દુઃખ ઘણાંયે સુખમાં પલટાઈ જશે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ’ અમીન આઝાદની આ પંક્તિ દર નવાં વર્ષના આરંભિક તબક્કામાં યાદ આવે છે. જીવનશૈલી એ હદે ઝડપી બની ગઈ છે કે નવું વર્ષ ક્યારે શરૂ થાય અને ક્યારે પસાર થઈ જાય એની ખબર રહેતી નથી.

Time, where are you running so fast ...

જીવનને ટકાવવાની મથામાણમાં જીવનનું હાર્દ ખોવાઈ જાય છે. પ્રમોદ અહિરે એ સમજાવે છે…

એક દેહ, ચક્ર સાત અને તત્ત્વ પાંચ છે
એક્કેય સાથે તારે કશી ઓળખાણ છે?
પાંચેય તત્ત્વ લઈ જશે, જે એમનું છે તે
બાકી બચી જશે જે, તે મારી પિછાણ છે

Vastu and Panch Tatva | Vaastu Devayah Namah®

ઓળખ સ્થાપિત કરવા માટે દાયકાઓ આપવા પડે. આખી જિંદગી કમાઈને ભેગું કર્યું હોય તોય મધ્યમવર્ગનો માણસ કરોડ રૂપિયા સુધી પહોંચી નથી શકતો, જ્યારે આઈપીએલનો યુવાન ખેલાડી બેએક વર્ષમાં પાંચ-દસ કરોડ રૂપિયા સહેજે કમાઈ લે છે.

No photo description available.

એમાં આપણે હતાશ થવાની જરૂર નથી. નવી પેઢીનો વિકાસ થાય એમાં આનંદ જ હોય. મિલિંદ ગઢવી વિકાસને વ્હાલપ તરફ દોરી જાય છે…

તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે
એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે

પ્રલયની અફવા સમયાંતરે ઊડતી રહે છે. દુનિયા ખલાસ થવાની વાત તો દૂર રહી દુનિયાની વસતી સતત વધતી જ જાય છે ને સામે કુદરતી સંસાધનો ઓછા થઈ રહ્યા છે.

World Population Growth Stock Illustrations – 4,072 World Population Growth Stock Illustrations, Vectors & Clipart - Dreamstime

દુનિયાનો વીંટો વળી જશે તો પર્યાવરણને થતાં નુકસાનને કારણે થશે એમાં બેમત નથી. વૈશ્વિક તાપમાન વધવાની સાથે અનેક આપત્તિઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. વૈશ્વિક હોય કે વૈયક્તિક હોય, સમસ્યાનું નિરાકરણ ન મળે ત્યાં સુધી અનેક આહુતિ આપવી પડે. રઈશ મનીઆર શીખ આપે છે…

આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે?
ને પછી તું સમસમીને ક્યાં જશે?
એક ખૂણો હાંફવાનો રાખજે
આમ બધ્ધે આથડીને ક્યાં જશે?

A Life Without Goals Will not Get You On Any Side | by Christiana Jones | Medium

જિંદગીમાં એક મિત્ર, એક સ્વજન તો એવું હોવું જોઈએ જેના ખભે માથું મૂકીને રડી શકાય. એક કલા એવી હોવી જોઈએ જેની સાધના આપણને તૃપ્તિના પંથે લઈ જાય. સાવ ટાંચા સાધનો સાથે નાની કુટિરમાં જીવતો કોઈ સંત અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. આપણને આ બધું સમજાતું નથી કારણ આપણી ગણતરીઓ પાસબુક અને સંપત્તિ આધારિત હોય છે. નીરવ વ્યાસ ચિંતનણિકા આપે છે…

કોણ ક્યારે ખફા થઈ જશે?
આપણાં, પારકાં થઈ જશે
જો વધારે ઘસાશે હજુ
પથ્થરો આયના થઈ જશે

જીવસૃષ્ટિમાં દરેકનું આયુષ્ય નિશ્ચિત હોય છે. વૃક્ષની પણ એક આવરદા હોય અને મનુષ્યની પણ એક આવરદા હોય. દેહનું ઘસાવું કુદરતી પ્રક્રિયા છે. આજકાલ પ્રદીર્ઘ આયુષ્ય મેળવવાના અનેક પ્રયોગો ચાલી રહ્યા છે.

Bryan Johnson

આયુષ્ય લાંબું હોય એની સામે વાંધો નથી, પણ એ આયુષ્ય સ્વાસ્થ્યપ્રદ હોવું જોઈએ. સણકા સાથે શ્વાસો લેવા પડે એવી જિંદગી અભિશાપ રૂપ થઈ શકે. રમેશ પારેખ સવાલો પૂછે છે….

ઊભાં રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે?
કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે?

ઝરણ તો કદાચ નહીં થાકે પણ ચરણ જલદી થાકતાં થઈ ગયા છે. ની રિપ્લેસમેન્ટના દરદીઓ વધતા જ જાય છે. ઘૂંટણનો ઘસારો સામાન્ય થઈ પડ્યો છે. કોઈ આપણને પલાંઠી વાળીને બેસવાનું કહે તો હક્કાબક્કા થઈ જવાય અને યાદ કરવું પડે કે છેલ્લે પલાંઠી વાળીને ક્યારે બેઠેલા.

Biography of Mohandas Gandhi, Indian ...

ઘરમાં ડાઈનિંગ ટેબલ હોય અને બહાર જ્યાં જઈએ ત્યાં ખુરસી હોય એટલે પલાંઠી વાળવાની આદત અને દાનત બંને ખોરવાઈ ગઈ છે. દેહની પીડા છોડી અગન રાજ્યગુરુ કહે છે એવી સ્નેહની  પીડા તરફ જઈએ…

કોને ખબર છે ક્યારે તારી જુદાઈ જાશે
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે
તારા વિરહની પીડા એવી હદે વધી છે
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે

Waiting…. - CHRISTIAN REP

લાસ્ટ લાઇન

ધૈર્ય મારું જોઈ શરમાઈ જશેને
સમય જાતે જ બદલાઈ જશે

તારી પાંપણ ઢાળીને તું રાખજે
જૂઠ તારું નહીં તો પકડાઈ જશે

કોઈનાં આંસુ લૂછી જોજે કદી
હૈયું તારું ખુદનું હરખાઈ જશે

આવશે બદલાવ તારી જાતમાં
ભૂલ પોતાની જો સમજાઈ જશે

દૃષ્ટિ તારી તું ફકત જો કેળવે
દુઃખ ઘણાંયે સુખમાં પલટાઈ જશે

સ્પર્શ તો આંખોથી પણ થઈ જાય છે
ટેરવાનું શું? એ અકળાઈ જશે

તેં અડાડ્યો અંગે તારા એટલે
રંગ કાળો આજ નજરાઈ જશે

~ અંજના ભાવસાર

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment