ચાર કાવ્ય ~ કમલેશ વ્યાસ ‘સૂરજ’, વડોદરા
કમલેશ વ્યાસ મૂળ ગોંડલના વતની, પણ હાલમાં વ્યવસાયાર્થે વડોદરામાં રહે છે. 'સૂરજ' તખલ્લુસથી ગઝલો અને ગીતો લખતા આ કવિ અભ્યાસે કેમિકલ એન્જિનિયર થયેલા છે, પરંતુ શાસ્ત્રીય ગાયકીમાં સંગીત વિશારદ પણ છે. વ્યવસાયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વડોદરા ખાતે કાર્યરત છે. વડોદરાની જાણીતી સંસ્થા જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. રંગોળીમાં તેમણે વર્લ્ડ રેકોર્ડ કરેલો છે અને ચાર વખત રાજ્ય લેવલના એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. બહુવિધ પ્રતિભા ધરાવતા કવિ કમલેશ વ્યાસ 'સૂરજ'ની ચાર રચનાઓ માણીએ. ~ અનિલ ચાવડા
1. ગીત
એક તો સાહેબ મારું ટેબલ છે નાનું
ને ટેબલ પર ફાઈલોના ઢગલા,
ચકલીની ચીં ચીં ને કાગડાની કાં કાં
ને ગણ્યા ગણાય નહી બગલા.
હજુ હમણાં તો આવ્યા ને ચા, કાચી પાંત્રીસના
માવાને ન્યાય જરા દીધો,
ત્યાં તો પટાવાળા પવલાએ આંખ ચોળી
જમવાનો સાદ પાડી દીધો.
ઉપરથી ફાસ્ટ ફાસ્ટ દોડતો સમય,
ફાઈલ ચાલી’તી માંડ બે’ક ડગલાં,
એક તો સાહેબ મારું ટેબલ છે નાનું
ને ટેબલ પર ફાઈલો ના ઢગલાં.
આળસુની પીર ઓલી ફાઉન્ટન પેનમાંથી
ટપકે છે બપ્પોરિયું ઘેન,
ઊંટ નીચે ઉભેલા કેટલાં શિયાળવાં
લેવા ના દે થોડું ચેન.
ઉપરથી જમવામાં જગલા સાહેબોના
અમ જેવાં કુટવામાં ભગલા,
એક તો સાહેબ મારું ટેબલ છે નાનું
ને ટેબલ પર ફાઈલોના ઢગલા.
આ તો ઓફિસ છે, ને મેરેથોન દોડ છે,
ને કાપવાનો લાંબો છે પલ્લો,
ફાઈલ કયાંથી ઝટપટથી દોડી શકે,
મેજ નીચે છે સાવ સુનો ગલ્લો.
ઉપરથી ધસમસતા દોડતા સૌ આવે છે,
સાહેબો ને નેતાના સગલાં,
એક તો સાહેબ મારું ટેબલ છે નાનું
ને ટેબલ પર ફાઈલોના ઢગલાં.
2. ગઝલ
બધું જે બંધ બેસે એ બધું કંઈ ઓઢવાનું નહિ,
મળે જ્યાં ઢાળ ત્યાં આંખો મીંચી ને દોડવાનું નહિ.
તમારા દુઃખ બીજા માટે નિરર્થક વારતા છે બસ,
બધા સામે બધે વખતે હૃદયને ખોલવાનું નહિ.
જગતની વાત પહેલા તર્કના તો ત્રાજવે તોલો,
ગમે તે મોરલીની ધૂન ઉપર કંઈ ડોલવાનું નહિ.
હવે જળ, જળ નહિ, અમૃત ગણીને સાચવી લેજો,
ભલે દેવોથી ઢોળાયું, તમારે ઢોળવાનું નહિ.
મરણની બાદ સૌ લોકો મને બિરદાવશે ચોક્કસ,
અહીં રિવાજ છે સદગતનું ભૂંડું બોલવાનું નહિ.
જીવન જીવવું કલા છે, એ ‘સૂરજ’પાસે શીખી લેજો,
બીજા માટે સળગવાનું , કદીએ થોભવાનું નહીં.
3. ગઝલ
હવે ગમતું ગગન પણ ક્યાં મળે છે ઊડવા માટે,
સમંદર પણ હવે છીછરા મળે છે ડૂબવા માટે.
તમારું સ્તર જરા ઊંચું કરો તો હું વિચારું ને,
મને પણ ગર્વ થાવો જોઈએ ને ઝૂકવા માટે.
બને તો તોડવા મથજો, નકામી રાહ ના જોશો,
નથી બનતું અહીં એકેય પિંજર, ખૂલવા માટે.
બધાને આજ પોતીકી પીડાઓ વ્યસ્ત રાખે છે,
મળે છે ક્યાં ખભો-ખોળો આ માથું મૂકવાં માટે.
મજા તો ખૂબ આવી પણ પછી છેલ્લે ખબર થઈ કે,
મળે છે દાદ મહેફિલમાં કવિને ઊઠવા માટે.
થવા ને ફૂલ આતુર છે છતાં આ બાગની કળીઓ,
જુએ છે રાહ ‘સૂરજ’ના કિરણને ચૂમવા માટે.
તમે ‘કો એટલે એ ક્યાંય પણ આવે નહિ, સમજો,
દિશા તો પૂર્વ જોઈશે ‘સૂરજ’ને ઊગવા માટે.
4. ગઝલ
અંગદનો પગ લઈ ઇચ્છાની રાજસભામાં બેઠો છું,
ઇચ્છાની ઝોળીનો પહેરી તાજસભામાં બેઠો છું.
મારી અવગણના મારા અપમાન તરીકે ના જોશો,
કોઇ નથી ઓળખતું, હું હમણાં જ સભામાં બેઠો છું.
આખું જીવન વાતેવાતે હું જેને અવગણતો તો,
અંત સમય પર એ દિલની નારાજસભામાં બેઠો છું.
હું પણ જાણું છું કે એ મહેફિલમાં આવી ચૂક્યાં છે,
એ પણ જાણે છે કે હું અહીંયાં જ સભામાં બેઠો છું.
શાયદ મારી એક ગઝલ પર દાદ મળે બસ એની જો,
નાનકડી બસ એ ઇચ્છાને કાજ સભામાં બેઠો છું.
‘સૂરજ’ છું, અંધારું મારી પાસ ફરકવા ના દઉં પણ,
આ તો તારલિયાની રાખી લાજ, સભામાં બેઠો છું.
~ કમલેશ વ્યાસ ‘સૂરજ’, વડોદરા
કમલેશ વ્યાસ મૂળ ગોંડલના વતની, પણ હાલમાં વ્યવસાયાર્થે વડોદરામાં રહે છે. 'સૂરજ' તખલ્લુસથી ગઝલો અને ગીતો લખતા આ કવિ અભ્યાસે કેમિકલ એન્જિનિયર થયેલા છે, પરંતુ શાસ્ત્રીય ગાયકીમાં સંગીત વિશારદ પણ છે. વ્યવસાયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વડોદરા ખાતે કાર્યરત છે.
વડોદરાની જાણીતી સંસ્થા જયંતોર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. રંગોળીમાં તેમણે વર્લ્ડ રેકોર્ડ કરેલો છે અને ચાર વખત રાજ્ય લેવલના એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. બહુવિધ પ્રતિભા ધરાવતા કવિ કમલેશ વ્યાસ 'સૂરજ'ની ચાર રચનાઓ માણીએ. ~ અનિલ ચાવડા
Vaaaah 🌹🌹🌹