ત્રણ ગઝલ ~ ભાવેશ ભટ્ટ
૧. એની વિશેષતા છે
ભેટીને અવગણે છે એની વિશેષતા છે!
ઔષધ વડે હણે છે એની વિશેષતા છે!
વાદળનું ચિત્ર દોરી ઢાંકે હથેળીઓથી
વરસાદને ચણે છે એની વિશેષતા છે!
સંજોગ કોઈના તો આવે છે જીભકટ્ટા
કોઈના ધણધણે છે એની વિશેષતા છે!
નાસ્તિકના ઘરની ભીંતો સૌની નજર બચાવી
ખુદ સાથિયા જણે છે એની વિશેષતા છે
પ્રતિબિંબને કદી જો આવે વલૂર જેવું
તો કાચને ખણે છે એની વિશેષતા છે!
વાવે ભલે નદીમાં દરરોજ ડૂબકીઓ
સૂકાયેલું લણે છે એની વિશેષતા છે!
કણને બચાવવાની એની ફરજ નથી કૈં
હાજર કણેકણે છે એની વિશેષતા છે!
ગણશે સમીપતાના ક્યારેક દાખલા પણ
સંગાથને ભણે છે એની વિશેષતા છે!
ભૌતિક જગત ભલેને છે આત્મા ગઝલનો
અધ્યાત્મને વણે છે એની વિશેષતા છે!
૨. હળવો થાઉં
કોને બોલાવવાથી હળવો થઉં
એટલું ધારવાથી હળવો થઉં
એય રાહત હવે નસીબ નથી
પાંપણો વાખવાથી હળવો થઉં
ગાળિયો, કંઠી કે કોઈ માળા
કૈંક તો બાંધવાથી હળવો થઉં
જે જતા રોકતા નથી એવા
સાદ ખંખેરવાથી હળવો થઉં
અક્ષરોમાં છુપાયા પ્હાડ ભલે
પત્રને વાંચવાથી હળવો થઉં
આ લટકવાનું તો નહીં છૂટે
ડાળના તૂટવાથી હળવો થઉં
ગોઠવણમાં છું હરપળે એની
કેટલું ભૂલવાથી હળવો થઉં
જેટલી તાળી, એટલા આંસુ
કઈ રીતે વાહવાથી હળવો થઉં
આંખ ને કાન ના કદી સમજ્યા
ક્યારે શું જાણવાથી હળવો થઉં
અવગણું છું હિસાબમાં ભૂલો
રોજના ખૂટવાથી હળવો થઉં
જો વધે આપઘાતનું ભારણ
માનતા માનવાથી હળવો થઉં
એ ભરમ પણ પછી ગયો તૂટી
હાથને જોડવાથી હળવો થઉં
૩. રોકું
તમારાં વિશે પૂછનારાને રોકું
હું દીવાલમાં ઘૂસનારાને રોકું
જો બોલીને રોકું તો ઔચિત્ય તૂટે
ઇશારો કરી બોલનારાને રોકું
હવે ઘર જો બચશે તો બચશે ન પૂરું
તો કઈ બાજુથી તોડનારાને રોકું
તું આંખોથી ક્હેતી રહી, હું ન સમજ્યો
ગલીમાં અમુક આવનારાને રોકું
ફરક જળનાં ટીપાંમાં શું કામ કરવો
તરસ મેઘની વેઠનારાને રોકું
કહું કે ‘છે ઓળખની બીજી ય રીતો’
હમેશા તમાશો થનારાને રોકું
ઉગામેલ સૌ હાથને જાત સોંપી
પછી આંગળી ચીંધનારાને રોકું
ફરે છે હવા આત્મહત્યાની એવી
જરા વાર આઘા જનારાને રોકું
~ ભાવેશ ભટ્ટ
bhavbhatt12@gmail.com