પાંંચ ગઝલ ~ લાખણ’શી આગઠ, પોરબંદર

(લાખણ’શી આગઠ પોરબંદરના વતની છે અને પોરબંદરમાં જ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે અર્થાત્ દિવ્યાંગ બાળકોના સવિશેષ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કાવ્યજગતમાં તેમણે લાંબી હરફાળ નથી ભરી, પરંતુ જેટલાં ડગ ભર્યાં છે, તે મક્કમપણે ભર્યાં છે. તેમની કવિતામાં રહેલી સરળતા ભાવકને ગમી જાય તેવી હોય છે. આજે તેમના દ્વારા લખાયેલી પાંચ કવિતા માણીએ. ~ અનિલ ચાવડા)

ગઝલ-1

રોજ સપનામાં તમે વાતો કરો, હરખાઉં  છું,
પણ અચાનક સામે આવી જાવ તો શરમાઉં છું.

પ્રેમની જાદુગરીની આ અવસ્થા જોઈ લો,
કેશ એ ખુલ્લા કરે ‘ને હું અહીં ગૂંથાઉં છું.

મૌનના ભાષાંતરો કરતાં તને જો આવડે,
ધ્યાનથી સાંભળ મને, ચારે તરફ પડઘાઉં છું.

આમ કહેવા જાઉં છું તો કોઈ સાંભળતું નથી,
કાવ્ય રૂપે એટલે મારી કહાણી ગાઉં છું.

કોઈ તો આવીને મારાથી બચાવી લો મને,
માછલીની આંખ સામે છે ‘ને હું વિંધાઉં છું.

ગઝલ-2

ચોતરફ એની મહેક ફેલાય છે
ફૂલ જેવાં એ મને દેખાય છે

પ્રેમમાં બસ એટલું સમજાય છે
એક વત્તા એક, એક જ થાય છે

દીકરો જ્યારે સવાયો થાય છે
બાપનું તપ ત્યારે પૂરું થાય છે

હું મિલનની કલ્પના જ્યારે કરું
એય ત્યારે કેટલાં શરમાય છે!

હો ભલે નિષ્ફળ છતાં પહેલો પ્રણય
જિંદગીભર દિલ મહીં પડઘાય છે

કાંઈ કહેવાની જરૂરત છે જ નહીં
મૌન પણ તારું મને સંભળાય છે.

હા, સમય સાથે બધુંયે શક્ય છે
વિશ્વ આખું છાબડીમાં માય છે

ગઝલ-3

શબ્દને પણ આજ શરમાવી શકે, કહેવાય નહીં
મૌન એનું શેર સંભળાવી શકે, કહેવાય નહીં

કલ્પના ક્યારેક તો ફાવી શકે, કહેવાય નહીં,
આજ એ સાચૂકલી આવી શકે, કહેવાય નહીં

ક્યાંક એ આવી ચડે સીધી ને સાદી વાત પર
છે ગઝલ, ક્યારેક હંફાવી શકે, કહેવાય નહીં

પ્રેમ એનો ક્યારનો હાંફી ગયો છે એટલે
પ્રેમપત્રોને ય સળગાવી શકે કહેવાય નહીં

રાહ એની જોઈને થાકી ગયો એ આશ પર
મોહ છોડી પ્રેમ અજમાવી શકે, કહેવાય નહીં..

ગઝલ-4

મળી છે મને કેવી દમદાર આંખો
ઉઠાવીને બેઠી બધો ભાર આંખો

કિનારાથી આગળ વધીને જો પૂછો
બધી વાત કરશે વિગતવાર આંખો

સરે સ્હેજ પાલવ તો નીચી નમીને
હયા આચરે છે સમજદાર આંખો

ગુલાબી નથી હોઠ ‘ને ગાલ જેવી
છતાં દેહનો છે અલંકાર આંખો

ભલે આપ વાંચી શક્યા ના પરંતુ
આ રોઈ રહી’તી લગાતાર આંખો

ગઝલ-5

કૃપા એવી કરો કે કાયમી એવી સફર આવે
ઘરેથી નીકળું ને એમનું રસ્તામાં ઘર આવે

ભલે હમણાં વસંતોમાં બધું રળિયામણું લાગે
સબર દેજો મને ત્યારે કે જ્યારે પાનખર આવે

કે જેવા હોઈએ એવી જ લાગે આપણી દુનિયા
અમી હો આંખમાં તો દ્રશ્ય સૌ ઊર્મિસભર આવે

તમે આવો નહીં તો આ ગઝલ મક્તા વિના રહેશે
ભલે ‘લાખણ’ને સાંભળવા અહીં આખું નગર આવે

 – લાખણ’શી આગઠ, પોરબંદર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.