સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 9 ~ નીરજા : શબ્દને રસ્તે મનને દ્વાર ~ ડૉ. ભારતી રાજીવ રાણે

(શબ્દો: ૫૧૩૯)

સિન્થિયાની ઔપચારિકતા પછી કેમેરા નીરજા ઉપર કેંદ્રિત કરવામાં આવ્યો. હાથવળાંટના રેશમી સલવાર સૂટમાં ડૉ. નીરજા જાજરમાન લાગી રહ્યાં હતાં. અત્મવશ્વાસથી ચમકતી એમની આંખો હવે શ્રોતાઓ માટે અજાણી નહોતી. આગલા એપિસોડની વાતનો તંતુ સાંધતાં નીરજાએ વાત માંડી:

‘ત્રણ દિવસ માટે હું યોસેમિટે જઈ આવી ત્યાં સુધી ડોરોથી હૉસ્પિટલમાં રહી. ઈન્વેસ્ટિગેશન્સ કરવા માટે એ જરૂરી પણ હતું. ચોથે દિવસે સવારે હું કામ પર ગઈ ત્યારે એના રિપોર્ટ તૈયાર હતા.

ડૉ. સૅમે કરેલી વ્યવસ્થા અનુસાર ડોરોથીનું સરનામું મને આપવામાં આવ્યું અને તેનાં ઘરની ચાવી મારા હાથમાં હતી. તે દિવસે હળવેથી ડોરોથીનો હાથ પકડીને એને દોરતી હૉસ્પિટલની લૉબીમાં ચાલતી હતી, ત્યારથી હું ડૉ. નીરજા મટીને ડોરોથીનો પડછાયો બની ગઈ!

દરદીઓની ઍપોઇન્ટમૅન્ટ્સ, સેમિનાર્સ, કુટુંબ માટે ફાળવેલો સમય, એ બધા વચ્ચે ડોરોથી મારી વણલખી પ્રાથમિકતા હતી. એના નિદાનની થિયરીઓ સતત મારા મનમાં ઘુમરાયા કરતી. તે મારી રિસર્ચનું અગત્યનું માધ્યમ તો હતી જ, મારી જાણ બહાર હળવેહળવે તે મારા હૃદયમાં વસવા લાગી હતી.

મારે ડોરોથીને તેનાં ઘરે લઈ જઈને ત્યાં તેની સાથે વાતો કરવાની હતી, અને ત્રણેક કલાકમાં લંચ ટાઇમ પહેલાં હૉસ્પિટલ પાછી લઈ આવવાની હતી. પોલિસ તે દિવસથી તપાસ કરતી હતી, પણ ડોરોથીના ઘરે બીજું કોઈ જોવા મળ્યું નહોતું, માટે તેનાં ટ્રસ્ટીઓ વ્યવસ્થા ગોઠવે ત્યાં સુધી તેને હૉસ્પિટલમાં જ રાખવાની હતી.

શિયાળાની ધુમ્મસી સવારની ઠંડીને ચીરતાં અમે બંને ડોરોથીને દરવાજે પહોંચ્યાં, ત્યારે  સવારના દસ વાગ્યા હતા. જાતે બારણું ખોલવાને બદલે મેં ચાવી ડોરોથીના હાથમાં આપી.

મેં એ નોંધ્યું કે, કોઈપણ જાતના ખચકાટ કે ફાંફાં માર્યા વગર તેણે યોગ્ય ચાવી પસંદ કરીને એકઝાટકે બારણું ખોલી નાખ્યું. મેં તેને મારા કરતાં પહેલાં ઘરમાં પ્રવેશવા દીધી. ચારેક ડગલાં ચાલીને તે પાછી ફરી. પહેલી વાર તેના ચહેરા પર સ્મિત પ્રસરતું મેં જોયું. આવકારતી હોય તેવા ભાવ સાથે તેણે મારી સામે જોયું. સૌજન્ય જાળવતી હું દબાતે પગલે ઘરમાં દાખલ થઈ.

ડોરોથી કળી ન શકે તેમ ગૂપચૂપ મારી નજર ઘરના ખૂણેખૂણે ફરતી રહી. ઘર સુઘડ અને ચોખ્ખુંચણાક હતું. એની વ્યવસ્થિતતા તથા ચોખ્ખાઈ જોતાં લગતું હતું કે, એ બહુ બધા દિવસોથી બંધ નહીં હોય. ઘરમાં બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. ફર્નિચર તથા અન્ય સુશોભનોની પસંદગી એમાં રહેનારની સુરુચિની સાક્ષી પૂરતી હતી. મારી આંખો ઘરમાં અન્ય કોઈની હાજરી ટટોળતી હતી.

દીવાનખંડમાં કોઈ ફોટોગ્રાફ ન દેખાયો. બેડરૂમમાં હશે કદાચ, પણ આજે તો ત્યાં પ્રવેશ મેળવવો અશક્ય હતો. વળી મારે એ ભૂલવાનું નહોતું કે, હું કોઈ ક્રાઈમની છાનબીન કરનાર ડિટેક્ટીવ નહીં, સહૃદય સાઇકિયાટ્રિસ્ટ હતી!

આખાય ડ્રોઇંગરૂમમાં બીજી કોઈ વ્યક્તિના અણસાર મને મળ્યા નહીં. મેં જોયું કે, ડોરોથી એક ક્ષણ માટે રસોડા તરફ તાકતી રહી, પછી તેણે ચારેકોર નજર દોડાવી. તેની આંખોમાં અગણિત આંસુઓ ઊભરાઈ આવ્યાં. હું કાંઈ બોલી નહીં. મેં એને રડવા દીધી. જાણે મેં કાંઈ જોયું જ ન હોય, તેમ હું બીજી તરફ જોતી રહી. આંસુ છુપાવતી તે અંદર ચાલી ગઈ.

હું આખી ઘટનાને સ્તબ્ધ થઈને જોતી રહી. ઇમોશનલ આઉટબર્સ્ટ – લાગણીઓનો વિસ્ફોટ આટલો જલ્દી અપેક્ષિત નહોતો. મારા માટે એ સારી ઘટના હતી. ડોરોથીના મૌનને તોડી શકવાની આશા જન્માવે, તેટલી સારી! પણ તે દિવસે એવું કાંઈ બન્યું નહીં. વીસ-પચીસ મિનિટ પછી આંખો સાફ કરીને ડોરોથી હૉલમાં પાછી ફરી, ત્યારે તેના હાથમાં કૉફીના બે કપ હતા.

નાઈસ કૉફી! કહેતાં મેં વાત માંડવા પ્રયત્ન કર્યો. જવાબમાં ડોરોથીએ ખાલી ઝાંખું સ્મિત ફરકાવ્યું. મેં જોયું કે, તે કૉફીનો કપ મોંએ માંડી ન શકી. એની આંખો ભીનાશથી છલોછલ હતી. કૉફી જાણે કોઈ દૂર ચાલ્યા ગયેલા પ્રિયજનની સ્મૃતિ હોય, તેમ એકીટશે તે કપને તાકી રહી હતી. કૉફીની સુગંધમાં જાણે કોઈના અસ્તિત્વને શ્વસવા મથતી હોય, તેમ એણે ઊંડો શ્વાસ ભર્યો, અને પછી કૉફીનો કપ મોઢે માંડ્યો.

હચમચાવી મૂકે તેવી અસ્વસ્થતાથી ડોરોથી મારી સામે જાણે તરફડી રહી હતી. આ બધી મારી કલ્પના પણ હોઈ શકે, પણ તે ક્ષણે મારો આ વિચાર બહુ સઘન હતો. સાચો માની શકાય તેટલો સઘન. સાઇકિયાટ્રિસ્ટ છું, એટલે પેશન્ટનાં મન વાંચવાના મુહાવરાને કારણે કદાચ મને એવું લાગ્યું હશે.

બીજું કોઈ રહેતું હશે ખરું આ ઘરમાં? રહેતું હોય તો આવી સ્થિતિમાં ડોરોથીને એકલી મૂકીને ક્યાં ચાલ્યું ગયું હશે? ડોરોથીને કોઈએ શોધી કેમ નહીં? સ્મૃતિલોપની પેશન્ટ અહીં એકલી શી રીતે રહી શકે? હું ચૂપ રહીને હકીકતના અંકોડા મેળવવા કોશીશ કરતી હતી.

કેટલા સમયથી તું અહીં રહે છે? મેં વાતનો તંતુ સાંધવા કોશિશ કરી. એ ઊંડા વિચારમાં પડી ગઈ હોય, તેવા ભાવ એના ચહેરા ઉપર ઊપસ્યા. હું? અહીં? રહુ છું? શું કહ્યું તમે?… અસમંજસમાં હોય, તેમ તે અર્થ વગરનાં છૂટકછૂટક વાક્યો બોલતી રહી.

મેં જોયું કે, ઘરની અંદરની હરએક વસ્તુ વિશે એને બધું યાદ હતું. રસોડું, કૉફી-મશીન, ફ્રિજ, નળ, બધું જ વાપરતા એને આવડતું હતું. માત્ર એનો આ ઘર સાથેનો અંગત સંબંધ, તથા અન્ય માણસો સાથેનો અને પોતાના ભૂતકાળ સાથેનો અનુબંધ અચાનક ભૂંસાઈ ગયો હોય, તેવું મને તે સમયે લાગ્યું.

મેં એની બિમારીની વિગતો જાણવા પ્રશ્નો પૂછયા તો ખરા, પણ એકેયનો સંતોષકારક જવાબ મને ન મળ્યો. મને સમજાઈ ચૂક્યું હતું કે, ડોરોથીને અને એની બિમારીને સમજવા માટે મારે સખત ધીરજ ધરવી પડશે.

એટલામાં મારી નજર ખૂણામાં મૂકેલા રાઈટિંગ ડેસ્ક તરફ ગઈ. એના ઉપર એક સુંદર ડાયરી પડેલી હતી, જેના પર મરોડદાર અક્ષરે લખેલું હતું: ‘સેપલિંગ્ઝ ઑફ માય ઇમોશન્સ’ એટલે કે, મારી સંવેદનાનાં તરુ.

વિશ્વસાહિત્યનાં બીજાં પુસ્તકો પણ ડેસ્ક પર ગોઠવાયેલાં હતાં. હું ડેસ્ક પાસે સરકી. તારાં પુસ્તકો જોઈ શકું? – પૂછતાં મેં તેની સામે જોયું, ત્યારેય તે કાંઈ બોલી નહીં, માત્ર સંમતિસૂચક માથું હલાવ્યું. થોડી વાર તો હું અન્ય પુસ્તકોને આમતેમ ઉથલાવતી રહી, પછી ધીરે રહીને મેં પેલી ડાયરી હાથમાં લીધી. એને ખોલ્યા વગર જ ડોરોથીના હાથમાં આપતાં હું બોલી,

‘એક વિનંતી કરું તને? આમાંથી તારી એકાદ કવિતા વાંચી સંભળાવશે મને? એમ કર, તારી છેલ્લામાં છેલ્લી લખેલી કવિતા વાંચી સંભળાવ. પ્લીઝ, મારે ખાતર!’ આજીજી કરતી હોઉં એવા સ્વરમાં હું બોલી રહી હતી.

ધ્રૂજતા હાથે તેણે ડાયરી હાથમાં લીધી. તેનો આર્દ્ર ચહેરો અચાનક કોરોધાકોર થઈ ગયો. મેં ધારેલું કે, નોટબુક ખોલતાં તે રડી પડશે. કૉફીનો કપ હાથમાં લેતાં રડી પડેલી તેમ જ. પણ એવું કાંઈ બન્યું નહીં. તેના ચહેરા પર મક્કમતા છવાઈ ગઈ. તેના શરીરમાં જાણે બીજું કોઈ પ્રવેશી ગયું હોય તેવો આભાસ મને થયો.

અડઘી ડાયરીનાં પાનાં એકઝાટકે ફેરવી નાખીને તે છેલ્લી કવિતાવાળું પાનું શોધવા લાગી. અંતે તેની આંખો એક પાનાં પર સ્થિર થઈ. ડોરોથેના સ્મૃતિલોપના સમયગાળાનો તથા કારણનો તાગ મેળવવા હું સતત તેના એકએક મૂવને ઑબઝર્વ કરી રહી હતી.

તેને કવિતાની નોટમાંથી છેલ્લું કાવ્ય શોધતી જોઈને મને ખાતરી થઈ કે, તેને એટલું તો યાદ જ હતું કે, છેલ્લું કાવ્ય નોટનાં અડધાં પાનાં આસપાસ ક્યાંક લખાયેલું હતું. મૌન રહીને તેણે કવિતાના શબ્દો ફરી વાંચ્યા. થોડીક ક્ષણો માટે તે નિશ્ચેત પૂતળા જેવી બેસી રહી, પછી તેણે કવિતા વાંચવી શરૂ કરીઃ

‘અલવિદા, પ્રિય! હું તને હૃદયપૂર્વક વિદાય કરું છું.
મારાં પગલાં સંકેલીને હું અહીં જ રોકાઈશ.
તારા અસ્તિત્વની સુગંધ હજી આ હવામાં શ્વસી શકાય છે.
પણ મને ખાતરી છે કે, આ ઋતુચક્ર ફરતાંફરતાં બધું જ તાણતું જશે.

એકમેકમાં ઉલઝી રહેલી ક્ષણો, સુગંધો, સૂર્ય, વરસાદ…
કરોળિયાની જેમ જાળું રચે છે મારી અસાપાસ!
હું એમાં ગૂગળાઈ જાઉં તે પહેલાં,
બધું આ બિંદુ પર જ થંભાવીને, હું તને વિદાય કરું છું.

તારા રસ્તા પર આવનારા કાફલાઓ
તને ક્યારેય મારી યાદ ન અપાવે એ રીતે
હું સંકલી લઈશ મારી હયાતિને.

મારું હોવું તારા સુખનો પર્યાય હોત તો કદાચ મેં તને જકડી રાખ્યો હોત.
કાકલૂદી વેરી હોત, મેં તારા રસ્તા પર.
પણ હું તો તારા સુખના પીંજરમાં કેદ છું, ને તું નિત્યપ્રવાસી!

અલવિદા પ્રિય! પીંજરના શૂન્યાવકાશને પ્રેમથી સ્વીકારીને
હું તને હૃદયપૂર્વક વિદાય કરું છું…’

વાચતાંવાચતાં ડોરોથી ઢળી પડી. હું એને પકડવા દોડી. મારો હાથ એની પલ્સ પર ગયો. મેં ઇમર્જન્સી નંબર પર ફોન કરીને ઍમ્બ્યુલન્સ મંગાવી…’
*
એપિસોડ તો પૂરો થયો, પણ એ દિવસની યાદો નીરજાની આંખો સામે સજીવ થઈ ગઈ. આજે જે વાત લોકો સમક્ષ કહી શકાઈ નહોતી, તે વાતનો અપરાધભાવ એને ઘેરી વળ્યો. હા, ઍમ્બ્યુલન્સમાં બેસતાં પહેલાં એણે ડોરોથીની ડાયરી ચૂપચાપ પર્સમાં સરકાવી દીધેલી, એ વાતનો અપરાધભાવ.

અલબત્ત ડાયરીનાં પાનાંની કૉપી કરીને પાછી મૂકી દેવાની ગણતરી તો હતી, પરંતુ એ અનાધિકાર આમ કરી રહી હતી. ક્ષણનો આવેગ હતો એ! લાંબું વિચારવાનો સમય પણ ક્યાં હતો? તે ક્ષણે એને લાગ્યું હતું કે, એના સામાજિક અને મૅડિકલ બંને રીતે ગૂંચવાયેલા કેસને સમજવા માટે એમ કરવું અનિવાર્ય હતું. અને ભવષ્યિમાં આવી તક મળવાની શક્યતાઓ નહિવત્ હતી!

એ રાતે નીરજાને ઊંઘી ન શકી. કહેવા જેવું ઘણું હતું, પણ જાહેરમાં કશું કહી શકાય તેમ નહોતું. ડોરોથી વિશે કહેવા માટે તેનાં ટ્રસ્ટીઓની સંમતિ તો મળી હતી, પણ એમાં કેટલીક શરતો હતી. સંમતિપત્રમાં લખેલું:

‘ટ્રસ્ટ સ્વીકારે છે કે, ડોરોથીની વાત અસાધારણ છે. એની ઉપલબ્ધિઓ તથા ડૉ. નીરજાનાં પ્રયત્નોની વાત અનેકોને પ્રેરણા આપી શકે, તે વાત સ્વીકારતાં આ સંમતિ આપવામાં આવી રહી છે. સાથેસાથે ડોરોથીની પ્રાઈવસીનો સ્વીકાર કરતાં, અમે ટ્રસ્ટીઓ સર્વાનુમતે એ નિર્ણય પર આવ્યાં છીએ કે, ટેલિવિઝન પર માત્ર તેની મેડિકલ હિસ્ટ્રી, મેડિકલ કંડિશન, ડોરોથીનું સાહિત્ય, તથા એની સફળતાના પ્રેરક બળોની જ વાતો કરવામાં આવે.

જે બોલવાનું હોય, તેની સ્ક્રિપ્ટ ટ્રસ્ટીઓને મોકલીને એપ્રૂવલ લીધા પછી જ વાત કરી શકાશે. ટ્રસ્ટને જો કોઈ ભાગ વાંધાજનક લાગશે, તો તે કાઢી નાખવા અથવા તેમાં યોગ્ય ફેરફાર કરવા માટે ટી.વી. ચેનલ તથા ડૉ. નીરજા બંધાયેલાં રહેશે. ટ્રસ્ટીઓ સાથે સંપર્ક સાધવાની સત્તા માત્ર પ્રૉ. સૅમને જ આપવામાં આવે છે.’

હવે પછીના એપિસોડની સ્ક્રિપ્ટ માટે ટ્રસ્ટીઓની સંમતિ મળી ચૂકી હતી. પ્રૉ. સૅમની ઈ-મેઈલ વાંચતાં નીરજા વિચારે ચડી ગઈ. ફરી એક વાર તે પેલી સરકાવી લીધેલી ડોરોથીની ડાયરીનાં પાનાંની સ્કૅન કોપી ખોલીને બેઠી. આ શબ્દોને રસ્તે કેટલી વાર તેણે ડોરોથીના મન સુધી પહોંચવા પ્રયત્ન કર્યો હતો! અને દરેક વખતે એ શબ્દો કોઈ નવો જ સંદર્ભ ખોલી દેતા હતા! એ પાનાં ફેરવતી રહી. એમાં લખાયેલા વેરવિખેર વાક્યો ફરી એક વાર એની નજર સામેથી પસાર થતા રહ્યા.

ડાયરીમાં ડોરોથીએ લખ્યું હતું :

“તમે એમ ન કહી શકો કે,
મનની બધી જ વાત કરી શકું એવું કોઈ મળ્યું જ નહીં;
ખરેખર તો તમે એ અધિકાર કોઈને આપવાનું પસંદ કરતા હોતા નથી.
*
મારાં આંસુ હું તને બતાવીશ નહીં.
કારણ કે, મને ડર છે કે,
મેં એ તને બતાવ્યાં હોત, તો તેં એને જોયાં, ન જોયાં કર્યાં હોત.
કે પછી, આટલી અમથી વાતમાં રડવું શેનું આવે છે? કહીને ગુસ્સો કર્યો હોત.

આંસુ તો એને બતાવાય, જે પલકોને ચૂમીને એની ખારાશ પી જાય!
શું મારાં આંસુ પારાનાં હશે?
કોઈ એને સ્પર્શી જ ન શકે તેવાં?
એને પીતાં ઝેર ચડે તેવાં?
*
હે ઈશ્વર, મને એટલી શક્તિ દે કે, મારી અપેક્ષાઓ કોઈના સુખની આડે ન આવે.
જે મારા નસીબમાં નથી, તે બીજા કોઈના ભાગ્યમાં લખ્યું હોય,
તો એને હું ક્યારેય મિટાવવા કોશિશ ન કરું.
મારા સુખનો રસ્તો કોઈના દુઃખમાંથી પસાર થતો ન હોય.
*
હું મારા અંતરમાં ઝાંખું છું તો મને અહેસાસ થાય છે કે,
મારી અંદર બે દરિયા સમાયેલા છે.
એક સુખનો અને બીજો વ્યથાનો.

બંને છલોછલ ભરેલા છે.
બંને પોતપોતાની રીતે સુંદર છે,
જો એ ડહોળાઈ ન જાય તો!
સુખના દરિયામાંથી સત્કર્મો જન્મે છે,
અને દુઃખના દરિયામાંથી કાવ્ય.

હું વિચારું છું, શાને વારંવાર ડહોળાઈ જતા હશે એ બંને?
કોણ જવાબદાર હોય છે એને ડહોળવા માટે?
કોઈ વ્યક્તિ, કોઈ પ્રસંગ?
ના, માત્ર અવાજો ડહોળી શકે છે એને.
માત્ર મનુષ્યના અવાજો!

હું તમામ દુન્યવી અવાજોથી દૂર ચાલી જવા માગું છું.
કોઈ એવા સ્થળે જ્યાં કોઈ વ્યક્તિનો અવાજ ન હોય,
મારો પોતાનો પણ નહીં.

બોલતી હોય તો માત્ર પ્રકૃતિ;
પશુ, પંખી, વૃક્ષો, ફૂલો, અને પવન.
હું એ સૌને બોલવા દઉં,
ને એમને સાંભળતી બેસી રહું,
અસીમ મૌનને અઠેલીને.
*
મનનું મહાકાવ્ય સર્જી શકી હોત હું કદાચ.
તારી ને મારી વાત ન હોય, તોય વિશ્વમાં
એવી કેટલીય મનોહર ઘટનાઓ બનતી રહેતી હોય છે,
જેને વિશે હું લખી શકી હોત.

વનો, ઉપવનો, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રોને
મેં પરોવ્યા હોત મારી માળામાં.

સૂર્યોદય ને સૂર્યાસ્ત, વસંત અને વર્ષા, દિવસ અને રાત,
કોઈ ઉપર પણ હું અઢળક લખી શકી હોત.

પરંતુ તું સાથે હોય ત્યારે મને મનોહર લખવામાં નહીં,
મનોહારી જીવનમાં રસ રહેતો.
જે સૌંદર્ય મને અભિભૂત કરતું એને
આપણા સહવાસની ક્ષણોમાં અવતારવાનું મને મન થતું.

એક મીઠી નીંદર હતી એ જાણે,
અને હું સપનાંની સમ્રાજ્ઞી!…
હવે ક્યારેક વેરાન એકાન્તમાં
શબ્દો મને સાંત્વના આપવા આવી જાય છે.

મને ખબર પણ ન પડે તેમ એ શબ્દો
મારી આસપાસ એક હૂંફાળું આવરણ રચી દે છે.
છાનાંમાનાં મારા ચહેરા ઉપર સ્મિતના લસરકા ચીતરી જાય છે
ને હું સજળ નયને મનોમન એમની ક્ષમા માગતી રહું છું.
આંસુ વહાવી વહાવીને એમનો આભાર માનતી રહું છું.

શબ્દો મારા કાનમાં કહે છેઃ
ઊઠ ઊભી થા, આંસુઓને લૂછી નાખ, અને પ્રયાણ કર.
પેલું ઉપેક્ષિત કાવ્ય તારી રાહ જોઈ રહ્યું છે.
તારે એને પૂરું કરવાનું છે, આ વિશ્વને છોડતાં પહેલાં!
*
હું મારા બઘા જ તંતુ તોડીને તને મુક્ત કરી રહી છું.
એમાં નથી કોઈ ત્યાગ નથી, કે નથી કોઈ મહાનતા.
કેટલું તરસ્યા, તરફડયા પછી હું સમજણના આ મુકામ સુધી પહોંચી છું!

હું એમ કરી રહી છું કારણ કે, મને એમાં સુખ-શાંતિનો અનુભવ થાય છે.
એ વાતનો આત્મસંતોષ થાય છે કે,
હું તારી સ્વતંત્રતાનો તથા પ્રેમ કરવા અને પામવાના
અધિકારનો આદર કરી રહી છું.

હું જાણું છું કે, તારા વિના મારું જીવન વેરાન થઈ જશે.
મારા જીવનમાં તારું ન હોવું મને પળેપળ સાલશે.
જીવવું જ દોહ્યલું લાગશે કદાચ.

પણ હું જીવીશ. સ્વસ્થતાથી જીવીશ.
કોઈની સહાનુભૂતિ કે કોઈનો આધાર શોધ્યા વગર જીવીશ..
કારણ કે, મારેય મારા હોવાપણાને સાર્થક કરવાનું છે.
મારી પાસે પણ એક જ જિંદગી છે,

જેને હું ઝૂરવામાં ને આંસુ સારવામાં વેડફી ન શકું.
જે નથી મળ્યું તે મળી શક્યું હોત તો જીવન સફળ થઈ ગયું હોત.
હું પૂર્ણત્વને પામી હોત.
પણ જીવતાં-જીવતાં સમજાયું છે કે.

વિશ્વમાં કશુંય પૂર્ણ હોતું નથી.
શું અપૂર્ણતા જ ચાલકબળ હશે સકળ બ્રહ્માંડનું?
જો આખું બ્રહ્માંડ અપૂર્ણ હોય, તો મારી ક્ષુલ્લક અપૂર્ણતાની શું વિસાત?

માટે જ નિર્માલ્ય ઝંખનાઓનો સ્વેચ્છાએ ત્યાગ કરીને
હું તને મુક્ત કરીશ…
તારી સ્વતંત્રતાનો અને

પ્રેમ કરવા કે પામવાના તારા અધિકારનો આદર કરવા;
એથીય વિશેષ, મારા પોતાના અસ્તિત્વને સાર્થક કરવા…
*
મનુષ્ય એકલો આવે છે,
ને આ દુનિયામાંથી એકલો ચાલ્યો જાય છે.
બંને સામાન્ય લાગતી ધટનાઓની વચ્ચે

છળી મરાય એવા અંતરંગ સત્યોની ભૂતાવળ ભટકે છે.
સંબંધો એક આવરણ છે,
જાણે કે એક વસ્ત્ર.

એને પહેરાય, ઊતારી શકાય, કબાટમાં મૂકી શકાય, ઈસ્ત્રીબંધ!
પણ એમાંથી એકાદ હોય છે, શરીર ઉપરની ચામડી જેવો.
કાયમ માટે અસ્તિત્વ ઉપર ચસોચસ ચોંટી ગયેલો.
એમાં તિરાડો પડે છે, ત્યારે ઊભરતા ઘાવ દુઃખ આપે છે.

અને એ ઘાવમાંથી સતત ટપકતી રહે છે,
આવવા અને ચાલ્યા જવા વચ્ચેની અનર્ગલ એકલતા.
*
તડકાની ટેવ પડી જાય પછી છાંયડાની અપેક્ષા સતાવતી નથી.
ચાલવાની લત લાગી જાય પછી વિસામાની ખેવના રહેતી નથી.
સુખ-દુઃખ શું  મનની મનગમતી રમત હશે?
શ્વાસ અને ધબકારા જૂનું ન છોડી શકાતું કોઈ વ્યસન?

આ સંબંધો આખરે શું છે?
વિરક્તિ તરફ લઈ જતો રસ્તો?
જવાબ ટટોળું છું મારા મનમાં.
જે દિવસે એનો જવાબ મળી જશે,
શું ત્યારે મનના બધા વિસંવાદો શમી જશે?
શું આખરે બીજાં કોઈને નહીં, માત્ર પોતાનાં મનને જ મનાવવાનું હોય છે?
*
જે દૃષ્ટિ સામે હોય છે, તે સત્ય કેટલું છેતરામણું હોય છે!
શાંત દેખાતા મહાસાગરના પેટાળમાં કેટકેટલી ઉથલપાથલ સતત ચાલુ રહેતી હશે!
અને તોફાને ચડેલાં મોજાંની નીચે છેક તળિયે કેવી
ધીરગંભીર શાંતિ આસન જમાવીને બેસી રહેતી હોય છે!

શું પસંદ કરવું જોઈએ?
શાંત પાણી નીચે ગોપાયેલી હલચલ, ઉભરાટ અને ઉશ્કેરાટ?
કે પછી તોફાનોના પેટાળમાં પ્રસરેલી શાંતિ?
હા મળે, ચોક્કસ મળે, જે માગીએ તે મળે.

મેં જાણી વિચારીને તળિયાની શાંતિ માગી. મને એ મળી.
પણ તળિયાની દુનિયા કેટલી ગેબી, કેટલી ડરામણી હોય છે!

ન સૂર્ય, ન આકાશ, ન પવન, ન મોજાંનો ઉછાળ, બસ, એકલતાનો અફાટ વિસ્તાર..
ક્રૂર અલિપ્તતાનું આ સામ્રાજ્ય કશુંય સંઘરતું હશે ખરું?
પ્રવેશ હશે કોઈનેય એ બિહામણી દુનિયામાં?

સમુદ્રના તળિયાની સ્મશાનવત્ શાંતિ ઓઢીને વણમાગ્યા મહેમાન જેવી
ક્યારની અહીં ઊભી છું:–
જીવનવિહીન જીવનના છેડે, મૃત્યવિહીન મૃત્યુના દ્વાર પર.
*
ભીની આંખે નીરજા ક્યાંય સુધી ડોરોથીની ડાયરીનાં પાનાં વાંચતી રહી. એને એ પણ યાદ આવ્યું કે, ડોરોથીના અગાઉની સારવારની વિગતો મેળવતાં વાર નહોતી લાગી. અલબત્ત ખાનગી મેડિકલ રેકોર્ડ ટ્રાન્સફર કરવા માટે બંને હોસ્પિટલોની અને ડોરોથી વતી તેના ટ્રસ્ટીઓની લિખિત પરવાનગી લેવી પડી હતી.

મેડિકલ રેકોર્ડનો સારાંશ એ હતો કે, ડોરોથીના રોગનું ચોક્કસ નિદાન થઈ શક્યું નહોતું. એનો ડિમેન્શિયા એટલેકે સ્મૃતિભ્રંશ સામાન્ય કારણોના ચોકઠામાં બંધ બેસતો નહોતો. એની સ્મૃતિનું અને એની કાર્યક્ષમતાનું સ્તર કોઈ ચોક્કસ પેથોલોજીકલ મેડિકલ કંડિશન અન્વયે સમજાવી શકાતું નહોતું, જેને કારણે સારવાર કરનારા ડૉક્ટરો ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવી શકતા નહોતા.

‘અનયુઝ્વલી પ્રેઝન્ટિંગ ડિમેન્શિયા અન્ડર ઈન્વેસ્ટિગેશન’ એટલે કે, અસામાન્ય લક્ષણો ધરાવતા તપાસ હેઠળના સ્મૃતિલોપ – તરીકે એને ડોક્યુમૅન્ટ કરવામાં આવ્યો હતો. ડાયગ્નોસિસ માટે લેવામાં આવેલ સેકન્ડ અને થર્ડ ઓપિનિયનમાં પણ મતભેદ હતા.

ઈ-મેઇલથી આવેલા ડેટામાં અન્ય રિપોર્ટસ્ની સાથે સારવાર શરૂ થઈ તે અરસામાં, જ્યારે ડોરોથી સ્મૃતિ ગુમાવી નહોતી બેઠી, પણ એના મનમાં અસહ્ય ઉથલપાથલ ચાલી રહી હતી; ત્યારે ડૉક્ટરે પૂછેલા પ્રશ્નો અને તેના જવાબમાં ડોરોથીએ લખેલા હસ્તલિખિત કાગળોના થોડા સ્કૅન પણ હતા. આજે ડોરોથી તેના મન પર છવાયેલી હતી. નીરજા ફરીથી એ સ્કૅન વાંચવા લાગી.

સ્કેન-1

પ્રશ્ન નંબર 1: તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તેનું બની શકે તેટલી ચોક્કસાઈથી વર્ણન કરો. આવું બનવા માટે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પ્રકારના સંજોગો જવાબદાર હોય તેવું તમને લાગે છે?

જવાબ નં 1: જે કાંઈ બની રહ્યું છે, એ મારા મનમાં બની રહ્યું છે. ખૂબ દુઃખ આપનારું છે એ. જ્યારે એ ભાવનાઓ મારા મન પર કાબૂ લઈ લે છે, ત્યારે મનમાં અસહ્ય સંતાપ વ્યાપી જાય છે. મન થાય છે કે, જોરથી રડી પડું. ઓ મા! કહેતી ઠૂઠવો મૂકીને મોકળે મને રડું.

કશુંક તોડી-ફોડીને જોરથી ફેંકું. માથું પછાડીને પોતાને જ ઈજા પહોંચાડું.. પણ આસપાસના વાતાવરણને લઈને એવું શક્ય હોતું નથી. મનમાં ચાલતા વિચારોને કારણે આંખોમાં વારંવાર ભીનાશ ઊભરાઈ આવે, અને ત્યારે એને કોઈ જોઈ જશે, તેવો ડર લાગે. ઘેરી ઉદાસી મનમાં છવાઈ જાય.

કોઈ સાથે વાત કરવાનું પણ ન ગમે. વાત કરતાં અન્યમનસ્ક થઈ જવાય તેવી ગમગીની. આ સમયગાળામાં મારું મન ધૂંધળું બની જાય છે. હું કોઈ પણ કામમાં એકાગ્ર થઈ શકતી નથી.

જે કાંઈ ઉથલપાથલ મારા મનમાં થાય છે, એ માટે હું મારા પોતાના સિવાય બીજા કોઈને જવાબદાર માનતી નથી. હા, રોજબરોજની જિંદગીમાં ઘણું બધું મારી અપેક્ષાથી અલગ બનતું રહે છે, જેમાંથી કેટલુંક મારા મનમાં આ પ્રકારની લાગણીઓ ઉત્તેજવા માટે જવાબદાર હોય છે.

એકવાર હું કરોળિયાના જાળા જેવી અનુભૂતિમાં કેદ થઈ જાઉં પછી લાંબા સમય સુધી તરફડિયાં મારતી રહુ છું. બહુ કષ્ટદાયક છે આ! હું ઈચ્છું છું કે મારું મન શાંત થઈ જાય. નિર્લેપ અને અલિપ્ત. સુખદુઃખ કાંઈ જોઈતું નથી મારે, બસ, શાંતિ અને સ્થિરતા મનમાં કાયમી બની જાય, એટલી જ મારી ઝંખના છે.

સ્કૅન- 2

પ્રશ્ન નંબર 2: તમને ભાવનાઓનો હુમલો આવે, ત્યારની પરિસ્થિતિમાં સમય સાથે કોઈ બદલાવ આવ્યો છે ખરો? કે પહેલાં અને આજે બધું સરખું જ લાગે છે?

જવાબ નં 2: પહેલાં તો મારી ખાસ પ્રકારની લાગણી ઉશ્કેરે તેવું કશુંક બનતું ને મારું માથું ફાટફાટ થવા લાગતું. મગજ પર હથોડા પડતા હોય, એવું મને લાગતું. હું ઉશ્કેરાઈ જતી. બંડ પોકારી ઊઠતી, ન્યાય માગી બેસતી, વિરોધનો ઊંચો સૂર વ્યક્ત કરી બેસતી, જેને કારણે સામાજિક સમસ્યાઓ સર્જાતી.

પછી મેં જાતે જ મારા મન સાથે સમાધાન સાધવા પ્રયત્નો શરૂ કર્યા. તર્કબદ્ધ રીતે હું મનને સમજાવવા લાગી. હું મારી પોતાની અપેક્ષાઓને પડકારવા લાગી. અને એમ શાંત થવા પ્રયત્ન કરવા લાગી. ક્યારેક એમાં હું સફળ પણ થઈ જતી, પણ પાછું કોઈ એકાદ મામૂલી ટ્રિગરથી મનનું દર્દ ઊથલો મારતું અને મારી સમતા વેરણછેરણ થઈ જતી.

સ્કૅન-3

પ્રશ્ન નંબર 3: સમાધાન એટલે શું? શું સમજાવો છો તમે તમારા મનને? જરા વિગતે કહેશો?

જવાબ નં 3: પહેલાં તો મેં દિલથી સ્વીકાર્ય઼ું છે કે, જે કાંઈ પ્રશ્ન છે, તે મારો પોતાનો છે. એનું કારણ પણ હું છું ને એનો ઉકેલ પણ માત્ર હું જ લાવી શકું. હવે એમ કરતાં જાણતાં કે અજાણતાં હું બીજા કોઈને અન્યાય કરી બેસું, કોઈને દુઃખી-દુઃખી કરી નાખું, એ મને ન ગમે. મેં એ પણ અનુભવ્યું કે મારી તમામ યંત્રણાઓ પાછળ ઘણુંખરું મારી અધિકારભાવના જવાબદાર છે.

એટલે પહેલું તો મેં મારા મનને એમ સમજાવવા માંડયું કે, કોઈનો સ્નેહ, લાગણી કે વર્તન હક્ક કરીને ઉઘરાવી શકાય નહીં. પછી એ ગમે તે સંબંધ હોય. જે સ્વાભાવિક રીતે જ સ્ફૂરેલું નથી, એ મિથ્યા છે. એને પામવાની ઝંખના મૃગજળ જેવી છે. માગી-ભીખીને મેળવેલી નાનામાં નાની વસ્તુ કે નાનામાં નાની લાગણી મારા માટે ત્યાજ્ય છે.

હું એમ પણ વિચારવા લાગી કે, કોઈની લાગણી મેળવવા માટે વલખાં મારવામાં અને ન મળેલા નસીબ પાછળ દુઃખી થવામાં મારે સમય વેડફવો ન જોઈએ. જીવનની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે, જે અસ્તિત્વનો એક અંશ કાપીને કાયમ માટે ભૂંસાઈ જતી હોય છે. કોઈને ગુમાવવાના ડર ઉપર કાબૂ મેળવી શકે એટલો આત્મવિશ્વાસ મારે કેળવવો જોઈએ.

આત્મવિશ્વાસ એટલે એમ માનવું નહીં કે કોઈ તને પસંદ કરશે; પણ મનમાં એવો વિશ્વાસ પ્રગટાવવો કે, કોઈ મને પસંદ નહીં કરે, તો પણ હું સ્વસ્થ અને ખુશ રહીશ.

આમ કરવાથી મને થોડી રાહત મળવા લાગી. પણ સામે મારું મન પ્રશ્ન કરતું કે, આમ સાવ અલિપ્ત થવું એટલે વૈરાગ્ય? શાંતિ મેળવવા માટે પોતાના મનની બધી જ લાગણીઓ ભૂંસી નાખવી શું યોગ્ય છે? શું એ સ્નેહભાવનાનો દ્રોહ નથી? મનના પ્રેમને ભૂંસીને મેળવેલું સમાધાન નર્યો સ્વાર્થ નથી?

ના, સ્વભાવે હું વૈરાગી નથી. અને દુનિયાનો ત્યાગ કરીને કશુંક મેળવવાની ઘેલછા મારે મનમાં પોષવી પણ નથી. બહુ દ્વિધાભર્ય઼ું છે આ બધું. કાશ, કોઈ મને આ અસમંજસ વિશે સમજાવી શક્યું હોત! જેને હું સમજવા મથું છું એ કોયડો મને વધારે ને વધારે ગૂંચવતો જાય છે.

સ્કૅન-4

પ્રશ્ન નંબર 4: તમારી વિચારધારામાં કોઈ ફેરફાર થયો? સમધાનોમાં કોઈ પ્રગતિ?

જવાબ નં 4: હા, પહેલાં તો મેં નક્કી કર્ય઼ું કે, મારે મનની શુભભાવનાઓ ત્યાગીને શાંતિ જોઈતી નથી. હું મારા મનની પારદર્શકતા અને સચ્ચાઈ અકબંધ રાખીને જ આગળ વધીશ. મારે અધિકારભાવ સામે લડવાનું છે, સ્નેહભાવ સામે નહી. આમ ચોક્કસ ભેદરેખા અંકાતાં પહેલું સમાધાન પ્રાપ્ત થયું.

પછી મેં મારા મનને એમ સમજાવવા માંડ્યું કે, કોઈનું વર્તન કે કોઈના મનનું સંચલન એ મારા હાથની વાત નથી, માટે એ બદલવાના અભરખા છોડવા પ્રયત્ન કરવો. પોતાની યંત્રણા બાબત કે પછી પોતાની અપેક્ષાઓ વિશે કોઈને કશુંય કહેવું જ નહીં. કારણ કે, જે તમારા મૌનને સમજતું નથી, એ ક્યારેય તમારા શબ્દોને સમજી શકવાનું નથી.

આ અધરું હતું. ખાસ કરીને હક્કાબ જતા કરવાની ઉદારતા કેળવવી અઘરી હતી. મારા માપદંડ પ્રમાણેની મારી અપેક્ષા મને વાજબી લાગતી, અને એ પૂરી ન થતાં હું પારવાર દુઃખ અનુભવતી. મારું મન પૂછી બેસતું કે, જે નિરંતર ચાહે છે, શું માત્ર તે જ દુઃખ પામે છે? શરતો વગરના પ્રેમ જેવું કાંઈ વિશ્વમાં હશે ખરું?

પછી જ્યારે ભાવનાઓનો સંઘર્ષ એની ચરમસીમાએ પહોંચી ગયો, ત્યારે અચાનક મને ભાન થયું કે, આ તકાજામાં ને તકાજામાં હું ક્યાં પહોંચી ગઈ હતી! મારે મન શું અગત્યનું હતુ? બેડીએ બાંઘેલ, મને-કમને વશ થયેલ સ્વજન? શું મારે સામી વ્યક્તિઓના દ્રષ્ટિકોણથી વિચારવું ન જોઈએ? સૌને ઈશ્વરે એક જ જિંદગી આપી છે, તો દરેકને પોતાની રીતે જીવવાનો હક્ક નહીં? આ દલીલ મારા મને સ્વીકારી લીધી. એ એક ભાવને સહારે હું ચાલવા લાગી, સ્વસ્થ થવા લાગી.

સ્કૅન-5

પ્રશ્ન નંબર 5: કેમ લાગે છે હવે? સાવ સારું થઈ ગયું છે કે હજી કોઈ કસર રહી ગઈ છે?

જવાબ નં 5: દેખીતી રીતે તો સારું જ છે. પહેલાં કરતાં ઘણી સ્વસ્થતા લાગે છે. પણ હજીય મન સો ટકા નીતરી ગયું નથી. લાંબો સમય શાંત રહે, ને પછી કાંઈક એવું બની જાય ને એ લડખડાઈ જાય. ફરી ક્યારેક ઉદાસી ઘેરી વળે છે, પણ વિદ્રોહ અને ઉશ્કેરાટ હવે શમી ગયો છે.

મારી અસ્વસ્થતાને કોઈના ક્લેશનું કારણ ન બનવા દેવા માટે હું કૃતનિશ્ચય છું. એ બાબતમાં કોઈ દ્વિધા નથી મનમાં. પણ માણસ છું એટલે દુઃખી થઈ જાઉં છું ક્યારેક. મારા મનની વાત હું કોઈ વ્યક્તિને કહેવાનું પસંદ કરતી નથી. કોઈ એટલું દિલથી નજીક છે પણ નહીં. પણ ક્યારેક હવા કે પથ્થર કે કોઈ દિવંગત સ્વજન પાસે દિલ ખોલીને રડી લેવાની ઈચ્છા થઈ આવે છે. ક્યારેક જીવન પ્રત્યેનો મોહ છૂટી જતો હોય, તેવું લાગે છે.

થાય હવે, માણસ હોવાની એ પીડા છે, માણસ છું એટલે એ ભોગવવી જ રહી – એમ હું મારા મનને સમજાવું છું, અને ફરી સ્વસ્થ થવા પ્રયત્નો કરું છું. લાગે છે કે આટલી અધૂરપ હવે મારા શ્વાસોની સાથે જ જશે.

સ્કૅન-6

પ્રશ્ન નંબર 6: આ જે મેન્ટલ કોન્ફલિક્ટ, તમારા મનમાં જરાક બચી ગયેલો માનસિક સંઘર્ષ છે, તેના વિશે સ્પષ્ટતા થાય, તેમ વિગતે સમજાવશો?

આ પ્રશ્નના જવાબમાં ડોરોથીએ પોતાની જાતને સંબોધિને લખેલા ત્રણ પત્રો મોકલ્યા હતા. કાગળને મથાળે લખ્યું હતું, સ્વ સાથેનો પત્રવ્યવહાર.

જવાબ નંબર 6:

પત્રઃ 1
મારી વહાલી હું,

તારી સાથે વિસંવાદ કરીને હું ક્યાં જઈશ? હું તારા ઉધામા સમજું છું. પણ એ સમજીને જ તને સલાહ આપું છું કે, હવે આ સંતાપ છોડી દે. હા, તું જાણે છે કે, કોઈનો જન્મદિવસ એના કેલેન્ડરમાં નામ વગર સેવ કરેલો છે. ભલે તને એ પણ ખબર હોય કે, કેલેન્ડરમાં સેવ કરેલ જન્મદિવસની આગલી રાતે એ છૂપી આઈ.ડી. ઉપર લૉગ ઈન થયેલો.

તું ધારત તો આઈ.ડી. ખોલીને જોઈ શકત, પણ તેં કેમ એ ન જોયું? બસ, એ જ સમજાવું છું તને! તું સ્વીકારી લે કે તેણે એમ કર્ય઼ું હશે. અને તારા મનને એમ પણ મનાવ કે, ‘મને એનાથી કોઈ ફરક પડતો નથી.’ અને પછી ખુશ રહેવા પ્રયત્ન કર.

હા, તારી શંકા બરાબર છે. ‘લવલી સાઈડ ઑફ લાઈફ’, આવી રોમેન્ટિક શબ્દોવાળી ખાનગી ઈ-મેઇલ આઈ.ડી.નો બીજો શો અર્થ હોઈ શકે? પરંતુ આવા કોમ્યુનિકેશનની એને જરૂર પડી, તેને તું તારી હાર શા માટે માને છે? ન શોધ એ બધી વાતના મૂળને. શું તને બેવફાઈની જ તલાશ છે?

જવા દે, ઉધામા. સાબિત કર્યા વગર સ્વીકારી લે કે, એ બધું સાચું છે. અને પછી પૂછ તારા મનને કે, તું આગળ શું કરવા માગે છે? ગૂંચવાયા કરતા સંબંધમાં ઉલઝ્યા કરવું છે, કે પછી એ તમામથી પર રહીને શાંત જિંદગી જીવવી છે તારે? આવી શાંતિની ઉપાસના કોઈ તપશ્ચર્યાથી કમ નહીં હોય, પણ એ કરવા જેવો પ્રયત્ન છે.

વાંધાજનક મેસેજીસ, કોન્ફરન્સના ખોટા બહાને એકલા બહાર ચાલ્યા જવું, ધાર્યું ન થાય તેનો ઉશ્કેરાટ, કોઈ બીજા તરફ તાકતું વર્તન, બધું આવ્યા કરશે નજર સામે. તું શોધશે નહીં, તો પણ તારી સામે આવીને તારું મન ડહોળ્યા કરશે. એ બધાં વમળો તરીને શાંત કિનારે પહોંચી શકીશ તું? પોતાના મનને પૂછી જો.

પેલાં કાઉન્સેલર બહેને નહોતું કહ્યું? – ‘જીવનમાં બધું જ શક્ય છે. કાંઈ પણ બની શકે.’ છે હિંમત એને સ્વીકારવાની? અને એ સ્વીકારીને પ્રામાણિકતાથી નક્કી કરવાની કે, એ બધું જ સાચું હોય, તો પછી તું શું કરવા માગે છે? સામા પાત્રના નજરિયાથી આખી વાતને જોઈ શકીશ તું? બની શકે કે, સામી વ્યક્તિના દૃષ્ટિકોણથી જોતાં આખી વાત જ બદલાઈ જાય!

તું જ કહે છે ને? કે દરેક વ્યક્તિને એક જ જિંદગી મળી છે. એમાં એને પોતાની રીતે સુખી થવાનો અધિકાર છે. તો પછી તું કોઈના સુખ ઉપર તરાપ માર્યા વગર પોતાના મનનું સમાધાન અને શાંતિ શોધી શકીશ?

આ જ જીવનનું ખરું આધ્યાત્મ, મનુષ્ય હોવાની આ જ મોટામાં મોટી પરીક્ષા! ભવાટવીના અડાબીડ વનને પાર ઊતરવું તેય આ જ. મોક્ષ પણ આ, અને વૈરાગ્ય પણ આ જ!

તું સંસાર વચ્ચે રહીને પોતાની અપેક્ષાઓથી અલિપ્ત રહી શકીશ? પૂછી જો, પોતાના મનને. પ્રેમ જે કશુંય માગતો નથી, પ્રેમ એટલે હરહાલમાં પ્રિયપાત્રનું સુખ, એનું કલ્યાણ ઈચ્છવું તે જ. પ્રેમ એટલે બિનશરતી સમર્પણ…! તારા સંસ્કાર જે કહે છે, તે નિભાવીને તું સો ટચના સોનાની જેમ પાર ઊતરી શકશે અગ્નિ-પરીક્ષામાંથી?

માફ કરજે, સંસ્કારોનો વાસ્તો આપીને બહુ મોટી અપેક્ષા તારી પાસે રાખી રહી છું. તારા ઉપર પ્રયોગ કરી રહી છું કદાચ!

તને, મને, અને એમ મનુષ્યમાત્રને નિરામય સુખ અને શાંતિ સુધી પહોંચાડનારા રસ્તાની શોધમાં,

તારી શુભચિંતક હું.

તા.ક. તને સાચી લાગતી બધી જ સાબિતીઓ સાચી ન પણ હોઈ શકે. ક્યારેક શંકાના કાળા ચશ્મા પહેરી લઈએ, પછી ન હોય તે પણ કાળું દેખાતું હોય છે!

એના પછીના પાનાં ઉપર એણે પોતાને જ સંબોધીને બીજો પત્ર લખેલો હતોઃ

પત્ર 2
મારી વહાલી શુભચિંતક હું,

તારી સલાહ આંખ-માથા ઉપર. મેં તારી વાત કદી ઉથાપી છે? પણ બધું સ્વીકાર્યા પછી, બધુંય સમજ્યા પછી પણ આક્રોશનો એક અવાજ મનમાંથી ઊઠે છે કે, શા માટે બધી અપેક્ષાઓ મારા માટે જ? બધું સમાધાન મારે જ કરવાનું? સંસ્કારનો ભાર મારે જ વેંઢારવાનો? કેમ? હું સ્ત્રી છું એ માટે? શું મને ચાહના મેળવવાનો, શુદ્ધ-નિર્વ્યાજ સ્નેહ પામવાનો અધિકાર નહોતો?

મારી સમજ અને સારાઈનો ગેરલાભ કોઈને હસતાંહસતાં લેવા દેવાનો? બધાંનું સુખ કિંમતી છે. એને અકબંધ રહેવા દેવાનું કબૂલ. પણ મારા સુખનું કાંઈ નહીં? કોઈને દરકાર નહીં, એની? તને પણ નહીં?

તારી વાત માની લઉં એ પહેલાં મારા આ પ્રશ્નનો જવાબ તારે આપવો પડશે.

લી. તારી આક્રોશિત હું.

છેલ્લે ત્રીજો પત્ર જોડેલો હતો.

પત્ર 3
મારી વહાલી આક્રોશિત હું,

હા, તને અધિકાર હતો અને છે જ – અણીશુદ્ધ પ્રેમ મેળવવાનો. પણ એટલું વિચારી જો કે, શું એ તારા કે મારા હાથની વાત છે? જે નથી મળી શક્યું, એનો અફસોસ છોડી દે. અને જે મળવાનું પણ નથી એવા મૃગજળ પાછળ તું દોડીશ નહીં, એટલું જ કહેવાનું છે મારે. સંસ્કારનો ભાર ઊતારી દે, ખુશીથી! એ પછી પણ શું તારા મનનું સમાધાન થશે?

તું લડી લઈશ કે સંબંધ તોડી નાખીશ, જે કરવું હોય, તે કરવા મુક્ત છે તું! પણ શું તને એમાં સુખ મળશે? તારા મનને પૂછી જો. બિનશરતી સ્નેહ નિભાવવામાં શું તારા હૃદયને ઊંડો આનંદ નથી મળતો? બસ, એ આનંદ તારા અસ્તિત્વના કણકણમાં વ્યાપે, એટલી જ કોશિશ છે મારી. તારા નિર્ણયો તું જ લેજે. એમાં મારો કોઈ દુરાગ્રહ નથી.

લી. તારી હિતચિંતક હું.

છેલ્લા પત્ર પછી ડોરોથીએ સારવાર કરનાર કાઉન્સેલર ડૉક્ટરને એક અલગ ચબરખીમાં લખી મોકલેલું: અવિનય માફ કરશો, પણ મને લાગે છે કે, હવે આ થેરાપી બંધ કરીએ. આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું.

બોલવું તો મને ક્યારેય ગમ્યું નથી. મને બોલવાની ફરજ ન પાડવા બદલ તમારો આભાર. મનની આ બધી ગડમથલ વિશે લખ્યા પછી હું કેટલી હળવાશ અનુભવી શકી છું એ શબ્દોમાં તમને નહીં સમજાવી શકું. દિલથી આભાર મારાં મિત્ર. આભાર અને અલવિદા!

છેલ્લા સ્કૅન પછી એ સ્પષ્ટ હતું કે, એ સમય પછી ડોરોથીએ સ્વેચ્છાએ સારવાર બંધ કરેલી. આટલી સ્વસ્થતા તથા વિચારપૂર્વક પોતાની જાત સાથે સમાધાન સાધવું નીરજાએ આ પહેલાં કોઈ પેશન્ટમાં જોયું નહોતું. ‘અલ્ટિમેટ ઍક્ઝામ્પલ ઑફ સેલ્ફ સજેશન્સ!’ – તે મનોમન બોલી. મેડિકલના અભ્યાસમાં ભણેલા કોઈ ચોક્કસ રોગના ચોકઠામાં ડોરોથીનો રોગ બંધ બેસતો નહોતો. પ્રો. સૅમને પૂછતી તો તેઓ ઝીણીઝીણી આંખો કરીને હસતાંહસતાં કહેતાઃ

‘હું એમાં કાંઈ જાણું નહીં! એ તારી રિસર્ચ સબજેક્ટ છે. તું જ શોધી કાઢ ને!’ કામ અઘરું હતું, પણ એ દિવસોમાં નીરજા ડોરોથીનું નિદાન શોધી કાઢવા માટે સંકલ્પબદ્ધ હતી. અને એને સારી કરવા માટે દિલોજાનથી મહેનત કરી રહી હતી.

નીરજાને લાગ્યું કે, ડોરોથીએ પોતાની જાત ઉપર લખેલા પત્રો અનુસાર ‘હિતચિંતક હું’ની વાત માનીને પોતાના મનને શાંત કર્ય઼ું હશે. સ્મૃતિઓ ભૂંસાયા પછી એના ચહેરા ઉપર વ્યાપેલી અસાધારણ શાંતિ અને નરવા સ્મિતનું રહસ્ય આ પત્રોમાં સમાયેલું હતું, પરંતુ ઍવોર્ડ ફંક્શનની રાતે સિન્થિયાને મળવાનું થયું, ત્યાં સુધી એનાથી આ મનોસંઘર્ષના કારણ સુધી પહોંચી શકાયું નહોતું. અંગત પ્રશ્નો પૂછવાના નહોતા. અને નીરજા કદાચ ખાનગીમાં પૂછી કાઢે તોય ડોરોથી એના જવાબ આપવાની સ્થિતિમાં નહોતી.

નીરજાનું માનસશાસ્ત્રનું જ્ઞાન કહેતું હતું કે, સ્મૃતિલોપના દરદીઓ પોતાના અસ્તિત્વના શૂન્ય થઈ ગયેલા અંશને સ્વીકારતા નથી. એમને યાદ દેવડાવવાનો પ્રયત્ન કરો, અથવા કહી બેસો કે, યાદ કરો, તમે આ ભૂલી ગયા છો, તો એ ગુસ્સે થઈ જશે. ઝનૂને ચડી જશે, નાસી છૂટવા પ્રયત્ન કરશે, પણ ધરાર સ્વીકારશે નહીં કે, એ લોકો કશુંક ભૂલી ગયાં છે!

જે દરદી ગુસ્સો નહીં કરે તે સાવ શાંત થઈ જશે. સ્મશાનવત્ શાંતિમાં પોતાની અંદરના મૌનમાં ડૂબી જઈને બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી નાખશે. બંનેમાંથી એકેય પરિસ્થિતિ સર્જ્યા વગર નીરજાએ ડોરોથીને સંભાળવાની હતી.

ડૉ. સૅમનું કહેવું હતું કે, આ અંશિક સ્મૃતિલોપ છે તેમ જ ઠીક છે. વીતેલા ચાલીસેક વરસના સમયખંડને છેડયા વગર હવે પછીના સમયમાં એ સ્વસ્થ રહી શકે, પોતાની રોજિંદી દિનચર્યાનું ધ્યાન રાખી શકે, તેય ઘણું છે.

આમ પણ તેણે બાકીનું જીવન મેમરીકેર હોમના આસિસ્ટેડ લિવિંગમાં વિતાવવાનું છે. એ માટેની આર્થિક વ્યવસ્થા પણ થઈ ગઈ છે. પછી એના ભૂલાઈ ગયેલા ભૂતકાળને સ્મૃતિઓનાં ચોકઠાંમાં ફરી ગોઠવવા માટે ખાસ કોઈ પ્રયોજન રહેતું નથી.

નીરજાને એ વાત મંજૂર નહોતી. એ સ્મૃતિભ્રંશના કારણ સુધી જવા માગતી હતી. એનો એ પણ પ્રયત્ન હતો કે, ડોરોથી પોતાના ભૂતકાળના ભુલાઈ ગયેલા અંશને ફરી પામે, ફરી સ્વતંત્ર રીતે જીવી શકે, અને સ્વતંત્ર રીતે લખી શકે.

આટલું પરિણામ મેળવવા માટે કોઈ પણ જાતની વધારાની આર્થિક કે સામાજિક અપેક્ષા વગર એ સતત છાનુંછાનું મથ્યા કરતી હતી, અને ડોરોથીની સર્જનાત્મકતાને પડકારીને એનાં મગજની ક્ષતિગ્રસ્ત ન્યૂરોન-કોષિકાઓને પુનઃસંચિત કરવા તથા પુનઃજીવિત કરવા પ્રયત્ન કરતી હતી.

નીરજા પરિણામ માટે આશાવાદી હતી, કારણકે, ખરેખર તો એ સ્મૃતિલોપ પ્રત્યે જ સશંકિત હતી! એ માનતી હતી કે, યાદશક્તિ ગુમાવવાનું કારણ પેથોલોજીકલ હોવા કરતાં વધારે સાયકોલોજીકલ હતું. અને એટલે જ તે સારવારક્ષમ હતું. નીરજા માનતી હતી કે, ડોરોથીનો સ્મૃતિલોપ કદાચ પોતાના મન સાથે સતત સંઘર્ષ કરતાં-કરતાં તેણે ગુમાવેલી ચેતના હતી. પણ વિજ્ઞાનમાં ‘કદાચ’ને કોઈ સ્થાન હોતું નથી. વિજ્ઞાનમાં તો બધું નક્કર સાબિતીઓ આપીને સાબિત કરવું પડે.

છેલ્લા સાત વર્ષનો સંપર્ક હતો. આ દરમિયાન નીરજા ડોરોથીનાં ત્રણ પુસ્તકોના પ્રકાશનનું નિમિત્ત બની હતી. એ પુસ્તકોને યોગ્ય વ્યક્તિઓના ધ્યાન ઉપર લાવવા તેણે અથાક પ્રયત્નો કર્યા હતા. ડોરોથીનું પુસ્તક પ્રતિષ્ઠિત એવૉર્ડના લોંગ-લીસ્ટમાં અને પછી શોર્ટ-લીસ્ટમાં મૂકાયું, ત્યારે ડોરોથીની સફળતા માટે તેણે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. પણ દેખીતી રીતે ડોરોથી તો આ બધી વાતો પ્રત્યે અલિપ્ત જ રહી હતી! એ તો જાણે સુખ-દુઃખના ભાવથી જ પર બની ગઈ હતી!

નીરજા કળી શકતી નહોતી કે ડોરોથી કેટલું સમજી શકે છે, અને કેટલું નહીં. એની ચેતનાના સ્તરને નીરજા માપી  શકતી નહોતી. સંતોષ માત્ર એ વાતનો હતો કે, ડોરોથીની સ્થિતિ સ્થિર હતી, કથળતી નહોતી. નીરજા એને ક્યારેક નાનકડી વાતમાં ખિલખિલાટ હસાવી શકતી. એને નિયમિત રીતે મળી શકતી હતી, તથા એની કલ્પનાશક્તિને ઉત્તેજિત કરીને એની પાસે લખાવી શકતી હતી.

ડોરોથીને પોતાની આસપાસનાં અન્ય દરદીઓને મદદ કરતી નીરજા જોયા કરતી. પરંતુ એને સાવ સાજી ન કરી શકવાનો રંજ નીરજાના મનમાં સતત ખટક્યા કરતો. ડોરોથીના ચહેરા ઉપર સતત ઝળકતી શાંતિ નીરજાના મનને વિંધ્યા કરતી. ડોરોથી એના મનમાં અમીટ સ્થાન જમાવીને બેસી ગઈ હતી!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment