કાંકરી (વાર્તા) ~ માના વ્યાસ, મુંબઈ
ટાટા મેમોરિયલ સેન્ટરના ત્રીજા માળે આવેલા વોર્ડમાં નીરવ શાંતિ હતી. ફક્ત પેશન્ટ અને એની સાથે રહેલા સ્વજનની હૈયાંમાંથી ઉઠતી આશંકા અને ચિંતાની તપ્ત વરાળને ઠંડી પાડવાનો વ્યર્થ પ્રયાસ કરતા એરકંડિશનનો હલકો અવાજ આવી રહ્યો હતો.
ઉર્જિતાએ કાંડા ઘડિયાળમાં જોયું. સવારનાં સાડા પાંચ વાગ્યા હતા. આખી રાત બેચેનીમાં જ વીતી હતી. એણે નજર ઉઠાવી સામે જોયું. મીતેશ પલંગમાં સૂતો હતો. એની અપલક આંખો રુમની સિલિંગને તાકી રહી હતી.
જે નજરમાં પહેલા વારાફરતી મસ્તી, તોફાન પ્રેમની ભરતી આવતી રહેતી ત્યાં આજે સૂનકાર હતો. એની હંમેશની બેપરવા રહેતી આંખો સાવ નિમાણી થઈ સિલિંગનાં સફેદ રંગને તાકી રહી હતી.
ઉર્જિતાને એકસાથે ગુસ્સો, ચિંતા, કાળજી, પરવા, ચીડ જેવી મિશ્ર લાગણીઓ ઘેરી વળી. એ પણ મીતેશની નજર જ્યાં અટકી હતી તે સફેદ બિંદુને એકધારી નજરે જોતી રહી.
‘ઉજી, મામીએ એમનાં સગાના દીકરા માટે ફરી કહેવડાવ્યું છે, એક વાર મળશે?’ મમ્મીએ લાડ કરતા પૂછેલું.
‘મમ્મી તે જ કહ્યું કે ગ્રેજ્યુએટ પણ નથી પછી?
‘હા પણ બિઝનેસ છે, ને વળી સરસ ઘરબાર છે. મળી તો જો. તને સુખ સગવડોમાં જોઈને અમારી આંખો ઠરશે.’
એ પછી મીતેશ તો નવીનક્કોર બાઈક લઇને સીધો કોલેજમાં જ આવી ગયેલો. સાથે બે મિત્રો પણ હતા. જીગો ને પપ્પુ. ઉર્જિતાને થોડી શરમ આવી ગયેલી પણ મીતેશ એટલે ભારોભાર આત્મવિશ્વાસ.
‘તમે મને કેવી રીતે ઓળખી?’
‘આજે સવારે તું કોલેજ માટે નીકળી ત્યારે જીગો તને જોઈ આવેલો.’
ઉર્જિતાએ બાઈક પર મીતેશની પાછળ બેસતા જીગા તરફ જોયું. જીગો અને પપ્પુ પાછળ પાછળ બીજી બાઈક પર આવતા હતા. જીગાએ હાથ હલાવી સ્મિત કર્યું. મીતેશે બાઇક સ્પીડમાં ભગાવી.
‘ધીમે ચલાવો ને, મને ડર લાગે છે.’ ઉર્જિતા ગભરાઈને બોલી. એ માંડ-માંડ સંતુલન રાખી શકતી હતી.
મીતેશે મોં બાજુ પર કરી માવાની પીચકારી મારી અને જોરથી હસ્યો, ‘અરે, હું છું પછી ડરવાનું શું?
ત્યારે પણ ઉર્જિતાએ ભય, રોમાંચ, પેટમાં પતંગિયા, અણગમો જેવી મિશ્ર લાગણીઓ અનુભવેલી.
‘મમ્મી, મીતેશ માવો ખાય છે. ખાઇને રસ્તા પર થૂંકે, કેટલું ખરાબ લાગે. કોઈ સિવિક સેન્સ જ નથી.’
‘એમ? મને મામીએ એ વાત નથી કરી. આજકાલનાં છોકરાઓએ ખરા છે.’ પછી સ્વગત બોલતાં હોય એમ બોલ્યાં, ‘છોકરીને પહેલી વાર મળે ત્યારે તો સંયમ રાખવો જોઈએ. બેટા, અમારાં લગ્ન થયા ત્યારે તારા પપ્પા પણ સિગરેટ ફૂંકતા હતા.’
‘એમ, પપ્પા? પછી કેવી રીતે છોડી?’
‘એ તો આપણાંમાં આવડત હોવી જોઈએ. એ કળા દરેક સ્ત્રી પાસે હોય છે. સ્ત્રીનાં આંસુમાં જે તાકાત છે એ ધસમસતાં પૂરનાં પાણીમાં પણ નથી.’
ઉર્જિતાને હસવું આવી ગયેલું.
ઉર્જિતાથી એક નિસાસો નંખાઈ ગયો. હજી રુમમાં સન્નાટો છવાયેલો હતો. બંનેએ કશું બોલવાનું, કહેવાનું નહોતું. હવે ફક્ત રાહ જોવાની હતી. પ્રતીક્ષા હતી એ જડબા ઝાલીને બેઠેલા ઝેરી કરચલાને મારી હટાવવાની પણ મીતેશ પાસે એવું એ કરવાની જ શક્તિ ક્યાં હતી!
ત્યારે બધાં ખુશ હતાં. મીતેશને ત્યાંથી ખૂબ ખર્ચ કરીને લગ્ન ધામધૂમથી થયાં હતાં. બધાં ઉર્જિતાના નસીબને વખાણી રહ્યાં હતાં.
લગ્નની પહેલી રાત આવી. ઉર્જિતા અનેક અરમાનોને હૈયામાં સંકોરી સોળ શણગાર સજી ગુલાબનાં ફૂલોથી મહેકતી સેજ પર બેઠી હતી. એનાં રણકતા કંકણ આવનારી રોમાંચક પળો માટેની અધીરાઈ છતી કરી રહ્યાં હતાં. એની રેશમી સાડીનો સળવળાટ ભીતરનાં સ્પંદનોનાં સળવળાટ કરતા ક્યાંય ઓછાં હતાં.
મીતેશ અંદર આવ્યો. એણે નજાકતથી ઉર્જિતાનું લજ્જા ભર્યું મુખ ઊંચું કર્યું. ઉર્જિતાનાં અધર પ્રણયના પહેલા જામનો ઘૂંટ ભરવા અધીરા બની ગયા. ઉત્કટ પ્રેમમાં સર્વસ્વ ઓગાળવાની શરુઆત કરતાં ગરમ શ્વાસોનો ટકરાવ થઈ રહ્યો હતો.
અને એ પળ આવી. કદાચ પૃથ્વી ઘૂમતી અટકી જાય કે આકાશ નીચે પડે તો પણ આ ક્ષણ ગુમાવાય નહીં એમ આ નવયુગલ સૃષ્ટિએ આપેલાં વરદાન સમા મધુર રસનું પાન કરવામાં લીન થઈ ગયું.
અચાનક ઉર્જિતાનાં મોઢાંમાં કાંકરી આવી. કાંકરી તૂરા સ્વાદવાળી હતી પરંતુ ઉર્જિતાનું મન ખાટું થઈ ગયું. શાંત નિર્મળ સરોવરમાં કોઈ કંકર ફેંકે અને વમળ સર્જાય એમ એનાં ચિત્તમાં ખલેલ પહોંચી. માવાની તંબાકુંવાળી સોપારી?
એ તરત અળગી થઈ ગઈ. એણે મોંમાંથી કાંકરી કાઢી અને આંગળી પર ટેકવી. મીતેશ સ્હેજ છોભીલો પડી ગયો એણે હળવેકથી સોરી કહ્યું ને નવોઢાને ફરી ભીંસી દીધી.
મીતેશ શરુઆતમાં ધ્યાન રાખતો કે એની અને ઉર્જિતાનાં પ્રેમ સરોવરમાં કાંકરી વમળ ન સર્જે પરંતુ ઘણીવાર એનો પ્રેમ, સામે ઉભેલી સૌંદર્યમૂર્તિ પર પોતાનો અધિકાર છે એ સમજી સ્થળકાળને ભૂલી જતો અને માવઠાની જેમ વરસી પડતો ત્યારે ફરી પાછી કાંકરી વચ્ચે આવી જતી.
પતિ મીતેશમાં રહેલો એ ઉત્સાહી પ્રેમી મ્લાન હસી ફરીથી માવાનું વ્યસન છોડવાનો નિશ્ચય કરી બેસતો. એટલે જ્યારે ઉર્જિતાએ ડાયગ્નોસ્ટિક લેબમાં નોકરી કરવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે એને ખુશ રાખવા ઘરના વડીલો વિરુદ્ધ મીતેશે એ તરત સ્વીકારી લીધી.
હવે ઉર્જિતા માવાને લઇને રિસાઈ શકતી. વડીલોને ફરિયાદ કરી શકતી કે મૂડ ખરાબ કરી શકતી. બધું થોડો સમય એને ગમે એ રીતે થતું પછી પૂર્વવત મીતેશની પેન્ટનાં ખીસ્સામાંથી, વોર્ડરોબમાં ખૂણે કપડાંની થપ્પી નીચેથી કે કારનાં ગ્લવબોક્સમાંથી માવાની ચીમળાયેલી પોટલી મળી આવતી.
ઘણીવાર ઉર્જિતા સાથે હોય ત્યારે ગલોફાંનાં છેક છેડે દબવેલો માવો એનો રસ છોડે ત્યારે થૂંક ગળી જવાનું પરાક્રમ પણ થઈ જતું.
ઉર્જિતાના રોષનું પલડું ભારે થઈ છેક નમી જાય ત્યારે તેને સાડી, ઘરેણાં ફોરેન ટ્રીપથી સમતોલ કરવા મીતેશ તનતોડ પ્રયત્ન કરતો રહેતો. ધંધામાં લાખોનાં સોદા કરનારનો મીતેશ એક નાની માવાની પોટલી આગળ બધું કૌવત હારી જતો.
રાધિકાના જન્મ પછી ઉર્જિતા વધુ મનસ્વી થતી ગઈ. માવાની વિરુદ્ધ એણે છેડેલા જંગમાં જીગા, પપ્પુની દોસ્તી હોમાઈ ગઈ. વડીલોથી જુદા થઈ મીતેશને કુટુંબથી અલગ કરી દીધો. રીહેબ, નિકોટીન પેચ અને કાઉન્સિલીંગની વચ્ચે મીતેશે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો.
ઘણીવાર ઉર્જિતા લેબોરેટરીમાં નવા આવેલા પારસી છોકરાને જોઈ રહેતી. સ્ટ્રોબેરીની ફાડ જેવાં એનાં હોઠ અને એણે હાથમાં પકડેલ ફીનોલ્ફથેલીન ધરાવતું ગુલાબી દ્રાવણ, એકબીજા સાથે સંગત કરતાં હોય એમ લાગતું. એ જોઈ ઉર્જિતાનાં હોઠ પર તરસ આવી બેસી જતી. ગળે શોષ પડવા લાગતો.
ઘરે પહોંચી તે મીતેશ સાથે વધુ ક્રૂર બની જતી. એના આસક્તિ ભરેલાં પ્રેમને ઠુકરાવી દેતી, અને ફરી પાછી મીતેશની પ્રતિજ્ઞા તૂટી જતી. મીતેશ એક સારો પતિ, દીકરો અને જમાઇ તો હતો જ હવે સારો પિતા બનવા પણ મથી રહ્યો હતો.
‘મીતેશ, પ્લીઝ માવો ખાઇને રાધિકાને પપ્પી ન કરતો. મેં તો ચલાવી લીધું હવે એને માટે સારું નથી. ઉર્જિતાના અવાજમાં ધાર નીકળી જતી.
કોઈ હણહણતા પૂરપાટ દોડતા ઘોડાને અચાનક લગામ તાણી રોકી દે એવી સ્થિતિ મીતેશની થઈ જતી. એની આંખોમાં ડોકાઈ જતો અપરાધભાવ નાનકડી રાધિકા પણ પામી જતી.
કોઈ પહાડ તોડવાનું કહે કે કોઈ સમુદ્ર ઉલેચી નાંખવાનું કહે તો મીતેશ કદાચ કરી શકે પરંતુ એક નાની પડીકી આગળ ઘૂંટણિયે પડી જતો.
આખરે જેનો ડર ઉર્જિતાનાં મનમાં દિવસ રાત હતો એ સામે આવી ગયો. મીતેશનું મોં બરાબર ખૂલતું નહોતું. હસતી વખતે હોઠ વંકાઈ જવા માંડ્યાં. મીતેશને સેકન્ડ સ્ટેજ મોંનું કેન્સર નિદાન થયું.
‘આ મારી હાર છે મમ્મી. રડતાં રડતાં ઉર્જિતાએ એની મમ્મીને કહ્યું હતું. હું કંઈ સાચવી ન શકી. ન દોસ્તો, ન પરિવાર, ન મીતેશનો પ્રેમ. બધાં મોરચે નિષ્ફળ ગઈ છું. જે કદાચ સ્નેહ અને જતનથી થઈ શકતે તેને મેં યુદ્ધ સમજી લડ્યા કર્યું.
ઉર્જિતાએ ફરી કાંડા ઘડિયાળ સામે જોયું. છ વાગવાની તૈયારીમાં હતા. બરાબર સાત વાગ્યે ઓપરેશન છે. વોર્ડબોય આવતો જ હશે.
ઉર્જિતા ઉભી થઇ. મીતેશની પાસે બેસી એકીટશે એને જોયા કર્યું. કદાચ આંખનું અમી મીતેશને દર્દમાં રાહત આપે. મીતેશની આંખોનાં ખૂણેથી વહી ગરમ આંસુની ધાર તકિયાને ભીંજવી ગઈ.
ઉર્જિતાએ વ્હાલથી મીતેશના ઘટ્ટ વાળમાં હાથ ફેરવ્યો અને એની નજર મીતેશના હોઠ પર સ્થિર થઈ. કદાચ હવે આ હોઠ… એ આગળ વિચારી ન શકી. એણે ઝુકીને પોતાનાં હોઠ ત્યાં ચાંપી દીધા.
દરવાજે ટકોરા પડ્યા.
~ માના વ્યાસ, મુંબઈ