ત્રણ ગઝલ ~ રેખા જોષી, અમદાવાદ
(કવિયત્રી રેખા જોષી એક ગૃહિણી છે. અમદાવાદમાં રહે છે. ‘સારથિ હું’ નામનો તેમનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે. અન્ય સર્જકો સાથે મળીને સહિયારા સર્જનમાં પણ તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે.
ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકો શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ, પરબ વગેરેમાં તેમની રચનાઓને સ્થાન મળ્યું છે. આજે તેમની ત્રણ ગઝલો માણીએ. ~ અનિલ ચાવડા)

1.
નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથિ હું.
દશા પણ દિશા પણ બધી હાથમાં છે,
નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.
ખભો કોઈનો આજ સુધી નથી હું,
છતાં ક્યાં છું નારાજ સંસારથી હું?
ગમ્યું છે બધું ને ગમાડ્યાં છે સૌને,
બની ગઈ બધાની, કહું ત્યારથી હું.
તરસ પણ નથી ઝાંઝવાની હવે તો,
સભર છું અને મુક્ત સૌ ભારથી હું.
2.
સમયને હું સમય આપી અદબ મારી જ રાખું છું,
કરું ઈસ્ત્રી કરચલીને ને અફલાતૂન લાગું છું.
સમય તો શક્યતાનું દ્વાર છે એ સાવ સાચું છે,
નિરંતર એટલે શ્રદ્ધાના સરવાળા જ માંડું છું.
ખરેખર એટલે ઉંબરથી ફફડાવી છે મેં પાંખો,
અધૂરાં સ્વપ્નને ઉડવા અફાટ આકાશ માગું છું.
પળેપળનાં અનુભવથી બની ગઈ છું નિજાનંદી,
ખુશીનો છું ખજાનો હું જ ચાવી હું જ તાળું છું.
ગમે ત્યાં જાવ પથ્થરમાં મને પોલાણ લાગે છે,
વિના ઈ શ્વર, ન તો માગું ન તો હું પાય લાગું છું.
3.
એમ સઘળી હારમાંથી નીકળી ગઈ,
વેદનાઓ વારમાંથી નીકળી ગઈ.
આજ પર્યંત એ ઝઝૂમી લાગણીમાં,
ને પછી આભારમાંથી નીકળી ગઈ.
થઈ હતી પગભર હવે સંવેદનામાં,
બસ પછી આધારમાંથી નીકળી ગઈ!
હાથમાં તો જીતવાની તક હતી પણ,
એ રમત પડકારમાંથી નીકળી ગઈ.
દઈ જુઓ મળશે બધું આ જિંદગીમાં,
ખોખલા એ સારમાંથી નીકળી ગઈ!
ક્યાં હતાં સપના વધુ આકાશમાં?
ઊડવાને દ્વારમાંથી નીકળી ગઈ!
મનભરી અજવાસ, ઉમળકો ભરીને,
ભીતરી અંધારમાંથી નીકળી ગઈ.
~ રેખા જોષી, અમદાવાદ
rrjoshi27@gmail.com