|

લુઝર? ~ (વાર્તા) ~ ગિરિમા ઘારેખાન

માલવે ધીરેથી લેપટોપ બંધ કર્યું. બધી રીતો જોઈ લીધી હતી. ડર તો બધામાં લાગતો હતો, પણ બધો વિચાર કર્યા પછી કાંડા ઉપર બ્લેડ મારવાનું જ સહુથી સલામત લાગ્યું હતું. મરવામાં કોઈ જોખમ ના લેવાય.

આવી પરિસ્થિતિમાં પણ એના ચહેરા ઉપર એક કડવું સ્મિત આવી ગયું. મરવામાં પણ જોખમનો વિચાર કરવાનો? પણ વાત તો સાચી જ હતી. સો ટકા ખાતરીવાળો જ રસ્તો લેવાય.

પાછા સો ટકા ? ટકા! ટકા! ટકા! એની જ તો આ બધી મોકાણ હતી. આટલા ટકા આવ્યા, હવે સાયન્સ માં જઈ શકાય. આટલા ટકા આવશે તો આમાં એડમીશન મળશે અને આટલા નહીં આવે તો આમાં જવું પડશે અને પછી નોકરી નહીં મળે અને પછી આખી જિંદગી —

મૂઈ આ જિંદગી. જોઈતી જ નથી. બસ, કાંડા ઉપર બ્લેડથી એક કાપો અને પછી થોડી મીનીટોમાં ફેંસલો. પછી કોઈ માપશે કે આટલા ટકા લોહી નીકળી ગયું એટલે આ છોકરો મરી ગયો?

કેટલું લોહી નીકળશે ? ધડધડાટ નીકળશે ? એ જોઈ શકશે ? એનાથી તો થોડું લોહી પણ જોઈ શકાતું ન હતું. એટલે તો ૧૦માના પરિણામ પછી મમ્મીના બહુ આગ્રહ છતાં એટલું તો બોલી શક્યો હતો, ‘મારે ડોક્ટર બનવું જ નથી.’

માલવની આંખો સામે પરિણામના દિવસના એ દ્રશ્યનું રીલ ફરવા માંડ્યું. આખો દિવસ રણકતી રીંગોના    જવાબમાં ‘થેંક યુ, થેંક યુ’ કહીને થાકી ગયા પછી રાત્રે એનામાં બહુ હોંશ પણ રહ્યાં ન હતા. રાત્રે સૂવા જતાં પહેલાં મમ્મીએ વાત શરૂ કરી હતી :

‘માલવ નાનો હતો ત્યારથી મેં વિચારી રાખ્યું હતું કે મારો દીકરો ડોક્ટર જ બનશે. એણે એવું પરિણામ લાવીને બતાવી પણ દીધું.’

‘પણ તને ખબર છે કે ડોક્ટરની આખી જિંદગી ભણવામાં જાય ? એમ. બી. બી. એસ.,પછી પી. જી. કરો, પાછું એનાથી ય આગળ કૈંક સ્પેશ્યલાઈઝેશન કરો, ત્યારે કૈંક પત્તો પડે. એ પછી ય આપણે હોસ્પિટલ તો ખોલી શકવાના નથી. એટલું ભણીને નોકરી જ કરવી, એના કરતાં ચાર વર્ષ આઈ. આઈ. ટી. માં ભણી લે તો પાંચમા વર્ષે મહીને છ આંકડાનો પગાર ચાલુ થઇ જાય. સમજી ?’

પપ્પાએ મમ્મીના ઉભરાતા ઉત્સાહ ઉપર ઠંડુ પાણી છાંટી દીધું હતું. પણ મમ્મીનું ઘણા વર્ષોનું સપનું એમ ક્યાં ઠંડુ પડે એમ હતું ?

‘આપણી સોસાઈટીમાં બે ડોક્ટર રહે છે એની બધાને ખબર છે. કેટલા એન્જીનિયર છે એ કોઈ જાણે છે? તમે ગમે તે કહો, ડોક્ટર એટલે ડોક્ટર.’

મમ્મી પપ્પાની ચર્ચા બહુ આગળ વધે એ પહેલા એના ચહેરા તરફ જોઇને એનાથી એક વર્ષ નાની શેફાલીએ એને પૂછી લીધું હતું, ‘ઓ મલ્લુ, તું તો ક્હે કે તને શું બનવું છે?’

એ થોડી વાર સુધી શેફાલીના ફ્રોક ઉપરના પતંગિયાંની ડીઝાઈન તરફ જોતો રહ્યો હતો. એને લાગ્યું કે અત્યારે તો એને શું બનવું છે એના કરતાં શું નથી બનવું એની વધારે ખબર હતી. એ ઝડપથી બોલી ગયો હતો, ‘મમ્મી, મારે ડોક્ટર નથી બનવું.’

પપ્પા ખુશ થયા હતા. એમણે બધું વિચારેલું જ હતું.

‘માલવ અગિયારમા બારમાની સાથે સાથે જે. ઈ. ઈ. ની તૈયારી કરશે. મેં એને ક્યાં મોકલવો એ પણ નક્કી કરી લીધું છે. બે વર્ષ હોસ્ટેલમાં રહેશે, તૈયાર થઇ જશે. પછી આઈ. આઈ. ટી. માટે તો હોસ્ટેલમાં રહેવું જ પડશે ને ?’

સપનાંઓના જીવડાંઓના શરીર પર વરસાદ પહેલાનું ચોમાસું બેઠું હતું, પાતળી પાંખો અને ઊડાઊડ વધારે.

‘માત્ર ચાર વર્ષ, પછી કેમ્પસમાંથી જ મોટા પગારની નોકરી, સીધું કેબિનમાં બેસવાનું. પછી આપણી જેમ આખી જિંદગી પહેલી તારીખની રાહ નહીં જોવી પડે.’

છેવટે મમ્મી માની ગઈ હતી.

અને એ આ દેશના ‘કોચિંગ કેપિટલ’માં આવી ગયો હતો.

હવે હોસ્ટેલમાં જ રહેવાનું છે એ સાંભળીને એ પણ પહેલાં તો ખુશ થયો હતો- હવે આખો દિવસ ‘ભણવા બેસ, ટાઈમ ના બગાડ, મોબાઈલ બાજુએ મૂક, આ જિંદગીના સહુથી કીમતી વર્ષો છે’ – ઘડિયાળના કાંટાની સાથે સાથે ચાલતા એ અવાજો હવે કાનમાં નહીં પડે. શિક્ષકો, પડોસીઓ, માસી, ફોઈ, કાકા, બધાં જ   ઢગલાબાજી રમતાં હોય એમ ‘ઉપર એક’ કહીને પોતપોતાનું શિખામણનું પત્તું ફેંકતા જતાં. એવું તો ન હતું કે એ ભણવાનું મહત્વ સમજતો ન હતો. એણે ‘સામાન્ય’ ભણેલા એના પપ્પાની નોકરીની તકલીફો એણે જોઈ હતી, સમજી હતી, અને એટલે જ એણે નક્કી કર્યું હતું કે મમ્મી પપ્પાએ એનામાં મૂકેલો વિશ્વાસ એ સાચો કરીને બતાવશે. એ ભણશે. દસમામાં ખૂબ મહેનત કરીને “આટલા બધા” ટકા લઇ આવ્યો હતો. એની ભેટ સ્વરૂપે મળ્યું હતું એને આ “આઈ.આઈ.ટી.નું આંગણું.”

પણ અહીં આવીને ખબર પડી હતી કે આ શહેરને ભલે બધાં ‘ભણતરનું કાશી ‘કહેતાં હતા. એ તો હકીકતમાં પરફોરમન્સનું પ્રેશરકુકર હતું જેમાં માત્ર ‘ચડતા’ રહેવાનું હતું. એની વ્હીસલ બોલે ત્યારે વરાળ નહીં, સુગંધ નીકળવી જોઈએ. એમના ક્લાસના સરે પહેલા જ દિવસે સમજાવી દીધું હતું, ‘તમને બધાને ખબર જ હશે કે આ પરીક્ષામાં કેટલી હરીફાઈ છે. થોડીક હજાર સીટ્સ માટે દર વર્ષે લાખો વિધાર્થીઓ પ્રયત્ન કરે છે. દિવસના અઢાર કલાક ભણવાની, ચાર પાંચ કલાકની ઊંઘથી ચલાવી લેવાની અને દુનિયા ભૂલી જવાની તૈયારી હોય તો જ અહીં રહેજો. નહીં તો તમારા ઘેર જઈને કોઈ પણ કોલેજમાં દાખલ થઇ જજો. તમારા વર્ષો અને મા બાપના લાખો રૂપિયા બગાડતા નહીં.’

લાખો ! – હા, એણે પણ સાંભળ્યા હતા- મમ્મી પપ્પાની બેડરુમમાં થતી વાતચીતમાં. પપ્પાનો એ ઉદાસ અવાજ હજી એના કાનમાં પડઘાતો હતો,

‘મેં બધી તપાસ કરી. ત્યાંની ક્લાસની ફી ઘણી વધારે છે. પછી હોસ્ટેલ, ભણવાનું મટીરીયલ, ડમી સ્કૂલની ફી, માલવનો પરચુરણ ખર્ચો. બધું મળીને બે વર્ષના આઠ દસ લાખ થશે.’

‘એટલા બધા! ક્યાંથી લાવશું ? મમ્મીનો અવાજ મોટો થઇ ગયો હતો.

‘તું શાંતિ રાખ. મેં વિચારી લીધું છે. હું થોડા મારા પી. એફ.માંથી ઉપાડી લઈશ. થોડી લોન લઇ લઈશું. આપણે ક્યાં ચાર વર્ષના એક સાથે આપવાના છે ?’

‘હું ફરીથી ટિફિન બનાવવાનું ચાલુ કરી દઈશ. તમે જ માલવને કહેતા હતા ને કે માત્ર ચાર વર્ષ સંઘર્ષ કરવાનો છે. તો એ એકલો શું કામ, આપણે બધાં સંઘર્ષ કરીશું. પછી તો – -’

સપનાંની રંગબેરંગી પતંગો પાછી આકાશમાં ઊડવા માંડી હતી.

અને પોતે ? અહીં આવ્યાના થોડા દિવસમાં જ એ તો જાણે આકાશમાં ઊંચે જતાં પહેલાં જ ભીંજાઈ ગયેલી પતંગ જેવો બની ગયો હતો. ક્લાસમાં દર પંદર દિવસે ટેસ્ટ લેવાતાં. સર દરેકના માર્ક્સ ક્લાસમાં જાહેર કરતા – એમના કહેવા પ્રમાણે જેને ઓછા આવ્યા હોય એ લોકોને બીજા પાસેથી પ્રેરણા મળે માટે. પણ દરિયાના એ બહુ મોટાં મોજાં પલાળવાની સાથે ખારાશ ફેંકતાં અને ઉપરથી પાછા જતી વખતે પગ નીચેની થોડી રેતી તો ખેંચતા જ જતા. એનાથી પેલા ટોપર્સના દ્રષ્ટિબાણ સહન ન હતા થતાં. રૂમ ઉપર આવીને રડવું આવી જતું. એ બપોરે જમવા પણ ન જતો. એનો રૂમ પાર્ટનર સૌમિલ એની પીઠ ઉપર હાથ ફેરવીને જતો રહેતો. આમ તો અહીં કોઈ કોઈનું દોસ્ત ન હતું. દોસ્તીની પળો એક બે માર્ક ઓછા કરી નાખે તો ! અહીં વવાયેલા બધાં વૃક્ષો સૂર્યપ્રકાશની શોધમાં આકાશ તરફ દ્રષ્ટિ કરીને જ ઊભાં રહેતાં. ખીણમાં કોણ જુએ?

એમની એ દ્રષ્ટિને વધારે ઊંચી કરવા માટે ક્લાસના સર અવારનવાર જુદા જુદા શહેરોમાં લાગેલા ત્યાંથી પાસ થઈને ગયેલા વિદ્યાર્થીઓના હોર્ડિંગઝના ફોટા બતાવતાં. હવે નોકરીમાં સેટ થઇ ગયેલા એમના વિદ્યાર્થીઓને બોલાવતા. બધાની વાતોનો સૂર એક જ રહેતો- કોને કેટલાં માર્ક્સ આવ્યા હતા- પછી કઈ કંપનીમાં કેટલાનું પેકેજ મેળવ્યું અને એ બધાં માટે કેટલાં કલાકો ભણવા માટે ફાળવ્યા હતા.

ભણી લો- પણ આટલું બધું ? માણસ મટીને મશીન બનીને ભણવાનું ! દસમા ધોરણ કરતાં તો બધું કેટલું જુદું હતું ! કશામાં રસ જ ન હતો પડતો. જાણે નાનાં નાનાં છોડવાંને અચાનક મોટાં વૃક્ષ બનાવીને તોફાનની વચ્ચે મૂકી દીધાં – ‘જુઓ, એક પણ પાંદડું ખરવું ના જોઈએ અને ફળ લાગી જવા જોઈએ.’

પણ માલવ તો જાણે આખેઆખો ખરી ગયો હતો. એ ક્લાસમાં બેસીને એની જનરલ્સમાં આકૃતિઓ દોર્યા કરતો- ફીઝીક્સની, કેમેસ્ટ્રીની. સર એની આકૃતિઓના વખાણ કરતાં, પણ માત્ર આકૃતિઓ માર્ક્સ થોડા આપી શકે ? વાંચો, લખો, સમજાય નહીં તો ગોખો, પણ માર્ક્સ લાવો. માર્ક્સ એ જ ભવિષ્ય છે, વિશ્વ છે, બ્રહ્માંડ છે.

શું કરવું ? ઘર બહુ યાદ આવતું હતું. હોસ્ટેલનું જમવાનું મમ્મીની રસોઈની તીવ્રતાથી યાદ કરાવતું હતું. જે ન હતું ભાવતું એ કારેલાનું શાક પણ યાદ આવતું હતું. શેફાલી સાથેની મસ્તી, પપ્પાનું વ્હાલ—જે વસ્તુઓ, વ્યક્તિઓ તરફ ક્યારેય ધ્યાન ન હતું આપ્યું એ બધાં કોણ જાણે ક્યાંથી ભણતી વખતે જ મગજમાં ઘૂસી આવતાં. પાછા જતા રહેવાનું મન થઇ જતું. પણ મમ્મી-પપ્પાના શબ્દો, એ લોકોની ફોન ઉપરની વાતો- ‘માલવ, અમે જેને જેને તું ક્યાં અને શેને માટે ભણવા ગયો છે કહીએ છીએ ને, એ બધાંના મોંમાંથી ‘વાહ’ નીકળી જાય છે. તું અમારું ગૌરવ છે, બેટા’ – અને બીજું ઘણું બધું. અને માલવ ઘેર જવાનો વિચાર માંડી વળતો. –‘સૌમિલ રહે જ છે ને ! આખી હોસ્ટેલો ભરેલી પડી છે. બધાં ઘર છોડીને આવ્યાં છે. બધાં સરસ ભણે છે. મને કેમ ન ફાવે? હું રહીશ અને ભણીશ.’

પણ એ નિર્ધાર લાંબો ન ટકતો. એ ચોપડી લઈને બેસતો, પણ વાંચવામાં ધ્યાન કેન્દ્રિત કરી જ ન શકતો. રસ જ ન પડતો. એમાં પણ ત્રણ ચાર દિવસ તાવ આવી ગયો અને એ ક્લાસમાં ન ગયો એમાં તો પેલી ખીણ જાણે પાતાળ સુધી પહોંચી ગઈ. પાછળનું બાકી કામ કરવા રહેતો એમાં રોજનું કરવાનું રહી જતું. દિવસને અડતાલીસ કલાકનો તો કેવી રીતે બનાવાય ? એક વાર ક્લાસનું લેસન અને સમજણ વચ્ચે ખાલી જગ્યા પડી ગઈ એ પછી પાછળના તારને ન જ પકડી શકી. અહીં પુસ્તકોના પાઠ ચાલતા ન હતા, ઊડતાં હતા.

એ પણ રોજ બધાની જેમ ચાર વાગે ઊઠી તો જતો, પણ થોડું વાંચીને બારી પાસે ઊભો રહીને બારીના સળિયાના બહાર પડતા પડછાયાને જોયાં કરતો. એની વચ્ચે એનો તૂટેલો ચહેરો પણ દેખાતો. થોડી વાર પછી પૂર્વ દિશા તરફ મોં કરીને સવાર પડવાની રાહ જોતો. અંધારાને પકડવા સૂરજ પહેલા સોનેરી કિરણોની જાળ ફેંકતો. પછી એમાં લાલ અને કેસરી રંગો ભળતાં. એ બે રંગ ભેગા થઈને આકાશમાં ગુલાબી રંગની આભા રચતાં. માલવને ભૂરા આકાશ ઉપર પથરાયેલી એ આભાને નીચે લઇ આવવાનું મન થતું. એ બધું જોવામાં એ ઘડિયાળના સફેદ ચક્કર ઉપર ફરતાં, છરીની જેમ એના દિવસને ટુકડાઓમાં કાપી લેતા કાળા કાંટાને, જોવાનું ભૂલી જતો. પછી બારીના સળિયાની વચ્ચેથી દેખાતી પંખીઓની ઊડતી હાર જોઈને એને થતું કે એનામાંથી રોજ રોજ કૈંક કપાઈ રહ્યું છે.

સવારે સાડા છ એ સૌમિલ નાહીને નીકળતો અને એ બાથરૂમ તરફ દોડતો.

રવિવારે પપ્પા પણ વાત કરતા. પણ આ બધાનાં વાતની પીન કેમ એક જ જગ્યાએ અટકેલી રહેતી –‘ભણવાનું કેવું ચાલે છે બેટા ?’ દુનિયામાં બીજું કંઈ હતું જ નહીં ? કોઈએ ક્યારેય એવું કેમ ના પૂછ્યું કે ‘તારા ઘરની આજુબાજુ વૃક્ષો છે, છોડ છે ? એમાં ફૂલો ઊગે છે?’

ગયા રવિવારે પપ્પાએ કહ્યું હતું, ‘દસમામાં તને મેથ્સમાં પૂરેપૂરા માર્ક્સ મળ્યાં હતા, આ વખતે પણ એટલા લઇ આવીશ ને ?’

માલવને કહેવું હતું, – ‘એનાથી અડધા પણ નથી આવતા, પપ્પા.’ પણ એની જીભ પપ્પાની આંખોમાં દેખાતી અપેક્ષાઓની રંગીન દોરીથી સિવાઈ ગઈ હતી. એ વખતે એણે આખી રાત બેસીને બધું ચડી ગયેલું કામ પતાવી દેવાનું નક્કી કર્યું હતું. એ વાંચવા બેઠો અને થોડી જ મિનીટોમાં અક્ષરો ચોપડીની બહાર આવીને પાંખો ફફડાવતાં એની આજુબાજુ ઊડવા માંડ્યા હતા. આવું ઘણી વાર થતું. પછી એ પાંખો એને વાગતી, એ લોહીલુહાણ થઇ જતો અને છેવટે અક્ષરોને પુસ્તકના બે પૂંઠા વચ્ચે કેદ કરીને મૂકી દેતો.

આજે સૌમિલનો જન્મદિવસ હતો. સવારના ક્લાસ પૂરા થયા પછી એ બેચાર મિત્રોને લઈને બહાર જમવા જવાનો હતો. એણે માલવને પણ કહ્યું. પણ આજે કેમેસ્ટ્રીમાં પાસીંગ સુધી પણ ન પહોંચ્યા પછી માલવનો કંઈ મૂડ જ ન હતો. ક્લાસમાં કોઈ બોલ્યું હતું, ‘પરમેનંટ લુઝર.’

સૌમિલે એને માટે રૂમ ઉપર પીઝાનું પાર્સલ મોકલાવ્યું.

માલવ ડીલીવરીબોયે આપેલું પીઝાનું પેકેટ પકડીને  બેઠો હતો. એને પીઝા બહુ જ ભાવતા. મમ્મી અવારનવાર ઘેર જ બનાવતી. એ એના પીઝામાં ચીઝ બહુ થોડી નંખાવતો. ‘મમ્મી, મને કલરફૂલ પીઝા ખાવા ગમે છે.’ પછી મમ્મી એના પીઝામાં લીલા પીળા કેપ્સીકમ, લાલ ટામેટા, ઘેરા લીલા ઓલીવ્ઝ  નાખતી. આમાં એવા રંગો હશે ? એણે પેકેટ ખોલ્યું – માત્ર સફેદ ચીકણી ચીઝ. એણે પેકેટ બંધ કરીને મૂકી દીધું. એ ખુરશીમાં સ્થિર બેસી રહ્યો. વારંવાર સંભળાતો પેલો ‘લુઝર’ શબ્દ કાળા મોટા ભમરાની જેમ એની આસપાસ ઊડીને એને ડંખ માર્યા કરતો હતો.

હવે એક જ ઉપાય બચ્યો હતો. જો પાછો જતો રહે તો કોઈ એને  ઘરમાંથી કાઢી તો ન મૂકે, પણ પેલો ભમરો તો ત્યાંય પાછળ આવી જ જાય – આખી જિંદગી ડંખ માર્યાં કરે. એ સમજી ગયો હતો કે બે વર્ષ અહીં રહીને, ગમે તે કરે પણ એ ‘લાખો’ના ટોળામાંથી ‘થોડા હજાર’માં આવવાનો જ ન હતો. પછી પપ્પાના પૈસા શું કામ બગાડવા? જિંદગીભર લોનના પૈસા ચૂકવ્યા કરે એના કરતાં તો થોડો વખત રડી લે તો ચાલશે.

આટલા વખતમાં એ એટલું તો સમજી ગયો હતો – ધીઝ વોઝ નોટ હીઝ કપ ઓફ ટી. કોઈ એને સમજી ન હતું શકતું. એક જ ઉપાય હતો – બ્લેડનો એક ઘા- પછી લોહી સામે જોવાનું જ નહીં. આંખો બંધ કરીને બેસી જવાનું. બસ- ધ એન્ડ.

માલવ બ્લેડ લાવવા બાથરૂમ તરફ વળ્યો અને રૂમનું બારણું ખખડ્યું.

સૌમિલ ! એ તો રેસ્ટોરંટથી સીધો લાયબ્રેરીમાં જવાનો હતો !

બીજી વાર બારણું ખખડવાના અવાજ સાથે મમ્મીનો અવાજ પણ અંદર પ્રવેશ્યો. મમ્મી ! અત્યારે, આ પળે કેમ આવા ભણકારા થાય છે ? અમાસની રાત્રે સૂરજ ઊગે ?

માલવે ધીરેથી બારણું ખોલ્યું. આકાશમાં ભૂલું પડી ગયેલું ગયેલું વાદળ મંદિરની ફરફરતી ધજાને જોતાં જ એને આલિંગન આપવા દોડ્યું. વાદળના ખાલી થતા શરીર ઉપર લપેટાઈ ગયેલી ધજા પોતે પણ આખેઆખી ભીંજાઈને નીતરતી રહી.

પપ્પાની આંખોમાં માવઠું હતું.

‘બેટા તને લેવા આવ્યા છીએ.’

માલવ કંઈ બોલવાની સ્થિતિમાં જ ન હતો. એણે પપ્પા સામે તાક્યા કર્યું.

પપ્પાએ એના હાથમાં એક કાગળ મૂક્યો, ‘વાંચ’.

જો કે માલવ એ વાંચે એ પહેલા જ હરખપદુડી મમ્મીએ માહિતી પીરસી દીધી, ‘તને યાદ છે તારા દસમાની પરીક્ષા પછી તેં પર્યાવરણ વિષયની એક ઇન્ટરનેશનલ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને  દિવસો સુધી એની પાછળ જ મંડ્યો રહ્યો હતો?’

‘હા, તે એનું શું છે?’

‘એનું પરિણામ આવી ગયું. લાખો હરીફોમાં તારું ચિત્ર વિજેતા જાહેર થયું છે. એ લોકોએ તને ફ્રાંસની એક ફાઈનઆર્ટસ કોલેજમાં ફૂલ સ્કોલરશીપ સાથે ભણવાનું આમંત્રણ આપ્યું છે. આવી તક થોડી જવા દેવાય બેટા ? તું નાનપણમાં ચિત્રો દોરતો હતો ત્યારથી મને લાગતું જ હતું કે મારો દીકરો બહુ મોટો ચિત્રકાર થવાનો છે. આની સામે આઈ. આઈ. ટી. તો કંઈ નથી. ચલ, તારો સામાન પેક કરીએ. ત્યાં સુધીમાં પપ્પા તારી હોસ્ટેલની ઓફિસમાં અને ક્લાસમાં મળી આવશે.’
માલવે હાથમાંનો પત્ર ખોલ્યો. એની અંદરના અક્ષરો પંખીઓ થઈને ઊડતાં હતા પણ અત્યારે એમની પાંખો રંગબેરંગી હતી.

******

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. વાહ ખુબ સરસ… સુખદ અંત આવ્યો…🙏🙏🙏