વધાવી દીધો છે…….! ~ ગઝલ ~ દેવિકા ધ્રુવ
સમંદરને અંદર સમાવી દીધો છે.
ને અંગાર રાખે દબાવી દીધો છે.
હતો ભાર એને કળીનો હૃદય પર,
મૂકી એક પથ્થર હટાવી દીધો છે.
કહ્યું પાંખ કાપી હવે ઉડ આભે,
વફાનો શિરસ્તો નિભાવી દીધો છે.
હતું અશ્રુ પાંપણની કોરે લટકતું,
ન ખાળ્યું તો દરિયો વહાવી દીધો છે.
જરા કળ વળી ત્યાં પૂછે લોક આવી,
‘ખુશી છે’ કહી ગમ છુપાવી દીધો છે.
વળી જઈને પાછા કાં ઉછળે છે મોજાં?
હતો જે મિનારો ઉડાવી દીધો છે.
ખુશી દે કે લઈ લે, ફિકર ક્યાં હવે છે?
કહી દો કે ગમને વધાવી દીધો છે.
– દેવિકા ધ્રુવ