ઓસરી (વાર્તા) ~ નિધિ મહેતા ~ સાભાર: જનકલ્યાણ
“એ દોડો જેન્તીભાઈ, જલ્દી આવો આ તમારા બા પડી ગયા છે, માથું નાખી દીધું છે ને આંખો પણ ખોલતા નથી. જાણે નિસ્તેજ થઈ ગયા છે. જલ્દી દોડો. જલ્દી દોડો.”
જેન્તીભાઈના પાંચ રૂમ રસોડાના વિશાળ મકાનના છેવાડે આવેલી ઓસરીમાંથી આ કમળાબા માટે કામે રાખેલી આયાબેનનો અવાજ આવ્યો.
જેન્તીભાઈ તો છેક છેલ્લા રૂમમાં માતાજીની સેવા કરી રહ્યા હતા. એ આયા અવાજ કરીકરીને થાકી ત્યારે માંડ જેન્તીભાઈના કાને અવાજ પડ્યો. બાકી તો પાંચે ઓરડામાં સૌ સૌના કામમાં વ્યસ્ત હતા. અને આ છેવાડાનો ઓસરીનો ભાગ લગભગ અવાર-જવર વગરનો જ રહેતો. આ કમળાબા ખાટલો નાખી ત્યાં પડ્યાં રહેતાં અને આયા એનું કામ કર્યા કરતી. શરીર અસક્ત થયેલું એટલે બધું જ પથારીમાં થતું.
જેન્તીભાઈએ કમળાબા માટે 24 કલાકની બે પાળીમાં બે-બે આયાને રોકેલી. પૈસેટકે સુખી પરિવાર એટલે આમ તો કમળાબાને જલસા જ હતાં. એયને પથારીમાં બે ટાઈમ ખાવાનું મળી જતું અને આયાબેન સેવા કરતા. બીજું જોઈએ પણ શું ગઢપણમાં?
એ આયાનો અવાજ જેન્તીભાઈના પત્ની મંજુબેનના કાને પડ્યો અને તે તાડુક્યાં, “એ જાવ, જુઓ તમારી માને કંઈક થયું લાગે છે, હવે તો મરે તો સારું. ત્રાસી ગયા ત્રાસી.”
જેન્તીભાઈએ અવાજ કર્યો, “એ જરા તું જો ને હું માતાજીની સેવા કરું છું. માતાજીની સેવા પડતી મૂકીને ઊભો થાઉં અધવચ્ચે?” ત્યાં પેલી આયા ઘરમાં દોડી આવી, “અરે જુઓ જેન્તીભાઈ.”
તે જરા ઊભા થયા. તેમને લાગ્યું કંઈક વધારે લાગે છે. બે દિવસથી જાડા થયેલા એટલે કદાચ અશક્તિ હશે એમ લાગ્યું. તેમણે ઓસરીમાં જઈ જોયું તો કમળાબા સાવ લાશની જેમ પડેલા હતા. એટલે ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને લઈ જવામાં આવ્યા.
જેન્તીભાઈએ તરત જ શહેરમાં જ રહેતા પોતાના બે ભાઈઓને ફોન કરી બોલાવી લીધા. અને ચોખ્ખેચોખ્ખું કહી દીધું, “જો આ હોસ્પિટલનો જે પણ ખર્ચો થશે ને એમાં પૂરેપૂરો ભાગ આપવો પડશે.” અને ખર્ચા બાબતે ત્રણેય ભાઈઓ વચ્ચે વાદવિવાદ થયા.
કમળાબા તો પથારીમાં હતા એટલે આયા તો કાયમ સાથે જોઈએ જ. દવાખાને દાખલ કર્યા પછી ડૉક્ટરે આવી પૂછ્યું, “શું થયું માજીને અચાનક કંઈ બીમાર હતા?”
જેન્તીભાઈ કઈ બોલે એ પેલા આયાબેન જ બોલ્યા, “હા બે દિવસથી બાને જાડા-ઊલટી હતા.”
ડૉક્ટરે ધારણા બાંધી, “આ વર્ષે ઉનાળાનો આ ધોમધખતો તડકો કેવો છે! લાગે છે માજીને લૂ લાગી ગઈ છે. ક્યાંય બહાર ગયા હતા?”
આયાએ જવાબમાં કહ્યું, “ના ના સાહેબ, માજી ક્યાં ચાલી શકે છે? તે ક્યાં બહાર જવાના?”
“તો પછી લૂ કેવી રીતે લાગી?”
“અરે સાહેબ આ તો ખુલ્લી ઓસરીમાં આખો દી તપતો પવન ફેંકાય, તે બાને લૂ લાગી ગઈ હશે. આ હું તો હરીફરી શકું તે ઘડીભર આંટોફેરો કરું, પણ બિચારા બા તો હવે ઊભા ક્યાં થઈ શકે છે? બધું જ પથારીમાં અને આ 46-47 ડિગ્રી જેવા ધમધોકાર તાપમાં એક નાનકડા ટેબલ ફેનના સહારે બા દિવસો કાઢે. તે બાને આ તાપ જ નડ્યો લાગે છે.”
ડૉક્ટરે જેન્તીભાઈને કેબિનમાં બોલાવ્યા ને પૂછ્યું, “અરે જેન્તીભાઈ હું જાણું છું ત્યાં સુધી તો તમારું ઘર ખૂબ મોટું છે. તો પછી?”
“હા સાહેબ, પણ કેટલાનો સમાવેશ થાય? બે દીકરા, એની વહુ એટલે બે રૂમ તો એમના. બેયના સંતાનોના બે રૂમ, અમારો એક રૂમ. તો હવે બાને ક્યાં રાખીએ? વધી એક ઓસરી જ ને?”
“જો જેન્તીભાઈ, તમારા બાને લૂ લાગી ગઈ છે, અને અશક્તિ પણ ખૂબ છે એટલે દાખલ તો કરવા જ પડશે. અને એ જોઈએ એવો ખોરાક પણ નથી લેતા. એવું તો શું થયું છે તેમની જીજીવિષા જ ખૂટી ગઈ છે?”
“ના સાહેબ, એવું તો કંઈ નથી હવે આ જતી જિંદગી એ બધું પથારીમાં હોય તે માણસ લાચારીઓ અનુભવે, એમાં વળી શું? બાકી અમે તો એના માટે આખા દિવસની નર્સ પણ રાખી છે જે બધી સેવા કરે છે, બે ટાઈમ તૈયાર થાળી મળે છે, એનાથી વધુ શું જોઈએ એમને?”
“સારું” કહી ડૉક્ટરે એમને બહાર મોકલ્યા. થોડીવાર પછી બાને દવાનું ઘેન ચડ્યું. ત્રણેય દીકરાઓ બાના પલંગ પાસે ઊભા રહી ગયા. અને ત્રણેય દીકરાઓ હોસ્પિટલથી રજા મળે તો બાની ગોઠવણ ક્યાં કરવી એ વિશે ચર્ચાઓ કરવા લાગ્યા. બાને લઈ જવા એ કોઈની માટે હરખ નહીં, પણ ચિંતાનો વિષય હતો. એ જ દરમિયાન ડૉક્ટર બાને તપાસવા આવ્યા.
તેમણે સવાલો પૂછ્યા, “કેવું લાગે છે? શું થાય છે? કેમ તમે ખોરાક લેતા નથી? શું તકલીફ છે?”
બા પોતાના ત્રણેય સંતાનો સામે એક નજર કરી બોલ્યા, “કાંઇ નહી દીકરા લૂ લાગી ગઈ છે. અને આ બહારથી લાગેલી લૂ તો તારી દવાથી મટાડી દઈશ ભાઈ, પણ આ લાગણીઓની લૂ…….?”
આટલું બોલતા જ તેમની નિસાસો નાખતી નજર સ્થિર થઈ ગઈ, જીવ જાણે જડ થઈ ગયો, અંગોનું હલનચલન બંધ થયું. ડૉક્ટરે કમળાબાને ચેક કરી તેમના કાગળ ઉપર મૃત્યુની મહોર લગાવી.
ડૉક્ટરે ત્રણેય દીકરાઓને જોઈ કહ્યુ, “જેન્તીભાઈ આનંદો. તમારા બા હવે નથી રહ્યા અને હા, હવે તમને અગવડ નહીં પડે. તમે ઓસરી પણ છૂટથી વાપરજો. હવે કમળાબાને ક્યાં લઈ જવા? કોના ઘરે? તેની અંતિમવિધિ કોણ કરશે? કેટલો ખર્ચો થશે? આ બધી ચિંતા ના કરતા. તમે તમારી ઓસરી સાફ કરાવી વાપરવાની ચિંતા કરો.
ત્રણેય ભાઈઓએ પૂછ્યુ, “કેમ, સાહેબ? એ અમારો અધિકાર છે.”
ડૉક્ટર: “માફ કરજો અધિકારની વાતો કરતા પહેલા ફરજો નિભાવવી પડે. અને તમે તમારી સંતાન તરીકેની ફરજો ચૂકી ગયા છો. તમે આપેલા આકરા તાપ પછી તો એમને અડકવાનો પણ અધિકાર તમને ન આપવો જોઈએ. છતાં છેલ્લા દર્શન કરી જતા રહો.”
કમળાબાની અંતિમવિધિ હું કરીશ મારી મા સમજીને. કેમ કે મેં બાળપણમાં જ મા ગુમાવી છે એટલે મને એની કદર છે. આમ પણ તમારી ઓસરીમાંથી એના અંગને લૂ લાગી છે અને લાગણીઓની ફેકાતી લૂ એના અંતરને લાગી છે. હવે તો આ જડ શરીરને દાહ દેવાની માત્ર રસમ બાકી છે. એટલે આ શરીરના અગ્નિસંસ્કાર આજે થશે બાકી અંતર તો ક્યારનું સળગી ગયું છે.”
જેન્તીભાઈ: “પણ સાહેબ, આ સમાજ?”
“ચિંતા ના કરો હું કોઈને કાનોકાન ખબર નહિ પડવા દઉ. તમારા બાએ દેહદાન કરી દીધું છે એવું કહી દેજો.”
બસ હવે તો એ ઓસરીની દીવાલે સરસ મોટો ફોટો લગાવી દેજો. ઓસરીમાં આવતી લૂ ઓછી થઈ જશે. કેમકે સંતાનો ગમે એટલો સંતાપ આપે, તેની લાગણી ગમે એટલી લૂ ફેંકે પણ ‘મા તો મા’ એ તો છાંયડો જ આપે. જાવ જેન્તીભાઈ જાવ.
ત્રણે ભાઈઓનો પરિવાર નીચી મૂંડી કરીને હોસ્પિટલની બહાર નીકળી ગયો. જેન્તીભાઈ સાથે આખો પરિવાર એજ ઓસરીમાં બેસી ચોધાર આંસુએ રડ્યો. પણ હવે એ ઓસરીએ આંસુ લૂછનારી મા નહોતી. હતી તો બચી હતી લૂ ફેંકાઈને તાપ વરસાવતી ઓસરી, ખાલીખમ્મ ને ભેંકાર ઓસરી.
~ નિધિ મહેતા, અમદાવાદ
njmehta1010nvaj@gmail.com
વાહ સુંદર વાર્તા, અભિનંદન નિધીબેન.