વિશ (વાર્તા) ~ કામિની મહેતા

ડાઇનિંગ ટેબલ પર વિશ્વા મોઢું ફુંગારીને બેઠી હતી ને સામે મુજરિમની જેમ ઊભો હતો પલાશ. પલાશને સમજ નહોતી પડતી કે સવાર સવારના વિશ્વાને આજે થયું છે શું..?

“જો વિશુ, બાળક પ્લાન કરીયું ત્યારે તું નોકરી છોડી બાળક પાસે રહીશ, તેવો આપણો સહિયારો નિર્ણય હતો. બરાબર..?”

“હા, કારણ હું નહોતી ઇચ્છતી કે આપણું બાળક નોકરો પાસે મોટું થાય. હું તેનું બાળપણ માણવા માગતી હતી. તેને મારે મારી આંખ સામે મોટો થતો જોવો હતો. હું નહોતી ઇચ્છતી જેમ હું નાનપણમાં મમ્મીના સંગાથ માટે ઝૂરતી હતી તેમ મારું બાળક પણ ઝૂરે.”

“હા, તારી બધી વાત સાચી. મેં તારા એ નિર્ણયને વધાવ્યો. તે પોતે જાતે જ નોકરી છોડી. મેં તો તને નોકરી છોડવા માટે કહ્યું નહોતું. બરાબર. તો પછી હવે કેમ આવા પ્રશ્નો ઊભા કરે છે?”

“કારણ કે…” વિશ્વા બોલતા અટકી ગઈ. સાચું કારણ તો કહેવાય નહીં. “મને કંઈ નથી સાંભળવું. હું બસ એટલું ઇચ્છું છું કે હું ઘરે રહીને ઘરનું કામ કરું છું. અંશને સાચવું છું. તો મારે તેની માટે મેહનતાણું જોઇએ બસ. એટલી સીધી સાદી વાત તને સમજાતી કેમ નથી.?”

“આ સીધી સાદી વાત નથી વિશ્વા. હું તને મહેનતાણું કેવી રીતે આપી શકું? તું તો ઘરની માલકિન છે. માલકિનને પગાર કેવી રીતે આપી શકાય?”

“કેમ? લીલાબાઈને પગાર નથી આપતો? એવી રીતે મને આપવાનો.”

“તું સમજતી કેમ નથી? લીલાબાઈ નોકર છે આપણી. એને પગાર તું જ આપે છે. તને તો ખબર છે… મારા પગારમાંથી આપણા બેઉના મેડીક્લેમ ભરાય છે, ઈન્સ્યોરન્સ ભરાય છે. અંશના ફ્યુચર માટે, તેના એજ્યુકેશન માટે પૈસા મુકાય છે. બાકી આપણા બેઉનો ખર્ચો, ફ્લેટના હપ્તા, બધા બીલ.,.. હવે તું જ કહે આમાં તારા પગારની વાત ક્યાં ફિટ બેસે?”

વિશ્વાએ ટેબલ પર હાથ પછાડ્યો, “બેસે. જો તારે બેસાડવી હોય તો..”
***
વિશ્વા અને પલાશ ઘણા સમયથી એકબીજાના ટચમાં હતા. એક કોમન ફ્રેન્ડના લગ્ન પર પહેલી વાર પલાશે વિશ્વાને જોઈ. બોલ્ડ, ઈન્ટેલિજ્ન્ટ, નટખટ વિશ્વા પર ક્યારે પલાશનું દિલ આવી ગયું ખબર જ ન પડી. લગ્નના ત્રણ વરસ થયા કે પલાશે કહ્યું, “વિશુ.. જો બાળક કરવું હોય તો અત્યારે રાઇટ ટાઇમ છે. તું શું કહે છે?”

દરેક સ્ત્રીના મનમાં માતા બનવાની ઝંખના કુદરતે મૂકી જ છે. વિશ્વાની આંખોમાં મા બનવાના સપના ઝગમગ કરવા લાગ્યા. મીઠા મીઠા સ્પંદનો તેના મનમાં સળવળી ઉઠ્યા.

“મને લાગે છે તારી વાત સાચી છે. પણ પલાશ, હું મારા બાળકને નોકરોના હાથમાં મોટો થવા નહીં દઉં. કમ સે કમ બે અઢી વરસનું થાય ત્યાં સુધી હું તેને મારી આંખ સામે મોટો થતા જોવા માગું છું. મને ખબર છે એક બાળક માટે માની અહમિયત શું છે. હું મારો જોબ છોડી દઇશ. બાળક થોડું મોટું થાય પછી જોબ કરીશ.”

“ઓકે.. મેડમ.”

પલાશ પણ એના નિર્ણયથી ખુશ હતો. બંને સાથે મળી બાળક માટે સપના જોતા હતા. બાળક જનમ્યું ત્યારે લાગ્યું કે દુનિયામાં સહુંથી મોટી ખુશી છે, માબાપ બનવાની. વિશ્વાને બાબાનું નામ રાખવું હતું ’વિશ’. વિશ્વાનો ‘વિ’ અને પલાશનો  ‘શ’

“વિશ.. આ તે કેવું નામ..? વિશ એટલે ઝહર થાય.” પલાશે તરત વિરોધ કર્યો.

“વિશ એટલે ઇચ્છા, આકાંક્ષા. આ બાળકે આપણી બધી ઇચ્છાઓ પૂરી કરી છે… એટલે વિશ.”

ખૂબ વાદવિવાદને અંતે નામ નક્કી થયું – અંશ. વિશ્વા અને પલાશનો અંશ. જોકે એમાં પલાશનો ‘શ’ તો આવતો જ હતો. વિશ્વાએ મોઢું બગાડ્યું, “અંતે તારું જ ધાર્યું થયું.”

દિવસો સરસ, સભર જતા હતા. પોતાની મરજી મુજબ પોતાના બાળકને, અંશને ઉછેરતી હતી વિશ્વા. સાંજના પલાશ આવે કે એની વાતોનો પિટારો ખુલી જતો. અંશ આજે ઊંધું ફરતા શીખ્યો.. અંશ આજે તારી જેમ ગપાગપ બધી દાળ ખાઇ ગયો. બિલ્કુલ બાપ પર ગયો છે. અંશ આજે મા.. મા.. બોલતો હતો.. અંશે આજે આમ કર્યું.. અંશે આજે તેમ કર્યું..

પલાશનો દિવસભરનો થાક ઉતરી જતો, અંશની કિલકારીયો સાંભળીને. બધું બરાબર ચાલતું હતું. બંને ખૂબ ખુશ હતા. તો આજે શું થયું.?

કાલે સાંજના છાયા મળવા આવી હતી વિશ્વાને. છાયા એટલે વિશ્વાની બાળપણની મિત્ર. બંને સાથે જ ભણતા, સાથે જ સી.એ. થયા. સાથે જોબ કર્યો અને લગન પણ લગભગ એક સમયગાળામાં કર્યા. યોગાનુયોગ જોબ પણ એક જ કંપનીમાં હતી, એટલે બંને રોજ મળતા.

“ચાલ વિશ્વા એક એક કપ કોફી હો જાય. થાક લાગ્યો છે એકસરખું કામ કરતા.” છાયાએ શરીરને સ્ટ્રેચ કરતા કહ્યું.

“ના યાર, હવેથી એક્સ્ટ્રા કોફી બંધ.” વિશ્વાએ એનું કામ ચાલું રાખ્યું.

“‘હવેથી’ એટલે શું મતલબ છે આ ‘હવે થી’નો?”

“આઇ એમ પ્રેગ્નન્ટ, છાયા..”

“ઓ માય ગોડ. બાળક પ્લાન કર્યું અને મને કહ્યું પણ નહીં.” છાયાએ નારાજગી બતાવી.

“મેં અને પલાશે વિચાર કર્યો. અત્યારે રાઇટ ટાઇમ છે. પછી આઇ.વી.એફ. માટે ડોક્ટરોના ઉંબરા  ઘસવા એના કરતા અત્યારે બાળક માટે વિચારીએ. અને જો એ શુભ વિચારનું પરિણામ પણ મને જલ્દી મળી ગયું.” વિશ્વાએ આંખો નચાવી.

હવે છાયાના મનમાં પણ મા બનવાના ઓરતા જાગ્યા. થોડા મહિના પછી એણે પણ કોફી પીવાની બંધ કરી.

પૂરા દિવસે છાયાએ સુંદર દીકરીને જનમ આપ્યો. નામ રાખ્યું છવિ. છ મહિનાની મેટરનિટી લીવ પછી છાયાએ ઓફિસ જવાનું ચાલું કર્યું. પણ એને દીકરીની ખૂબ ચિંતા થતી. બાઈ બરાબર સાચવતી હશે કે કેમ!

કોઈ વાર બાઈ ગાપચી મારે તો કોઈ વાર મોડી આવે. અંતે થાકીને છાયાએ પણ જોબ છોડી દીધી. આ શું રોજના લોહીઉકાળા. વિશ્વાએ જોબ છોડી જ દીધી છેને. કેવી સુખી થઈ ગઈ છે. મોજ કરે છે તેના દીકરા સાથે. વિશ્વાની જેમ હું પણ મારી દીકરીનું બાળપણ માણું ને!

બંને સખીઓ અવારનવાર મળતી. જોકે પલાશ થોડો અંતર્મુખી. તેને બધા સાથે જલ્દી ભળી જવું ફાવતું નહીં. છાયાના પતિ વિનય સાથે એને બહું ગોઠતું નહીં. એની દુનિયા વિશ્વા અને અંશ સુધી જ સીમિત હતી. પણ વિશ્વા અને છાયા અંશ અને છવિને લઈને મળતા. ગાર્ડનમાં સાથે જતા, એકબીજાના ઘરે સવાર-સાંજ મળતા.

બંને બાળકોને પણ એકબીજા સાથે રમવાની મજા પડતી. બંને સખી ગપાટા મારે ને બાળકો રમતા હોય.

હું શું કહું છું વિશ્વા..આપણે બંને વેવાણ બની જઈએ? આ બંનેના ઘોડિયાલગ્ન કરી દેવા છે? છાયાએ બંને બાળકોને સાથે રમતા જોઈ કહ્યું. વિશ્વા હસી પડી. બાળવિવાહ અપરાધ છે.તને ખબર છેને..

હજુ તો સાંજના છુટ્ટા પડયા ત્યાં બીજે દિવસ સવારના છાયા આવી. તેનું રૂપ જોઈ વિશ્વા ડઘાઈ ગઈ. રડીરડીને સૂઝેલી આંખો, સૂઝેલા હોઠ. આવી કે તરત વિશ્વાને ભેટી રડી પડી. વિશ્વાએ તેને માંડ છાની રાખી. પાણી આપ્યું. છાયા જરા સ્વસ્થ થઈ.

“બોલ હવે કહે, એક રાતમાં તારી હાલત કેમ આવી થઈ ગઈ? કાલની હસતી રમતી છાયાની આવી હાલત કરી કોણે? શું વાત છે?”

“તને તો ખબર છે… વિનય મિટીંગ માટે બેંગલોર ગયો હતો. આજે સવારે પાછો આવ્યો. તેની બેગ ખોલી ધોવાના કપડા કાઢતી હતી ને એમાંથી લેડીસ ટ્રાઉઝર મળ્યું. મેં પૂછ્યું તો પહેલા તો ગલ્લાતલ્લા કરતો હતો. અંતે કબૂલ કર્યું કે આ ટ્રાઉઝર કાવ્યાનું છે.

બેંગલોર વિનય અને કાવ્યા સાથે જ ગયા હતા. ત્યાં હોટેલમાં એક જ રૂમમાં રહ્યાં હતા… એ કાવ્યાના પ્રેમમાં છે, ઘણા સમયથી. કહેતો હતો કે મને ડિવોર્સ આપી કાવ્યા સાથે રહેવા માગે છે…” છાયાનો અવાજ રૂંધાઇ ગયો.

વિશ્વા તો સાંભળી સડક થઇ ગઈ. “શું વાત કરે છે તું?”

“હા, હું હવે તેને ગમતી નથી. કહે છે, તું મને સમજતી નથી. પેલી કાવ્યા સ્માર્ટ છે, તેની લાગણીઓને સમજે છે. આપણે સ્ત્રીઓ ઇમોશનલી ફૂલ. બાળકના જન્મ પછી, બાળકનો સારો ઉછેર થાય એ માટે આવી સરસ જોબ છોડી દીધી. હવે જો વિનય મને કાઢી મૂકશે તો હું શું કરીશ? ક્યાં જઈશ? સારી જોબ ક્યારે મળે કહેવાય નહીં.” છાયા રડતી હતી.

“એમ ઘરમાંથી થોડો કાઢી શકે?” વિશ્વા બોલી પડી. એને પોતાનો જ અવાજ બોદો લાગ્યો. જ્યારે પરસ્પર પ્રેમ જ નથી તો સાથે રહેવાનો શો અર્થ. પણ આર્થિક અવલંબન… એનું શું? પલાશ જો આવું કરે તો?

ના..ના.. પલાશ આવું ન કરે. આમ તો વિનય પણ ક્યાં એવો લાગતો હતો! દેખાવડો, રમૂજી, મિલનસાર વિનય કાવ્યા સાથે મિલન કરી જ બેઠો ને.

માંડ સમજાવી છાયાને ઘરે મોકલી. વિશ્વાનું માથું ચકરાવે ચડ્યું. પોતે પણ તો જોબ છોડીને બેઠી હતી. ન કરે નારાયણ ને કાલે જો… આગળનો વિચાર જ કરી શકાતો નહોતો. પોતે ભણેલી છે. કંઈક તો કરી જ લેશે. કેટલીય સ્ત્રીઓ સાથે આવું થતું હશે. તેમની આર્થિક હાલત કેવી થતી હશે?

પડોશમાં રહેતી અદિતીને જ નાની નાની વાત માટે વરના મોઢાં સામે જોવું પડે છે. ઘર માટે કે પોતાની માટે કઈં લેવું હોય તો પતિની પરમિશન જરૂરી. શું સ્ત્રીને પોતાને કોઇ જાતની સ્વતંત્રતા નહીં? પતિ જો એટલું કમાતો હોય તો એની કમાણી પર પત્નીનો કોઈ હક ન કહેવાય? આ સ્ત્રીનું અપમાન ન કહેવાય? શું ઘરમાં કામ કરતી સ્ત્રીઓનું કોઇ આત્મસમ્માન નથી? તેમનું કોઈ અસ્તિત્વ જ નથી?

“સ્ત્રીઓ ઘરમાં રહી ઘરનું આટલું કામ કરે છે. પોતાની જાતને નિચોવી નાખે છે. તેમની માટે કોઈ આર્થિક યોજના નહીં? તેમને તેમના કામનું આર્થિક વળતર મળવું જ જોઇએ.” વિશ્વાએ દલીલ કરી, પોતાના વિચારોને વાચા આપી.

“તો પુરુષો પણ ઘર ચલાવવા માટે મહેનત કરે જ છેને. ડેડ લાઈન જાળવવાનું પ્રેશર કેટલું હોય છે, એ તો તને ખબર જ છે. એમાં ઓફિસનું પોલિટિક્સ, લેગ પૂલીંગ, બોસની બોમ્બાર્ડીંગ… અમે ઓફીસમાં કાંઇ મજા નથી કરતા.” પલાશે સામી દલીલ કરી.

“હા. પણ એની માટે તમને પગાર તો મળે છેને. અમે તો કામ કરીએ, સામે કોઇ જાતનું વળતર પણ નહીં. ઉલટાનું તમને લાગે છે કે અમે ઘરે બેસીને આરામ જ કરીએ છીએ.”

હવે આ દલીલ સાર્વજનિક થઈ ગઈ હતી. મેન વર્સીસ વૂમેન. બંને ધારદાર દલીલો કરતા હતા. સ્વર ઊંચો  થતો જતો હતો. ને અચાનક.. અચાનક અંદરથી જોરદાર અવાજ આવ્યો. બંને અંદર દોડ્યા. અંશ ઊંઘમાં પલંગ પરથી નીચે પડી ગયો હતો..!

અંશને લઈ બંને ઝડપથી હોસ્પિટલમાં દોડ્યા. મનમાં ફડકો હતો. એમ.આર.આઈ. કરવામાં આવ્યું. “આમ તો ખાસ વાંધાજનક નથી લાગતું. પણ છતાંય એક રાત માટે બેબીને અંડર ઓબ્ઝરવેશન રાખવા માગું છું.” ડોક્ટર વિકાસ તેમનો મિત્ર જ હતો.

આખો દિવસ ટેન્શન અને દોડાદોડીમાં ગયો. છાયાને ખબર પડી કે દોડતી આવી. એને જોઈ કે વિશ્વાને યાદ આવ્યું. અંશની ધમાલમાં એક શાશ્વત પ્રશ્ન આમ જ નિરુત્તર હવામાં લટક્તો રહ્યો. અન્ય અનેક પ્રશ્નોની જેમ જ..

~ કામિની મહેતા, મુંબઈ
 mitrakaminimehta@gmail.com
 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment