ડિઝનીલેન્ડ – એફિલ ટાવર ~ યુરોપ યાત્રા ભાગ: 7 ~ સંધ્યા શાહ
દુનિયાની સહુથી તેજ ગતિએ ચાલતી TGV ટ્રેનમાં પેરિસ જવાનો અનોખો આનંદ માણ્યો.

કલાકના 200 માઈલની સ્પીડથી આ ટ્રેન ચાલતી હતી. આપોઆપ બંધ થઈ જતા દરવાજાઓ, આરામદાયક બેઠકો, જમી શકાય તેવી વ્યવસ્થા ધરાવતા ટેબલો આ ટ્રેનની વિશેષતા હતી. આટલી તેજ ગતિથી દોડતી ટ્રેનમાં એકાદ પળ માટે જ જરા ગતિનો અહેસાસ થયો.
ફેશન અને કળાની આ નગરી જોવાનું વરસોથી આંખોમાં અંજાયેલું સપનું આજે સાકાર થઈ રહ્યું હતું. પેરિસમાં પ્રવેશતા જ અત્યંત આધુનિક મોટર, બાઈક અને ફેશનપરસ્ત આબાલવૃદ્ધોની ભીડ જોવા મળી. પેરિસના પ્રેમમાં પડી જવાય તેવું જ છે.

અહીં સહુ ખુશનસીબ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. બીજા વિશ્વયુદ્ધ વખતે પેરિસના લોકો પોતાની કળા અને ફેશનમાં રત હતા અને જર્મન સૈન્યે પેરિસ પર કબજો જમાવી દીધો હતો!
સીન નદીને કિનારે વસેલા આ સુંદરતમ શહેરમાં ક્રુઝમાં ફરવાનો લહાવો લીધો. આખું શહેર આ નદી પર બંધાયેલા સુંદર પુલોથી સંકળાયેલું છે.

45 મિનિટની આ ક્રુઝમાં ફરીને નદી પર બંધાયેલા લાકડાના, લોખંડના, પથ્થરના…. અલગ અલગ નકશીકામવાળા લગભગ 42 જેટલા પુલ, તેની પર સોનેરી પાંખોવાળા ચાર ઘોડાઓ, ક્રુઝમાંથી દેખાતો એફિલ ટાવર, કિનારે નાંગરેલી સફેદ અને વાદળી રંગની બૉટ અને તેમાં જ ચાલતી રેસ્ટોંરા.. બધું જ જોતા રહ્યા.
તૂતક પર ઊભા રહીને પુલ પરથી પસાર થતા યાત્રિકોની સામે હાથ હલાવીને અમારો ઉમળકો વ્યક્ત કરતા રહ્યા. કંઈ કેટલાય પ્રણયભીના હૈયાઓની ઉત્કટ સંવેદનાનું સાક્ષી બનેલું આ સ્થળ અમારી સ્નેહોર્મિનું પણ સાક્ષી બની રહ્યું. આ રમણીય સાંજ સ્મરણીય બની ગઈ.
રાત્રે આખી દુનિયાની બેનમૂન કૃતિ સમા, ઝળહળતા એફિલ ટાવરની સન્મુખ મંત્રમુગ્ધ બનીને ઊભા રહી ગયા.

રાત્રે નવ વાગ્યે આખો પરિસર સહેલાણીઓથી ઉભરાતો હતો. પીળા પ્રકાશથી ઝગમગતા એફિલ ટાવર પરથી સર્ચલાઇટનો બ્લ્યૂ પ્રકાશ ફેંકાતો હતો, કેટલાક સહેલાણીઓ સંગીતના વાદ્યો પણ સાથે લાવ્યા હતા.
લાઈટ શૉ શરૂ થયો, જાણે આકાશમાંથી તારાઓનો વરસાદ થયો. લોકો અપાર વિસ્મયથી સોનેરી પ્રકાશના આ અદ્દ્ભુત સંયોજનને માણી રહ્યા.
અહીં આવતા ગુજરાતીઓની પ્રિય રેસ્ટૉરન્ટ ’ભોજન’માં અત્યંત સ્વાદિષ્ટ ભોજન માણ્યું.

હોટલ ‘નોવોટેલ’ પર પાછા આવ્યા. ગઈકાલનો તારાઓનો વરસાદ હજી અનુભવાતો હતો અને આજે ડિઝનીલેન્ડ જવાનો રોમાંચ છે.
વૉલ્ટ ડિઝનીના સ્વપ્નનું અદ્દ્ભુત પરિણામ છે આ. સમગ્ર વિશ્વના બાળકોના હૈયે વસેલા મિકી માઉસ, મિની માઉસ, ડૉનાલ્ડ ડક અને ગૂફી જેવા કાર્ટૂન કેરેક્ટર્સને જોવાનો અને તેમની વાર્તાઓને માણવાનો આ અવસર છે.
એકરોના ક્ષેત્રમાં પથરાયેલા ડિઝનીલેન્ડના પ્રવેશદ્વાર સુધી પહોચવા માટેના લાંબા રસ્તા પર રૉલિંગ બેલ્ટની સુવિધા હતી. આખા પાર્કમાં કલ્પના અને કારીગરીનું સુરમ્ય સંયોજન જોવા મળે છે. બાળકો માટેનું આ સ્વર્ગ છે.

પરીકથામાં જે મહેલ જોયો હોય, મિકી માઉસ- મિની માઉસ અને ડૉનાલ્ડ ડકના જે તોફાન વાંચ્યા હોય એ બધીજ વાર્તાઓને કલાકારો દ્વારા પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ અહીંના વિવિધ થીમ પાર્કમાં જોવા મળે છે. પરીકથાના પાત્રો જેવા જ વસ્ત્રો પરિધાન કરેલા બાળકોની સ્વપ્નીલ દુનિયા સભર થઈ જાય છે.
એડવેન્ચર પાર્કમાં સાહસ અને ઉત્તેજનાની પરાકાષ્ઠાએ લઈ જતી વિવિધ રાઈડ્સમાં પ્રવાસીઓના આનંદનો પડઘો પાડતી ચિચિયારી સંભળાતી હતી.

જાંબલી અને શ્વેત ફૂલોના સંયોજનથી બનેલા નાના નાના ચક્તાઓ અને મિકી માઉસની આંખો ફરતી દેખાય તેવી ઘાસની ઘડિયાળ ધ્યાનાકર્ષક હતી.
નયનરમ્ય નજારો તો એ પાત્રોની પરેડનો હતો. નિયત સમયે શરૂ થતી આ પરેડની પ્રતીક્ષામાં સેંકડો લોકો રસ્તા પર બેઠા હતા. રથમાં બેસીને તમને મળવા એ વહાલા બાળપણના મિત્રો આવી પહોંચે ત્યારે કેટલો આનંદ થાય! આ ક્ષણોને હૈયામાં ઝીલી લીધી.

પરેડ પછી એક બાજુએ મહેલના પ્રાંગણમાં આસમાની હીરાજડિત મુગટના આકારમાં સુશોભિત સ્ટેજ પર નૃત્યનાટિકા ચાલતી હતી. પાત્રોના વિશિષ્ટ પરિધાન અને નાટ્યાત્મક અભિવ્યક્તિ માણવાની બહુ મજા આવી.
સવારથી રાત સુધી ડિઝનીલેન્ડમાં ફરીએ તો પણ સમય તો ઓછો જ પડે. પાર્કમાં નાના, રૂપાળા દેવદૂત જેવા બાળકોને પ્રામમાં કે માથા પર બેસાડીને લઈ જતા માતા-પિતા અને દાદા- દાદી દેખાતા હતા.
સમગ્ર પરિસરની સફાઈ ધ્યાન ખેંચતી હતી. હજી એક આકર્ષણ તો બાકી હતું. પેરિસનું ડિઝનીલેન્ડ રજતવર્ષની ઉજવણી કરી રહ્યું હતું. રાત્રે આ સ્વપ્ન મહેલની પાર્શ્વભૂમિ પર આતશબાજી નિહાળવા દસથી પંદર હજાર લોકો એક્ત્રિત થયા હતા.

બરાબર 10-30 વાગે અદ્દ્ભુત અવાજની ઘોષણા સાથે ક્રેકર શૉ શરૂ થયો. કાવ્ય, નાટક, પ્રકાશ અને કલ્પનાના અજબ સંયોજન સાથે વાર્તાના પ્રસંગો મહેલના પડદા પર ચિત્રિત થતા હતા,

પ્રત્યેક ઘટનાના અનુસંધાનમાં રોશનીનો પ્રવાહ વહેતો હતો. ફટાકડાઓના રંગીન પ્રકાશથી આખું આકાશ ભરાઈ ગયું. બાળકોની વિસ્મયનગરીમાં અમે પણ જે ખુશી અનુભવી તે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી..
ડિઝનીલેન્ડના રાત્રે જોયેલા અદ્દભુત દ્રશ્યો નજર સમક્ષ તરવરે છે. દુનિયાના ઉત્તમ કળાકારો, ફેશન ડિઝાઈનરો અને ફિલ્મ સર્જકોની આ માનીતી દુનિયા- પેરિસમાં એટલું બધું જોવાલાયક છે કે થોડા દિવસોમાં કઈ રીતે પૂર્ણ કરવું તે સમજાતું નથી. આ મોહમયી નગરીને પામવા અમે સવારમાં જ નીકળી પડ્યા.

અઢળક પ્રવાસીઓથી ઉભરાતા આ શહેરમાં ટ્રાફિકના કોઈ પણ જાતના નિયમો વગર વાહનો આડેધડ દોડતા હતા. અમારી ગાઈડના કહેવા મુજબ અહીં અકસ્માતોનું પ્રમાણ વધુ છે, કોનો વાંક એ નક્કી કર્યા વગર જ લોકો અર્ધી અર્ધી ચૂકવણી કરી દે છે.
આખા શહેરમાં સમ્રાટ નેપોલિયનની વિજયગાથાઓને અંકિત કરતા શિલ્પો ઈતિહાસની શાહેદી આપતા ઊભા છે. ’આર્ક ધ ટ્રાયમ્ફ’ના ભોંયરામાં જય-વિજયની સતત ચાલતી દોડમાં માર્યા ગયેલા શહીદોનું સ્મારક છે.

આ વિચક્ષણ રાજવીની આકાંક્ષા રૂપે સર્જાયેલું ઑપેરાહાઉસ, મોનાલિસા જેવી જગતભરની ઉત્તમ કળાકૃતિઓને સાચવીને બેઠેલું લૂવ્ર મ્યુઝિયમ, પ્રેમીઓને સ્નેહબંધનમાં જકડી રાખતું ગ્રીન લેક, સમગ્ર શહેરને પોતાના કાંઠે સાચવતી સીન નદી, પાડોશી રાષ્ટ્ર સાથેના ઉષ્માપૂર્ણ સંબંધોને યાદ કરાવતું થૉમસ જેફરસનનું સ્ટેચ્યુ, એકસરખા, રાખોડી રંગની છતવાળા સફેદ મકાનો, નોત્રાદામનું દેવળ, પ્રિન્સેસ ડાયેનાના છેલ્લા ભોજનની યાદ અપાવતી હોટલ, બધું જોતા જોતા અમે એફિલ ટાવર પહોંચ્યા.
રાત્રે જોયેલો આ ટાવર નજદીકથી નિહાળવા જેવો છે. ફેશન, કવિતા સાહિત્ય અને ફિલ્મોથી માંડી પ્રેમના પર્યાય રૂપ બનેલો એફિલ ટાવર ઈજનેરી કૌશલ્યનું અદ્દ્ભુત પરિણામ છે.

1889ના વિશ્વમેળા માટે એફિલ ગુસ્તાવે પથ્થર અને માટીના ચણતરને બદલે પોલાદનો મિનારો બાંધીને નવા યુગના મંડાણ કર્યા. 1887માં શરૂ થયેલો આ મિનારો 1889માં તૈયાર થઈ ગયો ને એફિલના હસ્તે જ તેના પર ફ્રાંસનો ઝંડો ફરકાવાયો.
ત્રીસ હજાર ફૂટનો ઘેરાવો ધરાવતો, 984 ફૂટ ઊંચો આ મિનારો વિશ્વમેળા વખતે લાખો લોકોએ જોયો. 90 માળના મકાન જેટલી ઊંચાઈ પરથી પેરિસની શ્વેત સુંદર આભા નીરખવાનું એ મનોરમ્ય સ્થાન બની ગયો.
દર સાત વર્ષે આ વિશાળ મિનારાને રંગ કરવામાં આવે છે. (860 ટન જેટલો રંગ) આખો મિનારો 20,000 બલ્બોથી ઝગમગતો રહે છે. સવાસો વર્ષ પહેલા આટલો મોટો મિનારો સર્જનારા, સ્વપ્નદ્રષ્ટા એફિલ ગુસ્તાવનું પૂતળું પરિસરમાં ધ્યાન ખેંચે છે.
અમે બધા લિફ્ટમાં ઉપર પહોંચી ગયા, ચિત્રોની ભવ્ય ગેલેરીમાંથી પસાર થતાં, થતાં જુદી જુદી બારીમાંથી દૂર સુધી દેખાતી આ સ્વપ્નનગરીને પણ ધરાઈ, ધરાઈને જોતા રહ્યા.

એક ઉત્કંઠા જાગે છે, અહીં રહી જવાની, સૌંદર્યના આલોકને મનભરીને માણવાની. અપાર મુગ્ધતાથી દેશ-વિદેશના નાગરિકો સાથે અહીં ફરવાની ખૂબ મજા આવી.
ફેશનની દુનિયાનો સહુથી મોટો ઉત્સવ ‘પેરિસ ફેશન વીક’ અહીં, એફિલ ટાવરની સમીપે ઉજવાય છે. સાહિત્ય અને કળારસિકોએ ખરા અર્થમાં એફિલ ટાવરને સાંસ્કૃતિક પ્રતીક તરીકે, પ્રેમના પ્રતીક તરીકે ઉજાગર કર્યો છે એની અનુભૂતિ કરી.

આજે સમગ્ર વિશ્વમાં 30 જેટલી એફિલ ટાવરની પ્રતિકૃતિ બની છે. એફિલ ટાવરની કીચેઈન, સોવેનિયર, પર્સ અને ટી-શર્ટ જેવી ખરીદી કરીને મન મનાવ્યું, અહીં રહેવાનું તો ક્યાં શક્ય હતું?
સ્થાપત્યની દ્રષ્ટિએ દુનિયાના આ સુંદર શહેરમાં બહુ બધું શાંતિથી જોવાનું તો બાકી જ રહ્યું અને પેરિસને અલવિદા કહેવાનો સમય આવી ગયો. મને આદિલ મન્સૂરીની ગઝલ યાદ આવી ગઈ.
’નદીની રેતમાં રમતું નગર મળે ના મળે
ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ના મળે’…
~ સંધ્યા શાહ
sandhyashah25@gmail.com