કોઈકને હજી હું ગમું છું બસ એ જ વાત ગમે છે (લેખ) ~ યોગેશ શાહ
જીવનના મધ્યપથ પર પહોંચેલી સ્ત્રીને કોઈ અજાણ્યા તરફથી પ્રેમપત્ર મળે તો? એ એનું નામ નથી લખતો, સામી કોઈ અપેક્ષા પણ નથી રાખતો. ‘પ્રિય’ કે એવું કંઈ પણ નથી લખતો. બલ્કે કોઈ જ સંબોધન નહીં, કોઈ લિખિતંગ પણ નહીં.
“બસ આજે સવારે બારી પર ચકલીઓએ કલબલાટ કરી મૂક્યો ને તમે યાદ આવ્યાં. ધીમોધીમો વરસતો વરસાદ તમારી યાદને વધુ ભીની કરી રહ્યો છે. કવિતાની જેમ શબ્દો ફૂટે છે. થયું આજે તમને લખીને સ્મરણો સુગંધિત કરી દઉં. તમને હસતાં-મલકતાં જોવા ગમે છે”. એણે બે-ત્રણ વાર વાંચ્યો, વાંચતી જ રહી.
મધ્યવયે સ્વપ્નાંઓ ઓછાં નથી થઈ જતાં.રોમૅન્સની વાતો ન ગમે એવું નથી થતું. ફક્ત સમય પ્રમાણે પ્રાયોરિટીઝ/અગ્રિમતા બદલાઈ જાય છે. પુરુષોની રસિકતા ઓછી નથી થતી, પણ ઘરમાં આવક લાવવી એ પ્રાયોરિટી થઈ જાય છે. પત્નીના ગાલનું ખંજન એને ગમતું ઓછું નથી થયું, ફક્ત એના ઉપર કેશ-ઈનફ્લૉ અને આઉટફ્લૉની ગણતરીનાં પડળ ચડી ગયા છે.
બીજો પત્ર, ત્રીજો પત્ર આવ્યો. વાંચવા ગમે એવા પત્રો. બીજીવાર ત્રીજીવાર વાંચીએ તો ભીતર વરસાદ વરસતો હોય એવું લાગે.
મનમાં ટહુકતી કોયલની વાત પતિને કરવી કે નહીં? કોઈક લખે છે, જે લખે છે તે ગમે એવું લખે છે. બસ એટલું જ. પોતે પણ ક્યાં પ્રતિસાદ આપે છે? આપે પણ કેવી રીતે? સરનામું કે ફોન નંબર લખ્યો જ નથી. જવાબ આપવાની ઈચ્છા પણ નથી. સુખી છે પતિ અને બાળકો સાથે.
કંઈ જ ખૂટતું નથી. કોઈકને હજી હું ગમું છું બસ એ જ વાત ગમે છે. મળવું છે એવી ઈચ્છા પણ નથી. એણે પણ ક્યારેય ક્યાં એવું કહ્યું છે? કૉલેજનો કોઈ મિત્ર હશે? પતિનો જ કોઈ મિત્ર હશે? સમાજના કોઈ ફંકશનમાં કે ટૂરમાં સાથે થઈ ગયો હશે?
લખનાર પરિણીત પણ હોઈ શકે. એને પણ સમાજનો ડર હશે. પણ પોતાની ફીલિંગ્સ વ્યક્ત કર્યા વગર નહીં રહી શકતો હોય. કોઈ લાલસા નથી, અપેક્ષા નથી. આને શું કહીશું? સમાજ આવા “પ્લૅટૉનિક લવ”ને ક્યારેય સ્વીકારી શકે? ભીનું-ભીનું સંવેદન માત્ર હોય તો પણ એની સૌમ્ય સ્વીકૃતિ કરવી ખરેખર અઘરી છે.
બાય ધ વે, પત્ની આ પત્રો બતાવી પારદર્શકતા જાળવે તો પણ પતિ પરિપક્વતા દાખવી શકશે? અને પત્ની કોઈ ડરથી જો આ પત્રો છુપાવી રાખે તો?
~ યોગેશ શાહ
સાભાર: ગુજરાતી મિડ ડે
વાહ સરસ લેખ યોગેશભાઈ.