ગદ્ય એટલે? ~ નીલે ગગન કે તલે ~ મધુ રાય
એક વાર અમારા એક વાર્તાકાર મિત્રની સાથે એક્ટ્રેસ વહીદા રહેમાને હાથ મિલાવેલો. તે પછી દિવસો સુધી એમણે તે હાથ ધોયો નહોતો. એમનાં પત્નીનો હાથ એક્ટર શશી કપૂરે ચૂમેલો ને પણ…
ગગનવાલાનો હાથબાથ કોઈએ ન મિલાવેલો કે ન ચૂમેલો. પણ ગયા મહિને અચાનક એક સ્નેહીને ત્યાં મોરારીબાપુ સાથે મુલાકાત થઈ, બહુ નાની બેઠકમાં અત્યંત સરળતાપૂર્વક, સાલસ સ્વરે બાપુએ સૌની સાથે અમારો આદર કીધો અને આ પહેલાં અમે એમને ક્યાંક્યાં મળેલા તેનો ઉલ્લેખ કીધો. અહો, હમો એમની વત્સલતામાં નહાઈ રહ્યા. અમારે એક વાતનો બાપુ સાથે ‘ટંટો’ છે પણ તેનો ઉલ્લેખ પણ એ સભામાં હમો ન કરી શક્યા, ઇટ વોઝ નોટ ધ ટાઇમ, નોટ ધ પ્લેસ.
પરંતુ ધિસ ઇઝ ધ ટાઇમ ધિસ ઇઝ ધ પ્લેસ, કેમકે આ હમારી કોલમ છે ને અમને આમેઆમે બાપુ સાથે નિકટતાનો એહસાસ રહ્યા કર્યો છે, એટલે કાનમાં આંગળીઓ ખોસી નાક દબાવી ભૂસકો મારીએ છીએ ફરી એક વાર, તકરારી સરોવરમાં, સિયાવર રામચન્દ્ર કી જય!
ઘણા સમય પહેલાં, ન્યુ જર્સીમાં એચઆર શાહને પદ્મશ્રી મળ્યું તેના સમારંભમાં સંયોગથી મોરારીબાપુ પણ ઉપસ્થિત હતા અને બાયધીબાય એમણે ગગનવાલાને સ્નેહપૂર્વક જણાવેલું કે ‘હુંયે વાંચું છું તમારી કોલમ, હોં?’ ને સટ્ટાક્! ગગનવાલાના કાન ગરમગરમ થઈ ગયેલા કે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો ઉપર જેમનો ગોવર્ધન પર્વત જેવો પ્રભાવ છે, તે સંતપુરુષ પણ અમારી કોલમ વાંચે છે.

અમે માથે નહાઈએ એટલે કાન તો ભીના થાય, એટલે કાનબાન ઠીક પણ ઈ વાત સોંસરવી અમારા રુદિયામાં સેટ થઈ ગયેલી ને હજી અમે તેને યાદ કરીકરી મનમાં ને મનમાં પોરસાઈએ છીએ. (પછી જોકે એમ પણ થયેલું કે વારે ને તહેવારે બાપુ અમુક કવિ ને તમુક શાયરને માન અકરામ ઇલકાબ અને ઇનામો આપે છે, તો હજી સુધી આપણો ટર્ન કેમ આવ્યો નથી?) બાપુ કેમ કાય્યમ કવિતાને જ સાહિત્ય ગણે છે, કવિઓને જ આગબોટમાં બેસાડે છે, વિમાનમાં ઉડાડે છે, રામ ભગવાનના વખતમાં ભલે વાલ્મિકી હતા, ને પછી કહો કે તુલસીદાસ હતા જે પદ્યમાં, કવિતામાં કથા કહેતા. પણ સામાન્ય પ્રજાજનો કાંઈ એ વખતે દૈનિક વાતચીત ચોપાઈમાં નહોતા કરતા કે ન તો કૃપાલ ભજમન દોહામાં સીતાજીને કહેતા કે
चलो जानकी करो तैयारी ।
वनवास चलेगी सवारी हमारी ।। चलो० ।।
તે વખતે કદાચ લખવાનો રિવાજ બહુ નહીં હોય, ને ઝાઝા લોકો વાંચી બી શક્તા નહીં હોય તે કારણે કથાકારો ચોપાઈમાં ને દોહામાં, ને મંદાક્રાતામાં કે શાર્દુલવિક્રિડિત વગેરે છંદમાં ને બીજા રાગરાગિણીઓમાં વાર્તા કહેતા હશે. જેથી તે કથાકાવ્યો પ્રજાજનો સહેલાઈથી યાદ રાખી શકે અને પેઢીદરપેઢી તેને વિસ્તારિત કરી શકે. હવેના સમયમાં તે છંદફંદના ટેકાની જરૂર નથી, છાપાનાં પાનાંનાં પાનાં લોકો રાગમાં ગાયા વિના વાંચી શકે છે.
વળી કવિતામાં તો એકની એક ધ્રુવપંક્તિ વારંવાર ગવાય એટલે મહેનત બી ઓછી કરવાની ને તોયે મહેનતાણું ડબલડબલ? બાપુના ઇનામમાં પૈસાની આપણને લાલચ નથી, બાપુના હાથે બે પાઈ મળે તે તુલસીદાસની ચોપાઈ જેવી મૂલ્યવાન લાગે. આ એક સિદ્ધાન્તની વાત છે. આ ધોખો પણ અમારા રુદિયામાં ચોંટેલો હતો. આ પહેલાં પણ અમે બાપુના કાને (આ કોલમ દ્વારા સ્તો) રાવ ખાધી હતી ને પછી રોજ ટપાલી આવે એની રાહ જોતા હતા. રોજ ઇમેઇલ ને વોટસેપ વગેરે ટાંપીને પ્રભુને પાયે પડતા હતા.
બીજી એક વાત હરખ/દખની વાત ઈ હતી કે ઇન્ટરનેટ ઉપર વારેવારે સરિતાબેન સંતુ રંગીલી નાટકનું એક ગીત ગાઈને સભારંજન કરે છે, એવી એક સભામાં અમે મોરારીબાપુને પણ આનંદથી ડોલતા દીઠેલા. હવે ઝવેરચંદ મેઘાણીએ કોઈનો લાડકવાયો લખ્યું ને તે હવે પેઢીદરપેઢી ગવાય છે, વખણાય છે, યાદ કરાય છે ને અલબત્ત કોઈનો લાડકવાયો તે ગુજરાતી સાહિત્યનું એક મહામૂલું ઘરેણું છે ને ઈ ગાતાં ગાતાં હમો કાયમ રોઈ પડીએ છિંયે. તે કવિતા એક અંગ્રેજી કવિતાની પ્રેરણાથી લખાઈ છે ઈ વાત ગૌણ છે ને અવશ્ય ગૌણ જ રહેવી જોઈએ કેમકે સંતુ રંગીલીના ગીતની જેમ કોઈનો લાડકવાયો પણ મૌલિકના કાકા જેવું અફલાતૂન ને આબાદ કાવ્ય છે. ઈ વાત બીજી છે કે સંતુ રંગીલીનું સરિતા જોશીના કંઠે ગવાતું તે કાવ્ય પણ અમે પોતે લખેલું છે, ને ઈ કાવ્યે બાપુના મનનો મોરલો ડોલાવ્યો છે, તોયે બાપુના હાથે બે પાઈ તો ઠીક, કોઈ વ્યાખ્યાનમાં એ કાવ્યનો કે અમારો ઉલ્લેખ આવતો નથી!
અરે, અમારી વાત જવા દો, મહાકવિઓની પાસે અમેતો મગતરું કહેવાઈએ, પણ દાખલા તરીકે ગોવર્ધનરામ કે મહિપતરામ કે મુનશી કે ર. વ. દેસાઈ કે ચં.ચીં મહેતા કે ચુનીલાલ મડિયા કે ગુલાબદાસ બ્રોકર કે કોઈ કહેતાં કોઈ ગદ્યલેખકનું કોઈ ક્વોટેશન પણ બાપુ બોલતા નથી. વ્હાય?
બસ, આટલું કહી હમો રાહ જોઈએ છીએ ટપાલીની, જય હનુમાન જ્ઞાનગુન સાગર! જય કપીશ તિહું લોક ઉજાગર, સિયારામ!
madhu.thaker@gmail.com
March 6, 2025