“ન કૌંસમાં, ન કૌંસ બહાર” ~ મૂળ લેખકઃ સરોજ પાઠક ~ અસ્વાદઃ ઉદયન ઠક્કર
આવા કૌંટુંબિક કલબલાટમાં એક દિવસ દિવ્ય બોલ્યો, ‘…આવવાનો છે. એઈ, સાંભળે છે કે?’ ખડખડાટ હસતી શુચિને જાણે ગમ્મતમાં કોઈએ પીઠ પર ધબ્બો માર્યો.ચામડીએ ચણચણાટ થયો. દિવ્ય ફરી બોલ્યો, ‘…આવવાનો છે…ટ્રેનમાં અહીંથી પસાર થવાનો છે… આપણે સ્ટેશને મળવા જવાનું.. એ તો મોટો માણસ… તારા નામે એ આપણા ઘરે જરૂર આવશે…બાકી એને મરવાનીય ફુરસદ નથી…’ શુચિનું મગજ ફૂંફાડી ઊઠ્યુંઃ ‘કેટલી વાર કહ્યું છે… બધાંને જમાડી જમાડી હું થાકી ગઈ છું.’ (આવ તો ખરો અહીં! હરામખોર! તું એ જોવા આવે છે કે હું કેવી બરબાદ છું?.. સો વાર જોઈ લે! આ મારી કાયા- ચાર બાળકોના જન્મ પછીય, પથ્થર જેવું મીંઢું તારું હૈયુંય તોડી નાખે એવી તાકાત ધરાવે છે! હું મારા દિવ્યને ચાહું છું.. આ બધાં બાળકોને જો!..રખે ભૂલેય વિચારતો તે તારા નામ પરથી કોઈનું નામ..)
તે રાતે ખાસ દિવ્ય પાસે જઈ તેની છાતી પર થપાટ મારી તેણે કહ્યું,’તમે તબિયતની સંભાળ રાખતા હો તો!.. કંઈ ઘરડાં નથી થઈ ગયાં આપણે! ચાર છોકરાં થયાં તો શું થઈ ગયું?’ કંઈ જ નહોતું થઈ ગયું એમ દિવ્યે તે રાતે, અપાર સુખ મળ્યા પછી,અનુભવ્યું. ‘આવી તો જા-જોઈ લઉં છું’ જેવા ભાવમાં શુચિએ રાતની સવાર પાડી દીધી. ‘ગીતિ-સુગીતિ,આ શો ઠઠારો? કંઈ જરૂર નથી નવાં કપડાં પહેરવાની.’ (એ આવવાનો છે એથી મારા ઘરમાં કોઈ ફેર પડવો ન જોઈએ.) ‘ગજરીઈઈ, બટાટાવડાં, હા એ જ બનાવવાનાં છે.’ (એને એમ કે ભાવતાં ભોજન બનાવીને હું હાથમાં પંખો લઈને પ્રતીક્ષા કરતી હોઈશ.. મોટો માણસ! મજાલ છે કે મારું સ્થળ એમ ને એમ પસાર કરે? કાન પકડીને આ ઘરમાં લાવું…) ‘ફૂલદાનીમાં મોગરાનું ફૂલ તો નહિ જ.’ (જી, આવો! આ મારા પતિદેવ, સર્વસ્વના અધિષ્ઠાતા. તું કંઈ જ નથી, મૂરખ! ઉંબરા બહારનો માણસ!.. હાજી, ચાર છોકરાં અને બીજાં ચાર થશે, તું પૂછનાર કોણ?) ‘હું સ્ટેશન પર કંઈ આવતી નથી.’ (એનાં રાઈ-લૂણ ઉતારવાનાં હોય તેમ!) ‘બસ, મારો સંદેશો કહેજો.’ (આજ્ઞા કરું છું, એમ જ કહેજો.) ‘ઊતર્યા વગર નહિ રહે.’ (જી? રોકાવાના છો? અમુક કલાક? કલાકોનાં દાન કરવા નીકળ્યા છો? નીકળ અહીંથી! તારે મન એમ કે ‘કેવી બનાવી!’ અમુક કલાકનું દાન તે વખતે તો ન દઈ શક્યો બાયલો! બેવચની!)
(હવે ગાડી સ્ટેશન પર આવી હશે.) ‘નીતિ, મારી પાસે બેસ,બેટા.’ (કુલીય નથી મળતો.) ‘આ જરા ચાખો તો, સૂરણનું રાયતું!’ (ટેક્સી કરતાં વાર કેટલી!) ‘એઈ ગજરી,પંખો સ્પીડમાં ચલાવ.’ એટલામાં દિવ્ય આવ્યો, ‘પેલાનો કાર્યક્રમ જ કેન્સલ થયો. એણે ખાસ માણસ મોકલાવીને અફસોસ વ્યક્ત કર્યો.’ (શું? ન આવ્યો? ફરી મને બનાવી?) ગીતિ ઘડિયાળને ચાવી આપતી હતી. એકાએક કમાન છટકી અને કાંટા ફરતા ગયા… ગીતિના હાથમાંથી ચાવી નીચે પટકાઈને શુચિના માથામાં ટકરાઈ. ‘ઓ મા રે..’ શુચિ રડવા માંડી. ખાસ વાગ્યું નહોતું, તોય આટલું બધું રડવાનું? (છે જ એવો હરામખોર! પણ સારું જ થયું. એ આવી જતે તો એની પ્રતીક્ષા કરવાનો કાર્યક્રમ જીવનમાંથી સદાને માટે બાદ થઈ જતે.)
વિવાહિત જીવનમાં પૂર્વજીવનનો પ્રેમી પ્રવેશે તે ઘટના અનોખી નથી. પરંતુ લેખિકાએ કરેલી તે ઘટનાની માવજત, અને વાર્તાની રૂપનિર્મિતિ અનોખી છે. વાર્તાના આરંભે સાંસારિક સુખોથી ભર્યું ભર્યું શુચિનું કુટુંબ વિગતે વર્ણવાયું હોવાથી તત્પશ્ચાત્ આવતી માનસિક તાણ સાથે તરતોતરત વિરોધ રચાય છે. વાર્તાનું ‘વસ્તુ’ (કથયિતવ્ય) આટલું જ છે- શુચિનો એક પ્રેમી હતો. તેનું નામ છેલ્લે સુધી અપાયું ન હોવાથી રહસ્ય ઊભું થાય છે, જે છૂપા પ્રેમ સાથે સુસંગત છે. તેને મોગરો ગમતો હતો. (માટે શુચિ ઘરમાંથી તે ફૂલ દૂર કરાવે છે.) તેણે શુચિને લગ્નનું વચન આપ્યું હતું. (માટે શુચિ તેને બેવચની ને બાયલો કહે છે.) પ્રેમી સાથે અંતરંગ સંબંધ હતો, માટે જ શુચિ આવવા માટે ‘આજ્ઞા’ કરી શકે છે; હક્કથી અપશબ્દો કહી શકે છે. બન્ને વચ્ચે ઓળખાણ છે, એટલું જ દિવ્ય જાણે છે; પ્રેમપ્રકરણથી અજ્ઞાત છે. પૂર્વ-પ્રેમી આવવાનો છે એટલી અમસ્તી વાતથી શુચિના ચિત્તમાં કેટલો બધો ખળભળાટ મચી જાય છે!
ઘરના લોકો સાથેની શુચિની વાતચીત કૌંસની બહાર મુકાઈ છે, જ્યારે મનમાં ચાલતા વિચારો કૌંસની અંદર મુકાયા છે. કૌંસ બહારનું આલેખન તૃતીય પુરુષમાં જ્યારે કૌંસ અંદરનું પ્રથમ પુરુષમાં છે. અર્થાત્ કૌંસની બહાર લેખિકા બોલે છે, અને કૌંસની અંદર શુચિ બોલે છે. આ પ્રયુક્તિથી નવલિકા પ્રાણવાન બને છે. પ્રેમી દાયકાઓ પછી મળશે એ વિચારે શુચિનું ચિત્ત તંગ થઈ ચૂક્યું છે, ત્યારે એકાએક જાણ થાય કે તે આવ્યો જ નથી. આ સ્થિતિને કમાન છટકેલી ઘડિયાળ સાથે સરખાવી છે. વર્તમાનથી ભૂતકાળમાં ઝોલાં ખાતા શુચિના ચિત્તને લેખિકાએ, ઘડિયાળના વેગપૂર્વક ફરતા કાંટા સાથે સરખાવ્યું છે. મિલન શૃંગારનો પ્રકાર છે, તેમ વિરહ પણ શૃંગારનો જ પ્રકાર છે. અંતે શુચિ જાતને આશ્વાસન આપે છે કે વિયોગનું સુખ તેણે ખોયું નથી.
***************