માતૃભાષાદિન અને માતૃભાષા દીન ~ અનિલ ચાવડા

માતૃભાષા વિશે વાત કરવાની હોય એટલે કોઈ પણ વ્યાખ્યાતાના મુખ પર ઉમાશંકર જોશીની પંક્તિઓ રમવા માંડે,
“સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી”
આપણને આવી સૌમ્ય, અને વૈભવથી ઊભરાતી ભાષા વારસામાં મળી છે, તેનું આપણને ગૌરવ હોવું જોઈએ, પણ આ માતૃભાષાદિન અંગ્રેજી જેવી અન્ય ભાષાઓને ભાંડવાનો દિવસ ન બની જાય તે પણ જોવું જોઈએ. નહીંતર તો આ દિવસ ‘માતૃભાષાદિન’ થવાને બદલે ‘માતૃભાષા દીન’ થઈ જશે. બીજાને ગાળો આપીને આપણે કઈ રીતે સારા થઈ શકીએ? આપણે ત્યાં એવી માન્યતા છે, કે ભાષાનું ગૌરવ કરવું હોય તો અન્ય ભાષાની ટીકા કરવી જોઈએ, જેથી આપણી ભાષા વધારે સારી લાગે. પાડોશીના છોકરાની માને ગાળો આપીને પોતાની માતાને શ્રેષ્ઠ કેવી રીતે બતાવી શકાય?
આપણે ગર્વથી કહીએ છીએ કે ‘સાઢુભાઈ’નું અંગ્રેજી કરી આપો સાહેબ, જીભનો ગોટો વળી જશે પણ અંગ્રેજી નહીં થાય, અંગ્રેજી પાસે તો માત્ર થોડાક જ મૂળાક્ષરો છે, માત્ર છવ્વીસ, અને આપણી પાસે બાવન બાવન અક્ષરો છે મારા સાહેબો. આવું આવું કહીને આપણે પોતાની ભાષાનું ગૌરવ લઈએ છીએ. પણ આટલું કહ્યા પછી પણ બાવન મૂળાક્ષરો ધરાવતી આપણી ભાષા ક્યાં છે અને છવ્વીસ મૂળાક્ષરો ધરાવતી અંગ્રેજી ક્યાં છે? બધું આંખ સામે છે. પણ આપણાથી સત્ય સ્વીકારાતું નથી. અંગ્રેજી વિશ્વવ્યાપ્ત છે, તો છે, એ વાત આપણે સ્વીકારી લેવી જોઈએ. ગુજરાતી ઘણી જગાએ વામણી ભાષા સાબિત થઈ રહી છે તે પણ સ્વીકારી લેવું જોઈએ. સ્વીકાર નહીં કરો તો સન્માન ક્યાંથી થશે. આ તો લીલા ચશ્માં પહેરીને જગતને લીલું બતાવવાની વાત છે. આપણે આપણી મર્યાદા સ્વીકારવીને વિશેષતા ઊભી કરવી પડશે. આપણો વ્યાપ ઓછો છે, એના લીધે કંઈ આપણી ભાષા ઓછી મહત્ત્વની કે ખરાબ નથી થઈ જતી.
વર્ષો પહેલાં વ્યાપાર, રાજકાજ વગેરે ક્ષેત્રે અંગ્રેજોનું રાજ ખૂબ બહોળું હતું, તેથી તે ભાષા વિશાળ પટ પર છવાઈ, તેની જરૂર પણ બહોળી થઈ. આ તો પેલી કહેવત જેવું છે, જેની લાઠી તેની ભેંસ. એ વખતે અંગ્રેજી પાસે લાઠી હતી, ભેંસ તેની થઈ. પણ તેના લીધે આપણી ગાય નબળી નથી પડી જતી. ભાષાનું ગૌરવ સંસ્કાર, પરિવેશ અને વ્યવહારુતાથી થાય છે.
એવું કહેવાય છે કે માતૃભાષા એટલે મા દ્વારા મળેલી ભાષા. પણ હજી આ વાતને પણ થોડી વધારે સૂક્ષ્મતાથી જોવાની જરૂર છે. અહીં ‘મા’ પાસેથી મળેલી ભાષા એમ નહીં, મા જે ભાષા બોલતી હતી, તે ભાષા, એમ પણ નહીં. અહીં પરિવેશ, વાતાવરણ, સંસ્કાર અને સંસ્કૃતિની વાત છે. હું એક વ્યક્તિને ઓળખું છું, જે જન્મ્યા મધ્યપ્રદેશમાં, તેમની માતાની ભાષા મગધી હતી, પિતાની ભાષા ભીલી હતી, અને તેઓ પોતાની માતૃભાષા ગુજરાતી ગણાવે છે. તો આમાં મા દ્વારા મળેલી ભાષા – માતૃભાષા વાળી વાત તો આવી જ નહીં. તેમણે પોતાની માતૃભાષાને ગુજરાતી ગણાવી છે, અને તેઓ ફર્રાટેદાર ગુજરાતી બોલે છે. તે એટલા માટે કે તેઓ ગુજરાતી વાતાવરણમાં ઊછર્યા છે, જ્યારે તેમની જીભ શબ્દો સાથે સંબંધ બાંધી રહી હતી, જ્યારે તેમનું મન ભાષાની ભોંય પર પાપા પગલી પાડી રહ્યું હતું, ત્યારે તેમની ગળથૂથિમાં જે સ્વરો સિંચાયા, જે શબ્દો રેડાયા તે ગુજરાતી હતા, તેથી તેમની માતૃભાષા ગુજરાતી થઈ.
આજના સમયે માતૃભાષા વિશેની સ્થિતિ થોડી વિચિત્ર છે. આપણે ઘરમાં આપણી ભાષા બોલીએ છીએ, પણ જેવા બહાર નીકળીએ કે તરત હિન્દી કે અંગ્રેજીની ખીંટી પર પોતાના શબ્દો ટાંગવા માંડીએ છીએ. હૉટલમાં જઈએ તો તરત, “ભૈયા મેરા ઓર્ડર લિખ લો” એમ હિન્દીમાં વાત શરૂ કરી દઈએ છીએ. વેઇટર પણ ગુજરાતી હોય, છતાં હિન્દીમાં જ જવાબો આપે છે. વળી અમુક અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં પણ બાળકને એવું ભારપૂર્વક કહેવામાં આવે છે કે કેમ્પ્સમાં તેમણે માત્ર ને માત્ર અંગ્રેજીમાં જ વાત કરવાની, જો કોઈ પોતાની માતૃભાષામાં વાત કરે તો તેને સજા કરવામાં આવે છે. આનાથી બાળમાનસ પર એવી અસર થાય છે કે હું જે બાષા બોલું છે તે નિમ્નતર છે, નીચી અને હલકી ભાષા છે. આના લીધે ભાષા પ્રત્યેનો તેનો આત્મવિશ્વાસ ભાંગી પડે છે. ભાષાની વાત તો પછી, આ ઊભી કરેલી માન્યતાની ભીંત ક્યારે ભંગાશે?
આજે પણ ગામડાંઓમાં તો સરસ અને ફર્રાટેદાર ગુજરાતી ભાષા બોલાય જ છે, ત્યાં કોઈ ભાષા બચાવોના ઝંડા લઈને નથી નીકળતું, આ બીમારી શહેરોની છે. કારણ કે અંગ્રેજી મીડિયમ હાવી થઈ ગયાં, લોકો પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણતર અપાવવાના આગ્રહી બન્યા, એટલા માટે જ તો ગુજરાતી મીડિયમની સારી સારી શાળાઓ બંધ થવા લાગી છે. આનુંય કારણ છે. આપણે ભાષાનું વ્યવસાયીકરણ નથી કરી શક્યા. જ્યાં કશું મળતું નથી, તેને કોઈ પણ માણસ બહુ ઝડપથી છોડી દે છે. આપણી ભાષા કોર્ટની ભાષા બને, હોસ્પિટલોની, ડૉક્ટરોની ભાષા બને, વકીલોની ભાષા બને, એન્જિનિયર્સની, મશીનોની ભાષા ત્યારે તેમને વાંધો ન પડે. લોકોને એમ લાગે કે અંગ્રેજી શીખીએ તો જ ઉજ્જવળ કારકિર્દી થાય, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર થવું તો માત્ર અંગ્રેજી દ્વારા જ થવાય. આવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આપણી ભાષામાં ઉત્તમ ગ્રંથો જ ઉપલબ્ધ નથી, સારા અનુવાદો, રૂપાંતરો જ નથી. ટેક્ષ્ટબુક જો ભાષામાં ઉપલબ્ધ ન હોય તો વિદ્યાર્થીઓ માતૃભાષામાં ભણે ક્યાંથી. તેમને અંગ્રેજીના શરણે જવું જ પડે. પહેલા તો જગતનું ઉત્તમ જ્ઞાન માતૃભાષામાં ઉતારવું પડે. કેમ કે અભાવ જ અન્ય ભાષા પ્રત્યે ખેંચે છે. આપણે માનીએ છીએ કે અંગ્રેજી શીખશે તો છોકરાને આગળ જતા તકલીફ નહીં પડે. સરકારે, સંસ્થાઓએ આગળ જતા જે તકલીફો પડવાની છે, તેનું નિરાકરણ લાવે તો આપોઆપ માતૃભાષાનું મૂલ્ય ઉજાગર થાય.
ભાષા એ સંસ્કૃતિની વાહક છે અને સંસ્કૃતિ સ્મૃતિની. હડપ્પન સંસ્કૃતિમાં મળેલ અવશેષને આધારે આપણને ખબર પડી કે તેમની વ્યવસ્થા કેવી હશે, રસ્તાઓ અને રહેણાકો કેવા હશે, કેવાં સાધનો વાપરતાં હશે, વગેરે. પણ તેમની લિપિ ન ઉકલાઈ, જો તે ઉકલાઈ હોત તો આપણે તે લોકોને અંદરથી જાણી શકત, તેમના મનોભાવોને પણ ઉકેલી શકત. તેમની જિંદગીના સાગરમાં ઊંડે સુધી ડૂબકી મારી શકત. ભાષા સંસ્કૃતિની ધરોહર છે, જો ધરોહર કાચી તો સંસ્કૃતિ કાચી અને જેમની સંસ્કૃતિ કાચી હોય તેમને કોઈ બચાવી શકતું નથી.
વિશ્વમાં આશરે સાત હજાર જેટલી ભાષાઓ બોલાય છે, જેમાં પ્રથમ ત્રીસ ભાષાઓમાં ગુજરાતીનો સમાવેશ થાય છે, ત્યારે ભાષા પ્રત્યે સાવ આશા મૂકી દીધા જેવી નથી. ભાષાને હમણાં થોડાં વર્ષો કશું થવાનું નથી. પણ આવા મદમાં રહીને ભાષાને અવગણવી પણ જરૂરી નથી.
– અનિલ ચાવડા