સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 12 ~ રહસ્યસ્ફોટની એ રાત ~ ડૉ. ભારતી રાજીવ રાણે
(શબ્દો: ૨૮૧૯)
ડૉ. નીરજાનો ચોથો અને છેલ્લો એપિસોડ પૂરો થયો. આ આખાય ઉપક્રમ દરમિયાન અને ખાસ કરીને છેલ્લા હપ્તાની તૈયારી કરતી વખતે સિન્થિયા સમજાયું કે, આત્મકથા કહેવી સહેલી નથી. પોતાની જિંદગીનાં રહસ્યો ખૂલ્લા મૂકવાની હિંમત હોય અને દિલની સચ્ચાઈ હોય, તો પણ એક લક્ષ્મણરેખા સ્વીકારવી પડે. કારણકે, એકબીજાંમાં ઊલઝેલી અન્યોની જિંદગીઓને ખૂલ્લી કરવાનો હક્ક ક્યારેય કોઈને હોતો નથી. બધું જ કહી દેવાના નિર્ધાર સાથે શરૂ કરેલી વાતમાં સિન્થિયા આ લક્ષ્મણરેખા સ્વીકારી ચૂકી હતી.
કહી શકાય તેટલું કહી દીધા પછી, જે નહોતી કહી શકાઈ, અને ભવિષ્યમાં કહી શકાવાની પણ નહોતી, એ હકીકત તે સમયે નીરજા અને સિન્થિયા બંનેનાં મન ઉપર છવાયેલી હતી. એકબીજાંથી જોજનો દૂર બેઠાં બંને એક સાથે જાણે એ રાતની મુલાકાતને પુનઃ જીવી રહ્યાં હતાં!
બંનેનાં જીવનનો રસ્તો પળભરમાં બદલી નાખનારી એ રાત! બંનેને ક્યારના પજવતા કોયડાની ખૂટતી કડીઓના અંકોડા અચાનક મળી જતાં ચિત્ર સાવ સ્પષ્ટ થઈ ગયેલું, તે મોડી રાતની મુલાકાત સાથે ડોરોથીના જીવનના રહસ્યની વાત પણ પુનઃજન્મ પામી હતી, જાણે!
તે દિવસે નીરજાને સિન્થિયા ન મળી હોત, તો ડોરોથીના મનોરોગનો તથા એનાં જીવનનો કોયડો નીરજાથી ક્યારેય ઉકેલી શકાયો ન હોત. કેટલીયે શક્યતાઓ એણે વિચારી હતી. કેટલીયે કડીઓને તેણે ડોરોથીનાં સર્જનોમાંથી પસાર થઈ-થઈને જોડવા કોશિશ કરી હતી; પણ કોઈ રીતે પૂરેપૂરો તાળો મળતો નહોતો. સિન્થિયા પાસે ડોરોથી વિશે જે માહિતી હતી, તે સ્ફોટક હતી. સિન્થિયાએ તે દિવસે નીરજાને જણાવેલું :
‘હું જોર્ડનના સિરિયા સાથેના સરહદી વિસ્તારમાં ઝાતરી નામના રૅફ્યુજી કૅમ્પમાં ‘ન્યૂ યૉર્ક વર્લ્ડ’ માટે નિરાશ્રિતોની સ્ટોરીઝ ઉપર કામ કરી રહી હતી. આઠ મહિનાથી ત્યાં રહેતાં એ લોકોમાં ઓતપ્રોત થઈ ગઈ હતી, ત્યાં મારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો, ને મારે અમેરિકા પાછા ફરવું પડ્યું. પાછી ફરી એ પછી હું મારી એકેએક મિનિટ હું મમ્મીની સેવામાં વીતાવતી.
એક દિવસ હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં અમાલિયા મળી ગઈ. એના ડૅડીનો વારો અમારા પછી હતો. ઘણા દિવસો પછી યુનિવર્સિટીનું કોઈ મળી ગયું, તેથી હું ખૂબ ખુશ થઈ. યુનિવર્સિટીની પેનક્લબમાં અમે મળતાં.
અમાલિયા ઊગતી લેખિકા હતી. તે દિવસે ડોરોથીનો કાવ્યસંગ્રહ એના હાથમાં હતો. સંગ્રહનું નામ હતું, ‘અનકન્ડિશનલ લવ’ – બિનશરતી પ્રેમ. મને એમાં રસ પડ્યો. અમારો વારો આવે ત્યાં સુધીમાં દસેક કવિતાઓ તો હું ત્યાં જ વાંચી ગઈ.
મેં અમાલિયાને પૂછયું, કોણ છે આ લેખિકા? હું એમનું નામ પહેલી વાર સાંભળી રહી હતી. અમાલિયાએ જ્યારે કહ્યું કે, લેખિકા તો મેમરી કેર સેન્ટરમાં પરવશ જેવી જીવી રહી છે અને આ સંગ્રહ એની ડૉક્ટરે પબ્લિશ કરાવ્યો છે, ત્યારે મારી જિજ્ઞાસા ખૂબ વધી ગઈ. પત્રકાર ખરી ને! એટલે અમાલિયા પાસેથી માહિતી લઈને હું યાદશક્તિ ગુમાવી બેઠેલા દરદીઓના હોમ સુધી પહોંચી ગઈ.
ત્યાંથી મેં તમારા તથા ડોરોથીમૅમ વિશે જાણ્યું. એક-બે વાર મેં તમને જોયાં પણ ખરાં, પણ પત્રકાર તરીકેની મારી ઓળખાણ આપીશ તો તમે મને વધારે કાંઈ જાણવા નહીં દો, એ વિચારે ચૂપ રહીને હું ડોરોથીમૅમનું પગેરું મેળવતી રહી.
મને ખબર પડી કે અમાલિયા ડોરોથી મેડમ વિશે ઘણુંબધું જાણતી હતી, કેમ કે પહેલાં તે એમની કંપનીમાં કામ કરતી હતી. જીજ્ઞાસાવશ હું અમાલિયાને વારંવાર મળવા લાગી.
અમાલિયા પાસેથી જાણવા મળ્યું કે, ડોરોથી મેડમ અને એમના પતિ પીટરની ‘પરસેપ્શન્સ’ નામની ઍડવર્ટાઈઝિંગ એજન્સી હતી, અને અમાલિયા એ કંપનીમાં પીટરની પર્સનલ આસિસ્ટન્ટ કમ એકાઉન્ટન્ટ હતી. અમાલિયા એમ પણ કહેતી હતી કે,
‘પીટર માર્કેટિંગમાં પાવરધા હતા. તેઓ બહાર ફરીને ઘણું કામ લાવી શકતા, જ્યારે ડોરોથી મેડમ ખૂબ ક્રિએટીવ હતાં. તેમણે કમર્શિયલ આર્ટ્સ સબસિડિઅરી સાથે લીટરેચરમાં માસ્ટર્સ કર્યું હોવાથી ભાષા ઉપરનો તેમનો કાબૂ અસાધારણ હતો.
વેબસાઈટ્સ અને વિઝ્યુઅલ ઍડ માટેનું સ્ક્રિપ્ટ-રાઈટિંગ અને આર્ટવર્ક તેઓ કરતાં. એમની ચીવટ અને સૂઝ અજબની હતી. શી વૉઝ અ માસ્ટર ઈન હર વર્ક! કામમાં પાવરધાં હોવા સાથે ડોરોથી મેડમ સ્વભાવે સ્માર્ટ અને ઇન્ડિપેન્ડન્ટ હતાં.
આવડતમાં હોય કે પૈસા કમાવાની બાબતમાં, મેડમ કોઈપણ રીતે પીટરસર કરતાં કમ નહોતાં. બલકે એક ડગલું આગળ જ હતાં. એટલે અમારા સૌની તથા બિઝનેસ વર્લ્ડમાં જેમની પણ સાથે કંપની કામ કરતી, એ સૌની નજરમાં મેડમ સરનાં સમકક્ષ હતાં.
બધું બરાબર ચાલતું હતું, ત્યાં અચાનક ડોરોથીમૅમની તબિયત લથડવા લાગી. કાંઈક સાઇકિયાટ્રિક પ્રોબ્લેમ હતો. પહેલાં અમને કહેવામાં આવ્યું કે, હવેથી તેઓ સેલફોન નથી વાપરવાનાં. પછી મેં જોયું કે તેઓ કોમ્પ્યૂટર બરાબર વાપરી શકતાં નહોતાં.
જે વ્યક્તિ કોમ્પ્યૂટર ઉપર અફલાતૂન ડિઝાઈનિંગ અને સ્ક્રિપ્ટ રાઈટિંગ કરી શકતી, તેને બ્લૅન્ક લૂક સાથે સ્ક્રીન સામે બેસી રહેતાં જોઈને મને ખૂબ નવાઈ લાગતી, સાથે દુઃખ પણ થતું.
ધીરેધીરે હિસાબ, બેંક, ટેકનોલોજી બધું એમને ત્રાસ આપવા લાગ્યું. એમનું ઑફિસ આવવાનું ઓછું થતાં-થતાં બંધ જેવું જ થઈ ગયું. ક્યારેક પીટર મને એમના માટે ડૉક્ટરની એપોઈન્ટમૅન્ટ નક્કી કરવાનું સોંપતા, એ પરથી ખ્યાલ આવ્યો કે ડોરોથીમૅમની મેન્ટલ હેલ્થમાં કોઈ મોટી ગડબડ હતી.
આ બાજુ પીટરનાં લક્ષણ કાંઈ ઠીક લાગતાં નહોતાં. અમારી પ્રતિસ્પર્ધી કંપનીની માલિક ફ્રિડા સાથેનાં એમના સંબંધ મને વિચિત્ર લાગતા. મેં સાંભળ્યું હતું કે, ફ્રિડાની કંપની બહુ સારી ચાલતી નહોતી. ઈન ફેક્ટ એની કંપની ખોટમાં ચાલી રહી હતી. આમ તો ડોરોથીમૅમ ઑફિસે આવતાં એ દિવસોમાં પણ ઘણીવાર ફ્રિડા પીટરને મળવા ઑફિસ પર આવતી.
ફ્રિડા આવી હોય ત્યારે ડોરોથીમૅમને પીટરની ચેમ્બરમાં બોલાવવામાં નહોતાં આવતાં. તે સમયે બીજું કોઈ ઑફિસમાં આવી ન ચડે, તેનીય પીટર ખૂબ કાળજી રાખતા. કોઈનો ફોન ટ્રાન્સફર કરવો પડે, અથવા કોઈ અગત્યના કામ માટે મારે અંદર જવું પડે તો પણ પીટરને ગમતું નહીં. એવું થાય ત્યારે પીટર મારી ઉપર વગર કારણે ચીડાઈ જતા.
બંનેના જોરજોરથી હસવાના અને ઠઠ્ઠામશ્કરીના અવાજો આવ્યા કરતા. અવાજો તો ડોરોથીમૅમની ચેમ્બર સુધી પણ જતા જ હશે, પણ તેઓ ક્યારેય મને એ વિશે કાંઈ પૂછતાં નહીં. બસ, ઉદાસ ચહેરે પોતાનું કામ કર્યા કરતાં.
આ બાબતની ગંભીરતાનો ખ્યાલ મને ત્યારે આવ્યો, જ્યારે ધીરેધીરે પીટરે ફંડ ટ્રાન્સફર કરવા માંડયાં. નવા ખોલેલા એક એકાઉન્ટમાં અવારનવાર મોટીમોટી રકમો પીટર ટ્રાન્સફર કરાવતા.
એક વાર કંપનીના કોઈ કામે બેંકમાં ફોન કરવાનો હતો. પીટર બીઝી હતા અને કામ સામાન્ય પ્રકારનું હતું, એટલે પીટરસરે રજિસ્ટર્ડ સેલફોનને બેંક સાથે જોડીને મને આપ્યો, અને તેમના વતી સૂચના પ્રમાણેની વાત કરી લેવા કહ્યું.
મારું કામ પતતાં સામે છેડેથી બોલતી બેંક કર્મચારી મને કહેવા લાગી કે, તમે જે નવું ખાતું ખોલ્યું છે, તેને જોઈન્ટ એકાઉન્ટ બનાવવાની તમારી અરજીના સંદર્ભમાં મારે થોડાં પેપર્સ જોઈશે. તમે પ્લીઝ મિસ ફ્રિડાનાં સાઈન કરેલાં પેપર્સ મોકલી આપશો?
મને ધક્કો લાગ્યો. ફ્રિડા સાથેનું જોઈન્ટ એકાઉન્ટ?… મેં પીટરને આ સંદેશો આપ્યો ત્યારે એમનો ચહેરો લાલપીળો થઈ ગયો. મને કહે, તું જઈ શકે છે. મારા ક્યુબિકલ અને પીટરની ચેમ્બર વચ્ચે પાતળું લાકડાનું પાર્ટિશન જ છે, એટલે કાન માંડીએ તો બધું સાંભળી શકાય.
એમની ચેમ્બરમાંથી અવાજ સંભળાતો રહ્યોઃ હાઉ ડેર યુ ટૉક ટુ માય સ્ટાફ એબાઉટ માય પર્સનલ એકાઉન્ટ? આય વીલ સ્યૂ યુ! તમે મારા સ્ટાફ સાથે મારા અંગત ખાતાની વાત શી રીતે કરી શકો? હું તમને અદાલતમાં ઘસડી જઈશ…સામેથી આજીજી થતી હતી, માફ કરો સર, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ફોન હતો અને નવીસવી છોકરી હતી. ભૂલ થઈ ગઈ એની, માફ કરી દો પ્લીઝ!..
પાર્ટિશનની આરપાર સંભળાતી વાતો ઉપરથી એમ પણ સમજાતું હતું કે, પીટર ફ્રિડાની કંપનીને બચાવવા માટે મદદ કરી રહ્યા હતા. મને એવો પણ ખ્યાલ આવ્યો કે, પીટરસરનો મેઇલ-ઇગો પોષવામાં ફ્રિડા જરાય કસર નહોતી છોડતી. એ તો જાણે પીટરસરને ટોટલી સરન્ડર થઈ ગઈ હતી.
મને ફ્રિડા જરાય ગમતી નહીં. એની ને ડોરોથીમૅમની કોઈ સરખામણી જ નહોતી. મેડમ કેટલાં હોંશિયાર, કેટલાં ડિગ્નિફાઈડ કેટલાં પ્રભાવશાળી! અને ફ્રિડા? ફરગેટ ઈટ!
પછી એક દિવસ કંપનીના વકીલની ઑફિસમાંથી કોઈ એક કવર આપી ગયું. પીટર ઑફિસમાં હાજર નહોતા. પીટરની વિશ્વાસુ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે બધા મને ઓળખે.
આવનાર વ્યક્તિ કહે, આ પેપર્સ પર પીટરની સહી કરાવી મોકલી આપવા કહેજે. કવર ખૂલ્લું હતું. હું જિજ્ઞાસા રોકી ન શકી. મેં છાનાંમાનાં એ કાગળો જોયાં તો પીટરે એક ઘર લીધેલું તેની લોનના અને લીગલ ડીડના કાગળો હતા. નોમિની હતી ફ્રિડા!
મને ખ્યાલ આવી ગયો કે, પીટર અને ફ્રિડા વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું હતું અને ડોરોથીમૅમ એમાં ક્યાંય નહોતાં. ડોરોથીમૅમને મેમરી કેર સેન્ટરમાં મૂકવા પડ્યાં, એ તો મને બહુ મોડી ખબર પડી, પણ એ પહેલાં પીટર અને ફ્રિડાની કંપનીઓનું મર્જર થયું અને મને છૂટી કરવામાં આવી…’
અમાલિયા પાસેથી સિન્થિયાએ જાણેલી હકીકત નીરજા માટે સાવ અજાણી અને આઘાતજનક હતી! નીરજાના ચહેરા ઉપર ઊપસી આવેલી દુઃખની રેખાઓ સિન્થિયા સ્પષ્ટ જોઈ શકતી હતી. પણ સિન્થિયાની વાત સાંભળીને નીરજાના મનમાં ચમકારો થયો. કેટલાય સમયથી પજવી રહેલો કોયડો અમાલિયાની વાત ઉપરથી એકદમ ઊકલી ગયો.
નીરજાને યાદ આવ્યું કે, ડોરોથીની કેઇસ-હિસ્ટ્રીમાં લખેલું :
સ્મૃતિલોપની શરૂઆત સેલફોનથી થઈ. એને સ્ક્રીન કોરો દેખાવા લાગ્યો, અને ફોનની રિંગ વાગે તો તેને અસહ્ય માનસિક ત્રાસ થવા લાગ્યો. પછી કોમ્પ્યૂટરના સ્ક્રીન વિશે એવું જ બન્યું. એક સમય પછી બેંકનાં કાગળો, ચેક વગેરે બધું જ કોરુંધાકોર થઈ ગયું. અને છેલ્લે એ પોતાના ઘરની સ્મૃતિ ગુમાવી બેઠી.
નીરજાને એ પણ યાદ આવ્યું કે એણે સરકાવી લીધેલી ડોરોથીની ડાયરીમાં એક નોંધ હતી :
‘એ ફોન ઘરે ભૂલી ગયો છે, એની મને ત્યારે ખબર પડી, કે જ્યારે એના ઉપર રિંગ વાગી. હું એને લેવા જવાનું અને જોવાનું ટાળું છું. રિંગ ઉપર રિંગ આવ્યા કરે છે. મારા મગજ ઉપર હથોડા પડતા હોય, તેવું લાગે છે. હું મનને રોકી રાખું છું. રિંગ વાગ્યા જ કરે છે.
આખરે હું મારા મનને રોકી શકતી નથી. હું ફોન સુધી જઈને જોઉં છું તો સ્ક્રીન ઉપર કોઈનું નામ નહીં, #0#0# એવો સાંકેતિક શબ્દ દેખાય છે. મને થાય છે, ફોન ઊંચકી લઉં અને જાણું તો ખરી કે, આવી વિચિત્ર રીતે કોનો નંબર સેવ કરેલો છે? પછી થાય છે, જે હોય તે, એમાં મારે શું?
મારે કોઈની અંગત બાબતમાં માથું ન મારવું જોઈએ. હું પાછી ફરું છું. સતત ફોન આવ્યા કરે છે. અંતે થાકીને હું ફોન ઊપાડવાને ઈરાદે ઊભી થઈને ફોન પાસે જાઉં છું. ફોન સામે જોઉં છું તો મને સ્ક્રીન સાવ કોરો-ધાકોર દેખાય છે! હું દૂર ખસી જાઉં છું. મને અસહ્ય ત્રાસ થાય છે. હું ફોન ઉપાડતી નથી. એને અડતી પણ નથી.
એકાદ કલાકમાં એ ફોન લેવા પાછો ફરે છે. હાંફળો-ફાંફળો ફોનને શોધે છે. કશુંક જોઈને એ હાશકારો અનુભવતો હોય તેવું લાગે છે; પછી ફોન લઈને એ પાછો ચાલ્યો જાય છે. હું ચિત્કારી ઊઠું છું: મારી સામેથી દુનિયાના તમામ સેલફોનને દૂર કરો! મારે એની સામુંય જોવું નથી, ક્યારેય એની રિંગ પણ સાંભળવી નથી!’
નીરજાને તે દિવસે અમાલિયાવાળી વાત સાંભળતાં સમજાયું કે, છેતરપિંડીનો અહેસાસ ડોરોથીને પહેલેથી જ આવી ગયો હશે. શી મસ્ટ બી ઈન ડિનાયલ મોડ, અર્થાત્ અસ્વીકૃતિની અવસ્થા. હજી નીરજા સમજી શકી નહોતી કે એ માત્ર અસ્વીકૃતિ હતી? વિપરિત સંજોગોથી ભાગી છૂટવાની શાહમૃગવૃત્તિ હતી? કે પછી સામી વ્યક્તિ તરફની ઉદારતા હતી?
નીરજાએ કલ્પના કરી કે, એ જ રીતે ડોરોથીનો સામનો કોમ્પ્યૂટર ઉપર કોઈના પત્રવ્યવહાર સાથે થયો હશે, અને એટલે સ્ક્રીન દેખાતો બંધ થયો હશે. અથવા તો નથી દેખાતો એવું તેણે જાહેર કર્ય઼ું હશે! એક એવી પણ શક્યતા હોઈ શકે કે, ઑફિસનું વાતાવરણ અને ફ્રિડાની અવરજવર સહન ન થતાં ત્યાં જવાનું બંધ કરવા માટેનું આ કોઈ બહાનું હોય!
બેંકનો વ્યવહાર ત્યારે ભૂંસાયો હશે, જ્યારે ફ્રિડા સાથેના પૈસાના વ્યવહારની જાણ ડોરોથીને થઈ હશે. નીરજાને વિશ્વાસ થઈ આવ્યો કે, છેલ્લે જ્યારે ટ્રસ્ટીઓની વ્યવસ્થા કરીને એના સાથીદારે ઘર છોડયું હશે, તે દિવસે ઘર પણ ભૂંસાઈ ગયું હશે. કે પછી તેણે જાતે ઘરને ભૂંસી કાઢયું હશે!
નીરજાને પ્રૉ. સૅમની ક્લિનિકની લાઉન્જમાં પહેલી વાર જોયેલો અંધારામાં તાકતો ડોરોથીનો ચહેરો યાદ આવી ગયો. નીરજા વિચારતી રહીઃ આઘાતની ક્ષણોમાં પણ એ કેટલી શાંત અને સ્થિર લાગેલી! કામ ઍન્ડ કમ્પોઝ્ડ. ન આક્રોશ, ન ફરિયાદ. સમજી-વિચારીને દુનિયા તરફથી સંકોરી લીધેલી સંવેદના! પ્રિયપાત્રની ખુશીઓની વચ્ચે ન આવવાની અને એનું સુખ ઈચ્છવાની પ્રતિબદ્ધતા. સાચા પ્રેમની પરાકાષ્ટા!
નીરજાએ પણ ડોરોથી વિશે પોતે જાણતી હતી, તેટલી બધી જ વાતો સિન્થિયાને જણાવી. એમના પરિચયની, ઈલાજની, સાહિત્યસર્જનની, એ માટે નીરજાએ લીધેલી અસાધાસરણ જહેમતની, તેણે ચોરી લીધેલી ડોરોથીની તથા એમાં લખેલી ઝીણામાં ઝીણી વિગતની વાતો નીરજાએ પૂરી પ્રામાણિકતાથી કરી.
તે રાતે થયેલી વાતો પરથી બંનેના મનમાં આખી વાત સ્પષ્ટ થવા લાગી હતી. જાણે એકબીજાંના કામમાં અવરોધક બનતી ખૂટતી કડીઓ મેળવવા જ કુદરતે એ બંનેની મુલાકાત પ્રયોજી હતી!
અવૉર્ડ ફંક્શન પતાવીને અમેરિકા પાછાં ફરતાં ફ્લાઈટમાં બેઠાંબેઠાં સિન્થિયાએ પોતાની ડાયરીમાં લખ્યું હતું:
‘જેમજેમ હું નીરજામૅમને સાંભળતી ગઈ, મને ખાતરી થવા લાગી કે, મારી માન્યતાઓને નક્કર રૂપ આપવાની ઘડી આવી ગઈ છે. બર્કલી યુનિવર્સિટીના મારા પ્રૉફેસરની જે ચેલેન્જ લઈને આ પ્રોજેક્ટ પર કામ કરવા આવી હતી, તે સાબિત કરવા ખાતર પણ એક સ્મૃતિલોપ પામેલી વિવશ સ્ત્રીની ખાનગી વાત હું જાહેરમાં ક્યારેય નહી કહું.
હું જે સાબિત કરવા માગતી હતી, તે તો મારા અંતરઆત્માની સાખે મારા પોતાના મનમાં જ સાબિત થઈ ગયું છે. મને મારો માર્ગ મળી ગયો છે, પછી દુનિયાને કાંઈ પણ બતાવવું અનિવાર્ય નથી રહ્યું.’
*
સિન્થિયા ધરે પહોંચીને તેને ત્રીજે દિવસે નીરજાની ઈ-મેઇલ આવી હતી. તેમાં લખ્યું હતું:
મારી વહાલી સિન્થિયા,
તું સારી રીતે ઘરે પહોંચી ગઈ હશે. મને લાગે છે કે, તે રાતે આપણે માંડેલી વાત હજી અધૂરી છે. એને પૂરી કરવા જ આ મેઈલ લખી રહી છું.
ડોરોથી અને હું રાંચો કોર્ડોવા પહોંચ્યાં ત્યારે રાતના બે વાગી ગયા હતા. પહેલેથી જ નક્કી હતું કે, ડોરોથીને હોમના સ્ટાફને સોંપ્યા પછી મારે થોડા કલાક હોમના ગેસ્ટરૂમમાં આરામ કરીને સવારે ઘરે જવું. ફંક્શન માટે અમે નિકળ્યાં તે દિવસે મેં મારી કાર હોમ ઉપર જ પાર્ક કરી રાખી હતી.
સવારે સાડા છ વાગ્યે હું ઘરે જવા માટે નીકળી, ત્યારે મેં જોયું કે, હોમની રૂમો અને મુખ્ય ગેઇટ વચ્ચેના બગીચામાં ડોરોથી બેઠી હતી. ઉજાગરો હોવા છતાં એના ચહેરા ઉપર થાકનું નામોનિશાન નહોતું. તાજગીભર્યા પ્રફુલ્લિત ચહેરે તે સામેના વૃક્ષના પાન ઉપરથી પડુંપડું થતાં ઝાકળબિંદુને તાકતી બેઠી હતી. આવજે કહેવા મેં હાથ ફરકાવ્યો, ત્યારે કોઈ અજાણ્યાના અભિવાદનનો જવાબ આપતી હોય તેવી ઔપચારિકતાથી તેણે પણ હાથ ફરકાવ્યો.
ચોકીદારે બાગની સામેનો મુખ્ય દરવાજો ખોલી આપ્યો, ત્યારે ગેઇટની બહાર મેં એક પુરુષને ઊભેલો જોયો. એના હાથમાં તાજાં ફૂલોનો ગુલદસ્તો હતો. ગુલદસ્તાનાં લાલ ફૂલોની પાંખડીઓ ઉપર ઝકળ ચમકી રહ્યું હતું. સૌમ્ય ઉદાસીભર્યા કરચિયાળા ચહેરાવાળી એ વ્યક્તિનું માથું વિનયપૂર્વક ઝૂકેલું હતું, અને ડાબી બાજુનો ખભો જરાક નમેલો હતો.
એકદમ ઝાંખા અવાજે એણે મને ક્હયું: ‘માફ કરજો, હું મુલાકાત માગ્યા વગર વિચિત્ર સમયે આવી પહોંચ્યો છું. શું હું મિસ ડોરોથીને મળી શકું?’
‘હું દિલગીર છું. એ માટે તમારે રાહ જોવી પડશે. થોડી વારમાં ઑફિસ ખૂલશે, પછી તમે પરમિશન માગી શકશો.’
જવાબ આપતી વખતે મેં એની સામું જોયું. એને જોતાં જ મારા શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ! એની ભૂરી આંખોમાં અસામાન્ય ઊંડાણ હતું. મારી સલામતી ખાતર ચોકીદાર હું કારમાં બેસું તેની રાહ જોતો ઊભો હતો. ખુલ્લા ગેઇટમાંથી દૂર દેખાતી ડોરોથી તરફ મેં આંગળી ચીંધી. એ માણસ ડોરોથીને જોઈ શક્યો-ન શક્યો, ત્યાં સુધીમાં હું મારી ગાડીમાં ગોઠવાઈ, અને ચોકીદારે દરવાજો બંધ કરી દીધો.
ઑફિસ ખૂલવાને બહુ વાર નહોતી. એક પળ માટે મન તો થયું કે, પાછી ફરું, અને મુલાકાતીઓની ભીડ એકઠી થાય તે પહેલાં ખૂલતી ઑફિસે ડોરોથી સાથે એની મુલાકાત કરાવતી જાઉં. સાથેસાથે એ વ્યક્તિને જોઈને ડોરોથીના ચહેરા ઉપર કેવા ભાવ આવે છે? તે કેવું રિએક્ટ કરે છે? – તે જોતી જાઉં. પણ મેં એમ કર્ય઼ું નહીં.
ડોરોથીનો પ્રતિભાવ જોવા હું રોકાઈ હોત તો, મારું રિસર્ચ પેપર કદાચ આજે પૂરું થઈ જાત. કદાચ આજે હું સાબિત કરી શકી હોત કે, ડોરોથીનો રોગ શારીરિક નહીં પણ મનોવૈજ્ઞાનિક હતો. એનો સ્મૃતિલોપ આકસ્મિક નહીં, એણે ઈચ્છાપૂર્વક એના મનમાં ઊછેરેલો હતો. કદાચ આજે મનોરોગના એક નવા સિન્ન્ડ્રૉમની શોધ મારા નામે લખાત. મારી વરસોની મહેનતનું ફળ સાવ હાથવેંતમાં હતું. પણ હું સમજી-વિચારીને એનો ત્યાગ કરવાનું પસંદ કરી રહી હતી.
ગાડી રિવર્સ કરી, હું સડસડાટ બહાર નીકળી ગઈ. હોમના પ્રાંગણથી બહાર, એ ગલી, એ મહોલ્લો, બધાથી કાયમ માટે બહાર! મોં ફેરવીને હું ડોરોથીથી દૂર ભાગવા લાગી. મારું મન કહી રહ્યું હતું કે, મારે ડોરોથીથી છૂટવું જોઈએ. એનું અસ્તિત્વ મારી બધી ચેતના હરી લે, તે પહેલાં હું ડોરોથીની દુનિયાથી દૂર નાસી છૂટવા માગતી હતી.
આટઆટલાં વરસોમાં ડોરોથી મારા અસ્તિત્વ સાથે એટલી તો સંકળાઈ હતી, કે મારા પોતાના સંબંધોને સાચવવાનું ભાન પણ મને રહ્યું નહોતું! હવે જો હું આ રસ્તે જરાક પણ આગળ વધવા ધારું તો મારે ડોરોથીના ભૂતકાળની સચ્ચાઈ વૈજ્ઞાનિક ધોરણે ખૂલ્લી મૂકવી પડે. અને આપણે બંને એવું ન કરવા માટે વચનબદ્ધ છીએ. આપણા શુભ-સંકલ્પને પાળવા માટે બહુ સમજપૂર્વક ચૂપચાપ હું આ આખી વાતથી દૂર થઈ રહી છું. તારા સિવાય બીજું કોણ આ વાતને સમજી શકશે?
મને થયું કે, મારે ડોરોથીને કહેવું જોઈએ કે, હું એની સારવારનું એસાઈનમૅન્ટ છોડી રહી છું, પણ એમ કર્યા વિના હું ચાલી નીકળી! પેલો માણસ હજીય હોમના બારણે ઊભો હશે. એની મુલાકાત ડોરોથી સાથે થશે કે નહીં, શું સંબંધ હતો એનો ડોરોથી સાથે? તેની પરવાહ કર્યા વિના, કોઈને કશું જ જણાવ્યા વિના હું ચાલી નીકળી.
પાછું વળીને જોયા વિના મેં મારા ઘર તરફ ગાડી દોડાવી મૂકી! મારામાં સમાઈ ગયેલા ડોરોથીના આત્માને એક સેકન્ડમાં ફેંકી દઈને હું જેટલું બને તેટલું જોર લગાડીને મારા ઘર તરફ ભાગી રહી હતી!
જો હું ત્યાં થોડી જ વાર રોકાઈ ગઈ હોત, તો હું એ સાબિત કરી શકી હોત કે, કુદરતે મનુષ્યના મનમાં મૂકેલો સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણથી મગજમાં સર્જાતું કેમિકલ રિએક્શન નહીં, એનાથી વિશેષ કાંઈક છે.
ખરો પ્રેમ કરનાર મનુષ્ય સામાન્ય માનસિકતાથી ક્યાંય ઊંચે સુધી જઈ શકે છે, અને એ ઊંચાઈ ઉપર પહોંચેલ વ્યક્તિ અસામાન્ય અને અકલ્પ્ય ત્યાગ તથા સમર્પણ દાખવી શકે છે. જેમકે, પીટરને અપરાધભાવ પણ ન સહેવો પડે, એ રીતે ડોરોથીનું એની જિંદગીમાંથી ખસી જવું! હું દૃઢપણે માનતી હતી કે, આજના સમયમાં વેરવિખેર થતા જતા સંબંધોને જોતાં સમાજની સ્થિરતા અને સંવાદિતા કાયમ રહે તે માટે આ વિષયમાં વધારે સંશોધન જરૂરી છે.
મનુષ્યના મનમાં વિશિષ્ટરૂપે જોવા મળતી પ્રેમની ઊંચાઈનું વૈજ્ઞાનિક રીતે પૃથક્કરણ કરીને તેની તર્કબદ્ધ વિચારણા થવી જોઈએ.
તપાસી જોવું જોઈએ કે, શું આ ભાવના માત્ર સ્ત્રીઓમાં જ હોય છે? કે પછી પુરુષોમાં પણ એની હાજરી હોય છે? પુરુષોમાં પણ એ ઘટના જોવા મળતી હોય તો શું બંનેમાં એની તીવ્રતા એકસરખી જ હશે કે પછી જુદીજુદી?
જો એ સ્ત્રીઓ પૂરતી જ સીમિત હોય તો, સ્ત્રીઓની આ ક્ષમતાનો ઉપયોગ સમાજને ઠીકઠાક અને સ્થિર રાખવા માટે કરવો, શું એ અન્યાય નથી? શું ડોરોથી જેવી સ્ત્રીઓએ જ ત્યાગ આપવાનો અને આજીવન સહન કર્યા કરવાનું? સ્વસ્થ અને સંવાદિત સમાજ આખરે કોને કહીશું? એ કિલ્લો જેના પાયામાં અનેક ડોરોથીઓ ધરબાયેલી હોય?
શું ત્યાગ અને સમર્પણની આ ભાવના આનુવંશિક હોઈ શકે? અથવા તો કોઈ એક સંસ્કૃતિ કે કોઈ એક સમાજમાં પ્રવર્તતા સંસ્કારોને અધીન હોઈ શકે? કે પછી અન્ય મૂળભૂત આવેગો – બેઝિક ઈન્સ્ટિંક્ટ્સની જેમ આ પણ સમગ્ર માનવજાતમાં પ્રવર્તતી સર્વસામાન્ય ઘટના છે? પ્રશ્નો તો અનેક હતા. જવાબ મેળવવા અશક્ય પણ નહોતા. મનુષ્યના મનની આ તે કેવી વિટંબણા કે, હું એ કામમાં ઘણી આગળ પહોંચી ચૂકી હતી, છતાં પાક લણવાને ટાણે ખેતર છોડીને ભાગી રહી હતી!…
માંડેલી વાત પૂરી કરવાના સંતોષ સાથે,
તારી વિશ્વાસુ,
નીરજાનું અઢળક વહાલ.
(ક્રમશ:)