, એ વધારાના પાંચ દિવસના પૈસા લેવાના કે નહીં? પેલી કહેવત ખબર છે ને? ‘હિસાબ કોડીનો બક્ષિસ લાખની!’ હિસાબ ટુ હિસાબ કરી દો.. પછી બક્ષિસ લાખની આપો, બે લાખની આપો, પાંચ લાખની, જે આપવી હોય તમારી મરજી.”

“લે ખરી છે તું તો! તોય પાંચ હજાર બસો આપવાના થાય, છ હજાર શા માટે આપવાના?”

“જુઓ, એમાં એવું છે કે કામ છોડીએ ત્યારે શેઠાણીઓ પોતે ઉદાર દિલ છે એ પૂરવાર કરવાં આવા પાંચસો હજાર રૂપિઝ હાથમાં પરાણે આપી જ દેતાં હોય છે એટલે એની પણ ગણતરી કરી લીધી.”

“તું તો બહુ હોશિયાર છો ને કાંઈ! તારે તો કોઈ બેંકમાં નોકરી કરવી જોઈએ!”

“બેંકમાં જ કરતી હતી. મારો જન્મ જલારામ બાપાના ગામ વિરપુરમાં. ત્યાં હું બારમી સુધી ભણી. અમારા ઘરની બાજુમાં બેંક ઓફ ઈન્ડિયાની એક શાખા ખુલી. એ લોકોને બેંકમાં સાફસફાઈ, ઝાડપોતા કરવા કોઈ બાઈ જોઈતી હતી. હું ત્યારે સોળ વરસની એટલે મને રાખી ન શકે એટલે નામ મારી માનું રજીસ્ટર થયું પણ કામ હું કરતી હતી.”

“ઓહો, આપણા વડોદરામાંયે ઘણી છે બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓ તો અહીંયા કામ શોધી લે.”

“ના રે, હવે તો કોન્ટ્રાક્ટ પર કામ કરવું પડે, કોન્ટ્રાક્ટર ચાલીસ ટકા લઈ જાય. એના કરતાં ડાયરેક્ટ કામમાં વધારે કમાઈ શકું. ચાલો માડી, હિસાબ કરો એટલે બીજે કામ પતાવી ઘરે વહેલી પહોંચું તો મારા દીકરાને પિક્ચર જોવા લઈ જવાય.”

આ વાર્તાલાપ ચાલતો હતો એ સાંભળવા ઘરના દરેક સભ્ય ત્યાં આવી ઊભા રહી ગયા હતાં. છન્નુ વર્ષના જનકભાઈ ને એકાણું વર્ષના એમના પત્ની તરુબેન. એમનો દીકરો મનોજ ને એની પત્ની સરલા ત્યાં હાજર જ હતી. એમનો દીકરો શર્મન ને એની પત્ની ચાર્વી. એમનો દીકરો નમન ને એની પત્ની હર્ષી. બધાં એ બેઉનો વાર્તાલાપ સાંભળી હક્કાબક્કા રહી ગયાં. જરા કળ વળ્યે તરુબેન જોરથી બોલવા ગયાં પણ ઝીણો અવાજ જ નીકળ્યો,

“ઘેલી થઈ ગઈ છો? તારી પહેલાં કામ કરતી હતી ઈ લખમી તું કરે છે એટલાં કામના ત્રણ હજાર જ લેતી હતી.”

“મોટાબા, ઈ લેતી ન હતી પણ તમે એટલાં જ આપતાં હતાં… ને એ લખમી બચારી સાવ ભોળી છે. કોઈ જરા પ્રેમથી

વાત કરે તો બધું ભૂલી જાય ને રાજીરાજી થઈ જાય. ઈ લખમી મારી માસિયાઈ બેન જ થાય.”

“લે, ભારે જબરી તમે બેય! બેમાંથી એકેય ક્યારેય ન બોલી!”

“એમાં બોલવાનું શું હોય? અમારી પ્રાઈવેટ વાતો તમને કેમ કહેવાની? બિચારી બે વર્ષથી કહેતી હતી પગાર વધારવાનું. તમે વધારતાં જ નહતાં એટલે અમે મીલીભગત કરી. એણે કામ છોડ્યું ઈ જ દિવસે હું કામ માગવા આવી ને તમે મને ખુશીખુશી પાંચ હજારના પગારે નક્કી કરી. એમાંથી દર મહિને એક હજાર હું એને આપતી, એને પૈસાની બહુ જરૂર હતી.”

“ઓહો, આ તો ભારે થઈ, આપણને તો ખબર જ નહીં.”

“હજી એવી ઔર એક સિક્રેટ વાત કહું?”

“હા બોલ.” બધાં એકસાથે બોલ્યા.

“તમારી આ સોસાયટીમાં પાંત્રીસ બંગલા છે એમાંના ત્રીસ બંગલામાં મારી જ સગી, કઝીન્સ બહેનો ને ભાભીઓ જ કામ કરે છે! અને બધાંના કામ ને પગાર હું જ નક્કી કરાવું.”

“હેં!” એકસાથે બધાંના મોઢામાંથી ઉદ્ગાર નીકળ્યો.

“એટલે તું આ બધાંની યુનિયન લીડર છો?’

“ઓફિશીયલી નહીં એના માટે મારે રજીસ્ટર કરાવવું પડે, કાર્ડ લેવું પડે. એટલે અનઓફિશીયલી એ જ કામ કરું પણ એમના માટે મોટી બહેન થઈ મદદ જ કરું છું. એ લોકોનું શોષણ નથી થવા દેતી કે એ લોકોના પગારમાંથી કટ પણ નથી લેતી.”

“આ લેડી રોબિન હૂડ લાગે છે!” હર્ષી બોલી.

“ના બેન, ઈ રોબિન હૂડ લૂંટ કરી લાવેલી રકમ-વસ્તુઓ ગરીબોમાં લૂંટાવી દેતો હતો. હું ક્યાંય ચોરીચપાટી, લૂંટફાટ કરવા નથી જતી!”

“હેં!” ફરી બધાંના મોઢામાંથી થોડો વધારે મોટેથી ઉદ્ગાર નીકળ્યો.

“હવે મારો હિસાબ કરો એટલે હું ચાલતી પકડું.” પમી ઉવાચ.

“પણ થયું છે શું? શા માટે ફટકી છો?” સરલાએ પૂછ્યું.

“બા, તમારા ઘરમાં આઠ જણાં.. હું જેવી ઘરમાં પગ મૂકું કે એક પછી એક દરેક મારા નામની બૂમ પાડે, મને બોલાવે, એકબે કામ ચીંધે, એ પતાવું ન પતાવું ત્યાં બીજાની બૂમ પડી જ હોય.. પછી ત્રીજાની પછી.. પછી.. એમ દરેકના વધારાના પર્સનલ કામ કરવામાં મારો કેટલો સમય બગડે? મારું રોજનું કામ કરવામાં મોડું થાય એટલે મારા બીજાં કામે મોડી પહોંચું વળી ત્યાં રામાયણ મંડાય.

બા, મારો હિસાબ કરો, પૈસા આપો એટલે હું ચાલતી પકડું. પછી હુંય છુટ્ટી ને તમેય છુટ્ટા! હાલો ઝટ કરો, આય એમ ગેટીંગ લેઈટ!”

ચાર્વી બોલી, “તારે અમને ચોખ્ખી વાત કહેવી પડશે, નહીંતર પછી તું આખી સોસાયટીમાં અમારી વાતો કરશે, અમને બદનામ કરશે ને અમારે ઘરે કોઈ કામ પર નહીં રહે.”

“શું કહું મોટાં ભાભી? હું હજુ ઘરમાં પગ મૂકું કે મોટાં દાદીમા બોલાવશે, ‘પમી, જલ્દી આવ. મને પગ બહુ દુ:ખે છે. વાંસો, કમર ને ખભાયે જકડાઈ ગયાં છે, ઘડીક દબાવી દે, માલીશ કરી દે.’ એટલે આવતાંવેંત દસ મિનિટ એમની ચંપી મફતમાં કરી દઉં!”

તરુબેન જરા ઊંચાનીચા થતાં અકળાઈને બોલ્યા, “ભમરાળી, આ દસ મિનિટની ચંપીના પચ્ચીસ રૂપિયા તું રોજ પડાવી લે છે! ‘મફતમાં’ શેની ક્યે છે?”

“મોટુદાદીમા, પચ્ચીસ રૂપિયા આજના જમાનામાં મફત જ કહેવાય! હજુ મોટાદાદીનું કામ પતાવું ત્યાં મોટાદાદા બોલાવે, ‘પમી બેટા, જરા મારો હાથ ઝાલ, મારે નહાવા જવું છે.’ હું એમનો હાથ પકડી અંદર બાથરૂમમાં બેસાડી આવું તો કહેશે, ‘બેટા, બાયણે જ ઊભી રહેજે. હમણાં ખંખોરિયા ખાઈ લઉં કે તને બરકું છું, મને આરામખુરશીમાં બેસાડી દે પછી બીજાં કામ કરવા જાજે.’ દાદા સ્લોસ્લો વૉક, સીટ, બાથ કરે એટલે એમાં મારી બીજી ટેન મિનિટ મફતમાં જાય.”

“ના બેટા, આવું હળાહળ જૂઠું નહીં બોલવાનું! તું મારી પાસે એક અઠવાડિયાના દોઢસો રૂપિયા પડાવે છે!”

“અરે મોટુદાદા, હું દસ મિનિટમાં બાજુવાળાના ઘરે ઝાડુપોતા કરવાના મહિનાના બે હજાર રૂપિયા લઈ લઉં છું. તો મારા માટે આ કામ મફત જ કહેવાય! હાલો મારો હિસાબ કરો એટલે રવાના થાઉં.”

“મારી બેટી જબરી છે! પૈસા પડાવતી જાય છે ને મફત મફત કરતી જાય છે.” સરલા અણગમાથી બોલી.

“બા, તમને રોજ માથામાં તેલ ઘસી ચોટલો વાળી દઉં છું કે નહીં? રોજ એમાંય મારી દસ મિનિટ જાય છે.”

“એના બદલે હું તને વધારે દૂધવાળી, ગરમાગરમ બે કપ મસાલા ચા સાથે તને ભાવતાં ચારપાંચ થેપલાં રોજ આપું છું કે નહીં?”

“બા, એ તો અન્નદાન કહેવાય. તમને એનું પુણ્ય મળે. હું આમાં ક્યાં કાંઈ કમાઉં છું? અને ઘરમાં આવ્યા પછી અડધા કલાકે આ બધું પતે પછી હું મારું રોજનું બાંધેલું કામ શરૂ કરું. હું હજુ હાથમાં ઝાપટિયું લઈ ઝાપટવાની શરૂઆત કરું ત્યાં મનુદાદા મારી આગળ પાછળ આંટા મારતા, ‘પમી, જો અહીંયા ઢગલો ધૂળ છે, સાફ કર બરાબર.’ હવે તમે જ ક્યો બા (સરલા તરફ જોઈ બોલી) તમે કોઈ ક્યારેય હાથમાં ઝાપટિયું, સાવરણી, ડસ્ટર શેનેયને હાથેય લગાડો છો?”

“ના, અમારે હાથ ન લગાવવો પડે એટલે તો તને રાખી છે!”

“હું એ જ કહું છું મારું કામ છે મને કરવા દો, બરાબર ન કરું તો ધ્યાન દોરો એ બરાબર છે પણ પહેલેથી આગળપાછળ કોઈ ફરે તો એવું લાગે જાણે હું કામચોર છું ને કોઈ મારી ચોકી કરે છે! શું ક્યો છો દાદા?”

“તારી તો ઠીક દાદાગીરી છે! અમારા જ ઘરમાં હલનચલન, બોલચાલ તારી મરજી મુજબ કરવાની?” મનોજભાઈ મોઢું ફુંગારતા બોલ્યા ને ધમધમ કરતા ગુસ્સે થઈ પોતાના બેડરૂમમાં ચાલી ગયા.

ત્યાં ધૂંઆપૂંઆ થતી હર્ષી હાથમાં નમનનું શર્ટ લઈને આવી ને જોરથી બરાડી, “આ જો નમનના શર્ટ પર કેટલાં ડાઘા દેખાય છે? જો આ શર્ટનો કલર ને જો એના કૉલરનો કલર! આ જો ખીસ્સા પાસે લાલ ડાઘા ને આ જો કફ પરના ડાઘા! તને કેટલીવાર કહ્યું છે, નમનના શર્ટ પર સાબુ ચોળી સરખી રીતે બ્રશથી ઘસીને મશીનમાં નાખ. પણ તને હાથ ન ઘસવા હોય એટલે એમને એમ ઠોંસી દેશે મશીનમાં! આવાં ડાઘાવાળું શર્ટ પહેરીને ઑફિસમાં જાય કેવા આબરૂના કાંકરા થાય!”

“જુઓ, તમે કીધું એમ કોલર પર ઘસ્યું એટલે કોલર ફાટવા લાગ્યું, વધારે ન ફાટે એટલે ન ઘસ્યું. આ કફ પરના પીળા ડાઘા હળદરના છે બહુ ઘસ્યા પણ નથી નીકળતાં અને આ ખીસ્સા પાસેના લાલ ડાઘા શેના છે એ તમે જોઈ લેજો એ પણ ઘસ્યે નથી નીકળતાં, કદાચ લિપસ્ટિકના હોય તો ખબર નથી!”

“એમ પલીતો ચાંપવાની કોશિશ ન કર. તને કીધું છે એટલું કર તો બસ છે.”

“હર્ષીભાભી, ઉપર ઘસવાના સાબુથી મારા હાથ બળે છે પછી મારે હેન્ડ ક્રીમ લેવાના પૈસા ખરચવા પડે છે જે મને મોંઘુ પડે છે!”

“દરવખતે ખાસ તારા માટે મંગાવીને તને હેન્ડ ક્રીમ આપું છું. એ ખલાસ થઈ જાય તો મને જણાવવાનું ફરી મંગાવી દઈશ.”

“તમે મારા માટે સસ્તાવાળું મંગાવી દ્યો છો એટલે તમે જે વાપરો છો એ લેવા મારે મારા પૈસા ખરચવા પડે છે.”

“હાય હાય! આ તો માથાભારે છે! મારા વાદ વદે છે? એવું બ્રાન્ડેડ, મોંઘું હેન્ડ ક્રીમ તારા માટે મંગાવી દઉં? કેટલાનું આવે છે ભાન છે?”

“હા બે હજારનું! આમ તો તમારે જ અપાવી દેવું જોઈએ. તમારા ઘરે વોશિંગ મશીન છે તોયે કપડાં ઘસાવીને મશીનમાં નખાવો છો. ડિશવૉશર છે તોયે વાસણ ઘસાવડાવો છો તો કપડાં ઘસવાના અને વાસણ ઘસવાના સાબુથી મારા હાથ બરછટ થાય કે નહીં? પછી મારો વર મારા પર બગડે છે! અને મારા હાથ સુંવાળા રહે ને ચામડી કોમળ રહે એટલે હું તો આ જ ક્રીમ વાપરું છું.”

ચાર્વીએ હર્ષીને એના રૂમમાં મોકલી દીધી ને બોલી, “આ તો ‘મેરી બિલ્લી મુઝે મ્યાંઉ’! હવે તારે શું કરવું છે એ કે એટલે વાતનો તંત આવે. આખી સવાર આ માથાકૂટમાં ગઈ.”

“મારીય સવાર બગડી વળી આજે રવિવાર એટલે બધાં ઘરે કામ વધારે હશે! જુઓ ભાભી, આ મોંઘવારી અમનેય નડે છે. મારેય છોકરાંવને ભણાવવા, પૈણાવવા, સેટલ કરવાના કે નહીં? રેઈઝ માય સેલેરી!”

“બે વરસમાં પગાર વધારો? તું કામ ઉપર રહી ત્યારે જ દોઢો પગાર વધારો કર્યો છે. બધી આશા અમારી પાસેથી જ રાખવાની? બીજાં કામ પર કોઈ વધારો નહીં કરે!” ચાર્વીએ લૂલો બચાવ કરવાની કોશિશ કરતાં કહ્યું.

“ન શું કરે? કોઈને છોડીશ નહીં. આ ત્રણ નંબર બંગલાવાળા આશાભાભી સામેથી ક્યે છે, ‘તારા ત્રણેય કામ છોડી દે, ખાલી મારી એકલીનું કામ કર.’ બધાં કામનો જેટલો પગાર મળે છે તેટલો ઈ એકલા આપશે વળી છોગામાં એમના ગેરેજમાં રહેવાની છૂટ પણ ખરી! વળી એના ઘરમાં હુતોહુતી બે જ જણાં. કામેય જરાય નહીં ને કચકચયે નહીં. દાદાદાદી બેય એકદમ ભગવાનના માણસ છે. અત્યારથી મારા દીકરા દીકરીને જેટલું ભણવું હોય, ભણાવવાનો ખર્ચો કરવાની તૈયારી દેખાડી છે.”

“તો હવે તારે શું કરવું છે?”

“પગાર ડબલ કરો તો કામ ચાલુ રાખું!”

બધાંના મોઢાંમાંથી એકસાથે નીકળ્યું, “તારી તો કાંઈ દાદાગીરી છે?”

હાલતી પકડતાં પમી બોલી, “અંદરોઅંદર ચર્ચા વિચારણા કરી લો. કાલે આવીશ. મેં અમારું યુનિયન બનાવ્યું છે ને એમાં નક્કી કર્યું છે હવેથી એક બદલાવ આખી સોસાયટીમાં દિવાળી પછી લાગુ પડશે. દર મહિનાના છેલ્લા રવિવારે અમારી રજા રહેશે. અમને પણ વર, ઘર, છૈયાછોકરા છે. અમને પણ સોશિયલ લાઈફ હોય કે નહીં?

ને બીજું દિવાળીમાં એક મહિનાનો બોનસ પગાર આપવાનો. માંદા પડીએ, ગામમાં જવું, કોઈનું ડેથ થયું હોય ને છુટ્ટી લેવી પડે તો પગાર નહીં કાપવાનો. દર વર્ષે દિવાળીએ દસ ટકાનો પગાર વધારો થશે. ઈફ યુ આર ઓકે ધેન આઈ વિલ કન્ટીન્યૂ, નહીંતર આશાભાભીના ઘરે આખા દિવસની રહી જાઈશ. પણ વન થીંગ છે, આ સોસાયટીમાંથી તમને બાઈ મળવી ઈમ્પોસિબલ છે અને બહારના કોઈને હું સોસાયટીમાં જ પગ નહીં મૂકવા દઉં. સો થીંક એન્ડ લેટ મી નો!” કહી એણે હાલતી પકડી.

એના ગયાં પછી ઘરમાં મહાભારત રચાયું. કોણે શું નહતું કરવું જોઈતું એની લાંબીલચક ચકચાર ચાલી. દરેક સભ્ય એકબીજાને કસૂરવાર ઠરાવતાં રહ્યાં. દોષનો ટોપલો એકબીજાંના માથે મૂકતાં સલાહ સૂચનો આપ્યે રાખ્યાં. અંતે દોઢ કલાકે શાંત પડી એક નિરાકરણ પર સહુ સંમત થયાં.

બીજે દિવસે પમી એકદમ બેફિકરાઈથી આવી. સરલાએ એને તરત રસોડામાં લઈ જઈ ચાનાસ્તો સામે રાખ્યાં ને સાડાસાત હજારમાં પતાવટ કરી! આજુબાજુ ઊભેલાં ને ડોકાતા દરેક સભ્યને હાશકારો થયો ને એકબીજાને હાઈ ફાઈવ આપી ખુશી વ્યક્ત કરી.

~ ઊર્મિલા પાલેજા, મુંબઈ
+919833964809

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.