સંતાનોનું રક્ષણ કરનારી, મા સ્કંદમાતા ~ વાર્તા ~ રશ્મિ જાગીરદાર
(નોંધ: સાવ નોખા વિષયને આવરતી વાર્તા)
ધારા અચાનક કોલેજથી પાછી આવી ગઈ. મમ્મીને ચિંતા થઈ, હજુ તો ગયે માંડ કલાક જ થયો હતો, કેમ પાછી આવી હશે? તેમનાથી પૂછાઈ જ ગયું, “શું થયું બેટા? રજા પડી ગઈ કે શું?”
“ના મમ્મી, ક્રિસમસની રજાઓ તો આવતી કાલથી પડશે. પણ મને પેટમાં કંઈ થાય છે. ચક્કર જેવું લાગે છે, ઉલ્ટી થશે એવું લાગે છે. બેસાતું જ નહોતું એટલે આવતી રહી.”
“રાત્રે ઢોકળી ખાધી’તી એટલે ગેસ થયો લાગે છે.”
“એવું? પણ પહેલાં તો કોઈ દિવસ ઢોકળી ખાવાથી કશું થયું નથી આજે કેમ? મમ્મી, મારે પિરિયડની તારીખ જતી રહી છે. એને અઠવાડિયું થઈ ગયું છે તો પિરિયડ આવવાનો હશે, એટલે તો નહીં હોય?”
“તને કોઈવાર આવું મોડું થાય છે ખરું?”
“હા કોઈ કોઈવાર મોડું થઈ જતું હોય છે. પણ આવું ઉલ્ટી જેવું તો ક્યારેય નહીં.”
બે દિવસ રાહ જોઈ પણ પિરિયડ્સ ન આવ્યા અને ચક્કર તેમ જ વોમિટ જેવું રહેતું જ હતું. એટલે મા-દીકરી ડૉક્ટરને મળવા ગયાં. ચેક કરી લીધા પછી ડૉક્ટરે ધારાની મમ્મીને, અંદર બોલાવીને, ધારાની ગેરહાજરીમાં જે વાત કરી તેનાથી મમ્મી રીતસર ડઘાઈને ચુપ થઈ ગયાં.
માંડ ધારાને લઈને ઘેર આવ્યાં. તેમણે ધારાને આરામ કરવા રૂમમાં જવા જણાવ્યું અને પોતે ધારાના પપ્પાને ડૉક્ટરવાળી વાત કરી.
ધારાના પપ્પા દિગ્મૂઢ થઈને થોડીવાર તો બેસી રહ્યા પછી ખૂબ ગુસ્સે થયા. ઘરનો આખો માહોલ જ બદલાઈ ગયો. એકબાજુ ચિંતા ને બીજી બાજુ ગુસ્સો!
પપ્પાએ તો તરત જ મોટી દીકરી, વાણીને ફોન કર્યો અને ગુસ્સામાં એટલું જ કહ્યું, ‘તરત જ નીકળીને અહીં આવ.’ સામે વાણી કંઈ પણ બોલે તે પહેલાં ફોન કટ કરી દીધો. તે દરમ્યાન મમ્મી ધારા પાસે ગયાં અને એની સાથે વાતચીત કરવા લાગ્યાં.
“બેટા, તું ગયા મહિને નવરાત્રીમાં દીદીના ઘેર હતી, ત્યારે તમે ગરબા ગાવા ક્યાં જતાં હતાં? કોની કોની સાથે રમતાં હતાં?”
“કોની સાથે શું? મમ્મી, ગરબામાં તો આખું ગામ સાથે હોયને? જો કે, હું તો દીદી સાથે જ રમતી. અમને બન્નેને રાસ-ગરબા સાથે જ રમવા ગમે છે, એની તને ખબર તો છે! પછી શું આવું પૂછે છે?”
“તારા જીજુ આવતા હતા, ગરબા ગાવા?”
“હા, પણ જીજુને તો ગરબા રમતાં આવડતું જ નથી. એ બેઠા રહેતા હતા.”
તેના નિર્દોષ ચહેરાને જોઈને મમ્મી આગળ કશું ન પૂછી શકી. પણ ગભરુ ધારા, આ શું ચાલી રહ્યું છે, તેની સમજણ ન પડતાં વધુ ચિંતામાં પડી ગઈ. ઘરનું વાતાવરણ તંગ હતું. પપ્પાએ દીદીને પણ બોલાવી લીધી હતી. ડૉક્ટરે શું કહ્યું હશે? કોઈ મને કશું કહેતું કેમ નથી!
તેને લાગ્યું, ‘નક્કી મને કોઈ ભયંકર રોગ થયો લાગે છે કદાચ કેન્સર! પેટમાં કેન્સર! બાપ રે!’ ધારા ખરેખર ગભરાઈ ગઈ. તેને રડવું આવતું હતું. ધારાને થતું હતું કે એ કોઈ બહેનપણીની સાથે વાત કરે, પણ શું કહે? એને પોતાને સમજ નહોતી પડતી કે એને કેમ કોઈ કહેતું નથી!
ધારાની તબિયત સવાર-સવારમાં તો એટલી ખરાબ રહેતી કે એનાથી ઊઠાતું પણ નહોતું. ધારાએ વિચાર્યું કે સારું થયું, આ વરસે નવરાત્રી અને દિવાળી નવેમ્બરમાં આવી ગયા અને ડિસેમ્બરની ૧૮ તારીખથી ક્રિસમસનું વેકેશન પડી ગયું. કૉલેજમાં રજા છે અને મોટા ભાગના મિત્રો રજાઓમાં બહારગામ છે. નહીં તો, કેટલાં બધાંને ફિકર થાત અને કેટલી બધી કૉલેજ પડત..!
મમ્મી બીજે દિવસે સવારે ધારાના રૂમમાં આવી. એની પથારી પર બેસીને કહે, “ધારા, કેવી છે તબિયત?”
ત્યારે એણે મમ્મીનો હાથ પકડીને કહ્યું, “મમ્મી, શું મને કેન્સર અથવા બીજી કોઈ ગંભીર સીકનેસ છે? મેં સાંભળ્યું કે તમે દીદીને બોલાવી લીધી છે. હું વધુ નથી જીવવાની?”
મમ્મીએ ધારાને બાથમાં લઈને એક છાનું ડૂસકું ભરી લીધું અને કહ્યું, “કંઈ નહીં થાય તને. બસ, તારી દીદીને આવી જવા દે.”
“પણ મને શું થયું છે, એ કહેવામાં દીદીનું શું કામ? દીદી ક્યાં ડૉક્ટર છે? જીજાજી ડૉક્ટર છે.”
મમ્મી ઊભી થતાં કહે, “બસ, આજે રાત્રે દીદી આવે તેની સાથે તારા જીજાજી કોઈ ટેસ્ટ માટેની સૂચના મોકલવાના છે.” પછી, રાહ ન જોતાં ધારાના માથે હાથ ફેરવીને એ બહાર નીકળી ગઈ.
આ બાજુ, પપ્પાએ વાણી સાથે ફોનમાં એવી રીતે વાત કરી હતી કે, રાત્રે તો વાણી આવી પણ ગઈ. આવતાંવેંત જ તેણે પ્રશ્નસૂચક આંખે મમ્મી સામે જોયું અને પછી પપ્પાને પૂછ્યું, “ધારા ક્યાં છે? અને થયું શું છે, એની હવે વાત કરશો?“
પપ્પાએ એટલું જ કહ્યું; “ધારાની તબિયત ઠીક નથી રહેતી. એ એનાં રૂમમાં સૂતી છે. તારી મમ્મી તને વાત કરશે.”
આ સાંભળીને, મમ્મી વાણીને બીજા રૂમમાં લઈ જઈને જે વાત કરી તે સાંભળીને વાણી સાવ ડઘાઈ ગઈ! આઘાતથી તરડાઈ ગયેલા અવાજે તે બોલી,
“મા, પણ રાતે ગરબા ગાવા તો અમે સાથે જ જતાં હતાં. ધારા આવી પછી નવરાત્રીના ચાર જ દિવસ બાકી હતા, ત્યાર પછી તો અમે બધાં ઘેર જ હતાં. ધારા, એકલી ક્યાંય ગઈ જ નથી. મને ડૉક્ટર સાથે વાત કરવા દો.”
હવે એની મમ્મીની ધીરજનો બંધ તૂટી ગયો અને ગુસ્સે થઈને બોલી, “તું પહેલાં તારા વર સાથે વાત કર.”
“એટલે? મમ્મી શું તમે ને પપ્પા રમેશ પર શંકા કરો છો?”
“જે બન્યું છે, તે જાણ્યા પછી તું શંકાની વાત કેવી રીતે કરે છે? ચોખ્ખી દીવા જેવી તો વાત છે. અમારી જ ભૂલ કે જુવાન દીકરીને આમ…!” અને મમ્મી પણ આંખો લૂછતી રૂમની બહાર નીકળી ગઈ.
વાણી પોતાને સમજાવતી હોય તેમ વિચારવા લાગી. ‘રમેશને પોતે સારી રીતે ઓળખે છે. તે… તે આવું તો કદી જ ના કરે. પણ જે ઘટના બની છે તે બિહામણું રૂપ લઈને સામે ઊ ભી છે!’
આવી પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત એકલી વાણીમાં નહોતી! વાણીને બહેનનું ધ્યાન ન રાખવા માટે ઘણો ઠપકો મળ્યો હતો.
માબાપ તો તેને ગુનેગાર જ માનતા હતા કે એણે જ નાની બહેનનું ધ્યાન ન રાખ્યું. હવે રમેશ પર શંકા થઈ રહી હતી..! બીજું કોઈ રમેશને આ વાત કેવી રીતે પૂછી શકે? વાણી પોતે પણ કેવી રીતે પૂછી શકે? આખરે ફોન પર વાત કરવાને બદલે તેણે પતિ, રમેશને ફોન કરીને બોલાવી જ લીધો.
રમેશ રાતે જ આવ્યો તો ખરો, પણ ઘરનું વાતાવરણ જોઈ ચિંતામાં પડ્યો. તેને કંઈ સમજાયું નહીં. તેણે વાણીને પૂછ્યું, “શું છે આ બધું? કેમ બધાં અકળાયેલાં લાગે છે?”
વાણી તો રાહ જોઈને જ બેઠી હતી, એક પળનાય વિલંબ વિના તેણે એકદમ ધારાની વાત કહી દીધી તો રમેશ આશ્ચર્ય જોઈ રહ્યો પણ ત્યાં તો વાણીએ તરત બીજો ધડાકો કર્યો. “ધારા બહાર એકલી ક્યાંય ગઈ જ નહોતી, એટલે શંકાની સોય તમારા તરફ છે.”
આ સાંભળીને તો તે ખરેખર તેને સખત ગુસ્સો આવ્યો, “અરે! તમે લોકો સમજો છો શું? મારા પર આવો ભયંકર આરોપ મુકતાં પહેલાં જરાક વિચાર તો કરવો જોઈએ!”
કોઈનેય કંઈ ખબર પડતી નહોતી. રમેશ ગુસ્સામાં હતો. એની પત્ની તથા એના મા-બાપના એનાં પ્રત્યેના શંકાશીલ વલણથી આઘાત પામી ગયો હતો. પણ, તેને ગભરૂ બાળકી જેવી ધારાનો ચહેરો યાદ આવ્યો.
‘મેં કંઈ નથી કર્યું તો અજાણતાં જ કોઈના સંગમાં શું…? તેને માટે મારે કંઈ વિચારવું જોઈએ. ગુસ્સો કે ઝઘડો કરીને એ છોકરીને વધુ હેરાન હું ના કરી શકું. ખરેખર જ એ અમારાથી છુટી પડીને તો ક્યાંય ગઈ જ નહોતી તો આ થયું કઈ રીતે?’ રમેશ પોતે ડોક્ટર હતો અને એણે આ વાતને સાયન્ટિફિકલી એડ્રેસ કરવાનું નક્કી કર્યું.
એણે ધારાના માતાપિતા અને પત્ની વાણીને કહ્યું, “મારા પર વિશ્વાસ કરો. મારા માટે તો ધારા મારી નાની બહેન છે. મને બે-ચાર દિવસ આપો. હું એના ડૉક્ટર સાથે મળીને વાત કરું છું અને વાતના મૂળ સુધી પહોંચીને એનો યોગ્ય હલ પણ કરીશું. હમણાં આપણે અંદરોઅંદર ઝઘડવાની નહીં, પણ ધારાને વિશ્વાસમાં લેવાની જરૂર છે.” ત્રણેય જણાં પાસે સંમતિ આપવા સિવાય બીજો છૂટકો પણ શું હતો?
***
આ બાજુ ધારા એકસરખી પૂછ્યા કરતી હતી, “કોઈ મને કહો તો ખરા, મને થયું છે શું? જીજુ, તમે તો ડૉક્ટર છે, તમે તો કહો? હું મરી જવાની છું? તમને કેમ દોડાવ્યા? મમ્મી-પપ્પા કેમ રડ્યા કરે છે? મને પ્લીઝ જણાવો.”
ધારા ધ્રુસકા ભરીને, વાણીને વળગીને રડી રહી હતી. વાણીની આંખમાં પણ આંસુ હતાં. વાણી ધારાની પીઠ પસવારીને કહે, “અમે અહીં છીએ ને? બધું બરાબર થઈ જશે. આજે શાંતિથી સૂઈ જા. હું તારી સાથે જ છું, ઓકે?”
બીજા દિવસે, વાણી અને ધારાને લઈને રમેશ ધારાના ડૉક્ટરને ત્યાં ગયો. રમેશે પહેલાં વાણી અને ધારાને બહાર વેઈટિંગ રૂમમાં બેસાડ્યાં અને પછી હકીકત જણાવી કે પરિસ્થિતિ એવી થઈ જ નહોતી કે ધારાને પ્રેગ્નન્સી રહે.
રમેશે ડૉક્ટરને કહ્યું, “હજુ ધારાને ખબર નથી, પણ ફરી એકવાર ચેક કરશો, પ્લીઝ, કે તે પ્રેગ્નન્ટ છે જ કે કેમ? કારણ કે, તેમ હોવાની કોઈ શક્યતા છે જ નહીં.” પણ તેના આશ્ચર્ય વચ્ચે તે પ્રેગ્નન્ટ હતી જ! અને માંડ દોઢ મહિનો જ થયો હતો.
શંકાની સોય ખરેખર કેમ પોતાની તરફ જ હરીફરીને આવી જાય છે તેનું કારણ હવે રમેશને સમજાયું કે કારણ કે, તે શંકાસ્પદ સમયગાળામાં, ધારા તેના ઘેર જ હતી.
ધારા એકદમ સીધીસાદી છોકરી હતી. તેના પર કોઈ શંકા કરવાનું આગળપાછળ કોઈ કારણ હતું જ નહીં, ખરેખર તે એકલી બહાર ક્યાંય ગઈ જ નહોતી અને વળી તે જુઠ્ઠું પણ ન બોલે, તો આ કેવી રીતે બને?
રમેશ પણ એકદમ સ્તબ્ધ હતો કે આ મિરેકલ કેવી રીતે થયું? ધારા પૂછતી રહી કે; “મને હવે તો કહો કે મને થયું છે શું?” વાણી અને રમેશના ચહેરા પડી ગયા હતા. માત્ર એટલું જ કહ્યું કે, “ઘરે જઈને વાત.” ધારા અંદર ને અંદર રડતી રહી.
ઘરે આવીને હવે જ્યારે ધારાને ખબર પડી કે, ‘તેને કોઈ રોગ નહોતો, તે પ્રેગ્નનન્ટ હતી!’ ત્યારે તેની અંદરથી ચિત્કાર થયો. ‘કેવી રીતે, આ કેવી રીતે બને? એકવીસમી સદીની એ આધુનિક છોકરી હતી. માતાપિતાએ એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી પણ આજ સુધી એનો કોઈ બોયફ્રેન્ડ નહોતો કે નહોતો કોઈ છોકરા સાથે સંપર્ક થયો.’
એને થયું કે જાણે ઉપરથી આભ આખું એના પર ધસીને એને ગૂંગળાવી રહ્યું છે! તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ, મગજ બહેર મારી ગયું. આઘાત અને શરમથી તે અધમૂઈ થઈ ગઈ. વિચારોએ તેને ઘેરી લીધી.
‘બધાથી મોં સંતાડવા મારે ક્યાં જવું? મારે ધરતીમાં સમાઈ જવું જોઈએ.’ પોતાની જાત પ્રત્યે જાણે નફરત થઈ ગઈ! પણ અંદરથી જાણે એક ચીસ નીકળી. “પણ મેં કર્યું છે શું? મારો વાંક શો છે? હે ભગવાન, તું જાણે છે! મેં ક્યાં કશું… મમ્મી, પપ્પા… મારો ભરોસો કરો… ઓ મા…!”
તેને ભગવાન પર ગુસ્સો આવ્યો, ગર્ભ પર ગુસ્સો આવ્યો. આ ઘટના દ્વારા થતો માનસિક અત્યાચાર ભોગવી રહી હતી. પરિસ્થિતિને સમજવા મથતી હતી. વાસ્તવમાં જે શક્ય જ નથી તેવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ હશે? અને એનું ભાવિ શું?
તેને એ ગર્ભ પર નફરત થઈ! ભયંકર નફરત! પોતાને અણધારી અને અકલ્પનીય આફતમાં ઉતારનાર એ ગર્ભ જ હતો! ઘણીવાર તો તેને મુક્કા મારવાનું મન થાય તેટલો ગુસ્સો આવતો.
એ બધું તો ઠીક પણ ‘હવે? હવે?’-નો આ ‘હાઉ’ તેના પર હાવી થઈને પોતાનું વિકરાળ મોઢું ફાડીને તેને સતત ડરાવી રહ્યો હતો.
પપ્પાએ ઘરમાં બધાંને તાકીદ કરી કે, “આ વાત આપણાં પાંચમાંથી બહાર પડવી ન જોઈએ.”
બીજી બાજુ રમેશે પણ જે શક્ય જ ન હતી, તેવી હકીકતનો રાઝ શોધવા ખૂબ વિચાર કર્યા, પણ તેને કંઈ જ સૂજતું નહોતુ. તેણે ધારાના ડૉક્ટરને મળીને વાત કરવાનું નક્કી કર્યું. ફોન કરીને મળવાનો સમય નક્કી કરી લીધો.
બન્ને ડૉક્ટરોએ લાંબા સમય સુધી ચર્ચા-વિચારણા કરી. રમેશે ઝીણામાં ઝીણા બનાવો યાદ કરીને ધારાના ડોક્ટરને જણાવ્યા. છેવટે એક ઉપાય તરીકે બન્ને જણે ધારાનું ફરી એકવાર ખાસ આશયથી ચેકીંગ કર્યું તો બન્ને આશ્ચર્યમાં રીતસર ડૂબી ગયા. કારણ કે, ધારા કોઈ પણ પુરુષના એવા સંપર્કમાં આવી જ નહોતી! તે હજુ કુંવારી જ હતી, તે સ્પષ્ટ હતું.
તેણે વાણીને તેમજ તેના મમ્મી પપ્પાને સમજાવ્યું કે, ધારા કોઈ પણ પુરુષના સંપર્કમાં બિલકુલ આવી જ નથી. એટલે તે અને હું નિર્દોષ છીએ. પણ આ બધી હકીકતોને ખોટી પાડતી ઘારાની પ્રેગનન્સી તો હતી જ, જે ભૂતાવળ બનીને સૌની સામે વરવો નાચ કરી રહી હતી!
બન્ને ડૉક્ટરોની સામે આ ચેલેન્જ હતી. બેઉ ડૉક્ટરો પોતાના જ્ઞાનને કસોટીની એરણ પર ચઢાવીને જવાબો શોધવા મથતા રહ્યા. રમેશે પોતાની પ્રેક્ટીસ પર દસ દિવસની રજા લઈને લોકમને મૂકી દીધો. પોતે દિવસ અને રાત બધાં રિસર્ચ પેપર્સનું અને બુક્સને વાંચવામાં વ્યસ્ત રહેવા લાગ્યો. દરરોજ રાતે, સૂવા પહેલાં બેઉ ડૉક્ટરો પોતપોતાના ફાઈન્ડિંગ શેર કરતા.
બે દિવસ પછી રોજ મુજબ રાત્રે, ધારાના ગાયનેકનો રમેશ પર ફોન આવ્યો. “પ્લીઝ, ડૉ. રમેશ, તમે અત્યારે જ અહીં, મારા ઘેર આવો. મને એક કિસ્સો વાંચવા મળ્યો છે. તમે આવી જાવ કારણ કે, આપણાં કેસમાં એ ઉપયોગી થાય તેવું લાગે છે.”
રમેશ વાણીને કહીને, સફાળો ઊઠીને ધારાના એ ડૉક્ટરને ત્યાં પહોંચી ગયો. રસ્તામાં એ જ વિચારતો હતો કે, આવામાં વળી ઉકેલ શો હોઈ શકે? પણ જ્યારે પહોંચીને કિસ્સો વાંચ્યો તો, તે દંગ રહી ગયો. પેલા ડોક્ટર તો પહેલેથી દંગ જ હતા! ‘સાલું.. આવું પણ થાય…!’ મગજ જાણે બહેર મારી ગયું. જો આવી શક્યતા હોય તો…
ઘેર જઈને તેણે વાણી સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું. રમેશ ઉતાવળમાં ગયો હતો. મમ્મી પપ્પા તો સૂવા જતાં રહ્યાં હતાં, પણ વાણી રમેશની રાહ જોતી જાગતી બેઠી હતી. તેણે વાણીને પૂછ્યું. “વાણી, સાભળ, તેં તારાં કોઈ કપડાં ધારાને પહેરવા આપ્યાં હતાં? નવરાત્રી દરમ્યાન?”
“હા આઠમના દિવસે તેણે મારાં ચણીયા-ચોળી પહેર્યાં હતાં.”
“તે જ દિવસે હું સાંજના ઘેર આવ્યો અને તમે બેઉ નવરાત્રીમાં જવા તૈયાર થતાં હતાં, ખરું? આપણે સંપર્કમાં આવ્યાં હતાં, ત્યારે જે ચણિયો તેં પહેર્યો હતો, એ જે એને પહેરવા આપ્યો હતો?”
વાણીએ શરમાઈને હા પાડી અને કહ્યું, “તમે રૂમમાંથી બહાર ગયા અને ધારાએ મને એ ચણિયા ચોળીમાં જોઈ અને તા ત્કાલિક મારી પાસેથી એ ઉતરાવીને લઈ લીધો હતો.”
આ જવાબ સાથે જ જાણે બધા તાળા મળી ગયા! બધા ભેદ ખૂલી ગયા! શું થયું હશે તેનો અંદાજ આવી ગયો. બરાબર, તે રાત્રે ધારાના ગાયનેકોલોજીસ્ટ સાથે સાથે વાંચેલા કિસ્સામાં થયું હતું તેવું જ!
રમેશે ધારાના ડોક્ટરને ફોન કર્યો અને વાણીનાં કપડાં ધારાએ પહેર્યા હતાં, તે બધી હકીકત જણાવી.
પેલા વાંચેલા કિસ્સામાં જણાવ્યું હતું, તેવું જ અહીં પણ બન્યું હોવાની શક્યતા હતી. વાણી આ બધું સાંભળીને દંગ રહી ગઈ હતી. તે દિવસે વાણીના ચણિયા પરથી જીવંત વીર્યના અંશ, ધારાના શરીરમાં પ્રવેશ્યા હતા અને ફલિત પણ થયા હતા! કપડા પર રહેલાં વીર્યમાં શુક્રાણુઓ ૪૫થી ૫૦ મિનિટ સુધી જીવિત રહી શકે છે.
આ વાત હવે મમ્મી પપ્પાને સમજાવવાની હતી.
આ બાળક રમેશનું જ છે એ પૂરવાર કરવા માટે તો ધારાના એમનિયોટિક ફ્લુઈડ લઈને ડિએનએની સરખામણી કરી શકાય અથવા તો બાળક જન્મે પછી… પણ શું બાળક જન્મ લેવા સુધી પહોંચશે ખરો કે, પછી એબોર્શન કરવાનું થશે? આ પ્રશ્નનો જવાબ હવે સવારે મમ્મીપપ્પા સાથે વાત કરીને જ મળશે..!
આટલા વખતમાં પહેલીવાર રમેશને એ બાળક પોતાનું હોવાનો અહેસાસ થયો! શું મારું બાળક મને મળશે? એવો આશાભર્યો પ્રશ્ન જાગ્યો.
એનું કારણ પણ હતું. આ બધી બની રહેલી ઘટનાઓ વખતે ચિંતાજનક અને દયાજનક સ્થિતિ તો વાણીની પણ હતી.
તે વિચારતી હતી, ‘લગ્નને સાત વર્ષ થયા હોવા છતાં બાળક ન થવાથી તેઓ બન્ને ડૉક્ટરની સારવાર લઈ રહ્યાં હતાં. મંદિરના માથું ટેકવી રહ્યાં હતાં અને બાધાઓ રાખી રહ્યાં હતાં. ને અચાનક આજે, પોતાના પતિનું એ બાળક, જઈ ચડ્યું મારી કુંવારી, નિર્દોષ બેનના ગર્ભમાં! એનો અર્થ તો એ જ ને કે, ખામી મારામાં છે, પતિમાં નહીં!’
તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે પોતાની સાસુએ રમેશને બાળક માટે ફરી પરણાવવાની વાત કરી હતી. તેને રમેશનું એ વાક્ય યાદ આવ્યું, “મમ્મી ફરી લગ્ન કરીને શું કરવાનું? ખામી તો મારામાં છે. વાણીમાં નથી. એ તો બિચારી વગર વાંકે બધાનું સાંભળે છે.”
પોતાની અને ધારાની નિર્દોષતા પૂરવાર કરવાનો ઉકેલ તો મળ્યો! પણ શું તે સાચે પોતાને કે, ધારાને નિર્દોષ સાબિત કરી શકે તેમ હતો? કારણ કે, આ આંટીઘૂંટી, તેના મમ્મી પપ્પાને સમજાવવી તો કેવી રીતે?
તો બીજી બાજુ, વાણી આખી રાત વિચારતી રહી કે મારા આવા પ્રેમાળ પતિને સંતાન-સુખથી વંચિત રાખવાનો મને કોઈ હક નથી. તો શું ધારાનું એબોર્શન મારે રોકવું જોઈએ? પણ ધારાને વગર વાંકે આવડી મોટી સજા કરવી યોગ્ય ગણાય? એ તો પોતે જ હજુ બાળક જેવી છે! એને તો એ ખબર પણ નથી કે, તે કયા ગુનાની સજા ભોગવી રહી છે? ખરો ગુનેગાર કોણ છે? કોઈ ગુનેગાર છે પણ ખરો કે નહીં?’
વાણીને ખબર હતી, પતિ રમેશ તો ધારાના હિતમાં જ ફેંસલો કરશે. એટલે માતાપિતાને તેમજ ધારાને સાચી પરિસ્થિતિનો ચિતાર આપવાનું કામ તેણે જ કરવું પડશે. તો પણ વાણીએ બીજે દિવસે સવારે, ધીરજથી સૌથી પહેલાં માતાપિતાને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કરતાં કહ્યું કે;
“પોતે માતા બનવા સક્ષમ નથી, વળી ધારાના ગર્ભમાં પતિનું બાળક ઊછરી રહ્યું છે. ધારાની ખુશીઓ છીનવી લેવાનો તેને કે બીજા કોઈને કોઈ હક નથી પણ પોતાના પતિનું બાળક આમ…!” અને એ રડી પડી.
માતાપિતા માટે પણ આ કપરી ઘડી હતી. કઈ દીકરીના પક્ષે નિર્ણય કરે ને કઈ દીકરીને સમજાવે અને સમજાવીય શું શકાય…?
આ બાજુ, રમેશે કહ્યું, “મારા અને વાણીના સ્વાર્થ માટે નાદાન અને સત્તર અઢાર વરસની ધારા પર આટલી મોટી જવાબદારી નખાય નહીં અને એનું ભવિષ્ય, એના અરમાન, બધું જ દાવ પર ન લગાડાય…! ધારાનું એબોર્શન થાય, એ જ એના માટે યોગ્ય છે.”
ઘરના સૌએ નિર્ણય કર્યો કે, ધારા પરિસ્થિતિ જાણ્યા પછી જે નિર્ણય કરશે તે સર્વમાન્ય ગણવામાં આવશે.
બધાએ ભેગા મળીને શરમને નેવે મુકીને, આ બન્યું કેવી રીતે, તે ધારાને સમજાવ્યું. તે વખતે ધારાને વઘુ શરમ આવતી હતી કે, રમેશ અને વાણીને, તે કળવું બહુ મુશ્કેલ હતું.
ધારાને હવે એ સમજાયું કે, પ્રેગ્નન્સી કેવી રીતે રહી છે, સાથે એ પણ સમજાયું કે, દીદી, મા બની શકે તેમ નથી. ત્યારે ધારાનો ચહેરો પેલી બાળકી ‘ધારા’ જેવો ન હતો.
સૌને તેના સ્મિતસભર ચહેરામાં જગતજનની મા સ્કંદમાતાનાં દર્શન થયાં! સર્વ સંતાનોનું રક્ષણ કરનારી મા સ્કંદમાતા!
~ રશ્મિ જાગીરદાર
9 ઓક્ટોબર 2024