શ્રીમદ્ ભાગવત કથા ~સ્કંધ ત્રીજો~ અધ્યાય ઓગણીસમો ~ “હિરણ્યાક્ષનો વધ” ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(ત્રીજા સ્કંધના અધ્યાય અઢારમો –  “હિરણ્યાક્ષ સાથે વારાહ ભગવાનનું યુદ્ધ ”  માં આપે વાંચ્યું કે; હિરણ્યાક્ષ કઈ રીતે મદોન્મત્ત થઈને યુદ્ધ માટે ત્રિલોકમાં સહુને લલકારતો ફરે છે અને પછી પૃથ્વીને રસાતલમાંથી કાઢતાં ભગવાન વારાહને પડકાર ફેંકે છે. બેઉ વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે. બ્રહ્માજી પ્રભુને માટે ચિંતિત થઈને કહે છે કે આ અસુરને તરત હણી નાખો નહીં તો એ વધુ ઉત્પાત્ત મચાવીને તમને થકવી નાખશે. હવે અહીંથી વાંચો સ્કંધ ત્રીજાનો અધ્યાય ઓગણીસમો, “હિરણ્યાક્ષનો વધ”)

આ અધ્યાયમાં કુલ ૩૮ શ્લોકો છે.

સૂતજી કહે છે, – હે શૌનકાદિ મુનિઓ, હવે હિરણ્યાક્ષ દૈત્યના વધની વાત શ્રીમૈત્રેયજીએ વિદુરજીને કહી હતી એનો વૃતાંત તમને કહું છું, એ ધ્યાનથી સાંભળો

II मैत्रेय उवाच II
अवधार्ये विरिंचस्य निर्व्यलिकामृतं वचः I
प्रहस्य प्रेमगर्भेण तदपाङ्गेन सोSग्रहीत II १ II 

મૈત્રેય કહે છે કે- હે વિદુરજી, બ્રહ્મદેવનું નિષ્કપટ અમૃતમય વચન સાંભળી ભગવાન ખૂબ હસ્યા અને પછી તે વચનને પ્રેમયુક્ત હાસ્ય વડે માન્ય જ કર્યું.
(હસવાનુંકારણ એ છે કે,ભગવાનના મનમાં એમ આવ્યું કે આ બ્રહ્મા દેવોમાં સૌથી મોટા છે, તો પણ કંઈ સમજ્યા વિના વૃથા ભય પામે છે અને સર્વના કાળ-સ્વરૂપ મને પણ ઉપર કહ્યા પ્રમાણે અભિજિત નામના સારા મૂહુર્તનો યોગ વધકાર્યમાં સહાયક છે એમ જણાવે છે. એ કેવું અ-જ્ઞાન અથવા પ્રેમભર્યું અ-જ્ઞાન!)

પછી બ્રહ્માની નાસિકામાંથી ઉત્પન્ન થયેલી તે વરાહમૂર્તિએ પોતાની સામે નિર્ભય થઈ ઘૂમતા શત્રુ હિરણ્યાક્ષને પોતે એકદમ ઉછળી જડબામાં ગદા મારી. પરંતુ હિરણ્યાક્ષે ગદા વડે ભગવાનની ગદા પર પ્રહાર કર્યો કે જેથી તે ગદા ભગવાનના હાથમાંથી છૂટી જઈ, ઘૂમરી ખાઈને પૃથ્વી પર પડી અને દૈત્યનું પરાક્રમ દીપી નીકળ્યું. એ આશ્વર્ય જેવું બન્યું હતું. એ વેળા તે દૈત્યને લાગ મળ્યો હતો, છતાં તેણે ધર્મયુદ્ધને માન આપી, આયુધરહિત ભગવાન પર પ્રહર કર્યો નહિ પણ ભગવાનને કોપાવવા માંડ્યા.

ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ ત્યારે સર્વ સ્થળે હાહાકાર થયો. પછી ભગવાને નિ:શસ્ત્ર ઉપર પ્રહાર ન કરવા માટે તે દૈત્યના યુદ્ધ-ધર્મની પ્રશંસા કરીને પોતાના આયુધ, સુદર્શનચક્રને યાદ કર્યું.

ભગવાન પોતાના જ જે પાર્ષદ હતા, એ અધમ દિતિપુત્ર સામે યુદ્ધ કરતા હતા, ત્યારે ત્યાં તેમના પ્રભાવને ન જાણતા, આકાશચારી દેવોની આવી જાત જાતની વાણી થવા લાગી, “હે વરાહ ભગવાન, તમારૂં કલ્યાણ થાઓ. તમે આ દૈત્યનો વધ કરો.

પેલો દૈત્ય, પણ ચક્રધારણ કરનારા અને કમળની પાંખડી સમાન નેત્રવાળા ભગવાનને આગળ ઊભેલા જોઈને ક્રોધથી  ફૂંફાડા નાખતો પોતાના હોઠ પીસવા લાગ્યો અને વિકરાળ દાઢોવાળા તે દૈત્યે, નેત્રો વડે જાણે બાળી નાખતો હોય તેમ ભગવાન સામે જોઈને કૂદ્યો અને અમિષ્ટ વચનો બોલીને કહે, ‘હવે તું મર્યો જ સમજજે. કોઈ રીતે બચી નહીં શકે.’ એમ કહી, ગદા વડે ભગવાન ઉપર પ્રહર કર્યો. એટલે ભગવાન યજ્ઞ-વરાહે વાયુ સમાન વેગવાળી તે ગદાને શત્રુના દેખતાં ડાબા પગની લાત મારી અને રમત માત્રમાં પૃથ્વી પર પાડી નાખીને કહ્યું કે- ‘હથિયાર લે અને યુદ્ધ કર. કેમ કે તું મને જીતવા ઈચ્છે છે.”

ભગવાને જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ફરી તે દૈત્યે ગદા ઉઠાવીને પ્રહાર કર્યો અને મહાભીષણ ગર્જના કરી. ભગવાને તે ગદાને સામે આવતી જોઈને તેની સામે ઊભા રહીને જેમ ગરુડ સામે આવેલી  સાપણને પકડી લે, તેમ, રમતમાં પકડી લીધી. એ રીતે પોતાનો પુરુષાર્થ નાશ પામ્યો એટલે તે મહાન અસુર ગર્વરહિત અને નિસ્તેજ થયો. ત્યારે શ્રી હરિએ તેને ગદા આપવા માંડી. પરંતુ તેણે તે લેવાની ઈચ્છા ન કરી. પણ પછી જેમ બ્રાહ્મણોને ઉદ્દેશી અભિચાર કર્મ (અભિચાર કર્મ એટલે કોઈને મારી નાખવા માટે આરંભેલું હોમ, કર્મ કે મંત્ર પ્રયોગ) કરતો કોઈ મનુષ્ય હોમવાના દ્રવ્યને લે તેમ, તે દૈત્યએ વરાહ સ્વરૂપ ભગવાન સામે (મારવા માટે) ત્રણ શિખાઓવાળું ત્રિશૂળ ઊઠાવ્યું કે જે બળતા અગ્નિની જેમ બીજાને ગળી જવા આતુર હતું. મહાન દૈત્ય યોદ્ધાએ ભગવાન સામે ફેંકેલું એ ઉત્કટ કાંતિવાળું ત્રિશૂળ આકાશમાં ઝળહળતું હતું.

જેમ ગરુડે*** તજેલા પીંછાને ઈન્દ્રે વજ્ર વડે કાપી નાખ્યું હતું, તેમ, ભગવાને એ ત્રિશૂળને તીક્ષ્ણ ધારવાળા ચક્ર વડે કાપી નાખ્યું. (ગરુડ દેવોનો પરાજય કરી અમૃતનો કળશ લઈ જતો હતો ત્યારે ઈન્દ્રએ તેની સામે વજ્ર ફેંક્યું હતું. ગરુડે અમોધ વજ્રનું માન રાખવા એક પીંછું ત્યજી દીધું હતું. તે પીંછાને વજ્રે કાપી નાખ્યું ત્યારે આકાશમાં તે જેમ પ્રકાશતું હતું તેવું જ હિરણ્યાક્ષે ફેંકેલું ત્રિશૂળ પણ આકાશમાં પ્રકાશતું હતું.)

પોતાના ત્રિશૂળને ભગવાનના ચક્રે એ રીતે કાપી નાખ્યું ત્યારે તે અસુરનો રોષ અત્યંત વધ્યો. તેણે ભગવાનની સામે આવી લક્ષ્મીના રહેઠાણ રૂપ તેમની છાતીમાં કઠોર મૂઠી મારી અને ગર્જના કરી ત્યાંથી અદ્રશ્ય થયો. એમ તેણે પ્રહાર કર્યો છતાં ભગવાન વરાહ પુષ્પમાળાથી મારેલા હાથીની જેમ જરા પણ ડગ્યા નહિ. પછી એ દૈત્યે યોગમાયાના અધિશ્વર, શ્રી હરિ ઉપર અનેક પ્રકારની માયા રચવા માંડી. જેને જોઈને ત્રાસ પામેલી પ્રજાઓ જગતનો પ્રલય માનવા લાગી. તે સમયે ધૂળનું અંધારું ફેલાવતો પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો અને ગોફણોમાંથી પડતા હોય તેમ દિશાઓમાંથી પથ્થરો પડવા લાગ્યા.

વીજળીઓ સાથે ગર્જના કરતાં વાદળાંથી આકાશમાં નક્ષત્રોનો સમૂહ દેખાતો બંધ થયો અને તે વાદળાંમાંથી પરુ, વાળ, લોહી, વિષ્ઠા, મૂત્ર તથા હાડકાં વારંવાર વરસવા લાગ્યાં. પર્વતો જાતજાતનાં હથિયારો ફેંકતા હોય તેવા દેખાયા અને ત્રિશૂળવાળી તેમ જ છુટા વાળવાળી નગ્ન રાક્ષસીઓ સર્વ તરફ દેખાવા લાગી. વળી અનેક યક્ષો, રાક્ષસો, પાળાઓ, ઘોડેસવારો, રથીઓ તથા હાથી સવારો હાથમાં હથિયારો લઈ, ‘મારો, કાપો’ એવી મહાભયંકર વાણી બોલવા લાગ્યા.

એ વેળા યજ્ઞમૂર્તિ ભગવાને, પ્રકટ થયેલી તે આસુરી માયાઓનો નાશ કરવા પોતાનું પ્રિય સુદર્શનચક્ર છોડ્યું. તે જ સમયે, દિતિના હ્રદયમાં એકાએક કંપારી છૂટી. તેને સ્વામીનું વચન યાદ આવ્યું અને તેના સ્તનમાંથી લોહી વહેવા લાગ્યું. પેલો દૈત્ય પોતાની માયાઓ નાશ પામી એટલે ફરી ભગવાન પાસે આવી ક્રોધથી તેમને બે બાહુની વચ્ચે લઈ, પીસી નાખવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ ભગવાનને ભુજાઓની બહાર જ રહેલા તેણે જોયા.

પછી વજ્ર જેવી બળવાન મુઠ્ઠીઓથી ભગવાનને તે મારવા લાગ્યો. ત્યારે જેમ ઈન્દ્રએ વૃત્રાસુરને મારવા પ્રહાર કર્યો હતો તેમ, ભગવાને તેના કાનના મૂળ ભાગમાં મૂઠ્ઠીથી પ્રહાર કર્યો. જગતને જીતનારા ભગવાને એ રીતે સહેજ જ (નહિ કે બળથી) પ્રહાર કર્યો કે હિરણ્યાક્ષનું શરીર ચોતરફ ભમવા લાગ્યું, નેત્રો બહાર નીકળી ગયા, હાથ-પગ તથા મસ્તકના વાળ વિખરાઈ ગયા અને વાયુએ ઉખેડી નાખેલા વૃક્ષની જેમ તે નિષ્પ્રાણ થઈને ધરણી પર પડ્યો. મરીને પડવા છતાં એ દૈત્યનું તેજ હજુ ઝાંખું પડ્યું ન હતું.

તેને જોઈને એ વેળા ત્યાં આવેલા બ્રહ્માદિક દેવો તે વિકરાળ દાઢોવાળા અને પીસેલા હોઠવાળા અસુરની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે,’ અહો, શ્રી હરિના હાથે આવું અલભ્ય મૃત્યુ કોને મળે?’

પોતાની મિથ્યા માયારૂપ ઉપાધિથી છૂટવા માટે યોગીઓ એકાંતમાં યોગસમાધિથી જેમનું ધ્યાન ધરે છે, તે ભગવાનના ચરણથી હણાયેલા આ શ્રેષ્ઠ દૈત્યે, શ્રી ભગવાનનું મુખ જોતાં જોતાં શરીર છોડ્યું. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ -એ બંને ભગવાનના પાર્ષદો છે. તેઓ શાપને લીધે, આ અસુરપણાને પામ્યા છે, પણ કેટલાક જન્મો લઈ ફરીથી પોતાનું તે સ્થાન પામશે.

દેવતાઓ ત્યારે ભગવાનની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે; – હે, સમગ્ર યજ્ઞો વિસ્તારનારા અને જગતના પાલન માટે, નિર્મળ સત્વમૂર્તિ ધારણ કરનારા, આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ.

હે ઈશ્વર, જગતના મર્મસ્થાનોમાં અત્યંત પીડા કરનારા આ દૈત્યનો આપે નાશ કર્યો તે બહુ જ સારું કર્યું છે. હવે આપના ચરણની ભક્તિથી અમે નિશ્ચિંત બન્યા છીએ.

મૈત્રેયજી પછી વિદુરજીને કહે છે કે; – હે વિદુરજી, આ પ્રમાણે અસહ્ય પરાક્રમવાળા હિરણ્યાક્ષનો નાશ કરી, બ્રહ્માદિ દેવોની સ્તુતિ પામી શ્રી હરિ પોતાના વૈકુંઠલોકમાં ગયા.

હે વિદુર, હિરણ્યાક્ષનો મહાયુદ્ધમાં રમકડાની જેમ ભગવાને નાશ કર્યો તેવા વરાહ અવતાર લેનારા ભગવાનનું ચરિત્ર જે પ્રમાણે મેં ગુરુ પાસેથી સાંભળ્યું છે, તે જ પ્રમાણે તમને કહ્યું છે.

સૂતજી કહે છે કે; – હે શૌનકજી, એ રીતે મૈત્રેયજીએ કહેલી ભગવાનની કથા સાંભળી, મહાભક્ત વિદુરજી પરમ આનંદ પામ્યા.

હે બ્રાહ્મણો, જે મનુષ્ય પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહ અવતાર લેનારા શ્રી ભગવાનનું આ ‘હિરણ્યાક્ષ વધ’ નામનું

મહા અદ્દભૂત ક્રીડા -ચરિત્ર સાંભળે, ગાયન કરે અથવા અનુમોદન આપે, તે મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી પણ છૂટી જાય છે. હે વિદુરજી, સ્વર્ગાદિલોકને આપનારું આયુષ્ય અને સર્વ આશીર્વાદોનું સ્થાન, પ્રાણ તથા ઈન્દ્રિયોની રક્ષા કરનારું

અને યુદ્ધમાં શૌર્ય વધારનારું આ ચરિત્ર જેઓ સાંભળે છે, તેઓ અંતે શ્રી નારાયણ ભગવાનને પામે છે.

અંતિમ શ્લોકઃ
एतमहापुण्यमलं पवित्रं धन्यं यशस्यं पदमायूराशिषाम् I
प्राणान्द्रियाणां युधि शौर्यवर्धनं नारायणोSन्ते गतिरङ्ग् शृण्वताम् II ३८II

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો તૃતીય સ્કંધનો “હિરણ્યાક્ષનો વધ” ” નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

II શ્રી હરિ ૐ તત્સત II

વિચાર બીજઃ 
૧. 
આ યુદ્ધમાં વપરાયેલા બધા માયાવી શસ્ત્રો-અસ્ત્રો આજના આધુનિક સમયનાં અણુશસ્ત્રો હોઈ શકે ખરા? 

૨.  નારાયણને પણ સમય પારખીને યુદ્ધની વ્યૂહરચના શસ્ત્રો અને એનું વહન કરવા માટે પોતાના સ્વરૂપમાં  પણ   બદલાવ લાવવો પડે છે.

(***ગરુડ: પૌરાણિક આધાર મુજબ કશ્યપ પ્રજાપતિ અને વિનતાનો પુત્ર તથા સૂર્યના સારથિ અરુણનો નાનો ભાઈ. તાર્ક્ષ એટલે કે કશ્યપનો પુત્ર હોવાથી તાર્ક્ષ્ય કહેવાય છે. ઋક્સંહિતામાં તાર્ક્ષ્ય અને શ્યેન નામો છે. એકખિલસૂક્તમાં તેને પરાક્રમી પક્ષી કહ્યો છે : શતપથ બ્રાહ્મણમાં તેને પક્ષીરાજ કહ્યો છે અને તેને સૂર્યના પ્રતીકરૂપે વર્ણવ્યો છે. ગરુડે સ્વર્ગલોકમાંથી આણેલો સોમ કે અમૃત તે સૂર્યમાંથી પ્રાપ્ત થતી પ્રાણશક્તિ છે એમ શતપથમાં કહ્યું છે. વૈદિક યાગ માટે થતા અગ્નિચયનમાં સુપર્ણ અને શ્યેન આકારની વેદિઓનું ચયન થતું. એ રીતે ગરુડ વૈદિક સાહિત્યમાં જાણીતો છે.

વૈદિક સોમાહરણની જેમ પુરાણોમાં ગરુડના સ્વર્ગલોકમાંથી અમૃત લાવવાની કથા ઘણી જાણીતી છે. કદાચ અમૃતાહરણની કથા વૈદિક સોમાહરણનું રૂપાન્તર હોય. મહાભારતમાં આ કથા સવિસ્તર મળે છે. કશ્યપની બે પત્નીઓ કદ્રુ અને વિનતા બહેનો હતી પણ શોક્ય તરીકે પરસ્પરની વિરોધી હતી. બંનેએ તેમની સેવાથી કશ્યપને પ્રસન્ન કર્યા. કશ્યપે તેમને ગમે તે એક વર માગવા કહ્યું. એક વર પ્રમાણે સહસ્ર પુત્રો થાય અને બીજા વર અનુસાર એક પુત્ર થાય.

કદ્રુએ હજાર પુત્રોનું વરદાન માગ્યું. તેને હજાર સર્પો પુત્ર તરીકે મળ્યા. વિનતાને એક પુત્ર મળ્યો તે હતો ગરુડ. પછી કશ્યપ તો તપ કરવા વનમાં ચાલ્યા ગયા. ગરુડ પહેલાં વિનતાને એક પુત્ર થયેલો તે અપક્વ અવસ્થામાં જન્મ્યો હોઈ એના પગ નબળા હતા તેથી તે અનૂરુ – નિર્બળ ઊરુવાળો પણ કહેવાય છે. તે સૂર્યનો સારથિ થયો. વહેલી સવારે સૂર્યોદય પહેલાં જે રક્તરંગી પ્રકાશ હોય છે તે જ અરુણ. ગરુડ જન્મથી જ અત્યંત સામર્થ્યવાન હતો. જન્મ વખતે જ એનું તેજ એટલું બધું હતું કે ખુદ દેવો એ તેજથી અંજાઈ ગયેલા. અગ્નિના કહેવાથી ગરુડે પોતાનું તેજ ઓછું કરેલું.

ગરુડના જન્મ પહેલાં વિનતા અને કદ્રુને વિવાદ થયો. ઇન્દ્રના ઉચ્ચૈ:શ્રવા અશ્વના પુચ્છના વાળ ધવલ છે એમ વિનતા કહે અને કાળા છે એમ કદ્રુ કહે. બંનેએ શરત કરી કે જે હારે તે વિજેતાની દાસી થાય. ઉચ્ચૈ:શ્રવા સમગ્ર શરીરે ધવલ હતો પણ કદ્રુએ તેના સર્પપુત્રોને ઉચ્ચૈ:શ્રવાના પૂંછડામાં સંતાડ્યા તેથી પુચ્છ કાળું દેખાયું અને પરાજિત વિનતાને કદ્રુની દાસી થવું પડ્યું.

માતાને દાસીપણું કરતી જોઈ ગરુડને દુ:ખ થયું. માતાને દાસ્યમાંથી મુક્ત કરવાનો ઉપાય તેણે કદ્રુને પૂછ્યો. કદ્રુએ કહ્યું કે તું સ્વર્ગમાંથી અમૃત લાવી આપે તો તારી માતા મુક્ત થાય. માતાના આશીર્વાદ લઈ ગરુડ સ્વર્ગલોક તરફ ઊપડ્યો. માર્ગમાં તેણે નિષાદ લોકોનો સંહાર કર્યો. પછી કશ્યપને મળી તેમના કહેવા પ્રમાણે એક સરોવરમાં શત્રુભાવે રહેતા એક હાથી અને કાચબાને પકડી તે ઊડ્યો. એક વિશાળ વટવૃક્ષને જોઈ ગરુડ તેની ડાળે બેસવા ગયો તો ડાળ તૂટી ગઈ. એ ડાળ પર વાલખિલ્ય મુનિઓ તપ કરતા હતા એ જોઈ ગરુડે ડાળને ચાંચમાં પકડી લીધી. પછી તે કશ્યપ પાસે ગયો.

કશ્યપે વાલખિલ્યોને પ્રસન્ન કર્યા અને તેમણે એ ડાળ છોડી દીધી. ગરુડની આ સેવાથી પ્રસન્ન થયેલા વાલખિલ્યોએ તેને આશીર્વાદ આપ્યા. ગરુડ સ્વર્ગલોકમાં પહોંચ્યો. ગરુડ અમૃત લેવા આવ્યો જાણી દેવો અમૃતની રક્ષા માટે તત્પર થયા. ગરુડ સાથે તેમનું યુદ્ધ થયું તેમાં દેવો પરાજિત થયા. અમૃતકુંભ પાસેના બે ર્દષ્ટિવિષ સર્પોની આંખમાં ધૂળ નાખી ગરુડે અમૃતકુંભ હરી લીધો અને કદ્રુને આપ્યો.

કુંભને દર્ભાસન પર રાખી સર્પો સ્નાન કરવા ગયા તેટલામાં ઇન્દ્ર તે કુંભને હરી ગયો. સર્પો દર્ભાસનને ચાટવા લાગ્યા તેથી તેમની જીભ ચિરાઈ ગઈ.

છેક સ્વર્ગલોકથી ગરુડ અમૃતકુંભ પૃથ્વી પર લાવ્યો છતાં એણે એ કુંભને અબોટ્યો રાખ્યો. શુદ્ધતા માટે તેની આ નિષ્ઠા જોઈ શ્રી વિષ્ણુએ તેને પોતાના ધ્વજમાં રાખ્યો અને તેને વાહન બનાવ્યો. ઈન્દ્રએ પણ તેની સાથે મિત્રતા કરી.

ગરુડની બહેન સુમતિ ઇક્ષ્વાકુવંશી પ્રસિદ્ધ સગર રાજાની પત્ની હતી. તેને સાઠ હજાર પુત્રો થયા હતા. સગર રાજાના અશ્વમેધના અશ્વને શોધતાં તે બધા કપિલ મુનિના ક્રોધાગ્નિમાં બળી ભસ્મ થઈ ગયા. સગરના પૌત્ર ભગીરથે સ્વર્ગ ગંગાને ભૂમિ પર આણી તેમનો ઉદ્ધાર કરેલો.

વિશ્વામિત્રના શિષ્ય ગાલવને ગુરુદક્ષિણામાં આઠસો શ્યામકર્ણ અશ્વો મેળવી આપવામાં ગરુડે સહાય કરેલી.

બ્રહ્માંડપુરાણમાં ગરુડની પાંચ પત્નીઓ — ભાસી, શ્યેની, શુકી, ધાર્તરાષ્ટ્રી અને ક્રૌંચીનાં નામ છે. ગરુડથી ભાસીનાં સંતાનો ભાસ પક્ષીઓ થયાં. શ્યેનીનાં ગરુડ પક્ષીઓ થયાં, શુકીના શુક જાતિનાં સંતાન થયાં, ધાર્તરાષ્ટ્રીનાં હંસ આદિ જલચર પક્ષીઓ થયાં અને ક્રૌંચીના ક્રૌંચ જાતિનાં પક્ષી થયાં.

શ્રી વિષ્ણુની કૃપાથી ગરુડે કશ્યપને ગરુડપુરાણ કહ્યું હતું.

ગરુડ જાતિના ગારુડી લોકોની એક જાતિ હજીય ક્યાંક ક્યાંક મળે છે. ગારુડીઓ સર્પવિદ્યા કે ગરુડવિદ્યા જાણે છે. ગારુડીવિદ્યા વિષવિદ્યા છે. નાગજાતિ સાથે ગરુડ જાતિનું સ્વભાવવૈર છે. ગરુડો હવે લુપ્તપ્રાય છે. નાગજાતિ ભારતની અગ્નિ દિશામાં વસે છે.

વિષ હરનાર મણિ ગારુડ મણિ તરીકે ઓળખાય છે.

ગરુડની મૂર્તિ ચાંચ અને પાંખોવાળા માનવની આકૃતિની હોય છે. તેને બે, ચાર કે આઠ હાથ હોય છે. પીઠે પાંખો ઉપર શ્રી વિષ્ણુ બેઠેલા પણ બતાવાય છે. શિવમંદિરોમાં જેમ શિવની સમક્ષ નંદીની મૂર્તિ હોય છે તેમ વિષ્ણુમંદિરોમાં ગરુડની મૂર્તિઓ રહેતી. ગરુડની મૂર્તિ હોય એવા ગરુડસ્તંભો પણ રહેતા. ગરુડના એક હાથમાં અમૃતકુંભ બતાવાતો. શ્રૌત ચયનયાગોમાં અગ્નિની વેદિરૂપે શ્યેન કે સુપર્ણના આકારની ઈંટોના પાંચ થરની આકૃતિઓ રહેતી. તે શ્યેનચિતિ કે સુપર્ણવેદિ કહેવાતી. આ ગરુડાકાર ચિતિઓના નિર્માણનો મોટો વિધિ કેટલાય દિવસ ચાલતો. આ હિતાગ્નિઓ આ વેદિઓ પર શ્રૌત અગ્નિ રાખતા.

ગરુડનો મહિમા મોટો છે. ગરુડનો ત્રિપદા ગાયત્રીનો મંત્ર પણ છે.)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.