નૈરાશ્યદેવોનું રાષ્ટ્રગીત ~ આસ્વાદઃ ડૉ. વિવેક વિવેક મનહર ટેલર ~ મૂળ અંગ્રેજી કાવ્યનો અનુવાદઃ ડૉ. વિવેક મનહર ટેલર
શ્રીયુત ફરિયાદશંકરનું ગીત (અંગ્રેજી કાવ્યનો અનુવાદ. મૂળ અંગ્રેજી કાવ્ય પોસ્ટના અંતે મૂક્યું છે. )
સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,
– અનુવાદ.: વિવેક મનહર ટેલર
(મૂળ કવિ શેલ સિલ્વરસ્ટીનની અંગ્રેજી કવિતા “Mr. Grumpledump’s Song” નો અનુવાદ)
નૈરાશ્યદેવોનું રાષ્ટ્રગીત
‘મરઘી પહેલી કે ઈંડુ’ જેવો જ બીજો લોકપ્રિય સવાલ છે – ‘ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો?’ તમે ગ્લાસને અડધો ભરેલો કહો છો કે અડધો ખાલી એના પરથી તમે આશાવાદી છો કે નિરાશાવાદી એ નક્કી થાય છે. કેટલાક ઉત્સાહી લોકોએ આ સવાલ-જવાબનું શ્રેય સોક્રેટિસને આપ્યું છે, પણ ઐતિહાસિક રીતે એ ખોટૂં છે. આ સવાલ સો વરસથી વધારે જૂનો નથી, પણ માણસના જીવનદર્શન વિશે વાત કરવા માટે એ અગત્યની કૂંચી બની ગયો છે. ગ્લૉબલ કવિતાના આંગણે ચાલો, આજે ગ્લાસને કેવળ અડધો ખાલી જ જોઈ શકતા શ્રીયુત ફરિયાદશંકરને મળીએ.
શેલ્ડન એલન સિલ્વરસ્ટીન. ગાયક-ગીતકાર, કાર્ટૂનિસ્ટ, પટકથાલેખક; નાટ્ય કલાકાર, લેખક તેમજ પ્રોડ્યુસર અને ખાસ તો બાળસાહિત્ય સર્જક. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં યહૂદી પિતા અને હંગેરિયન-યહૂદી માતાને ત્યાં જન્મ. આર્થિક પરિસ્થિતિ નબળી. નાની વયે અમેરિકન સેનામાં જોડાયા. સાત વર્ષની વયથી કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પચ્ચીસ વર્ષની વયે સૈન્યવિષયક કાર્ટૂનોનું પુસ્તક પ્રગટ થયું. અમેરિકાના નોંધપાત્ર અખબારો અને સામયિકોમાં એમના મૌલિક શૈલીના કાર્ટૂન છપાતા. જાણીતા પુખ્ત સામયિક પ્લેબોયમાં લાંબો સમય સુધી અગ્રણી કાર્ટૂનિસ્ટ રહ્યા. એમણે ઘણી ફિલ્મો અને આલ્બમ માટે ગીતો પણ લખ્યાં અને સંગીત પણ આપ્યું. તેઓ આ પ્રોજેક્ટ્સમાં ગિટાર, પિઆનો, સેક્સોફોન અને ટોમ્બોન પણ વગાડતા. કદી લગ્ન ન કર્યા, પણ કહેવાય છે કે સેંકડો, કદાચ હજારો સ્ત્રીઓ સાથે એમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૧૯૬૩ની સાલથી અંકલ શેલ્બીના નામે બાળસાહિત્યનું સર્જન આદર્યું. એમની કવિતાઓમાં ઘેરો વ્યંગ, અસંબદ્ધતા અને કાલ્પનિક પાત્રાલેખન વિશેષ જોવા મળે છે. રમતિયાળ શૈલીમાં સરળ ભાષા, અને ચુસ્ત છંદ-પ્રાસને અનુસરતી એમની રચનાઓ બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને એકસમાનરૂપે આકર્ષે છે. એમના પુસ્તકોના પચાસેક ભાષાઓમાં અનુવાદ થયાં છે અને બે કરોડથીય વધુ પ્રતો વેચાઈ ચૂકી છે. ૧૦ મે, ૧૯૯૯ના રોજ કી-વેસ્ટ, ફ્લોરિડા ખાતેના ઘરમાં હ્રદયરોગના કારણે એમનું નિધન થયું.
‘શ્રીયુત ફરિયાદશંકર’ એક મજાનું ગીત છે. આમ તો એ અ-બ-અ-બ પ્રકારની પ્રાસનિયોજના ધરાવતા પાંચ ચતુષ્કોથી નિર્મિત થયું છે, પણ કવિએ પાંચેય અંતરાને ખાલી જગ્યાથી અલગ કરવાના બદલે અડોઅડ ગોઠવ્યા છે. એકેય વાક્ય બીજી પંક્તિ સુધી લંબાતું નથી. વીસ નાનકડી પંક્તિઓ અને વીસ નાનકડાં વાક્યો. વીસ વાક્યો અને વીસ ફરિયાદો. શરૂ થતાં જ ખતમ થઈ જાય એવા ટબૂકડાં વાક્યો વચ્ચે કવિએ કોઈ જાતની ખાલી જગ્યા ન છોડી હોવાથી આખી કવિતા એકી શ્વાસે વાંચવી પડે છે અને સડસડાટ એક પછી એક આવ્યે જતી ફરિયાદોના પૂરમાં ડૂબી જવા સિવાય ભાવક પાસે કોઈ આરો રહેતો નથી. વળી જે પંક્તિથી કવિતા આરંભાય છે, એ જ પંક્તિ સાથે અંત પામતી હોવાથી નિરાશા અને ફરિયાદનું વર્તુળ પણ પૂર્ણ થતું અનુભવાય છે. સારી કવિતા કાયમ સારા શબ્દોના સહારે જ લખાય એ જરૂરી નથી. શબ્દો તો કવિતાનો પ્રાણ છે જ, પણ સારો કવિ કવિતા અને ભાષાના બાહ્યસ્વરૂપની મદદ વડે સારાને ઉત્તમમાં પલોટી શકે છે.
મૂળ કાવ્યનું શીર્ષક છે, ‘મિ. ગ્રમ્પલડમ્પ્સ સોંગ.’ બાળસાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરનાર શેલને નવાનવા પાત્ર સર્જવાની ફાવટ હતી. કવિએ ‘Grumple’ શબ્દ ‘Grumpy’ પરથી બનાવ્યો હોવો જોઈએ. ગ્રમ્પી એટલે બદમિજાજ, રોતલ, મિજાજી. એ સિવાય ‘Grumple’ની નજીકનો શબ્દ છે ‘Grumble,’ જેનો અર્થ છે બડબડાટ કરવો, ફરિયાદ કરવી, રોદણાં રડવાં, કે અસંતોષ વ્યક્ત કરવો. ગ્રમ્પલ શબ્દમાં બંને ભાવ વર્તાય છે. ડમ્પ કરવું એટલે શું એ આપણે જાણીએ છીએ. કવિએ એ શબ્દ ભેગા કરી કથકને નામ આપ્યું છે. ૧૯૭૪ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કવિતા હતી, અને એ પછી ૨૦૦૬ની સાલમાં સુપ્રસિદ્ધ કાર્ટૂનકથા ‘ધ સિમ્પ્સન્સ’માં ગ્રમ્પલ નામનું પાત્ર જોવા મળે છે. ‘ગ્રમ્પી ગ્રૂ’ તરીકે પણ ઓળખાતા આ પાત્રના લક્ષણ આપણા કાવ્યનાયકને જ મળતા આવતા હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ પાત્રનું નામાંકન કદાચિત્ સર્જકના અવચેતન મનમાં પડેલ આ કાવ્યના સંસ્કારને પણ આભારી હોય.
શ્રીયુત ફરિયાદશંકરના ગીતની શરૂઆત જ અહીં જે કંઈ પણ છે, એ બધું ખોટું હોવાના નકારાત્મક કથન સાથે થાય છે. એને પ્રકૃતિ સામે પણ ફરિયાદ છે, માનસર્જિત ચીજવસ્તુઓ સામે પણ સમસ્યા છે અને ખુદ મનુષ્યોથી પણ તકલીફ છે. હકીકતમાં તો ફરિયાદશંકરને કોની સામે ફરિયાદ નથી, એ અન્વેષણનો વિષય બની શકે. આપણી આસપાસ આવા અનેક વાંકદેખાઓ જડી આવશે, જે કોઈ પણ વસ્તુની સારપ વિશે બોલવાના બદલે નકારાત્મક બાજુ વિશે જ વાત કરશે.

ગમે એટલી સરસ મજાની વાનગી મહેનત કરીને બનાવીને ખવડાવશો તો ક્યાં તો એને એમાંના મીઠા-મસાલામાં વધઘટ પડશે, અથવા કાચાપાકાનાં રોદણાં રડશે અને વાંક કાઢવાલાયક કંશું જ હાથ નહીં આવશે તો ચાઇનીઝના બદલે મેક્સિકન ડિશ બનાવી હોત તો વધુ મજા પડત એમ કહેશે. એ મરી જશે પણ વખાણ નહીં કરી શકે, કારણ આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે.
સર્વગ્રાહી સર્વવ્યાપી નકારાત્મક્તા કંઈ નવી વાત નથી. “તુંડે તુંડે મતિ ભિન્નાઃ” દુર્ભાવ જ કેટલાક મનુષ્યોનો સ્વ-ભાવ હોય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસે કહ્યું હતુ: ‘જન્મ ન લેવો, એ સર્વ અનુમાનોથી પર, સર્વોત્તમ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશ જોઈ લે છે, તો એ પછીનું શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે એ શીઘ્રાતીશીઘ્ર ત્યાં પરત ફરે, જ્યાંથી આવ્યો હોય.’
જૂના કરારમાં પણ આ પ્રકારની વિચારસરણી જોવા મળે છે: ‘એ નસીબદાર છે જે હજી જન્મ્યો નથી.’ થોમસ હાર્ડી, કાફકા અને સેમ્યુઅલ બેકેટ જેવા ઘણા સર્જકોની પ્રમુખ કૃતિઓનો પ્રમુખ સૂર જીવનની વ્યર્થતા અંગેનો જ રહ્યો છે. લૉર્ડ બાયરનની ‘ડાર્કનેસ’ નામની લાંબી કવિતા તો હાડ થીજાવી દે એવી છે, જેમાં કવિ એવું સપનું જુએ છે, જે ખરેખર સપનું નહોતું. સૂર્ય હોલવાઈ ગયો છે, માર્ગચ્યુત તારાઓ ચમકતા નથી, બરફ બની ગયેલ પૃથ્વી આંધળાની જેમ આથડે છે, સવાર આવ-જા કરે છે, પણ દિવસ આવતો જ નથી… નદી, તળાવ, દરિયો બધાં જ સ્થિર થઈ ગયાં છે, ચંદ્ર મૃત્યુ પામ્યો છે. અંધકારને આમાંના એકેયની મદદની જરૂર નથી, કેમકે એ જ બ્રહ્માંડ બની ચૂક્યું છે.
પ્રસ્તુત રચના પણ શાશ્વત નકારાત્મક્તા અને અખંડ અસંતોષનુ વ્યંગ્યાત્મક ચિત્રણ છે. ચેપી રોગ કરતાંય વધુ ઝડપે વિશ્વભરમાં વ્યાપી રહેલ નિષેધવાદ તેમજ વિરોધવૃત્તિ પર બાળસુલભ હળવી શૈલીમાં માર્મિક કટાક્ષ અત્રે કરાયો છે. જે ગ્લાસને અડધો ખાલી જ જોવા માટે ટેવાયેલ છે એને સંસારમાં બધી જ વસ્તુ ખોટી જ લાગે. પ્રકૃતિના ઘટનાચક્ર અને ઘટકતત્ત્વોમાંય એને ખોડ જ દેખાવાની. દિવસો? તો કહેશે કે વધુ પડતા લાંબા… પસાર કરવા કઠિન થઈ પડે એવા! પવન? તો કે વધુ પડતો જોરુકો, વેઠવો દોહ્યલો થઈ પડે એવો. સૂરજ? તોબા… તોબા… આટલી બધી ગરમી તે કંઈ હોતી હશે? શ્રીમાન ફરિયાદશંકરને વાદળો સામેય વાંધાવચકા છે. વાદળો એને હોવાં જોઈએ એના કરતાં વધારે પડતાં પોચાં લાગે છે. ઘાસ અનહદ લીલું લાગે છે. અને જમીન વધુ પડતી ધૂળવાળી પ્રતીત થાય છે. સાહેબને જમીનનું ધૂળિયું હોવું પસંદ નથી ને ઘરમાં ચાદરોનું વધુ પડતું સાફ હોવું પણ માફક નથી આવતું. એને ધૂળ સામે પણ ફરિયાદ છે અને સ્વચ્છતા સામે પણ તકલીફ.
કવિતા શરૂ થાય છે ત્યારે જે ફરિયાદો બચકાની અને બેતૂકી લાગતી હતી, એનું નાનાવિધ સ્વરૂપે અને તારસ્વરે પુનરાવર્તન થયે રાખતાં ઉદાસીની સૂક્ષ્મધારા અને સ્વ-જાગૃતિનો હળવો પણ ગંભીર સંસ્પર્શ મહેસૂસ થાય છે. શેલની ખરી ખૂબી જ આ છે. આ જ કારણોસર એનું બાળસાહિત્ય વયસ્કોને પણ ગમી જાય છે. આ રચનાનેય આપણે નિઃશંકપણે ઉત્તમ કવિતા તો ન જ કહીએ, કારણ કે રચનામાં સમજાવવું પડે એવું કશું છે જ નહીં. આખી રચના સ્વયંસિદ્ધ અને સહજસાધ્ય છે, પણ અઘરાં કાવ્ય લખવાં કરતાં સહેલું લખવું હકીકતમાં વધારે કપરું છે. અભિવ્યક્તિની સરળતા આસાન ઉપલબ્ધિ નથી. આપણે ત્યાં મરીઝ કંઈ અમથો પોંખાયો છે? એની પંક્તિઓમાં રહેલ તળસ્પર્શી ઊંડાણ ભાષા અને રજૂઆતની સરળતાના કારણે જ ભાવકને દિલની વધારે નજીક લાગે છે.
જનાબને તારા બેસુમાર ચમકીલા લાગે છે તો ચાંદો હદ બહાર ઊંચે લાગે છે. જેને તારાની ચમક સામે પણઃ સમસ્યા હોય એનો તો શો ઈલાજ થઈ શકે? પણ સમાજ આવા છિદ્રાન્વેષીઓથી ભર્યો પડ્યો છે. પાણી હાથમાં લેતાંવેંત સરકી જાય છે, પકડી રાખી શકાતું નથી એનીય એને તકલીફ છે. પાણી અનિવાર્ય તત્ત્વ છે એની ના નહીં, પણ આટલું બધું સરકીલું હોય એ કંઈ ચાલે? અને આ રેતી જુઓ… પાણી વધારે પડતું ટપકાળ છે ને રેતી વધારે પડતી સુક્કી. દુનિયાભરમાં ગલીએ ગલીએ વિચરતા આવા ફરિયાદશંકરો વ્યક્તિ હોય કે વસ્તુ- બધાથી અસંતુષ્ટ જ હોય છે. એમને વાતે વાતે ઓછું પડવાનું ને બધામાં જ ગરબડ દેખાશે. વળી, કોઈ પૂછે કે તમે કોને આદર્શ કે સંપૂર્ણ ગણશો તો એ બાબતે એ સજ્જડબમ મૌન જ સેવશે. કારણ, આવા નૈરાશ્યદેવો પાસે સમતુલન કે સમભાવના ચશ્માં હોતાં જ નથી. ‘બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા, અકાલ પડેગા’ એ જ એમની ફિતરત.
એમને પથરા વધુ પડતા ભારી લાગશે, ને પીંછા વધુ પડતાં હલકાં. પગરખાં વધુ પડતાં તંગ લાગશે અને બાળકો હદપાર ઘોંઘાટિયા. આવા વક્રદૃષ્ટાઓ કોઈને ખુશ પણ જોઈ શકતા નથી. કોઈ જિંદગીના ખુશનુમા ગીતને મજેથી ગાતું હોય તોય એમને તો ઉપાધિ. કોઈનીય ખુશી કે કોઈનુંય કશુંય સારું જોઈને એમને પેટમાં દુઃખે છે ને જીવ કાચી કળીએ કપાઈ જાય છે. એમની દૃષ્ટિમાં જ ખોટ અને ખોડ હોવાથી એમને સમસ્ત દુનિયા આંધળી લાગે છે, જે જોઈ નથી શકતી કે આ બધું ધોખો છે. અહીં કશું જ સાચું નથી. જે છે એ બધું ખોટું જ છે. વધુ પડતી અને એકધારી નકારાત્મક્તા મનુષ્યની આસપાસની દુનિયામાંથી આનંદ કે સંતોષ શોધી શકવાની અસમર્થતાની દ્યોતક છે. દરેક પંક્તિ એક નવી જ ફરિયાદ સાથે આવતી હોવાથી આ અસંતોષ સર્વગ્રાહી અને સર્વવ્યાપી હોવાની કાલિમા સહૃદયી ભાવકને છેક ભીતર સુધી વ્યથિત કરી દે છે. જે રીતે ધૃતરાષ્ટ્રની અંધ આંખોને પુત્રમોહના કારણે વધુ અંધ થઈ ગઈ હતી, એ જ રીતે નકારાત્મક અભિગમ ધરાવતી દોષદર્શી વ્યક્તિ જીવનસૌંદર્ય અને આનંદ જોવા-અનુભવવા-પ્રાપ્ત કરવા માટેની દૃષ્ટિ ખોઈ બેસે છે. એમની આશાવિહીનતા એમની એકલતાને વધુને વધુ ઘાટી જ બનાવતી રહે છે.
શેલની ખરી કવિપ્રતિભા બાળસુલભ સરળતાથી ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પ્રગટ કરવામાં નિહિત છે. કવિતા ભલે હળવા વ્યંગ્યાત્મક સૂરમાં કેમ ન કહેવાઈ હોય, પ્રમુખ ધ્વનિ એ જ છે કે બધી જ વાતે દૂધમાં પોરાં શોધવાનો નાસ્તિવાદ લઈને જીવીશું તો નસીબમાં હતાશા, એકલતા અને વિષાદ જ આવશે. સનાતન સત્ય તો કેવળ એક જ છે -સંતોષી નર સદા સુખી! અંતે શેલની જ ‘હાર્ડ ટુ પ્લીઝ’ કવિતા સાથે અહીં અટકીએ. વીસ પંક્તિની આ કવિતાના મથાળે કવિએ કૌંસમાં એકીશ્વાસે વાંચવું એવી સૂચના પણ આપી છે. અને પહેલી અઢાર પંક્તિમાં અઢાર અલગ-અલગ વ્યક્તિ કેવી કેવી રીતે તકલીફદાયક છે એ કહી અંતિમ બે કડીમાં સમાપના કરી છે. આપણે કાવ્યાંશ માણીએ-
“શાન કરે પરેશાન,
તુષાર કરે બિમાર,
સુરખી તો છે મૂરખી,
ને બાદલ છે પાગલ,”
..
અને લગભગ હરએક જણ,
મને આપે ટાઢિયો તાવ.
તી, અને એ પછી ૨૦૦૬ની સાલમાં સુપ્રસિદ્ધ કાર્ટૂનકથા ‘ધ સિમ્પ્સન્સ’માં ગ્રમ્પલ નામનું પાત્ર જોવા મળે છે. ‘ગ્રમ્પી ગ્રૂ’ તરીકે પણ ઓળખાતા આ પાત્રના લક્ષણ આપણા કાવ્યનાયકને જ મળતા આવતા હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ પાત્રનું નામાંકન કદાચિત્ સર્જકના અવચેતન મનમાં પડેલ આ કાવ્યના સંસ્કારને પણ આભારી હોય.
શ્રીયુત ફરિયાદશંકરના ગીતની શરૂઆત જ અહીં જે કંઈ પણ છે, એ બધું ખોટું હોવાના નકારાત્મક કથન સાથે થાય છે. એને પ્રકૃતિ સામે પણ ફરિયાદ છે, માનસર્જિત ચીજવસ્તુઓ સામે પણ સમસ્યા છે અને ખુદ મનુષ્યોથી પણ તકલીફ છે. હકીકતમાં તો ફરિયાદશંકરને કોની સામે ફરિયાદ નથી એ અન્વેષણનો વિષય બની શકે. આપણી આસપાસ આવા અનેક વાંકદેખાઓ જડી આવશે, જે કોઈ પણ વસ્તુની સારપ વિશે બોલવાના બદલે નકારાત્મક બાજુ વિશે જ વાત કરશે. ગમે એટલી સરસ મજાની વાનગી મહેનત કરીને બનાવીને ખવડાવશો તો ક્યાં તો એને એમાંના મીઠા-મસાલામાં વધઘટ પડશે, અથવા કાચાપાકાનાં રોદણાં રડશે અને વાંક કાઢવાલાયક કંશું જ હાથ નહીં આવશે તો ચાઇનીઝના બદલે મેક્સિકન ડિશ બનાવી હોત તો વધુ મજા પડત એમ કહેશે. એ મરી જશે પણ વખાણ નહીં કરી શકે, કારણ આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે.
સર્વગ્રાહી સર્વવ્યાપી નકારાત્મક્તા કંઈ નવી વાત નથી. તુંડે તુંડે મતિ ભિન્નાઃ. દુર્ભાવ જ કેટલાક મનુષ્યોનો સ્વ-ભાવ હોય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસે કહ્યું હતુ: ‘જન્મ ન લેવો, એ સર્વ અનુમાનોથી પર, સર્વોત્તમ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશ જોઈ લે છે, તો એ પછીનું શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે એ શીઘ્રાતીશીઘ્ર ત્યાં પરત ફરે, જ્યાંથી આવ્યો હોય.’ જૂના કરારમાં પણ આ પ્રકારની વિચારસરણી જોવા મળે છે: ‘એ નસીબદાર છે જે હજી જન્મ્યો નથી.’ થોમસ હાર્ડી, કાફકા અને સેમ્યુઅલ બેકેટ જેવા ઘણા સર્જકોની પ્રમુખ કૃતિઓનો પ્રમુખ સૂર જીવનની વ્યર્થતા અંગેનો જ રહ્યો છે. લૉર્ડ બાયરનની ‘ડાર્કનેસ’ નામની લાંબી કવિતા તો હાડ થીજાવી દે એવી છે, જેમાં કવિ એવું સપનું જુએ છે, જે ખરેખર સપનું નહોતું. સૂર્ય હોલવાઈ ગયો છે, માર્ગચ્યુત તારાઓ ચમકતા નથી, બરફ બની ગયેલ પૃથ્વી આંધળાની જેમ આથડે છે, સવાર આવ-જા કરે છે, પણ દિવસ આવતો જ નથી… નદી, તળાવ, દરિયો બધાં જ સ્થિર થઈ ગયાં છે, ચંદ્ર મૃત્યુ પામ્યો છે. અંધકારને આમાંના એકેયની મદદની જરૂર નથી, કેમકે એ જ બ્રહ્માંડ બની ચૂક્યું છે.
પ્રસ્તુત રચના પણ શાશ્વત નકારાત્મક્તા અને અખંડ અસંતોષનુ વ્યંગ્યાત્મક ચિત્રણ છે. ચેપી રોગ કરતાંય વધુ ઝડપે વિશ્વભરમાં વ્યાપી રહેલ નિષેધવાદ તેમજ વિરોધવૃત્તિ પર બાળસુલભ હળવી શૈલીમાં માર્મિક કટાક્ષ અત્રે કરાયો છે. જે ગ્લાસને અડધો ખાલી જ જોવા માટે ટેવાયેલ છે એને સંસારમાં બધી જ વસ્તુ ખોટી જ લાગે. પ્રકૃતિના ઘટનાચક્ર અને ઘટકતત્ત્વોમાંય એને ખોડ જ દેખાવાની. દિવસો? તો કહેશે કે વધુ પડતા લાંબા… પસાર કરવા કઠિન થઈ પડે એવા! પવન? તો કે વધુ પડતો જોરુકો, વેઠવો દોહ્યલો થઈ પડે એવો. સૂરજ? તોબા… તોબા… આટલી બધી ગરમી તે કંઈ હોતી હશે? શ્રીમાન ફરિયાદશંકરને વાદળો સામેય વાંધાવચકા છે. વાદળો એને હોવાં જોઈએ એના કરતાં વધારે પડતાં પોચાં લાગે છે. ઘાસ અનહદ લીલું લાગે છે. અને જમીન વધુ પડતી ધૂળવાળી પ્રતીત થાય છે. સાહેબને જમીનનું ધૂળિયું હોવું પસંદ નથી ને ઘરમાં ચાદરોનું વધુ પડતું સાફ હોવું પણ માફક નથી આવતું. એને ધૂળ સામે પણ ફરિયાદ છે અને સ્વચ્છતા સામે પણ તકલીફ.
કવિતા શરૂ થાય છે ત્યારે જે ફરિયાદો બચકાની અને બેતૂકી લાગતી હતી, એનું નાનાવિધ સ્વરૂપે અને તારસ્વરે પુનરાવર્તન થયે રાખતાં ઉદાસીની સૂક્ષ્મધારા અને સ્વ-જાગૃતિનો હળવો પણ ગંભીર સંસ્પર્શ મહેસૂસ થાય છે. શેલની ખરી ખૂબી જ આ છે. આ જ કારણોસર એનું બાળસાહિત્ય વયસ્કોને પણ ગમી જાય છે. આ રચનાનેય આપણે નિઃશંકપણે ઉત્તમ કવિતા તો ન જ કહીએ, કારણ કે રચનામાં સમજાવવું પડે એવું કશું છે જ નહીં. આખી રચના સ્વયંસિદ્ધ અને સહજસાધ્ય છે, પણ અઘરાં કાવ્ય લખવાં કરતાં સહેલું લખવું હકીકતમાં વધારે કપરું છે. અભિવ્યક્તિની સરળતા આસાન ઉપલબ્ધિ નથી. આપણે ત્યાં મરીઝ કંઈ અમથો પોંખાયો છે? એની પંક્તિઓમાં રહેલ તળસ્પર્શી ઊંડાણ ભાષા અને રજૂઆતની સરળતાના કારણે જ ભાવકને દિલની વધારે નજીક લાગે છે.
જનાબને તારા બેસુમાર ચમકીલા લાગે છે તો ચાંદો હદ બહાર ઊંચે લાગે છે. જેને તારાની ચમક સામે પણઃ સમસ્યા હોય એનો તો શો ઈલાજ થઈ શકે? પણ સમાજ આવા છિદ્રાન્વેષીઓથી ભર્યો પડ્યો છે. પાણી હાથમાં લેતાંવેંત સરકી જાય છે, પકડી રાખી શકાતું નથી એનીય એને તકલીફ છે. પાણી અનિવાર્ય તત્ત્વ છે એની ના નહીં, પણ આટલું બધું સરકીલું હોય એ કંઈ ચાલે? અને આ રેતી જુઓ… પાણી વધારે પડતું ટપકાળ છે ને રેતી વધારે પડતી સુક્કી. દુનિયાભરમાં ગલીએ ગલીએ વિચરતા આવા ફરિયાદશંકરો વ્યક્તિ હોય કે વસ્તુ- બધાથી અસંતુષ્ટ જ હોય છે. એમને વાતે વાતે ઓછું પડવાનું ને બધામાં જ ગરબડ દેખાશે. વળી, કોઈ પૂછે કે તમે કોને આદર્શ કે સંપૂર્ણ ગણશો તો એ બાબતે એ સજ્જડબમ મૌન જ સેવશે. કારણ, આવા નૈરાશ્યદેવો પાસે સમતુલન કે સમભાવના ચશ્માં હોતાં જ નથી. ‘બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા, અકાલ પડેગા’ એ જ એમની ફિતરત.
એમને પથરા વધુ પડતા ભારી લાગશે, ને પીંછા વધુ પડતાં હલકાં. પગરખાં વધુ પડતાં તંગ લાગશે અને બાળકો હદપાર ઘોંઘાટિયા. આવા વક્રદૃષ્ટાઓ કોઈને ખુશ પણ જોઈ શકતા નથી. કોઈ જિંદગીના ખુશનુમા ગીતને મજેથી ગાતું હોય તોય એમને તો ઉપાધિ. કોઈનીય ખુશી કે કોઈનુંય કશુંય સારું જોઈને એમને પેટમાં દુઃખે છે ને જીવ કાચી કળીએ કપાઈ જાય છે. એમની દૃષ્ટિમાં જ ખોટ અને ખોડ હોવાથી એમને સમસ્ત દુનિયા આંધળી લાગે છે, જે જોઈ નથી શકતી કે આ બધું ધોખો છે. અહીં કશું જ સાચું નથી. જે છે એ બધું ખોટું જ છે. વધુ પડતી અને એકધારી નકારાત્મક્તા મનુષ્યની આસપાસની દુનિયામાંથી આનંદ કે સંતોષ શોધી શકવાની અસમર્થતાની દ્યોતક છે. દરેક પંક્તિ એક નવી જ ફરિયાદ સાથે આવતી હોવાથી આ અસંતોષ સર્વગ્રાહી અને સર્વવ્યાપી હોવાની કાલિમા સહૃદયી ભાવકને છેક ભીતર સુધી વ્યથિત કરી દે છે. જે રીતે ધૃતરાષ્ટ્રની અંધ આંખોને પુત્રમોહના કારણે વધુ અંધ થઈ ગઈ હતી, એ જ રીતે નકારાત્મક અભિગમ ધરાવતી દોષદર્શી વ્યક્તિ જીવનસૌંદર્ય અને આનંદ જોવા-અનુભવવા-પ્રાપ્ત કરવા માટેની દૃષ્ટિ ખોઈ બેસે છે. એમની આશાવિહીનતા એમની એકલતાને વધુને વધુ ઘાટી જ બનાવતી રહે છે.
શેલની ખરી કવિપ્રતિભા બાળસુલભ સરળતાથી ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પ્રગટ કરવામાં નિહિત છે. કવિતા ભલે હળવા વ્યંગ્યાત્મક સૂરમાં કેમ ન કહેવાઈ હોય, પ્રમુખ ધ્વનિ એ જ છે કે બધી જ વાતે દૂધમાં પોરાં શોધવાનો નાસ્તિવાદ લઈને જીવીશું તો નસીબમાં હતાશા, એકલતા અને વિષાદ જ આવશે. સનાતન સત્ય તો કેવળ એક જ છે -સંતોષી નર સદા સુખી! અંતે શેલની જ ‘હાર્ડ ટુ પ્લીઝ’ કવિતા સાથે અહીં અટકીએ. વીસ પંક્તિની આ કવિતાના મથાળે કવિએ કૌંસમાં એકીશ્વાસે વાંચવું એવી સૂચના પણ આપી છે. અને પહેલી અઢાર પંક્તિમાં અઢાર અલગ-અલગ વ્યક્તિ કેવી કેવી રીતે તકલીફદાયક છે એ કહી અંતિમ બે કડીમાં સમાપના કરી છે. આપણે કાવ્યાંશ માણીએ-
“શાન કરે પરેશાન,
તુષાર કરે બિમાર,
સુરખી તો છે મૂરખી,
ને બાદલ છે પાગલ,
…
અને લગભગ હરએક જણ,
મને આપે ટાઢિયો તાવ.”
********************************
(“ગુજરાત ગાર્ડિયન”ના સૌજન્યથી)
(મૂળ અંગ્રેજી કાવ્ય અહીં નીચે મૂક્યું છે.)
Mr. Grumpledump’s Song
Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!
– Shel Silverstein