થાપણ (વાર્તા) ~ નિમિષા મજમુંદાર, મહેસાણા

પગની ધીમી ઠેસે હીંચકા પર ઝૂલી રહેલાં નલિનીબેનની નજર રસ્તા ઉપર લાલી સાથે ગેલ કરી રહેલાં બે ગલૂડિયાં ઉપર મંડાયેલી હતી. હજુ પંદર દિવસ પહેલાં જ કાબરા ગલૂડિયાની મા કાબરી એને મૂકીને ક્યાંક જતી રહી હતી.

લાલીએ પોતાના કાળિયા સાથે એને પણ સાચવી લીધું. અત્યારે તો બેમાંથી એનું પોતાનું ગલૂડિયું કયું એ કદાચ લાલી પોતે પણ ભૂલી ગઈ હતી!

દિગંતભાઈની પાઈપમાંથી પાણી સરસર કરતું બગીચામાં ઠંડક પ્રસરાવી રહ્યું હતું. નવરંગપુરા જેવા પોશ એરિયામાં મેઈન રોડ ઉપર આવેલા એ બંગલામાં, થોડી થોડી વારે રસોડામાંથી આવતા વાસણોના ખખડાટ સિવાય શાંતિ પ્રસરેલી હતી.

જીવનની દોડધામથી થાકેલું એ વૃદ્ધ દંપતી પોતાની મંથર ગતિથી જીવી રહ્યું હતું. બગીચામાં પાણી છાંટવાનું પૂરું કરી દિગંતભાઈ આવીને નલિનીબેનની બાજુમાં ગોઠવાયા.

“હજુ કલગી આવી નહિ! કેટલા વાગ્યા?”

“તમે તો ભારે ભૂલકણા! એ કહીને તો ગઈ’તી કે આજે સોમવારે ઓપીડી વધારે હોય એટલે મોડું થશે!”

દિગંતભાઈ, “હા.. હવે યાદ રાખવું પડશે.”

નલિનીબેનની નજર હવે ગેલ કરતા લાલીના કુટુંબને છોડીને સામે બસસ્ટેન્ડ ઉપર સ્થિર થઈ, “પેલાં સામે બસસ્ટેન્ડ પર બેઠેલાં બે જણાં દેખાય છે? એ લોકો આજે સવારથી આમ જ બેઠાં છે. એ ગઈ કાલે પણ આખો દિવસ આમ જ બેસી રહ્યાં હતાં.

મને નવાઈ લાગે છે, કે જેટલી વાર મારી નજર એમના ઉપર પડે એટલી વાર એ આપણા ઘર તરફ તાકી રહેલાં જ દેખાય છે! કોણ હશે એ લોકો? આપણા ઘર તરફ તાકીને કેમ બેસી રહે છે?”

“તમને વહેમ ઘણા! આ ગામડિયા જેવા લાગતા યુગલને આપણા ઘર બાજુ તાકી રહેવાની શી જરૂર? બસની રાહ જોતા હશે. એમની બસ આવશે એટલે જતા રહેશે.”

આટલું બોલતાં દિગંતભાઈની નજર એ યુગલ ઉપર પડી. પુરુષના ચહેરાના કંઈક પરિચિત અણસારે એમણે આંખ ઝીણી કરીને ધારીને જોયું. અચાનક ચહેરાના ભાવ બદલાઈ ગયા. નલિનીબેનનો હાથ પકડી લીધો. “ઊભા થાઓ! ચલો અંદર!” કહેતા એ પોતે ઊભા થઈને ઝડપથી ઘરની અંદર જતા રહ્યા.

કાયમ સાચવી સાચવીને ડગલું ભરનારા એમને, આમ સફાળા અંદર દોડી જતા જોઈને નલિનીબેનને ખૂબ નવાઈ લાગી. એ પણ આશ્ચર્યથી પાછળ ઢસડાયાં.

“અરે! કંઈ કહો તો ખરા! આમ ભૂત જોયું હોય એમ ભાગ્યા કેમ?”

અવાજનો કંપ છૂપાવી શકાય એમ નહોતો, “આ તો એ લોકો છે, એ જ! ઉઁમર સાથે ચહેરા થોડા પાકટ થયા છે, પણ એમને ઓળખવામાં મારી ભૂલ થાય જ નહિ!”

હવે આ રહસ્યનો ભાર વધતો જતો હતો, “તમે સાફ બોલશો કે એ લોકો કોણ છે?”

બેડરૂમની બારીમાંથી બહાર તાકી રહેલા દિગંતભાઈ, “તમે જાતે જ ધારીને ચહેરા જુવો અને યાદ કરો. તમને પણ યાદ આવી જશે!”

નલિનીબેન હવે એમની બાજુમાં ઊભા રહીને બારી બહાર જોઈ રહ્યાં. બસસ્ટેન્ડ પર બેઠેલા બે જણાંને ખબર નહોતી કે બારીમાંથી ચાર આંખો એમને અપલક જોઈ રહી હતી. સ્ત્રીએ કંઈ કહેતાં પેલો પુરુષ ઊભો થયો અને ચાની લારી તરફ ચાલ્યો.

પુરુષનો એક પગ સ્હેજ લંઘાતો જોયો અને એને ઓળખી ગયાંનો ઓથાર નલિનીબેનના ચહેરા પર છવાયો. પડી જવાની બીક લાગી હોય, કે પછી ધ્રૂજતા શરીરને આધાર આપવા, એમણે જોરથી દિગંતભાઈને પકડી લીધા.

જાત પર કાબુ મેળવવાની મથામણમાં એ બેય પલંગમાં બેસી પડ્યાં. ચહેરા પરની કરચલીઓ અચાનક ઊઁડી થતી ચાલી. આંખો શૂન્યમાં તાકી રહી.

થોડી વારે નલિનીબેન વર્તમાનમાં પાછાં આવ્યાં, “મેં તમને કીધું’તું કે એને રામપુરા આઈ ચેક-અપ કેમ્પમાં જવાની ના પાડો, પણ તમે માન્યા નહિ. તમે કીધું ‘એ તો ડોક્ટર થવું હોય તો સરકાર મોકલે ત્યાં જવું પડે. એમ જ અનુભવ મળે.’ મને યાદ હતું કે રામપુરા એ લોકોનું ગામ છે. મારી કોઈ વાત તો તમે માનો જ નહિ ને!”

દિગંતભાઈની અકળામણ પત્ની પર નીકળી, “આપણે કંઈ ખોટું નથી કર્યું પછી ડરવાનું કેમ? મારે એમને બોલાવીને એમની સાથે વાત કરવી પડશે!”

“ના.. બિલકુલ નહિ. તમારે શા માટે ‘પડ પહાણા પગ પર’ કરવું છે? હું નહિ બોલાવવા દઉં. આપણે થોડા દિવસ ઘર બંધ કરીને બહારગામ જતા રહીએ.”

“અરે! એમ કેવી રીતે થાય? એમ નાસી છૂટવું એ કંઈ ઉપાય નથી. એમને પૂછવું તો પડે જ. તમે કહો છો કે એ બે દિવસથી આવે છે તો ચોક્કસ જાણવું પડે કે એમનો ઈરાદો શું છે?”

“એ બધું પૂછવાની જરૂર તમને લાગે છે? તમે પણ સમજો છો કે એ કેમ આવ્યાં છે! ના, હું એમની એકેય વાત સાંભળવા માગતી નથી! તમને હાથ જોડું! મહેરબાની કરીને એમનાથી છેટા જ રહો! એમાં જ આપણી ભલાઈ છે!”

વિચારોનો ચક્રવાત વૃદ્ધ ચહેરા પર સાફ દેખાતો હતો. હ્રદય એવો આગ્રહ કરતું હતું કે પત્નીની વાત માની લેવી અને બુદ્ધિ વિદ્રોહ પર ઉતરી આવી ‘એમ ડરી જવાનું? આટલાં વર્ષોની કાળજી, પ્રેમ, દુલાર એ બધું સાવ ભૂલાવી દેવાનું?’ વકીલાત છોડી દીધા પછી પણ અંદર જીવતો રહેલો વકીલ, એમને સહેલાઈથી હાર માનવા દે એમ નહોતો!

એમણે ભાનુબેનને બૂમ પાડી, “ભાનુબેન..! સામે બસસ્ટેન્ડ પર બેઠેલા, પેલા ગામડિયા જેવા લાગતા પતિ-પત્નીને જરા બોલાવી લાવો ને!”

“એમને શું કહું સાહેબ?”

“બીજું કંઈ નહિ. એટલું જ કહેજો કે ‘સાહેબ બોલાવે છે’, એ સમજી જશે.”

“સારું.” કહીને એ ગયાં અને નલિનીબેનનો જીવ ગળામાં આવીને અટકી ગયો.

“જે કરો એ વિચારીને કરજો!”

દિગંતભાઈ મક્કમ થઈને ઊભા થયા. નલિનીબેનને પણ ઈશારાથી બહાર આવવા જણાવી પોતે સ્વસ્થતાનો કામળો લપેટી ઓટલા તરફ ચાલ્યા. ભાંગેલા પગ અને ડરથી ફફડતા મનને, સાડીના પાલવમાં સંકોરીને એ પણ ધીમે પગલે પતિને અનુસર્યાં.

ભાનુબેનની સાથે એ બે જણાં આવ્યાં. દિગંતભાઈની ઝીણી નજર બન્નેને ચકાસી રહી, ‘હમ્.. કેટલાં વરસ થયાં? લગભગ બાવીસ.. કે તેવીસ..!

કાનજીમાં બહુ ફરક નથી પડ્યો, થોડો શરીરે ભરાયો છે પણ ચહેરો કરમાયો છે. પણ જીવી! આ તો જાણે જીવીનું ભૂત! એની ભાદરવી નદીના પૂર જેવી જુવાની, ઓસરીને સાવ સૂકાભઠ નદીના પટ જેવી થઈ ગઈ છે! એની ધારદાર માંજરી આંખો, ઊંડી ઊતરી ગયેલી અને નિર્જીવ જણાય છે અને એના કાળા ભમ્મર વાળનો માથા જેવડો અંબોડો… એના તો ફક્ત અવશેષ બચ્યા છે! હજુ તો માંડ પિસ્તાલીસની હશે અને પાંસઠની દેખાય છે!’

બન્ને આવીને પગે લાગ્યાં. ભાનુબેને આપેલી ખુરશી પર નહિ, ઓટલા પર નીચે જ બેઠાં.

“કાનજી, જીવી, કેમ છો? મજામાં ને! તમે અહીં ક્યાંથી? કંઈ કામે આવ્યાં છો?”

જીવી તો નીચી નજરે બેસી રહી. કાનજી બોલ્યો, “હા સાહેબ, સારા છીએ. તમે ને બેન કેમ છો? તબિયત તો સારી ને!”

“ચાલે છે. હવે અમે ઘરડાં થયાં એટલે તકલીફો તો રહેવાની પણ ભગવાનની દયાથી ગાડું ગબડે છે. તમે લોકો કાલે પણ આવીને સામે બેઠા હતા એવું નલિનીએ કીધું. કંઈ ખાસ કામ હતું?”

અવઢવમાં અટવાયેલા કાનજીની નજર જીવી સામે ફરી. જીવીની નજરના ધક્કાથી નીકળ્યો હોય એમ એના ગળામાંથી અવાજ બહાર આવ્યો, “સાહેબ, તમારી આગળ ખોટું નહિ બોલું. અમે તમને મળવા જ આવ્યાં છીએ પણ અહીં આવતાં હિંમત નહોતી ચાલતી એટલે સામે બેસી રહેતા હતાં.”

અચાનક એ દિગંતભાઈના પગમાં આળોટી પડ્યો. ગળામાંથી સાવ દયામણો યાચનાભર્યો સૂર ફૂટ્યો,”સાહેબ, અમે અમારી થાપણ પાછી લેવા આવ્યાં છીએ. તમે તો બહુ મોટા જીવવાળા છો. અમને નિરાશ નહિ કરો. સાહેબ, હવે અમારી થાપણ અમને પાછી આપો! તમે તો અમારા ભગવાન છો!”

નલિનીબેનને માથે વીજળી પડી. મનમાંથી પોકાર ઉઠ્યો, ‘મને ખબર હતી કે તમે એટલા માટે જ આવ્યાં છો.’

દિગંતભાઈ થોડા જલદી સ્વસ્થ થયા, “અલ્યા, આટલે વર્ષે તારી થાપણ પાછી લેવા આવ્યો છે? એ વખતે બધાં કાયદેસરનાં કાગળિયાં કરેલાં જ છે. તમે તો કહેતા હતા ને, કે અમારે ગામડે પાછા જવું છે… ત્યાં જમીન લઈને ખેતી કરીશું..! એટલા માટે તો અમે તમને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. એ વખતે તેં વચન આપ્યું હતું કે તમે ક્યારેય પાછા નહિ આવો! તેં લખીને આપ્યું છે કે ભવિષ્યમાં પણ તમારો કોઈ હક નહિ રહે! આટલે વર્ષે હવે પાછો કેમ આવ્યો છે? પૈસા ખૂટી ગયા?”

કાનજીની આંખોમાંથી શ્રાવણ નીતરી રહ્યો, “સાહેબ, પૈસા નહિ, જીંદગી ખૂટી ગઈ છે! તમારા આપેલા રૂપિયાથી ગામડે જમીન લીધી હતી. ખેતી કરતા હતા અને ખૂબ સુખી હતા, પણ અમારા એકના એક નરેશને કાળ ભરખી ગયો. બે દિવસ તાવ આવ્યો અને પછી એની તબિયત એકદમ લથડી.

ગામના ડોક્ટરે દવા કરી પણ તબિયત બગડતી જ ગઈ. શહેરના મોટા દવાખાનામાં દાખલ કર્યો, પણ અમારો નરેશ ના બચ્યો. અમારા ઘડપણની ટેકણ-લાકડી ગઈ. અમે કંગાળ થઈ ગયાં. હવે એ બધા રૂપિયાને શું કરવાના? આ જીવી તો માથાં પછાડીને અડધી થઈ ગઈ! એની જીવવાની ઈચ્છા જ મરી ગઈ છે.

સાહેબ, હું બધું સમજુ છું, હું તો ક્યારેય અહીં ના આવત પણ આ જીવી રટણ લઈને બેઠી. ખાવા-પીવાનું છોડી દીધું અને એક જ રટણ, ‘ચાલ, સાહેબ પાસે. સાહેબ ને બેન દયાળુ છે, એ ના નહિ પાડે.’ સાહેબ, તમે ના પાડશો તો આયે મરી જશે!”

અત્યાર સુધી બોલ્યા વગર આખીયે વાત સાંભળી રહેલાં નલિનીબેનનો ભય, આક્રોશ સાથે ફૂટ્યો, “તમને આટલા વર્ષે અહીં આવવાનો વિચાર આવ્યો જ કેવી રીતે? કે પછી અત્યાર સુધી અમારા પર નજર રાખીને બેઠાં હતાં?”

કાનજી હાથ જોડતો બોલ્યો, “ના બેન, અમે શહેર છોડ્યા પછી ક્યારેય આ બાજુ આવ્યાં જ નથી. અમે તો આખીયે વાત સાવ ભૂલી ગયેલાં અને છેલ્લા એક વરસથી તો અમે દીકરાના શોકમાં ડૂબેલાં હતાં, અધમૂઆ જેવાં જીવતાં હતાં. એ દુઃખમાં જ રાત-દા’ડો રડી-રડીને જીવીની આંખે ઝાંખ વળવા લાગી.

એવામાં અમારા રામપુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આંખોની તપાસનો કેમ્પ થયો. શહેરમાંથી બધા મોટા ડાક્ટરો આવેલા, એમાં અમે એમને જોયાં! જાણે આ જીવલી ફરી જુવાન થઈને સામે આવીને ઊભી હોય એવું લાગ્યું. એ જ મોં.., એ જ આંખો.., એ જ ચાલ..; એ કાંઈ છાનું રહે!

તોયે ખાત્રી નહોતી થતી એટલે ગઈ કાલના આવીને સામે બસસ્ટેન્ડ પર બેઠાં હતાં, એમની સાથે તમને પણ જોયાં એટલે ખાત્રી થઈ ગઈ.”

નલિનીબેનની લાલ આંખો નર્યો ક્રોધ વરસાવી રહી, “અત્યાર સુધી એને ભૂલી ગયાં હતાં તો હવે આગળ પણ ભૂલી જાવ. જીવી, તારે તો એ જીવ જોઈતો જ નહોતો! એક દીકરો હતો એટલે ‘અમને બીજો જીવ ઉછેરવો પોસાય નહિ’ એમ કહીને તું તો પેટમાં રહેલા જીવની હત્યા કરવા ચાલી હતી! અમે જ તને રોકી, સમજાવી અને એને માગી લીધી.

હવે આટલાં વર્ષે, તમારો એ વણજોઈતો જીવ અમારા જીવનની મોંઘેરી મૂડી બની ગયો છે, ત્યારે એને પાછો લેવા આવ્યાં છો! તમે વચન આપ્યું હતું કે તમે ક્યારેય પાછા નહિ આવો! ભૂલી ગયા એ બધું? અત્યારે તમે સ્વાર્થમાં આંધળાં થઈ ગયાં છો. મહેરબાની કરીને અમારું ઘડપણ બગાડશો નહિ. હું તમને હાથ જોડું છું.”

જીવીની આંખોમાં ગોરંભાયેલાં વાદળોનો ભાર વધી ગયો હોય એમ, એની આંખો વરસી પડી. એ હિબકે ચઢી, “બેન, ઉપરવાળાએ અમારુંયે ઘડપણ બગાડ્યું છે. એ વખતે મારો નરેશ નાનો હતો અને અમારે ખાવાનાયે સાંસાં હતાં એટલે જીવહત્યા કરવા ચાલી હતી. એક વધારાના માણસને ખવડાવવું શું? અમે પેટને ખાતર એ પાપ કરવા ચાલ્યાં હતાં!”

“હંહ્! પેટ..! તમને ખબર છે? બાર વરસ સુધી તો એનો પેટનો દુ:ખાવો પીછો નહોતો છોડતો.., ડોક્ટર એટલા દેવ કર્યા! ચાર વર્ષની ઉઁમરે એને ધાણીફૂટ તાવ આવ્યો અને આખી રાત માથે પોતાં મૂક્યાં, ત્યારે તમે ક્યાં હતાં? બારમા ધોરણની પરીક્ષા વખતે, એને એકલું ન લાગે એટલે અમે બીજા રૂમમાં જાગતાં બેસી રહેતાં, ત્યારે તમે ક્યાં હતાં? આજે છેક તેવીસ વર્ષે કેમ આવ્યાં છો?

“બેન, તમે એને જીવાડી, ઝાઝેરાં જતન કરીને ઉછેરી, બધુંયે કબૂલ પણ હવે તમારે પગે પડું, એક વખત મારી જગ્યાએ તમારી જાતને મૂકીને વિચારજો! એવું હોય તો એક વાર એને પૂછી ને પછી..!”

નલિનીબેનની રાડ ફાટી ગઈ, “એને પૂછવાનો તો સવાલ જ નથી, હું એને બરાબર ઓળખું છું. તમે લોકો શું સમજીને આવ્યાં છો, એને આખીયે વાતની ખબર નહિ હોય એમ? અરે! એ સોળ વરસની થઈ ત્યારે જ અમે એને કહી દીધું હતું.

તમને કહી દઉઁ છું, એને મળવાનું તો સપનામાંયે વિચારતા નહિ. જો એવું કંઈ પણ કરશો તો હું પોલીસમાં જાણ કરી દઈશ. હવે બહુ થયું, તમે અત્યારે જ જતા રહો!” બોલીને નલિનીબેને મોં ફેરવી લીધું.

એમની એ ચેષ્ઠાએ પેલા બે દુ:ખી જીવોને સ્પષ્ટ જવાબ આપી દીધો.  દિગંતભાઈની આંખોમાં પણ એ જ જાકારાના ભાવ વંચાયા એટલે આજીજી કરતી જીવીનો હાથ પકડી એને ઊભી કરતો કાનજી બોલ્યો, “મેં તને ના પાડી હતી પણ તું માની નહિ! વધારે દુઃખી થવા અહીં આવી! ચાલ હવે, આપણે આપણી હેસિયત બહારની માગણી કરી બેઠાં છીએ એ સમજી લે.”

દિગંતભાઈ તરફ ફરીને હાથ જોડતો બોલ્યો, “સાહેબ, બેન, રામ-રામ. બોલ્યું-ચાલ્યું માફ કરજો. આ ચિઠ્ઠીમાં મારો ફોન નંબર છે. કદાચ તમારો વિચાર..!”

ભાંગેલા પગલે એ દંપતી ઝાંપો ખોલીને બહાર ચાલી ગયું. ઓટલે બેઠેલા વૃદ્ધ દંપતીને જિંદગીભરનો થાક અત્યારે જ લાગ્યો હોય, એમ એમના પગ હાલવાની શક્તિ ગુમાવી બેઠા.

આસપાસની દુનિયા વિસરી ગયેલા એમને એ દુનિયા સાથે પાછા જોડવાનું કામ, રસ્તા પરના કર્કશ અવાજોએ કર્યું. ખૂબ જોરથી ચૂં… કરતો કારની બ્રેકનો અવાજ આવ્યો અને સાથે જ જોર-જોરથી ભસવાના અવાજો.

લાલી કોઈકની કારના ટાયર નીચે આવીને નિશ્ચેતન પડી હતી અને બન્ને ગલૂડિયાં એની આજુબાજુ દોડતાં કાગારોળ મચાવી રહ્યાં હતાં. બાજુની ગલીમાંથી આવીને એક ડાઘિયો કૂતરો જાણે હમણાં એ ગલૂડિયાંને ફાંફેડી ખાવાનો હોય, એમ ટાંપીને બાજુ પર ઊભો રહી ગયો.

નલિનીબેનને અરેરાટી થઈ ગઈ, “અરે.. રે.. બિચારું કાબરું ફરી નોંધારું થઈ ગયું!”

ત્યાં જ ક્યાંકથી દોડતી આવીને, ગલૂડિયાંની બાજુમાં ટટ્ટાર ઊભી રહી ગયેલી એની જન્મદાત્રી પર બન્નેની નજર પડી, ‘ઓહ,આ કાબરી ક્યાંથી આવી?’

બેયની નજર એક થઈ!

“મેં તમને કહ્યું નથી પણ પંદર દિવસ પહેલાં તમારા ભત્રીજા સુનિલનો ફોન હતો. પૂછતો હતો, ‘કાકાએ એમનું વીલ તો બરાબર કર્યું છે ને? કાલ ઊઠીને કલગી પરણીને જતી રહે પછી કાકાની અને તમારી સંભાળ લેવાની જવાબદારી તો અમારી જ કહેવાય ને! અમે નક્કી કર્યું છે કે કલગીના લગ્ન પછી તમારી સેવા કરવા, અમે તમારી સાથે જ રહેવા આવી જઈશું.’ આજ સુધી એણે પૂછ્યું પણ નથી કે કાકા-કાકી તમે કેમ છો?”

પતિની સામે ધારદાર નજર નાખતાં એ બોલ્યાં, “મારો કેન્સરનો છેલ્લો રીપોર્ટ…!  ડોક્ટરના કહેવા પ્રમાણે હું તો માંડ છ મહિના…! ન કરે નારાયણ અને તમને પણ કંઈ થઈ ગયું તો..! આ દુનિયામાં ડાઘિયાઓની ક્યાં કમી છે?”

અચાનક હવાની લહેરખી આવી અને થોડી વાર પહેલાં કાનજી ટીપોય પર મૂકીને ગયો હતો એ કાગળની ચબરખી ઊડી. દિગંતભાઈએ ઝડપથી હાથ લંબાવીને એ પકડી લીધી!

~ નિમિષા મજમુંદાર, મહેસાણા
nimishamajmundar@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. માનવમન ના આટાપાટાની સુંદર છણાવટ! છતાંય કેટલીક બાબતો અસ્પષ્ટ રીતે અવ્યક્ત થઈ છે!