સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 8 ~ નીરજા : વિસ્મૃતિના વિશ્વમાં ~ ડૉ. ભારતી રાજીવ રાણે

સિન્થિયાની વાત નવો વળાંક લઈ રહી હતી. લોકોના મનમાં આતુરતા વધી રહી હતી. આજે સિન્થિયા નેવી-બ્લુ્ રંગના ઈવનિંગ ગાઉનમાં શાલીન લાગી રહી હતી એના ગળામાં બે સેરવાળી હૈદરાબાદી મોતીની માળા ખાસ ધ્યાન ખેંચતી હતીઃ

‘હૅલો ઍન્ડ વેલકમ ટુ ‘માય સ્ટોરી’. દર્શકમિત્રો, મેં તમને સૌને પ્રોમિસ કરેલ તે પ્રમાણે આજે અને બીજા કેટલાક એપિસોડ સુધી હવે પછીની વાત એક સ્પેશિયલ ગેસ્ટ આપશે. શી લીવ્ઝ ઈન અમેરિકા. તેઓ આપણી સાથે અમેરિકાથી વાતો કરશે.

બિલીવ મી, એમની પાસે રસભરી અને ખૂબ ઈન્સ્પાયરિંગ વારતા છે. મારી જિંદગીનો રસ્તો જ્યાંથી બદલાયો, તે વાત. ડૉ. નીરજાની અને મારી સહિયારી વાત… અમારી કોલેજના પેલા બ્રૉડકાસ્ટિંગ રૂમની વાત મેં નહોતી કરી? બસ, એ જ રૂમ આજે અમે બૂક કર્યો છે. સો.. પ્લીઝ વેલકમ અવર ગેસ્ટ ફ્રૉમ અમેરિકા, ડૉક્ટર નીરજા!

સિન્થિયા આજે એકદમ સ્માર્ટ લાગી રહી હતી. સ્ટેજ પરની લાઈટ ઝાંખી થઈ, કેમેરાનું ફોકસ સિન્થિયા પરથી મોટા સ્ક્રીન પર બદલાયું. બીજી જ ક્ષણે સ્ક્રીન પર રેશમી સાડીમાં સજ્જ જાજરમાન સન્નારી દેખાયાં. તેમની આછા નીલમણિ રંગના રેશમ ઉપર બર્ગેન્ડી કિનારવાળી કાંચીપુરમ્ સાડી તરફ સ્ત્રી-દર્શકોનું ખાસ ધ્યાન ખેંચાયું.

‘નમસ્તે! મારું નામ નીરજા છે. ડૉ. નીરજા અવસ્થી. હું અમેરિકામાં રહું છું. કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો શહેરની ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં સાઇકિયાટ્રિસ્ટ હતી. પ્રીમૅચ્યોર રિટાયરમૅન્ટ લીધા પછી હવે સાન ફ્રાન્સિસ્કો મૂવ થઈ છું. સિન્થિયાએ મને આપ સૌની સમક્ષ વાતો કરવા ઇન્વાઈટ કરી, તે માટે હું સિન્થિયાની તથા ઇન્ડિયન મિડિયાની આભારી છું. અત્યારે હું સિન્થિયાની કૉલેજના બ્રૉડકાસ્ટિંગ રૂમમાંથી બોલી રહી છું અને સિન્થિયાને ખૂબ યાદ કરી રહી છું. કહેતાંકહેતાં એમના ચહેરા પર પ્રેમાળ સ્મિત ફરકયું.

સિન્થિયાનો આદેશ છે કે, હું તમને મારા એક ખાસ કેસની વિગતે વાત કરું. એ કેસની કેટલીક ઈન્સ્પાયરિંગ વાતો જાહેર કરવા અમે પેશન્ટના ટ્રસ્ટીઓની ખાસ પરમિશન લીધી છે. મનમાં જરાક ગડમથલ છે કે, વાત ક્યાંથી શરૂ કરું? ચાલો, પહેલેથી માંડીને જ વાત કરીએ.

એ પેશન્ટને તપાસવા માટે જ્યારે મને પહેલી વાર બોલાવવામાં આવેલી, ત્યારે હું જરાક કચવાતા મને હૉસ્પિટલ ગયેલી. વેકેશનના દિવસો હતા અને બીજા દિવસથી લોંગ વીકએન્ડ શરૂ થવાનો હતો. અભ્યાસ અર્થે દૂર વસતાં બાળકો યુનિવર્સિટી પરથી ઘરે આવેલાં એટલે અમારા ધરમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું.

બીજા દિવસે વહેલી સવારે અમે સૌ યોસેમિટે નૅશનલ પાર્ક જવા નીકળવાનાં હતાં એટલે સાથે લઈ જવાના નાસ્તાની અને સાંજના જમણની તૈયારીમાં રસોડામાં ઘમાસાણ મચેલું હતું. જમવાનું બનાવવામાં મોડું થઈ ગયું હતું એટલે મારા પતિ અને બંને બાળકો ખુશખુશાલ મૂડમાં મને મદદ કરી રહ્યા હતા, ત્યારે જ પ્રૉફેસર સૅમનો ફોન આવેલો.

‘હેલો નીરજા, એક સ્પેશિયલ કેસ માટે તું અત્યારે ને અત્યારે હૉસ્પિટલ આવી શકે? હું જાણું છું કાલથી રજાના દિવસો શરૂ થાય છે. લોંગ વીકએન્ડનો કોઈ કાર્યક્રમ પણ હશે, પણ મને લાગે છે કે, આ એક ખૂબ જ ચેલેન્જિંગ અને રસપ્રદ કેસ છે, જેની જવાબદારી હું તને સોંપવા ઈચ્છું છું. વિષય તારા થિસિસનો છેઃ મેમરી લૉસ. તું વિચારી જો. બરાબર પાંચ મિનિટ પછી હું તને ફોન કરીશ. તું ના પાડી શકે છે. તું ના પાડશે તો મને ખોટું નહીં લાગે.’

પ્રૉફેસર સૅમ મારા ગુરુ અને મારા માટે પિતાતુલ્ય. એમની વાત હું પાછી ઠેલી ન શકું. વળી સ્મૃતિલોપ શબ્દે મારું મન હૉસ્પિટલ તરફ ખેંચાવા લાગ્યું હતું. મારા મનમાં ડયુઅલ ફિલિંગ હતી. પ્રૉફેસર સૅમે જે કહ્યું તે વિચારીને જ કહ્યું હશે ને! મેં એમની આજ્ઞાનો આદર કર્યો. દસમી મિનિટે હું હૉસ્પિટલના રસ્તે પૂરપાટ ગાડી દોડાવી રહી હતી.

હું ત્યાં પહોંચી ત્યારે મારી પેશન્ટ વેઈટિંગ રૂમની મોટી બારીમાંથી બહાર દેખાતા રાતના અંધારાને તાકતી બેઠી હતી. એના ચહેરા પરની અદ્ભુત શાંતિ જોઈને મારો કચવાટ પળભરમાં શમી ગયો. એની નિર્દોષ બાળક જેવી આંખો પહેલી નજરે જ મારા મનમાં ઊતરી ગઈ. એક પળમાં હું એની સહૃદય બની ગઈ.

રાતના નવ વાગી ગયા હતા. સૅમ મારા આવવાથી બહુ રાજી થયા. કહેવા લાગ્યા, ‘ડોરોથી બહુ સંવેદનશીલ છે. તે એક પ્રોમિસિંગ લેખિકા પણ છે. એના હૃદયને ઠેસ પહોંચાડયા વિના આપણે એને મદદરૂપ થવાનું છે. નીરજા, આ વાત ઈલાજ દરમિયાન સતત યાદ રાખવાની છે. હું નથી ઈચ્છતો કે, અતિઉત્સાહમાં તું કેસને વધારે ગૂંચવણભર્યો બનાવી દે. એ દરદી છે એ પહેલાં એક ઈન્સાન છે, એ વાત ક્યારેય ભૂલતી નહીં. હું તારા સ્વભાવની કોમળતાને જાણું છું. બસ, એને વધુમાં વધુ કામમાં લઈને તું ડોરોથીનો ઈલાજ કરે, તેવી મારી અપેક્ષા છે.’

હું જાણતી હતી કે મિ. સૅમના આદેશના એકેએક શબ્દનું મહત્ત્વ હતું. એક પણ બિનજરૂરી શબ્દ ન બોલવાની એમની આદત હું બરાબર જાણતી હતી. અને પોતાના આદેશનું અક્ષરશઃ પાલન ન થાય, તો સૅમ કેવા અપસેટ થઈ જાય તે પણ હું જાણું!

પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સૅમ મારા ગાઈડ હતા. ભણી રહ્યા પછી એમના હાથ નીચે પંદર વર્ષ કામ કરીને હવે હું એમની સહકાર્યકર હતી, પણ હંમેશા હું એમને ગુરુ તરીકે માન આપતી ને તેઓ મને માનીતી શિષ્યા તરીકે સ્નેહ આપતા. હું સમજી ગઈ હતી કે, સૅમ મને કોઈ ઊંડા પાણીમાં ઊતારી રહ્યા હતા.

ડોરોથીની કેસ-હિસ્ટ્રી સમજાવતાં તેમણે કહ્યું: ‘ડોરોથી આજે પેટ્રોલિંગ પોલિસને મૅક ક્લેચી પાર્કમાં બેઠેલી મળી. સાંજના સાત વાગ્યે પાર્ક બંધ થવાના સમય સુધી તે સૂનમૂન એકલી બાંકડા પર બેઠેલી હતી. ગાર્ડે તેને ઘરે જવા વિનંતી કરી ત્યારે એ ઊઠીને ચાલવા તો લાગી, પણ તેના વિચિત્ર હાવભાવ પરથી ગાર્ડને કાંઈક શક ગયો, માટે ગાર્ડે પોલિસને જાણ કરીને કહ્યું કે, ‘એને ઘરે પહોંચવા માટે કદાચ મદદની જરૂર પડે.

ભદ્ર વર્ગની દેખાતી એક પ્રૌઢ મહિલા માંદી અથવા માનસિક બિમારીનો ભોગ બનેલ હોય તેવું લાગે છે. પાર્કની બહાર કોઈ વાહન પાર્ક કરેલું દેખાતું નથી, એટલે નજીકમાં જ રહેતી હોવી જોઈએ.’

પોલિસે એને ફોલો કરતાં જોયું કે, તે જાણે ભૂલી પડી હોય તેમ એક ગલીથી બીજી ગલીમાં અટવાતી હતી. પોલિસે એને પૂછયું, ‘મૅડમ, હું તમારી કાંઈ મદદ કરી શકું? શું તમે ભૂલાં પડી ગયાં છો? આપ ક્યાં જવા માગો છે, તે શું હું જાણી શકું?’

ઑફિસર કહેતો હતો કે, ડોરોથી જવાબ આપી ન શકી. બસ, એના તરફ એકટક જોતી રહી. એ પોતાનું સરનામું પણ જણાવી ન શકી. ખબર નથી, મને કાંઈ ખબર નથી, એવા જ જવાબ તે આપતી રહી.

પોલિસે તેનું સોશ્યલ સિક્યોરિટી કાર્ડ માગ્યું, તો કોઈ પણ જાતનો વિરોધ કર્યા વિના તેણે પોતાનું પર્સ ધરી દીધું. પોલિસે પર્સ થાણા પર મોકલ્યું અને ડોરોથીને અહીં હૉસ્પિટલમાં લઈ આવ્યો.

મેં એને પ્રશ્નો પૂછયા ત્યારે એ માત્ર પોતાનું નામ જાણતી હતી. સરનામું પૂછતાં સાવ બ્લૅન્ક થઈ ગઈ. શું તે પરિણિત છે? પતિનું નામ? શું તે કોઈ વ્યવસાય કરે છે? ઘરે બીજું કોઈ તેની સાથે રહે છે?… મારા એક પણ સવાલનો જવાબ તે આપી ન શકી..’

એટલામાં જ પોલિસનો સેલફોન રણક્યો. પોલિસસ્ટેશનમાં પંચનામું કરી પર્સ તપાસતાં તેનો સોશિયલ સિક્યોરિટી કાર્ડ મળ્યો હતો. તેના પરથી માહિતી મળી હતી કે, એનું નામ ડોરોથી સ્મિથ હતું. પહેલાં કોઈ ઍડ એજન્સીમાં ભાગીદાર હોવા ઉપરાંત કન્ટેન્ટ રાઈટર અને વેબ ડિઝાઈનર હતી, સાથેસાથે તે લેખિકા પણ હતી.

એક વરસથી માનસિક રોગની સારવાર લઈ રહી હતી, અને કદાચ હવે ઑફિસમાં કામ કરી શકતી નહોતી. સરનામું, મેડીકેર નંબર વગેરે માહિતી પણ આવી ગઈ હતી.

ડૉ. સેમે જે કાંઈ પણ કહ્યું, તે મેં ઝટપટ મારા પામટોપમાં નોંધ્યું. અહીં સૌની વચ્ચે પ્રશ્નો પૂછીને મારે ડોરોથીને હેરાન કરવી નહોતી.

‘પેશન્ટને હૉસ્પિટલમાં દાખલ કરવાનો તમારો ઈરાદો છે કે પછી તેને ઘરે મોકલવાના છો?’ હળવેકથી મેં પ્રૉફેસર સૅમને પૂછયું.

‘એ તો તું જાણે!’ કહેતાંક તેમણે ખભા ઉલાળ્યા.

‘એમ છે? તો તો હું તેને ઘરે જઈને નિરાંતે પ્રશ્નો પૂછવાનું પસંદ કરીશ.’ મને મારી માગણી મૂકવાની તક મળી ગઈ.

સૅમ માની ગયા. કહેવા લાગ્યા કે, ‘હમણાં જ સમાચાર આવ્યા છે કે, ડોરોથીને ઘરે બીજું કોઈ હાજર નથી. એટલે આજની રાત તેને અહીં હૉસ્પિટલમાં જ રાખવી પડશે. એવી પણ માહિતી આવી છે કે, થોડા સમય પહેલાં ડોરોથી માટે ત્રણ ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા છે. કેસ સોશ્યલી વધારે કૉમ્પ્લિકેટેડ લાગે છે. કાલે એક ટ્રસ્ટી મને મળવા આવવાના છે. એમની સંમતિ લઈને હું તારું ડોરોથીને ત્યાં આવવું-જવું સરળ કરી આપીશ.’

યુ.સી. ડેવિસના બ્રૉડકાસ્ટીંગ રૂમમાંથી સમાપનનું સિગ્નલ ઝબૂકવા લાગ્યું. મોટા સ્ક્રીન પરનું દૃશ્ય અદૃશ્ય થતું ગયું, સાથેસાથે લાઈટ અને કેમેરા નીરજાની વાતને સેટ પરના સ્ક્રીન સામેના સોફા પર બેસીને ઘ્યાનથી સાંભળતી સિન્થિયા પર ફરી ફોકસ થયો.

‘બિલીવ મી, ડૉ. નીરજા પાસે કહેવા માટે એક અમેઇઝિંગ સ્ટોરી છે. આવતા હપ્તે નીરજા મૅમને ફરી મળીશું. તો આજ માટે અલવિદા. સ્ટૅ ટયૂન્ડ!’ શ્રોતાઓને સલામ કરતાં સિન્થિયાએ કહ્યું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.