|

ગીરવે ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખકઃ સર્વરી ત્રિપાઠી ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની

ચંપાના હાથમાં સોનાની બુટ્ટી જોઈ મને નવાઈ લાગી. તે રડતાં રડતાં બોલી, “બહેન, આ રાખો અને દસ હજાર રૂપિયા આપો. મારે પૈસાની ખૂબ જરૂર છે.”

ચંપા ઘણાં વરસોથી મારે ત્યાં કામ કરે છે. હજી હમણા જ એણે દીકરી પરણાવી. ત્યારે મેં એણે ખાસ્સી મદદ કરી હતી. તેના હાથમાં બુટ્ટીની જોડ છે. એના બદલે એને પૈસા જોઈએ છે. પૈસા પાછા આપશે ત્યારે બુટ્ટી પાછી લઈ જશે. મારી પાસે ગિરવે મૂકવી છે. ગિરવે શબ્દ સાંભળી હું ચમકી.

અચાનક, મને સિત્તેરના દાયકાની વાત યાદ આવી ગઈ.


હું નવી પરણીને ઓડિશાથી બિહારના તાતાનગર શહેર આવી હતી. ત્યારે તાતાનગર બિહારના સિંહભૂમ જિલ્લામાં આવેલું હતું. સિંહભૂમ જીલ્લામાં આવેલા ‘ખરસુઆઁ’ અને ‘શઢેઈકળા’ ઉડિયા ભાષી વિસ્તાર હતા, એ બન્નેને ઓડિશામાં ભેળવવા અંદોલન થયાં હતાં.

મારાં મોટા નણંદની સાસરી, આ ‘ખરસુઆઁ’, તાતાનગરથી સાઈઠ કિલોમીટર થાય. માસા, મારા નણંદના સસરા અમને કાર લઈને લેવા આવ્યા હતાં. સાથે મારો આઠ મહિનાનો બાબો હતો. સાસુએ મારો સંગાથ કરવા મારી ઉંમરના નણંદને સાથે મોકલ્યા હતા. રસ્તાની બન્ને બાજુ ઔદ્યોગિક વિસ્તારમાંથી પસાર થવાનું થયું.

મારા માટે આ બધું નવું હતું. ઓડિશામાં તો બન્ને બાજુ લીલાંછમ્મ ખેતરો, ગાઢ જંગલો જોવા મળે. વચ્ચે વળી ક્યાંક એકાદ ખાંડનું કારખાનું, સિમેંટની ફેક્ટરી, કે ચોખાની મિલ દેખાય.

જોતજોતામાં શઢેઈકળા ચોકડી આવી. શઢેઈકળાનું ‘છઉ’ નૃત્ય ખૂબ પ્રખ્યાત છે. અમને જોઈ પરિવારના બધાં સદસ્યો ખુબ ખુશ થયા. ભાણેજડાનો આંનદ તો માય નહીં.

સંભારી નામની બાઈ મારા દીકરાની સંભાળ રાખવા મૂકી. સંભારી મારી નણંદના સાસુ એટલે કે માસી જોડે એમના પિયરથી આવી હતી. ત્યારની અહીં છે. માસીનું પિયર બાજુના ગામનો જમીનદાર પરિવાર હતો.

સંભારીના ગરીબ બાપાએ થોડા પૈસાના બદલામાં જમીનદારના ઘેર ગીરવે મૂકી  હતી. એના મા બાપ મરી ગયા પછી એ હંમેશ માટે અહીં રહી. છોકરાં એને પ્રેમથી નાની કહી બોલાવતા. ‘ગીરવે’ વળી માણસ? આ શબ્દનો અનુભવ મને પહેલીવાર અહીં થયો.

બીજા દિવસે વહેલી સવારે હજુ તો સુર્યોદય નહતો થયો, એમના ઘરના આંગણામાંનું દૃશ્ય જોઈ હું ખુશ થઈ ગઈ. ખુલ્લી જગ્યામાં ત્રીસથી વધારે આદિવાસી સ્ત્રીઓ અને પુરુષો બેઠા હતાં. એમને ગોળની દૂધ વગરની ચા અને મમરા આપવામાં આવ્યા હતાં. બધાં આંનદથી ખાતા હતાં. આ માસાની મહેમાનગતિ હતી. થોડીવારમાં માસા આવી ખુરશી પર બેઠા. સાથે એમનો મુનીમ ચોપડાં લઈને ઊભો હતા.

મુનીમ ચોપડામાંથી એક પછી એક નામ બોલવા લાગ્યો, “ગોપાલ હાબદા… પેટુ મુંડા… મુચીઆટીઉ… ને સ્ત્રીઓના નામ, “મુનિ… શુકુરી… રવિવારી… વગેરે એક લાંબી યાદી બોલી ગયા. નામ બોલાય ત્યારે કોઈ “હા’ વળી સ્ત્રીઓ, “હા જી” એમ જવાબ આપતી. શું ચાલે છે, એ જોવા હું જરી આગળ આવી.

એમનામાંથી કોઈ કોઈ પોતાના ગાંઠેથી પૈસા કાઢી મુનીમને આપી પોતાના સોનાના ઘરેણાં કે વાસણ પાછા લેતા જાય અને કાગળ પર અંગુઠો પાડતા જાય. એક જણ પોતાનો દસબાર વર્ષનો હૃષ્ટપુષ્ટ છોકરો માસા સામે ઊભો કર્યો.

“તમે નાનો છોકરો લાવવાનું કહેતા હતા ને, આને લાવ્યો છું. પણ બદલામાં દસ મણ ધાન લઈશ.“ છેલ્લે હાડુના બાપાને આઠ મણ ધાન આપવાનું ઠેરવ્યું. એને સંતોષ થયો. માસાને ઘણાં ખેતર, વાડી, ઢોરઢાખર. કામ કરવાવાળા કાયમ ઓછા પડે.

બાપા પાછા ગયા અને હાડુ સીધો ગમાણમાં કામ કરવા ગયો. એ પછી ગિરવે મુકવા આવેલા લોકો આગળ આવ્યા. પોટલામાંથી પિત્તળના મોટા મોટા થાળી, ગોળી, ગાગર વગેરે આગળ ધરતા લાગ્યા. એ વાસણો સૂર્યના કિરણોથી સોના જેવા ચળકતા હતાં. માસા બીજા શાહુકારો કરતાં થોડા ઉદાર હતા. બે ટકા વ્યાજ લેતા. બે વરસનો સમય આપતા.

કોઈના મોં પર લગીરે દુઃખ ન હતું. કેટલાં સરળ, સ્વચ્છ મનના આ આદિવાસી સ્ત્રી, પુરુષો આ બધાં! એમને ખાતરી હતી કે કાલે મહેનત કરીને કમાઈને આ બધું છોડાવી લેશે. કોઈ એકના પણ મોઢે, માસા માટે, ‘જી, હજૂર, શેઠ’ એવો શબ્દ સંભળાયો નહીં. બધાં ‘દાદાબાબુ’ એટલે ‘દાદા’ એમ કહીને બોલાવતા.

એ લોકો આપણી વચ્ચે અકળાતા હોય એવું લાગ્યું. જલદી જલદી પોતાના મુકત વાતાવરણમાં પાછા જવાની વ્યાકુળતા તેમના હાવભાવ ઉપરથી છતી થતી હતી.

માસાની એક ઘરેણાની દુકાન પણ હતી. એમાં આદિવાસી પહેરે એવી ડીઝાઈનના દાગીના ઘડાતા. એ પછી માસાએ ઘરેણાંનો ડબ્બો મગાવ્યો. સ્ત્રીઓ ઘરેણાં ખરીદવા આગળ આવી.

નવા ઘરેણાં ખુબ સુંદર હતા. જાતજાતની કાનની બુટ્ટીઓ હતી. એ સિવાય પશ્ચિમ ઓડિશાની સ્ત્રીઓ પહેરે એવાં હાથના ચાંદીના કડા, પગમાં પહેરવાનાં સાંકળા અને કડા ખુબ સુંદર હતાં. મેં એક જોડ બુટ્ટી પસંદ કરી કે તરત એક બહેને એ તે ઝૂંટવી લીધી.

“આ તો મારે લેવાની છે. હું ‘માઘે’માં (એ લોકોનો તહેવાર) પણ (વાંકડો) આપીશ.”

“તમારી પાસે આટલાં બધાં પૈસા ક્યાં થી આવ્યા?” મેં પૂછ્યું. આ સાંભળી બધાં હસવા લાગ્યા. મુનીમે મને સમજાવ્યું, આ લોકો ખુબ મહેનતુ હોય. આખું વરસ જંગલમાં જઈને લાકડાં કાપે, મહુડાં વીણે, ખાખરાના પાન તોડી વેચે, ખેતી કરે. પોષ અને મહા મહિનામાં એ લોકોનો મોટો તહેવાર ‘માઘે’ આવે. ત્યારે સ્ત્રી, પુરુષ પોતાનો જીવનસાથી પસંદ કરે.

દરેક જણ એકથી વધારે વાર પસંદ કરી શકે. લગન વખતે છોકરીના બાપાને, છોકરાનો બાપ સોનું, ગાય, ભેંશ, બકરી કે મરઘાનો વાંકડો આપે. આ લોકો સ્વતંત્ર મિજાજના હોય.

એ પછી એક દિવસ અમે ગાડામાં બેસી વાડીએ ગયા. લગભગ પાંત્રીસ વીઘાં જમીનમાં ડાંગર, કઠોળ, રાઈ, શાકભાજીની ખેતી થાય. કેરી, કેળા, ફણસ, લીંબુ, વગેર ભાતભાતના ફળો મળે અને પોખરમાં (તળાવ) માછલીની ખેતી થાય.

વાડીની વચ્ચે બાંધેલા પાકા મકાનમાં અમે આરામ કર્યો. ચોકીદાર સુધાકર અને તેની પત્ની અમારી સેવામાં આવી ગયા. અમે બધાં થઈને વીસ જણા હતા. રસોઈ તૈયાર થવા આવી હતી.

વરંડામાં એક પાટ હતી. એની ઉપર ઊભા થઈને  જુઓ તો દૂરદૂર સુધી ડાંગરના ખેતર દેખાય. હળદર જેવા પીળા રાઈના ફૂલોથી ક્યારીઓ શોભતી હતી. ખેતર જ્યાં પતે ત્યાં પર્વતમાળા અને જંગલ હતા. પર્વતમાળામાંથી વહી આવતી નદીની ધારે ધારે કાંસના ફૂલના દૃશ્યો મન મોહી લે. ક્યારેક રાતે હાથી આવી ચઢે અને પાક ઉજાડી નાખે.

રસોઈ બની ગઈ. અમે બધાં પંગતમાં જમવા બેઠાં. પુલાવ, માછલીનું શાક, વાડીમાંથી તોડીને લાવેલાં તાજાં શાકભાજીનું શાક ખૂબ સ્વાદિષ્ટ હતાં. સાથે ખીર અને ખરસુઆઁના પ્રખ્યાત લાડુ પીરસાયા હતાં. ત્યાં તો આશરે  સિત્તેરેક વરસની ડોસી આવી જોરજોરથી રડવા લાગી. સુધાકર અને તેની પત્ની બધાનું ધ્યાન રાખતાં હતાં. એ લોકો ડોસીને સમજાવીને અંદર લઈ જવાના ઘણાં પ્રયત્ન કર્યા. પણ ડોસી સાંભળતી નથી.

અચાનક મારો હાથ પકડી લીધો. જમીન પર માથું પછાડવા લાગી. હું બી ગઈ, ઊભી થવા ગઈ, એણે વધારે જોરથી મારો હાથ પકડી રાખ્યો. હું એમાંથી છૂટી શકી નહીં. એ વારંવાર મને કહેતી હતી, “વહુ બેટા, દાદાબાબુને કહે મારી જમીન પછી આપી દે. “ હું માંડ માંડ હાથ છોડાવી અંદર જતી રહી.

મને પછી ખબર પડી કે સુધાકરના દાદા એક મોટા ખેડૂત હતા. માસાના ખેતરને અડીને એમની લગભગ ૭૦ વીઘા જેટલી જમીન હતી. એમને અસાધ્ય રોગ થયો એટલે દવાદારૂના પૈસા માટે માસાના બાપાને ત્યાં ગીરવે મૂકી. નક્કી થયા પ્રમાણે દર વર્ષે ખાવા પુરતું ધાન મળતું. સુધાકરના બાપા પણ એ ઋણ ચૂકવી ન શક્યા. એમની બધી જમીન માસાની જમીન જોડે ભળી ગઈ.

એ ઉપરાંત બે બળદ પણ માસાના બાપાને આપવા પડ્યા. એની મા ત્યારથી પાગલ થઈ ગઈ છે. ગામના દરેક માણસને ફરિયાદ કરે. કોઈ નવી વ્યક્તિને જુવે તેને વિનંતી કરે. સુધાકર આ વાત કરતી વખતે ખુબ દુઃખી જણાતો હતો.

પછી મેં માસાને પૂછ્યું કે વાત શું હતી. ત્યારે એમને કહ્યું, “જો વહુ, સુધાકરની જમીન તેના બાપાના વખતથી આપણી જમીન જોડે ભળી ગઈ છે. ખાલી એમની નહીં પણ બીજા ઘણાં લોકોની જમીન ભેગી થઈને આટલી મોટી વાડી બની છે . આ બધું મેં સંભાળ્યુ એ પહેલાં થયું છે. હવે સુધાકર મારો ભાગિયો છે, અને એની બધી જવાબદારી મારી છે.”

સુધાકર પોતાની જમીનમાં અત્યારે ભાગિયો છે, એ વાત મને ખટકી.

“તમે સુધાકરની જમીન કેમ પાછી નથી આપી દેતા? આટલા મોટા ખેડૂતનો દીકરો, હાલ ભાગિયા તરીકે મજૂરી કરે છે, એ કેવું લાગે?”

“એના દાદાએ જમીન ગીરવે મૂકી હતી. હાલ એના કોઈ કાગળિયાં નથી. એકને જો પાછી આપું તો બધાં પોતપોતાની જમીનનો દાવો કરે. મેં આજ સુધી કોઈની જમીન ગીરવે નથી લીધી. કોઈને એ માટે પ્રોત્સાહન પણ નથી આપ્યું. અગવડ વખતે સાવ ઓછા વ્યાજે પૈસા આપી મદદ કરું છું.

હું જો હાલ ધીરવાનું બંધ કરું તો એ લોકો બીજા શાહુકાર પાસે જશે અને ચક્રવૃદ્ધિ વ્યાજે પૈસા લેશે. આદિવાસીઓની સુરક્ષા માટે સરકારે નિયમ બનાવ્યો છે, કોઈ એમની જમીન ખરીદી શકે નહીં કે ગિરવે રાખી ના શકે.”

મારા માટે થઈને આયોજન કર્યું અને મેં ખાધું નહીં એટલે બધાંને જરી  ખરાબ લાગ્યું. ત્યાં વધારે રોકાયા નહીં, અને પાછા આવ્યા.

રાતે ઊંઘતી વખતે પલંગ તરફ મારું ધ્યાન ગયું. આગલે દિવસે જોયું ન હતું. શાગના બનેલ પલંગમાં કોતરીને સુંદર કારીગીરી કરેલી. પાયા હાથીના પગ જેવા હતાં.

ધ્યાનથી જોયું તો એમાં એક પિત્તળનું તાળું લાગેલો કલાત્મક પટારો હતો. મોટીબહેનને પૂછ્યું તો બોલ્યા, “મારી સાસુ પિયરથી સાથે લાવેલાં. એમાં ગામલોકોના થોડાં વાસણ છે.” એટલું કહી તે ઝડપથી ત્યાંથી જતાં રહ્યા. હું થાકેલી હતી એટલે બાબાને પડખામાં લઈ તરત ઊંઘી ગઈ.

અડધી રાતે અચાનક પલંગમાંથી વાસણ નો ખડખડાટ સંભળાયો. પલંગ પણ જરી હલ્યો. મારી સામેથી એક સ્ત્રી પાણીની ગોળી હાથમાં લઈને ઊભી, પછી તરત અદૃશ્ય થઈ ગઈ.

હું ખુબ ડરી ગઈ. અવાક બની આંખો ફાડી જોતી રહી. એ પછી તરત એક માણસે પટારો ખોલી એમાંથી કાગળની થપ્પી કાઢી હવામાં ઉડાડી, જાદુ થયો હોય એમ કાગળ હવામાં અદૃશ્ય થઈ ગયા. પટારો એટલી જોરથી હલ્યો, લાગ્યું જાણે ધરતીકંપ થયો.

વિક્રમાદિત્યના સિંહાસનની બત્રીસ પૂતળીઓ ની જેમ પટારામાંથી વાસણ, સોનાના દાગીના વગેરે વસ્તુ એક પછી એક લઈ સ્ત્રી પુરુષો અદૃશ્ય થઈ જતા હતા. અચાનક સુધાકરના બાપા મોટા મોટા શિંગડાં વાળા હૃષ્ટપુષ્ટ બળદ લઈ ગુસ્સાથી મારી સામે ધસી આવ્યા. બાબાને બથમાં લઈ મેં મોટેથી ચીસ પાડી. બાબો જોર થી રડવા લાગ્યો. બધાં દોડી આવ્યા.

બીજે દિવસે ભૂવાને બોલાવી મારા અને બાબા પર મંત્ર-તંત્રના ઉપચાર કરવામાં આવ્યા. કારણ એ કે સુધાકરની ડાકણ માએ અમારા પર કામણટુમણ કર્યા છે. મેં પણ આ નાટકમાં સહયોગ આપ્યો. મનમાં તો હું સમજતી હતી કે આ કોઈ ભૂત ડાકણનો પ્રભાવ નથી, પણ ગિરાણ (ગિરવે) પ્રથાના ભૂતે મને ડરાવી હતી.

હું વર્તમાનમાં પાછી આવી. ચંપાની હથેળીમાંની બુટ્ટી એને પાછી આપી. કહ્યું, “આ તેરી પાસે રાખ. એક શરતે તને પૈસા આપું  છું. આજ પછી કોઈ દિવસ કોઈ પણ વસ્તુ ગિરવે મુકીશ નહીં.”

જે વિસ્તારમાંથી મને ગિરાણ પદ્ધતિનો અનુભવ થયો હતો ત્યાંના આદિવાસી લોકો આજકાલ વન્ય સંરક્ષણના કાયદા હેઠળ ખાલી જંગલ પર નભતા નથી. ભણીગણીને સારી નોકરીઓ કરે છે. એ લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. પણ આજે દુઃખ એ વાતનું થયું કે હજુ પણ આપણાં સમાજમાં પરોક્ષ રીતે આ પ્રથા ચાલે છે.

લેખિકાનો પરિચયઃ સર્વરી ત્રીપાઠી:


જન્મ – ૧૦-૬-૧૯૫૧ , સ્થળ – તાલચેર, જીલ્લો- ઢેંકાનાળ (ઓરિસ્સા). વાર્તાકાર, નિબંધકાર, સંપાદક (સ્મરણિકા) કૃતિઓ ઓરિસ્સાની પ્રખ્યાત પત્રિકા, વિશ્વમુક્તિ, શતદ્રુ, ચિરસ્રોતા મહાનદી, વર્તિકા વગેરે પત્રિકાઓમાં પ્રકાશિત થતી રહે છે.

પુરસ્કાર: સ્કૂલ – કોલેજના સમયથી વાર્તા – કવિતાઓ પુરસ્કૃત  થઈ છે.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.