પ્રેસ નોટ ~ ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ત્રિદિવસીય `મુંબઈ સાહિત્યોત્સવ’ ભવન્સ – અંધેરીમાં

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર પુસ્તક પ્રકાશન અને વૈવિધ્યસભર કાર્યક્રમોના આયોજન દ્વારા સાહિત્યના સંવર્ધનનું પરિણામલક્ષી કાર્ય કરે છે.

https://gujaratsahityaacademy.com/home

તાજેતરમાં જ માતૃભાષા મહોત્સવ અંતર્ગત માત્ર એક અઠવાડિયામાં ૫૭૫ (પાંચસો પંચોતેર)થી વધુ કાર્યક્રમોનું આયોજન વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાત ઉપરાંત ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા મુંબઈમાં પણ અકાદમી સમયાંતરે કાર્યક્રમો યોજે છે. ગયા વર્ષે જેનો શુભારંભ થયો તે `મુંબઈ સાહિત્યોત્સવ’ આ વર્ષે પણ યોજાશે. ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૬-૭-૮ માર્ચે એસ.પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (વેસ્ટ), મુંબઈ ખાતે આયોજિત ત્રિદિવસીય સાહિત્યોત્સવના કુલ છ સત્રમાં ૩૫થી વધુ સર્જક, વક્તા અને કલાકાર સહભાગી થશે.

શુક્રવાર, ૬ માર્ચે સાંજે ૬.૩૦ વાગ્યે ઉદ્ઘાટન સત્રમાં નાવીન્યસભર પ્રયોગો દ્વારા અકાદમીની પ્રવૃત્તિને એક નવી ઊંચાઈ આપનાર અકાદમીના અધ્યક્ષ કવિ-લેખક ડૉ. ભાગ્યેશ જ્હા સર્જનાત્મક સાહિત્ય વિશે વક્તવ્ય આપશે.

અકાદમીની કાર્યપ્રણાલીને સુદૃઢ કરી આયોજનને સક્ષમ બનાવનાર મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ પ્રાસંગિક  ઉદબોધનમાં વિવિધ પ્રવૃત્તિનું આકલન કરાવશે.

ત્યાર બાદ કવિ સંમેલન `કવિતાનો કેકારવ’ યોજાશે, જેમાં મુકેશ જોશીના સંચાલનમાં જવાહર બક્ષી, હેમેન શાહ, ગૌરાંગ ઠાકર, ઈન્તેખાબ અનસારી અને ઉત્સવ સંયોજક હિતેન આનંદપરા કાવ્યપઠન કરશે.

શનિવાર, ૭ માર્ચે. બપોરે ૩.૦૦ થી ૪.૦૦ દરમયાન બીજા સત્રમાં સ્નેહલ મુઝુમદારની પરિકલ્પના અને સ્વરાંકનમાં, દીપક મહેતાના માર્ગદર્શનમાં `ગીર્વાણગિરાગરિમા’ શીર્ષક હેઠળ કવિ કાલિદાસ રચિત `શાંકુતલ’ના અંશોની સંસ્કૃત, ગુજરાતી અને ઉર્દૂમાં તથા સંસ્કૃત ગઝલની સાંગીતિક પ્રસ્તુતિ રેખા ત્રિવેદી, શ્રદ્ધા શ્રીધરાણી અને સોમૈયા વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે.

ત્રીજા સત્રમાં સાંજે ૪.૦૦ થી ૫.૦૦ દરમ્યાન આયોજિત `પરિસંવાદ’માં `સાહિત્ય કઈ દિશામાં’ વિશે ડૉ. દર્શના ઓઝા, `એઆઈ અને સાહિત્ય’ વિશે ડૉ. ખેવના દેસાઈ અને `કવિતાની ગતિવિધિ’ વિશે ડૉ. અભય દોશી વક્તવ્ય આપશે.

Lecture podium Images - Free Download on Freepik

ચોથા સત્રમાં સાંજે ૫.૦૦ થી ૬.૦૦ દરમ્યાન `કથાકથન‘ શીર્ષક હેઠળ સંજય પંડ્યાના સંચાલનનાં ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત વાર્તાનાં પુસ્તકોમાંથી ચૂંટેલી વાર્તાઓનું વાચિકમ્ પ્રતાપ સચદેવ, મેહુલ બુચ અને સેજલ પોન્દા દ્વારા કરવામાં આવશે.

Visual Storytelling Techniques That Engage Audiences

પાંચમા સત્રમાં સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન `સૂર-બહાર’ શીર્ષક હેઠળ કાવ્યસંગીતની મહેફિલ યોજાશે, જેમાં વૈશાલી ત્રિવેદીના સંચાલનમાં ઓછા જાણીતાં સ્વરાંકનોની પ્રસ્તુતિ રેખા ત્રિવેદી, શ્રદ્ધા શ્રીધરાણી, જ્હોની શાહ અને રાઘવ દવે દ્વારા કરવામાં આવશે. પ્રતીક શાહ, હેમાંગ મહેતા અને વશિષ્ઠ દવે વાદ્યસંગત કરશે.

રવિવાર, ૮ માર્ચે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન સમાપન સત્રમાં વિશ્વ નારી દિન નિમિત્તે `સ્ત્રી એટલે…’ શીર્ષક હેઠળ એકોક્તિ મંચન થશે. પ્રીતેશ સોઢા પ્રસ્તુત, મેઘા અંતાણી સંચાલિત આ પ્રયોગમાં ભાગ્યેશ જ્હા, રિદ્ધિ દેસાઈ, જ્હોની શાહ અને ડૉ. ખેવના દેસાઈ લિખિત એકોક્તિની ભજવણી રીંકુ પટેલ, ડૉ. મંજરી મુઝુમદાર, અર્ચના શાહ અને મીનળ પટેલ દ્વારા કરવામાં આવશે.

ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત અકાદમી આયોજિત આ ઉત્સવમાં સૌને જાહેર નિમંત્રણ છે.

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.