|

દ્રૌપદી અને સત્યવતીઃ નસીબ સાથે હોડ ~ ભાગ ૨ (અંતિમ) ~ સંશોધન લેખ ~ જયશ્રી વિનુ મરચંટ

(શબ્દો: ૨૬૫૭) 

સામાન્ય રીતે મહાભારતનો ગ્રંથ, સેતુબંધ રામેશ્વરથી હિમાલય સુધી સૌને માટે મૂળ પાયાની કથા એકસરખી જ લઈને આવે છે.

કાળક્રમે ક્યાંક દેશ-પ્રદેશની ભૂગોળ અને પરિવર્તિત થતાં માનવસંબંધોને કારણે એ ગ્રંથની અનેક આવૃત્તિઓ થતી ગઈ એમાં જે સમય અને સ્થળ હોય એના પ્રમાણે સંદર્ભો સહેજ બદલાતાં ગયા. છતાં પણ, મૂળભૂત કથાનું પોત કદી બદલાયું નહીં.

તો એનું કારણ એક જ છે કે પાંડવોનો કાળ એ ભારતવર્ષના ભાગ્યોદય અને સતત ઉત્થાનનો કાળ હતો. ભારતખંડની બહારના અનેક દેશો અને લોકો સાથે તે સમયે મહાભારત સમયના ભારતવર્ષના વૈદિકધર્મીઓ વેપાર-વાણિજ્ય અને ક્યાંક તો રોટી-બેટીના સંબંધોને કારણે સંકળાયેલાં હતાં.

અનેક સંસ્કૃતિઓની રેખાઓ ક્યાંક ભેળસેળ થઈ જતી તો પણ મૂળ વૈદિક ધર્મીઓની નીતિ, ધર્મ પ્રત્યેનો અભિગમ, અરસપરસનો વ્યવહાર, મર્યાદા અને રાજકીય સ્થિરતાને કારણે ભારતવર્ષની મહત્તા કાયમ રહી.

આ બધામાં મહાભારત અને એના પછીના ભારતવર્ષનું મહત્વ અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં શા માટે રહ્યું હતું, એ સમજી લેવું જરૂરી છે કે જેથી એ સમયની કથાઓમાં આવતી પ્રથાઓની પૂર્વભૂમિકા સમજી શકાય.

કોઈ પણ સામ્રાજ્ય કે દેશની પ્રજાની સંમતિ અને લોકકલ્યાણ માટેની દ્રઢતા જો પાયામાં ના હોય તો એ સામ્રાજ્ય કે એના સત્તાધીશો ઈતિહાસમાં ટકી શકે નહીં.

મહાભારતના સમયે શાસન પદ્ધતિ ભલે રાજાસત્તાક હતી પણ પ્રજાને એમના જીવનને સ્પર્શતા મુદ્દાઓ અને સત્યને કહેવાની સંપૂર્ણ છૂટ હતી. ત્યારના રાજા-મહારાજાઓ અનેક પ્રકારની સભાઓ ભરતા.

ન્યાય, શાસ્ત્રાર્થ કરતા વિદ્યાવ્યાસંગીઓ, કળાકારો, ખેલવીરો, સ્વયંવરો, વેપાર-વાણિજ્ય, શસ્ત્રો-અસ્ત્રો અને રાજ્યની સેનામાં ભરતી – આ બધું કરવા માટે અનેક પ્રકારની રાજસભાઓ  ઠેકઠેકાણે ભરાતી. જેમાં નાત, જાત અને વર્ણના ભેદભાવ વિના પ્રજાજનો હાજર રહેતા અને સૌને પોતાની વાત કહેવાનો અધિકાર રહેતો. અહીંથી જ સમાજમાં પ્રવર્તતી પ્રથાઓ અપનાવાતી અને કુપ્રથાઓ ત્યજી દેવાતી.

આ કહેવું એટલે જરૂરી છે કે મહાભારતમાં અમુક અસામાન્ય ઘટનાઓ પહેલીવાર બની છે, પણ એને કોઈ રીતે છાનું રાખવાનો પ્રયાસ – જેમ કે; પાંચ પતિઓની પત્ની બનનાર દ્રૌપદી કે પછી મત્સ્યકન્યાના મુનિ પરાશર સાથેના સમાગમથી કુંવારી માતા બનીને વેદવ્યાસને જન્મ આપવા સુધીની ઘટનાઓ પર – ક્યાંય લોકાપવાદ લોકપ્રથામાં મૂકાયો નથી બલ્કે આ બધું જ સહજતાથી સ્વીકારાયું છે.

સત્યવતી : માછીમારની દીકરીથી મહાભારતના મૂળ સુધી

મહાભારતનું નામ સાંભળતાં જ આપણા મનમાં ભીષ્મ, કૃષ્ણ, દ્રૌપદી, અર્જુન જેવા પાત્રો ઉપસી આવે છે. પણ જો એક સવાલ પૂછીએ કે; –બધાની પાછળ સૌથી મૌન, પરંતુ નેપથ્યમાં રહીનેય સૌથી શક્તિશાળી અને માત્ર પોતાની અંતઃસ્ફુરણા પર મદાર રાખીને ઝૂંપડીથી મહેલમાં સત્તાધીશ બનીને પોતાના વંશના સંવર્ધન માટે સતત મથનારી સ્ત્રી કોણ?”

તો ઉત્તર છે — સત્યવતી.

એ સ્ત્રી પોતે બહુ ઓછું બોલે છે, પણ જેના એક-એક નિર્ણયથી આખા મહાભારતનો પાયો સર્જાય છે. સત્તા, માતૃત્વ અને મહત્ત્વાકાંક્ષા વચ્ચે સત્યવતી ક્યારેક જીતે છે અને ક્યારે હારે છે.

સત્યવતીનો જન્મ આધિદૈવિક સંજોગોમાં થયો હતો. રાજાનું વીર્ય, મત્સ્ય અવતારમાં શાપિત અપ્સરાના ગર્ભમાં જતાં સત્યવતી અને એનો મત્સ્ય નામનો જન્મ થાય છે, એ આપણે પહેલા ભાગમાં જોયું.

એક રાજા અને અતિસુંદર અપ્સરાની પુત્રી હોવા છતાં સત્યવતીને એક માછીમારને ત્યાં જીવન વીતાવવું પડ્યું, જ્યારે એના ભાઈને તો પિતાનું ઘર મળ્યું.

શું આ બીનાએ સત્યવતીને રાજસત્તા માટે ઝનૂની બનાવી હતી? વિચાર કરીએ તો એના જોડિયાભાઈનો ઉછેર અને શિક્ષણ એક રાજકુમારને શોભે એમ થયા તો સત્યવતીને પોતાના જન્મદાતા માતા કે પિતા – કોઈનીય ન તો છત્રછાયા મળી કે ન તો એનું પ્રશિક્ષણ એ પ્રમાણે થયું. શું આ સંજોગોએ એને રાજસત્તા માટે લાલચી પણ બનાવી હતી, એ વિચારવા જેવો મુદ્દો છે.

સત્યવતીનું જીવન કદી એક રાહ પર ચાલ્યું નથી. એના જે “દો રાહા” હતા- એક તરફ માતૃત્વ અને બીજી તરફ સત્તા –એનો ‘ભરતમિલાપ’ના જીવનકાળમાં કદી ન થયો.

આ બે સમાંતર રસ્તા પર સમતોલન અને સંતુલન જાળવવાની એની જે ‘જદ્દોજહત’ હતી તે એના અંત સુધી રહી.


એનું માતૃત્ત્વ – એ પણ અધૂરપ અને ઊણપની વચ્ચે ઝૂલતું રહ્યું. પોતાના બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય – કે જેમને રાજસત્તા મળે એ માટે એણે દેવવ્રતના અધિકારનો ભોગ લેવડાવ્યો હતો, એ જ સંતાનો ખૂબ જ અગમ રીતે યુવાનીમાં મૃત્યુ પામ્યા.

ચિત્રાંગદ તો લગ્ન થાય એ પહેલાં યુદ્ધમાં માર્યો ગયો. વિચિત્રવીર્ય રાજા બાળપણથી જ નબળા શરીરવાળો હતો.

સત્યવતીએ ભીષ્મની સહાયથી વિચિત્રવર્યના લગ્ન કાશીરાજની પુત્રીઓ અંબિકા અને અંબાલિકા સાથે કરાવ્યા પણ તે યુવાન વયમાં જ ક્ષયરોગ પીડિત થયો અને નિસંતાન જ મૃત્યુ પામ્યો.

અહીં હવે સત્યવતી ભીષ્મને નિયોગ માટે કહે છે પણ પોતાની આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા તો સત્યવતીએ જ લેવડાવી હતી. આ કારણે તેઓ સહમત નથી થતા.

પછી સત્યવતી વંશ બચાવવા (એક રીતે કહીએ તો એના અનૌરસ) પુત્ર વેદવ્યાસને નિયોગ માટે કહે છે અને નિયોગ પ્રથા દ્વારા — અંધ ધૃતરાષ્ટ્ર અને પાંડુરોગ પીડિત પાંડુ જન્મે છે.

હા, સત્યવતી અહીં જીતે છે — વંશ બચાવે છે, પણ પોતાના પૌત્રોની અધૂરપ અને ઊણપ લઈને કુદરત એની સામે થઈને પાછી ઊભી રહી જાય છે.

મહાભારતમાં અહીં સુધી સત્યવતી સત્તાના કેન્દ્રમાં પોતાને રાખે છે અને અઢળક નિર્ણયો ભાગ્યને વશ કરવા માટે લે છે. પણ અંધ ધૃતરાષ્ટ્ર અને પાંડુરોગ પીડિત પાંડુના જન્મ પછી, મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના લગ્ન, અને પાંડુ-માદ્રીના મરણ, તથા પ્રપૌત્રના જન્મો સુધીમાં તો સત્યવતી સક્રિય રાજનીતિમાંથી પોતાને દૂર કરી નાખે છે.

ક્યારેક માણસને ઝનૂનમાં અને ઝનૂનમાં ઝાઝું વિચાર્યા વિના એટલા બધા નિર્ણયો દરેક પળે લેવા પડે છે કે પછી એનાં સતત આવતા વિપરીત પરિણામોને કારણે એક એવો સમય આવે છે કે એ જોમ અને હામ ગુમાવી દે છે.

સત્યવતી સાથે આ જ થયું હોય એવું લાગે છે. સત્યવતીના અહીંથી શરૂ થયેલા મૌનથી વાચાળ સમસ્ત મહાભારતમાં બીજું કંઈ નથી.

મહારાણી થઈને રાજમાતા તરીકે નેપથ્યમાં જ રહીને રાજસત્તાનો દોરીસંચાર કરવાની તેની અભિલાષા, શાંતનુ, ચિત્રાંગદ અને વિચિત્રવર્યના મરણને કારણે સદૈવ અધૂરી રહી અથવા તો એમ કહી શકાય કે સત્યવતી રાજસત્તા અને વૈભવને કદી પૂર્ણતાથી માણી શકી નથી. નસીબ એને દરેક વખતે એવા મોડ પર લાવીને ઊભી કરી દે છે કે ત્યાંથી ક્યા રસ્તે ભાગ્ય સાથ આપશે એ કળવું મુશ્કેલ બની જાય છે.

રાજસત્તાનો દોરીસંચાર કરતી વખતે સત્યવતીને ભીષ્મ પાસે કાયમ – ક્યારેક મદદ, તો ક્યારેક સલાહ, તો ક્યારેક હસ્તિનાપુરની સીમાવૃદ્ધિ માટે – આમ કોઈ ને કોઈ કારણોસર જવું પડ્યું હતું.

વિચાર કરી જુઓ જેની પાસેથી, જેના હકનો અને જુવાનીનો ભોગ લીધો, એ જ રાજસત્તાને ટકાવી રાખવા અને રાજધર્મ માટેના કર્મો માટે સત્યવતીને વારેવારે ભીષ્મની પાસે જ જવું પડ્યું! આ ભાગ્યની કેવી ક્રૂર રમત હતી?

આ પ્રશ્ન મનમાં જરૂર ઊઠે કે શું
સત્તા માટે કોઈના અધિકારનો ત્યાગ કરાવવો યોગ્ય છે?  બીજો એવો પ્રશ્ન થાય છે કે; ભીષ્મ આ વિશે શું વિચારતા નહીં હોય?

કુરુવંશનું નિકંદન નીકળી ગયું, એક ભીષ્મ પ્રતિજ્ઞાથી, તો એવી પ્રતિજ્ઞાનું પાલન શું કામનું? અરે માત્ર કુળનું જ નહીં, પણ મહાભારતના યુદ્ધમાં લાખો-કરોડો નિર્દોષોનો બલિ ચઢાવાયો. જો ભીષ્મએ સમયસૂચકતા વાપરીને પોતાની પ્રતિજ્ઞાને બાજુ મૂકી હોત અને રાજ્યની ધૂરી સંભાળી હોત અથવા નિયોગ દ્વારા પોતાની સંતતિ પેદા કરી હોત તો એનું પરિણામ અલગ આવી શકત?

દરેક યુગે આ સવાલો અનુત્તર જ રહેશે કે સત્તાની લાલસા માટે અપાતા ભોગ કે લેવાતા ભોગથી કદી સ્વસ્થ, આરોગ્યસભર અને ચિરકાલીન શાંતિ મેળવી શકાય ખરી?

સત્યવતીનો અંતવનમાં અને અગ્નિમાં વિલીન થવું –

અંતે…પુત્ર વેદવ્યાસના કહેવાથી સત્યવતી રાજમહેલ છોડે છે, વનમાં જાય છે. અને ધ્યાનમાં લીન થાય છે. અને એક દિવસ અગ્નિમાં વિલીન થઈ જાય છે. જે જીવનભર સ્વ-વંશીય સત્તાની સ્થાપના માટે ઝઝૂમતી રહી, એ  અંતે બધું છોડીને અનામી મૃત્યુ પામીને આ જગતમાંથી વિદાય થઈ જાય છે.

કોઈ પણ સત્તા સ્થાયી કદી નથી હોતી પણ એને સ્થાયીત્ત્વ આપવાના હઠાગ્રહ કે દુરાગ્રહને કારણે, સતત અસ્થાયી જીવન જીવવાનો કોઈ અર્થ હોઈ શકે ખરો? આગળ કહ્યું તેમ, સત્યવતી શીખવે છે કે કર્મબંધનો સિવાય બીજું કંઈ શાશ્વત નથી અને Basically, one has to know when to hold it & when to fold it.

માતૃત્વ એ શક્તિ ત્યારે જ બને જો એમાં સંવેદના સાથે માર્ગદર્શનની શુદ્ધતા હોય. જે ઘડીએ એમાં નિયંત્રણનો અહંકાર મિશ્ર થયો તો એ જ માતૃત્ત્વ કાં તો વિનાશ સર્જે છે અથવા નિરર્થક બની જાય છે. સત્યવતીની નસીબ સાથેની આ હોડ આ પાઠ શીખવે છે જે આજના સમયના સંદર્ભમાં પણ અર્થપૂર્ણ છે.

દ્રૌપદી: અગ્નિમાંથી જન્મેલી અને છાની વ્યથા સાથે જીવેલી કૃષ્ણસખી –


દ્રૌપદીનું નામ લેતાં જ આપણને એક દૃશ્ય યાદ આવે છે —કૌરવોની સભામાં અપમાનિત થયેલી સ્ત્રી અને જેના ચીર કૃષ્ણએ પૂર્યા હતા, એ કૃષ્ણ્ની પરમ સખી. પણ દ્રૌપદી માત્ર એ એક દૃશ્ય નથી.

દ્રૌપદી એક એવી સ્ત્રી છે — જે અગ્નિમાંથી જન્મે છે, જે પાંચ પતિઓની પત્ની બને છે, જે પાંચ પુત્રોની માતા બને છે, જે યુદ્ધના અનેક કારણોમાંનું એક કારણ બને છે, અને છતાં અંતે, બધો મોહ, રાગ, દ્વેષ, વેદના, વ્યથાઓ, અભીપ્સા અને આશાઓ ત્યજીને પાંડવો સાથે હોવા છતાં, એકલી પડેલી એ હિમાલય તરફ પ્રયાણ કરતાં, એ અગ્નિની જ્વાળામાંથી ઉત્પન્ન થયેલી સ્ત્રી, અંતે હિમમાં શાતા પામે છે. બીજી રીતે વિચારતાં સવાલ થાય છે કે, ખરેખર, શું શાતા પામે છે ખરી?

દ્રૌપદીનો જન્મ સામાન્ય નથી. સત્યવતીની જેમ એ પણ માતાના વહાલનું અમૃતપાન નથી પામી. પિતા પણ એને અવેજીમાં આપવામાં આવ્યા છે.

જન્મથી જ એને જ્ઞાન છે કે એનો જન્મ પ્રેમ માટે નથી, એનો જન્મ પાલક પિતાના પ્રતિશોધ માટે છે. એનો જન્મ યજ્ઞવેદીની, આગની જ્વાળાઓમાંથી થતાં એનું નામ યાજ્ઞસેની રાખવામાં આવ છે. અને એ જ એની ઓળખ બને છે અને પિતાનો પ્રતિશોધ એ ઉદ્દેશ પણ.

જે બાળકીનો જન્મ જ યુદ્ધ માટેની અપેક્ષાથી, ઈશ્વર પાસે માગીને, યજ્ની આગમાંથી થયો હોય, એ બાળકીમાં શું અગ્નિની જલદતા અને ઉગ્રતા આવ્યા વિના રહી શકે?

દ્રૌપદીના લગ્ન પણ એક રીતે જુઓ તો, (પાછલા જન્મના શાપની વાત જવા દઈએ તો) કુંતીના શબ્દો સાચા ઠરાવવા, પાંચેય પતિની પત્ની બનીને રહેવાની શરત પર જ થયા છે.

સ્વયંવરમાં અર્જુન જીતે છે અને એને થાય છે કે પત્ની તરીકે અને પછી માતા તરીકે જીવન વ્યતીત કરવા આલંબન મળશે, નવા આયામો અને દિશા ઉઘડશે. પણ એવું નથી થતું.

સત્યવતીની જેમ, અહીં એના જેવી માનુની અને અનુપમ સૌંદર્યવાન સ્ત્રી પણ નસીબ સામે અસહાય લાગે છે. અહીંથી દ્રૌપદીની વ્યથા શરૂ થાય છે.

કોઈએ એને પૂછ્યું પણ નહીં કે તને શું લાગે છે? તને શું જોઈએ છે? દ્રૌપદી સમજદાર છે અને બુદ્ધિશાળી પણ છે. પણ એની સમજદારીનો અહીં લાભ જ નહીં, પણ ભોગ લેવામાં આવે છે.

દ્રૌપદી પાંચેય પાંડવોની પત્ની બને છે પણ દરેક સાથે અલગ સંબંધ. દરેક સાથે અલગ ફરજ. દરેક પાસેથી મેળવવાનું પણ જુદું. દરેક સાથેનો વિનોદ જુદો, વ્યથા અને વેદના જુદી.

એનું હાસ્ય, એની પૂર્ણતા, એની પત્ની અને માતા તરીકેની સંતૃપ્તિ – બધું જ પાંચેય ભાઈઓમાં વહેંચાયેલું… અરે, એનું ખાલીપણું પણ વહેંચાયેલું. કારણ એક જ કે; એ પાંચ પતિઓમાં વહેંચાઈ ગઈ છે. એ સ્વયં પાંચેયનો એક આધાર છે, પણ એના માટે કોઈ એક આધાર નથી. એ પાંચેયની સંપૂર્ણપણે પણ એ પાંચેયમાંથી કોઈ એક પણ સંપૂર્ણપણે એનો નહીં. વિચારો કે કેવી એકલતાની વેદના એણે સહી હશે?

દ્રૌપદીના  આ દુઃખને  વ્યાસ જેવા મહાકવિ પણ શબ્દોમાં સુપેરે  કહેવાનું સિફતથી ટાળી ગયા, એવું લાગે છે. જ્યારે સત્યવતીને ભાગે આવી વિભાજિતપણાંની વેદના સહેવાનું ક્યારેય નથી આવ્યું.

સત્યવતી જોડે ક્યાંય સમજદારીનો લાભ લેવાયો હોય એવું નથી લાગતું. હા, સત્યવતીએ સમયાનુસાર, ભીષ્મ અને વિદુરની સમજદારીનો સતત લાભ લીધો છે. બેઉ સ્ત્રીઓ અહીં જુદી પડે છે.

દ્રૌપદીના પાંચ પુત્રો — પ્રતિબંધ, સુતસોમ, શ્રુતકીર્તિ, શતાનિક, શ્રુતવર્મા. કોઈ પણ માતાની જેમ, દ્રૌપદી પણ એનાં પાંચ ગુણી પુત્રો-રાજ્કુમારો માટે સપનાં જુએ છે. પણ યુદ્ધ પછી, અશ્વત્થામા એક રાતમાં પાંચેય પુત્રોને મારી નાખે છે.

દ્રૌપદીના પાંચ પુત્રોની નિર્દય હત્યા કરનાર અશ્વત્થામાને જ્યારે અર્જુન બંદી બનાવીને દ્રૌપદી સમક્ષ લાવે છે, ત્યારે એ એનાં નિર્દોષ પુત્રોના હત્યારાને જોઈને, દ્રૌપદી ક્રોધનાં નહીં, પરંતુ કરુણાના વચન બોલે છે.

દ્રૌપદી કહે છેઃ “એ બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે. એની માતા કૃપીને મારી જેમ પુત્રવિયોગનું દુઃખ ન આપશો. જેમ મને મારા પુત્રોના મરણનો શોક છે, તેમ એની માતાને પણ થાય. એ દુઃખ હું કોઈ માતાને આપવા નથી માગતી.  મને બદલો નથી જોઈતો. હું એને ક્ષમા કરું છું. મને સાચે જ, કોઈ બદલો નથી જોઈતો.”

દ્રૌપદીનું આર્ત નારી-હૃદય, માતૃત્વ અહીં ક્ષમાધર્મ અપનાવવાથી હિમાલયના ઉચ્ચ શિખરને પણ આંબી જાય એટલું ઉન્નત બની જાય છે. વિચારી જુઓ કે જેનો જન્મ પ્રતિશોધની જ ભાવનાથી થયો હતો એ અંતે ક્ષમાના રસ્તે શાંતિ સુધી જવાનું નક્કી કરે છે.

પણ, અર્જુન અંદરથી તૂટી પડે છે. એ ધર્મ અને ગુરુભક્તિ વચ્ચે સંઘર્ષ કરે છે. એક બાજુ ઊંઘતા પુત્રોની હત્યાનો બદલો લેવાની એક પિતા અને ક્ષત્રિય તરીકે એની ફરજ છે તો બીજી બાજુ: ગુરુપુત્રને ન મારવાનો ધર્મ છે. અર્જુન અંતે દ્રૌપદીની વાતને સ્વીકારી લે છે.


પણ કૃષ્ણ સ્પષ્ટ અને કઠોર ધર્મની વાત કરે છે. કૃષ્ણ કહે છે કે, “જે સૂતેલા બાળકોની હત્યા કરે, અને બ્રાહ્મણ હોવા છતાં ચાંડાલનું કર્મ કરીને અધર્મ આચરે, એવો માણસ જીવવાનો અધિકાર ગુમાવે છે.  અધર્મી માટે દંડ પણ એટલો જ આવશ્યક છે.”

અંતે, અર્જુન અશ્વત્થામાનું શિરચ્છેદ નથી કરતો પરંતુ કૃષ્ણની પ્રેરણાથી, અશ્વત્થામાના માથેથી મણિ કાઢી લેવાય છે અને તેને અપમાનિત કરીને, લોહી અને પરુ ઝરતા મસ્તકના ઘા સાથે ચિરંજીવી બનાવીને જીવતો છોડવામાં આવે છે.

આ દંડ મૃત્યુથી પણ ભારે છે. કારણ કે, તે જીવનભરનો શાપ અને અપમાનની યાદ અપાવતો, એ ઝરતો ઘા લઈને જીવવાનું, મૃત્યુથી પણ વધુ કપરૂં છે.

મહાભારતના યુદ્ધમાં પોતાના લાડલાઓને ખોનારી અનેક માતાઓ જેવી જ એક લાચાર માતા દ્રૌપદી પણ છે. પ્રતિશોધની આગમાં દ્રૌપદીની જિંદગીનું માતા તરીકેનું સાફલ્ય અને એના સંતાનો કોઈ પણ વાંક વિના હોમાઈ જાય છે.

દ્રૌપદીની જેમ, સત્યવતી કોઈ પણ બદલાની આગમાં બળતી નથી પણ પોતાના સ્વાર્થ માટે એણે ભીષ્મ અને શાંતનુને કરેલા અન્યાય બદલ જાણે નસીબ વેર વાળી રહ્યું હોય એવું સતત લાગે છે.

મહાભારતનું યુદ્ધ પૂરૂં થાય ત્યાં સુધીમાં દ્રૌપદી ઘણું બધું સહન કરી ચૂકી હતી. એનાં પાંચેય સંતાનોના મૃત્યુ પર પણ એ ચીસ પાડીને રડતી નથી. કૃષ્ણ એને કહે છે કે અશ્વત્થામાને જે સજા કે દંડ આપે એ યોગ્ય ઠરશે. તો પણ એના જેવી માનુની સ્ત્રી કહે છે કે, — મને બદલો નથી જોઈતો. હું અશ્વત્થામાને ક્ષમા કરું છું.”

આ શબ્દો પાંચાલીના મુખમાં મૂકીને વેદવ્યાસે દ્રૌપદીના જિદ્દી અને માનુની સ્વભાવને માનવીય સ્પર્શ જ નહીં, પણ દિવ્યતા આપીને, એનો ઉદ્ધાર કર્યો છે.

મહાભારતમાં આ ઘટનાના શ્લોકો સાચે જ આંખો ભીની કરી જાય છે. દ્રૌપદીની અપરંપાર વ્યથાને ક્ષમાની ગંગામાં વહાવીને વ્યાસજીએ એના વખતોવખત હણાતા રહેલાં માન-સન્માનને  એક ઊંચાઈ આપી છે.

સત્યવતી માટે આવો કોઈ મોકો એના જીવનકાળ દરમ્યાન આવ્યો નથી. એના પુત્રો તો કાળને આધીન મૃત્યુ પામ્યા હતા. પણ એક સવાલ ચોક્કસ થાય છે કે, સત્યવતીને એના જીવનકાળ દરમ્યાન કેમ કોઈએ કહ્યું નહીં કે એ જે “વન ટ્રેક માઈન્ડ”થી પોતાના વંશને જ રાજગાદી પર બેસાડવા માટે જાતજાતના ઉપાયો કરતી રહી છે, એનાં મૂળમાં જ ખોટ છે? વ્યાસ પોતે અહીં માતાને વારવામાં ઊણા ઉતર્યા હોય એવું નથી લાગતું?

દ્યુતસભામાં ચીરહરણ થાય છે, ત્યારે દ્રૌપદી પ્રશ્ન કરે છે —હું હારી કે યુધિષ્ઠિર?” એનો જવાબ સભામાં ઉપસ્થિત કોઈ પાસે  નથી. આ પ્રસંગને વર્ણવતાં વ્યાસજીની પણ હિંમત નથી થઈ કે અસહાય દ્રૌપદીને એ લાચાર અને દયાની યાચના કરતી બતાવે. ત્યારે દ્રૌપદી એના સખા કૃષ્ણને સ્મરે છે અને કૃષ્ણ એની લાજ બચાવે છે. કૃષ્ણ અને દ્રૌપદીનું સખ્ય એ માત્ર ઠાલી મિત્રતા નથી અને કૃષ્ણ દ્રૌપદી માટે ભગવાન પણ નથી — કૃષ્ણ તો એકમાત્ર આશ્રય છે કે જેની સંનિધિમાં પાંચાલી પોતાની વ્યથા, વેદના, સખ્ય, પ્રેમ અને ખાલીપણાં સાથે કોઈ પણ છોછ રાખ્યા વિના, નિઃસંકોચ પ્રકટ થઈ શકે છે.

સત્યવતીના જીવનમાં અધૂરપ અને ઊણપને ઠાલવવા માટે કોઈ કૃષ્ણ ક્યારેય મળ્યા નથી અને સત્યવતીને કૃષ્ણ જેવા કોઈ મિત્રની કદાચ કમી લાગી પણ નથી. હા, એના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ સ્વયં શ્રી નારાયણનો અંશ હતા, પરંતુ “સેલ્ફ એબ્સોર્બ્ડ” – ‘સ્વ’માં જ રચીપચી રહેલી સત્યવતી, પોતાના આત્માના ઉદ્ધાર માટે પણ કશું જ વિચારતી નથી.

જ્યારે વ્યાસજી એને કહે છે કે, “માતા, હવે અહીં જે થવાનું છે એ તમે નહીં સહન કરી શકો. તમે મારી સાથે વનમાં ચાલો.” ત્યારે જ સત્યવતી જીવનના અંતિમ તબક્કામાં બધું છોડીને વનમાં જાય છે.


જ્યારે દ્રૌપદી હિમાલય ગમન સહજતાથી સ્વીકારી લે છે. આ સ્ટેજ પર યાજ્ઞસેની, સત્યવતી કરતાં મુઠ્ઠી ઊંચેરી મહેસૂસ થાય છે.

મહાભારતનું યુદ્ધ પૂરૂં થાય છે. પાંડવો જીતે છે. પણ દ્રૌપદી માટે હવે એ જીત, ખાલી જિદની પૂર્તિ સિવાય કશું જ લાવી શકતી નથી. પુત્રો નથી, ભાઈઓ નથી,  કુટુંબ નથી, શ્વસુર અને પિતૃપક્ષ તરફથી કોઈ બચ્યું નથી.

મહાભારતની જીત પછીની શૂન્યતા વધુ વિકરાળ લાગત જો વેદવ્યાસે દ્રૌપદીના મુખમાં અશ્વત્થામાને અપાયેલી ક્ષમા ન મૂકી હોત તો..!

આ માફી અપાવીને જ વ્યાસજીએ દ્રૌપદીની જીવન પછીની યાત્રાને સહ્ય કરી છે. એટલું જ નહીં, પણ પાંડવો માટે ધર્મના આચરણ માટે એક શીખ પણ મૂકી છે કે, પૃથ્વીના સમ્રાટ થયા પછી પણ જો સમય સાથે હ્રદય અને મનથી ક્ષમાદાન આપતા નહીં શીખશો તો જીવન ઉર્ધ્વગામી નહીં બને.

યુદ્ધ અને સત્તા ક્ષણિક અભિમાનને પોષી શકે પણ નિશ્ચિતરૂપે એ સુખનો પર્યાય કદી બની ન શકે, એનું ઉદાહરણ મહાભારતનું યુદ્ધ અને એનાં પરિણામો છે.

સત્યવતીના ભાગે આવા કોઈ યુદ્ધના પરિણામો સહન કરવાના નથી આવ્યા. એ રીતે જોઈએ તો એનું નસીબ અહીં સત્યવતીને તરફેણ કરી ગયું છે.

અંતે તો, આટલો વિનાશ વેઠ્યા પછી પણ હું તો એક જ વાત કહીશ કે દ્રૌપદીના સમગ્ર જીવનનો સાર અહીં એક જ વાતને સાબિત કરે છે કે; “ક્ષમા વીરસ્ય ભૂષણમ્”.

દ્રૌપદી જીવન આખું પોતાના માન, અભિમાન અને મર્યાદાને અનુરૂપ જીવી પણ માનવી રહીને. એણે પોતાને દેવી બનાવવાનો ભાર કદી આત્મા પર લાદી દીધો નહીં. આ જ એના જીવનની મોટી સિદ્ધિ છે.

સત્યવતી પોતાની સત્તાનો સિક્કો સાચવવાના અથાક પ્રયત્ન માનવી તરીકે જ કરતી રહી પણ મહાભારત વાંચતાં ક્યાંય એવું નથી લાગતું કે સત્યવતીએ પોતાનો વંશ અને એને માટેની રાજસત્તાથી વિશેષ કંઈ વિચાર્યું હોય કે દ્રૌપદી જેવી માનહાનિ વેઠી હોય.

સત્યવતીને કદાચ વ્યાસજી એની ખૂબીઓ અને ગુણો વર્ણવીને વધુ સહાનુભૂતિ એક સાહિત્યકાર તરીકે અપાવી શક્યા હોત, એવું પ્રતીત થાય છે.

દ્રૌપદીના જીવનના અંતમાં આવતા સ્વભાવના બદલાવને કારણે એનું પાત્ર સત્યવતીના પાત્ર કરતાં વધુ સહાનુભૂતિ ઉપજાવે છે.
*******
સમાપ્ત.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.