અનાથ (વાર્તા) ~ અજય વખારિયા
શશિકાંત અને પદ્મા રોજની જેમ સવારે મોર્નિંગ વૉકમાં નીકળ્યા અને વલ્લભભાઈ ગાર્ડનના મેઇન ગેટથી પ્રવેશી, પશ્ચિમ તરફ અહીં, ભૂલાભાઈ પાર્કમાં રહેવા આવ્યા પછી, બંનેની આ દૈનિક પ્રક્રિયા થઈ ગઈ હતી.
હજી ગાર્ડનનું કામ ચાલુ હતું, એટલે તેમને રોજ રોજ રુટ બદલાવો પડતો. પણ આજે ડાયવર્ઝનનું બોર્ડ ન હતું, એટલે તે પશ્ચિમ તરફ વળ્યા. તે તરફ લોકો ઓછું જતાં અને ખાસ તો લોકો પૂર્વ તરફ એટલા માટે જતાં કે, ત્યાંનો વૉકિંગ ટ્રેક વધારે ગ્રીનરી વાળો હતો.
વળી, પાછા આવતા ગાર્ડનના ત્રીજા નંબરના ગેટ આગળ ફ્રેશ જ્યુસ, કાઢા અને ખાણીપીણીના ખૂમચાવાળા ઊભા રહેતા. લોકો ત્રણ ચાર રાઉન્ડ મારી, ત્યાં આવી પોતાના મનગમતા જ્યુસ, કે દેશી કાઢા લેતાં અથવા નાસ્તો કરતાં.
શશિકાંત અને પદ્માને જ્યુસ કે એવા બધામાં રસ ન હતો. વળી, પશ્ચિમ તરફનો ટ્રેક લાંબો, અને વધારે સાફ સુથરો રહેતો. બંને ચાલતાં ચાલતાં છેક છેવાડા સુધી જતાં અને પછી ત્યાં બાંકડે થોડીવાર બેસી, પાછા આવતાં. તે દિવસે પણ બંને ચાલતા ચાલતા છેલ્લા બાંકડે આવીને બેઠા.
“શશિ, જુઓને આજે પાછળના કાંટાળા તારની વાડ તૂટેલી છે.” પદ્માએ અંગુલિનિર્દેશ કર્યો. “મને એવું લાગ્યું કે કોઈ માથું ઢાંકીને ડોકિયું કરીને જોતું હતું આ તરફ. એવું લાગ્યું કે કદાચ, આપણે આજે અહીં આવ્યાં છીએ કે નહીં, એની કોઈ ખાતરી કરી રહ્યું છે.”
શશિકાંતનું ધ્યાન ગયું, “તું યે શું..? આ વાડ કદાચ આગળ કામ કરવા માટે ખોલી હશે. તું પણ ખરી છે..! તનેય જાતજાતના ભ્રમો થાય છે..!” શશિકાંતે સહેજ ઉપેક્ષાપૂર્વક કહ્યું અને પદ્માના માથે હળવી ટપલી મારી.
“તમે માનો કે ન માનો, પણ કોઈક નક્કી જ હતું ત્યાં…! મારી નજર ગઈ ત્યારે એવું લાગ્યું કે એ વ્યક્તિ એના હાથમાંની કોઈ વસ્તુ મૂકવા નીચે પણ વળી હતી. સાચું કહું છું.” અને પદ્મા વારેઘડીએ સશંક એ તરફ જોઈ રહી હતી.
પછી એ ઊભી થઈ અને ત્યાં વાડ તરફ ગઈ અને એનું ધ્યાન ખુલ્લી થયેલી વાડથી આગળ લીમડાના ઝાડની નીચે કૈંક પોટલા જેવું પડ્યું હતું, તે તરફ ગયું. ઊભાં થઈને તેણે કુતૂહલવશ તે તરફ ડગ માંડ્યાં. શશિકાંતે તેને જતાં જોઈ, એટલે તે પણ ઊભો થઈને પાછળ ગયો.
“શશિ, જુઓ તો, અહી કૈંક છે!!” લગભગ ચીસ જેવા અવાજે પદ્માએ બૂમ પાડી. શશિકાંત પદ્માની પાછળ ગયો અને ડઘાઈ ગયો. ત્યાં દૂરથી જે પોટલા જેવું દેખાતું હતું, તે પોટલાની વચ્ચે નવજાત બાળક સૂતેલું હતું. કોઈએ તેને ત્યજી દીધું હતું.
શશિકાંતે આજુબાજુ જોયું અને જોરથી બૂમ પાડી, “કોઈ છે, આટલામાં? આ કોનું બાળક છે?” પણ વેરાન વગડા જેવા ભાસતા એ ભાગમાથી કોઈ જવાબ ના આવ્યો.
શશિકાંતે જોરથી બે-ત્રણ વાર બૂમ પાડી. તેની બૂમ સાંભળીને મોર્નિંગ વૉકમાં નીકળેલા લોકોમાથી બે ત્રણ જણા દોડતા આવી લાગ્યા.
બધાને ભેગા થયેલા જોઈ, ગાર્ડનનો વૉચમેન દોડી આવ્યો. બાળકના વિષે કોઈ જ માહિતી, કોઈનીયે પાસે ન હતી. ગાર્ડનની કાંટાળી વાડ તૂટેલી હતી, એટલે કોઈ ત્યાં બાળક જાણી જોઈને મૂકી ગયું હોવું જોઈએ, એવું બધાને લાગતું હતું. છેવટે, કોઈએ 100 નંબર પર ફોન કરી, પોલીસ બોલાવી.
શશિકાંત અને પદ્માના સ્ટેટમેન્ટ લખાણ પર લઈ, કાગળિયા કરી, ફોટા પાડીને બાળકને અનાથઆશ્રમમાં મોકલવામાં આવ્યું હતું.
શશિકાંત અને પદ્મા ઘરે આવ્યા, ત્યારે સાડા દસ થઈ ગયા હતા. શશિકાંત માટે ઓફિસે પહોંચતા સહેજે 12.00 વાગી જાય તેમ હતું. શશિકાંતે ઓફિસે ફોન કરી, અડધા દિવસ માટે રજા લઈ લીધી. શશિકાંત તૈયાર થઈને ઓફિસે ગયો અને પદ્મા જમીને આડી પડી. તેની આંખ આગળથી સવારનું દ્રશ્ય ખસતું ન હતું. તે એક નવજાત બાળકી હતી. સાડીમાં વીંટાળી, તેની ઉપર શાલ નાખી, સુવડાવેલી હતી.
તેને દીકરો મલ્હાર યાદ આવી ગયો. મલ્હારના જન્મ વખતે બનેલી ઘટના યાદ આવી ગઈ. ‘શિશુ’ નર્સિંગ હોમમાં તેને સુવાવડ થઈ અને બીજા દિવસે સવારે બાળકને નવરાવવા માટે લઈ ગયા, તે પાછું આવીને મૂકી ગયા, ત્યારે તે ચોંકી ગઈ હતી. કારણકે તેની પડખે બાળકી મૂકી ગયા હતા. તેણે તેને જોઈને ચીસાચીસ કરી મૂકી હતી.
દસ જ મિનિટમાં તેનું બાળક તેને પાછું મળી ગયું હતું. અકસ્માતે, આયાની ભૂલથી બાળક બદલાઈ ગયું હતું. તેને આજે ઓચિંતું આ બધું યાદ આવ્યું,
પદ્મા માટે એ દસ મિનિટ સૌથી વધુ ભયાનક હતી. તેને એ બેબાકળાપણું, એ અધીરાઈ, એ વલોપાત, એ આક્રંદ યાદ આવી રહ્યા હતા. તે વિચારી રહી હતી, કેવી રીતે એ માએ પોતાના બાળકને આમ તરછોડી, મૂકી દીધું હશે? વિચારતાં વિચારતાં તેની આંખ સામે તે માસૂમ બાળકીનો ચહેરો તરવરતો હતો.
એકાએક તેને કંઈક યાદ આવ્યું. તે ઊભી થઈ, અને કબાટ ખોલીને મલ્હાર અને વિશાખાના લગ્ન સમયનું આલ્બમ બહાર કાઢીને જોવા લાગી. એક એક ફોટાને તે જોઈને દરેકને યાદ કરતી રહી.
એક ફોટા આગળ આવીને તેની નજર સ્થિર થઈ ગઈ. એ ફોટામાં રત્ના હતી. તેની આંખ સામે રત્ના તરવરી રહી.
પદ્માના હિસ્ટ્રેક્ટોમી – ગર્ભાશયને કાઢવાના ઓપરેશન પછી નાદુરસ્ત તબિયતને કારણે તેને કોઈ રાંધવાવાળી બાઈની જરૂર હતી. શશિકાંતની ઓફિસમાંથી કોઈએ રત્નાની ભલામણ કરેલી. 28 વર્ષની જુવાન વયે તે વિધવા થયેલી. સારા ઘરની હતી અને તેને કામની જરૂર હતી.
પદ્માને તે મળી અને પદ્મા સાથે તેને સારું ફાવી ગયું. શરૂઆતમાં તે સવારે 10.00 વાગ્યે આવીને સાંજે 6.00 વાગ્યે જતી રહેતી. તે બંને ટાઈમનું જમવાનું બનાવતી હતી. રસોઈમાં તે એક્કો હતી. જાતજાતની અને ભાતભાતની વાનગીઓ તે બનાવતી.
મલ્હારની ભાવતી પાઉંભાજી, રગડા પેટીસ અને શશિકાંતને ભાવતી ભેળ તેની સ્પેશ્યાલિટી હતાં. તો, પદ્માની ફેવરિટ વેજ ખિચડી અને પૂરણપોળી, ફરમાઈશ પર તે અવશ્ય બનાવતી.
તેના સાસુ-સસરા અને દિયરની જવાબદારી તેને માથે હતી. પણ દિયર એન્જીનિયરીંગ પાસ કરીને નોકરીએ લાગ્યો, એટલે તેને કામ કરવાની જરૂર ન હતી. તેમ છતાં, રત્ના પદ્મા સાથે એટલી હળી ગઈ હતી, કે તેણે કામ છોડયું ન હતું.
ઘરમાં વાસણ અને કચરાપોતાં માટે બીજી બાઈ આવતી હતી. તેમ છતાં ઘરના નાનાંમોટાં કામ તે હોંશભેર કરતી. પદ્મા પણ તેને વાર તહેવારે કાંઈક ને કાંઈક આપતી રહેતી. કોઈ વાર જો વહેલુંમોડું થતું, તો પદ્મા તેને જમાડીને જ મોકલતી.
રત્નાના જીવનમાં બીજો ઝટકો ત્યારે આવ્યો, જ્યારે તેના સાસુ-સસરા અમરનાથની યાત્રામાં થયેલ બસ અકસ્માતમાં એકસાથે મૃત્યુ પામ્યા. રત્ના હચમચી ગઈ હતી. મહિના સુધી તે ગુમસુમ રહી હતી. પદ્મા, તેને પોતાના ઘેર લઈ આવી હતી અને તેની સંભાળ લીધી હતી.
એવામાં મલ્હાર ભણીને કેનેડા જવા રવાના થયો. શશિકાંત ઈલેક્ષન કમિશ્નરની ઓફિસમાં કામ કરતાં હતા. તેમની બઢતી થઈ અને તે જ વખતે કર્ણાટક ઈલેક્ષન ડ્યૂટી પર મહિનો માસ તેમને જવાનું થયું. રત્ના હવે પદ્મા સાથે જ રહેતી થઈ ગઈ હતી. આમેય બંગલામાં એક વધારાનો રૂમ હતો જ, એટલે જરુર પડ્યે રત્ના એ રૂમમાં રહી જતી.
મલ્હારના લગ્ન વખતે રત્નાએ આખું ઘર સંભાળી લીધું હતું. તે ત્યાં સુધી, કે વહુ માટેના દાગીના અને બીજી કિંમતી વસ્તુઓ તે જાતે જ કબાટમાં મૂકતી. પ્રસંગ હતો, એટલે કેટલાક નોકર વધારાના રાખ્યા હતા. પણ તે બધા પર રત્નાની નજર રહેતી.
મલ્હાર-વિશાખાના રિસેપ્શન વખતે રત્નાએ પુત્રવધૂ માટે ચાંદીની સેરો આપી હતી. પદ્મા તે ફોટો જોઈ રહી.
કોણ જાણે કેમ, પણ બીજા દિવસથી, પદ્માએ શશિકાંતને અનાથઆશ્રમમાં પેલી બાળકી વિષે તપાસ કરવાનું કહ્યું હતું. શશિકાંતે તપાસ કરી પણ ખરી. પણ, તે બાળકના માતા-પિતાનો કોઈ અતોપતો મળ્યો ન હતો.
પદ્મા હવે આંતરે દિવસે તપાસ કરાવતી. શશિકાંત પણ પદ્માને ઋજુ હ્રદયની જાણી, તપાસ કરી આવતો. પણ કોઈ જ ચોક્કસ સગડ મળ્યા ન હતા.
આશરે પંદરેક દિવસ પછી પદ્માએ શશિકાંતને કહ્યું, “શશિ, આપણે પેલી બાળકીને ગોદ લઈએ તો કેવું?”
શશિકાંત આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો. “શું વાત કરે છે? તારું ફરી તો નથી ગયું ને? મલહારનો દીકરો, અદ્વૈત, આજે હા-ના કરતાં, સવા વરસનો થવા આવ્યો. અને તું એ બાળકીને ગોદ લેવાનું કહે છે? તારી ઉંમર તો જો. અને બીજું, હવે તારી પાસે રત્ના નથી, તે તું આ બાળકીની સારસંભાળ સારી રીતે લઈ શકે. આવા ગાંડા વિચાર બંધ કર.” પણ પદ્મા એકની બે ન થઈ તે ન જ થઈ.
મલહાર-વિશાખા અને શશિકાંત, પદ્માની વિડીયો કોન્ફરન્સ ત્રણ દિવસ ચાલી. મલ્હાર અને વિશાખા બેઉએ શશિકાંતને કહ્યું, “પપ્પા, અમારું ઈન્ડિયા આવવું શક્ય નથી અને હજુ તમારે નોકરીના ખાસ્સા આઠ વર્ષ બાકી છે. તમે વિચારો. જો યોગ્ય વ્યવસ્થા થાય, તો પછી મમ્મી કહે છે, તેમ કરવામાં વાંધો પણ શું છે?”
“તમે કોઈ સમજતાં જ નથી. આમ કોઈની અનાથ બાળકીને પિતા તરીકે પ્રેમ કરવાનું મારા માટે અઘરૂં પડશે, ત્યારે શું કરીશું?” અકળાઈને શશિકાંતે કહ્યું.
“તમારામાં પ્રેમની કમી ક્યારેય હતી નહીં અને હશે પણ નહીં, એ વાતની મને ખાતરી છે. આ બાળકી એની અને આપણાં બેઉની લાઈફલાઈન બનીને આવી છે. પ્લીઝ, શશિ?” પદ્માએ ગળગળા અવાજે કહ્યું.
અંતે લાખ નામરજી હોવા છતાં, શશિકાંતે પદ્માના આગ્રહ પાસે નમતું જોખ્યું અને બાળકીને દત્તક લેવાની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને ઘરે લઈ આવ્યા. એને નામ આપ્યું, શનાયા.
શનાયાના આવવાથી ઘરમાં ચહેલપહેલ વધી ગઈ. એક નર્સ દિવસે અને એક રાત્રે – એમ તેની કાળજી લેવા માટે વ્યવસ્થા થઈ. પદ્માનું સમગ્ર ધ્યાન હવે નાની શનાયા તરફ હતું.
શશિકાંત હવે એકલતા અનુભવતો. તેને આ બાળકી પ્રત્યે પૂર્વગ્રહ થવા લાગ્યો હતો. પણ પદ્માને લઈને તે તેને ન તો અવગણી શકતો, કે ન તો ધુત્કારી શકતો. શનાયા પણ કોણ જાણે કેમ, પદ્માના ખોળામાં આવીને સલામતી અનુભવતી હોય, તેમ જંપી જતી. તેની બાળસહજ કિલકારીઓથી ઘર ગુંજી ઊઠતું.
શનાયા મોટી થતી ચાલી, તો પણ શશિકાંત તેની સાથે એક અંતર રાખતો. શશિકાંત અને પદ્માને શનાયા કહેતી તો મમ્મી-પપ્પા જ, પણ શશિકાંતનો છુપો અણગમો તે જેમ જેમ મોટી થતી ગઈ, તેમ તેમ સમજતી ગઈ હતી.
શનાયા ભણવામાં ખૂબ અવ્વલ હતી. નવી નવી વસ્તુઓ શીખવાની અને ગ્રહણ કરવાની તેની શક્તિ અને ધગશ તાજ્જુબ કરી દે તેવી હતી. ધોરણ 8માં રાજ્ય કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં તે પ્રથમ નંબરે આવી, ત્યારે તેના સન્માન સમારંભમાં શશિકાંત ગયો હતો તો કમને, પણ શાળામાં શનાયાની પ્રશંસા સાંભળીને આશ્ચર્યચકિત થઈને, પહેલી વાર તે પોરસાયો હતો. તેને શનાયા માટે વહાલ ઉપજયું હતું.
સમય વીતતો ગયો. અચાનક જ પદ્માની તબિયત લથડવા માંડી હતી. એને Angina – ઉરઃશૂળ રહેવા માંડ્યું હતું. અનેક ટેસ્ટ કરાવ્યા પણ કોઈ ચોક્કસ નિદાન થતું નહોતું.
એક દિવસ એ રાતના સૂવા ગઈ. બીજે દિવસે સવારના શનાયા એને એનાં રૂમમાં બોલાવા ગઈ ત્યારે ખબર પડી કે હ્રદયરોગના હુમલામાં ઊંઘમાં જ પદ્માનું અવસાન થઈ ચૂક્યું હતું.
પદ્માનું આમ ફાની દુનિયામાંથી વિદાય લેવું, શશિકાંતના ‘સેટ’ જીવનને હચમચાવી ગયું. મલ્હાર-વિશાખા-અદ્વૈત આવ્યા હતા. શશિકાંત હવે આમ તો નિવૃત્ત થયો હતો છતાં, તેની નિષ્ઠાને કારણે એડહોક બેઝીસ પર તેની નોકરી ચાલુ હતી.
મલ્હારે શશિકાંતને બધું આટોપી, કેનેડા આવવાનું કહ્યું. પણ તેના આશ્ચર્ય વચ્ચે શશિકાંતે કહ્યું, “દીકરા, તારી મમ્મીની આખરી ઈચ્છા પ્રમાણે હું અને શનાયા અહીં જ રહીશું.”
મલ્હારને તેના પિતાનો આ દુરાગ્રહ સમજાયો ન હતો. પણ પિતાની મક્કમતા સામે તે લાચાર હતો.
મલ્હાર-વિશાખા-અદ્વૈત કેનેડા જવા નીકળ્યા, તે સાંજે શશિકાંત પોતાના રૂમમાં ગયો. પદ્માના લાઈફ સાઇઝ ફોટા સામે તે ઊભો રહ્યો. તેની આંખોમાથી દડદડ આંસુ વહેતા હતા.
તેના હાથમાં પદ્માના કબાટમાંથી પદ્માનો લખેલો કાગળ હતો. તે તેને ફરીથી વાંચી રહ્યો.
“પ્રિય શશિ, મને ખબર છે, આ કાગળ તમારા હાથમાં આવશે, ત્યારે હું નહીં હોઉ. મને છેલ્લાં કેટલાંક સમયથી છાતીમાં ઓચિંતું જ ખૂબ દુખી આવતું હતું, આથી જ મેં નિર્ણય કર્યો કે હું આ પત્ર લખીને મૂકી રાખું.
તમને યાદ છે ને કે મેં તમને કહ્યું હતું કે મને જો કંઈ થઈ જાય તો મારું વીલ મેં મારા કબાટમાં ફાઈલના ખાનામાં મૂકેલું છે. હું ઈચ્છું કે તમને આ વાત મારા ગયા પછી યાદ રહે અને તમે આ પત્ર વાંચો, તે અત્યંત અનિવાર્ય છે.
યાદ છે, શરૂઆતમાં આપણે શનાયાને દત્તક કેમ લેવી છે અને લીધી તો કેમ લીધી, એ ન તો તમે સમજી શક્યા હતા કે ન તો ત્યારે હું કંઈ જીવતેજીવ કહેવા માગતી હતી. આમ શનાયાને દત્તક લેવાનું કારણ આજ સુધી તમારા માટે કોયડો છે. તો લો, હું તમને હવે તેનું કારણ કહું છું.
એ માટે તમારે પંદર વર્ષ પાછળ જવું પડશે. વિશાખાને ડિલિવરી આવી અને તેને અદ્વૈત આવ્યો, તે વખતે મારે કેનેડા જવાનું હતું. તમારી ઈલેક્ષન ડ્યૂટીને કારણે તમે આવી શકો તેમ ન હતા. રત્ના અહીં હતી, તેથી હું નચિંત હતી. મને ખબર હતી, રત્ના ઘરની અને તમારી પૂરતી કાળજી લેશે. હું કેનેડા ગઈ, અને બે મહિના પછી વિશાખાની મમ્મી કેનેડા આવી, એટલે હું પાછી આવી હતી.
પાછા આવ્યાં પછી મને મારું જ ઘર કૈંક અલગ ભાસતું હતું. કૈંક અજાણ્યો બોજ જાણે ઘરના નેજવે છાનાં ડૂસકાં લઈ રહ્યો હતો, એવું લાગ્યું. તમે તો ડ્યૂટીને કારણે ઘર પર ઓછું જ રહેતા હતા. રત્ના પણ ઉદાસ ઉદાસ જણાતી હતી.
મેં તેને પૂછ્યું, તો તે રડી પડી હતી અને કહ્યું હતું, “બેન, મને પેઢુમાં દુઃખાવો રહે છે. ડોક્ટરને બતાવી આવી છું. દવા આપી છે. પણ તોય દુઃખાવો રહે છે.” ત્યારે મેં કહ્યું હતું, “ચિંતા ન કર. એ તો મટી જશે.”
પણ, યાદ છે, એક દિવસ, કશું જ કહ્યા સિવાય ઓચિંતી જ રત્ના ગાયબ થઈ ગઈ હતી? તે ક્યાં ગઈ, તેની આજ સુધી આપણને ખબર નથી પડી. મેં તેના દિયરને શોધી કાઢ્યો, તો તેની પાસે પણ તેની કોઈ જ માહિતી ન હતી.
તમે તો કહ્યું હતું કે; “પદ્મા, પ્રેક્ટીકલ થા. આપણે ત્યાં એ કામ કરતી હતી અને મન ભરાઈ ગયું કે કોઈ પણ બીજા કારણોસર એ જતી રહી. હવે એની પાછળ જીવ ન બાળ.” આટલા વર્ષોમાં રત્ના આપણા ઘરનું અવિભાજ્ય અંગ બની ગઈ હતી, પણ શું થાય? અંતે મેં થાકીને તપાસ પડતી મૂકી હતી.
જે દિવસે શનાયા આપણને ત્યજાયેલ હાલતમાં મળી, તે દિવસે મેં તમને કહ્યું હતું કે મને લાગ્યું કે ત્યાં માથું ઢાંકીને આપણને કોઈક જોતું હતું, એવું મને લાગ્યું હતું. શનાયાને મેં જે સાડીમાં વીંટાળેલી જોઈ હતી એ સાડી મને પરિચિત લાગતી હતી અને એના પર ઓઢાડેલી શાલ પણ જાણે મેં જોઈ હતી ક્યાંક, એવું લાગતું હતું. પણ કોઈ તાળો ત્યારે તાત્કાલિક બેસતો નહોતો. પણ મારા મગજ પર એ સાડી અને શાલની પરિચિતતાએ બરાબરનો કબજો લઈ લીધો હતો.
ઘરે આવી અને અચાનક મને યાદ આવ્યું કે એ સાડી ક્યાં અને ક્યારે જોઈ હતી. મેં કન્ફર્મ કરવા મલ્હાર-વિશાખાના લગ્નનો આલ્બમ કાઢીને જોયો હતો.
રિસેપ્શનમાં રત્ના આવી હતી, તેનો ફોટો હતો. ફોટામાં તેણે જે સાડી અને શાલ પહેરી હતી, તે જ શાલ અને સાડી પેલી બાળકી.. શનાયા સાથે હતી! તમને ખબર નથી, પણ શનાયાને હું જ્યારે અનાથ આશ્રમમાંથી લઈ આવી ત્યારે તે સાડી અને શાલ માગીને લઈ આવી હતી. તે અત્યારે પણ મારા કબાટની ઉપરની બેગમાં છે.
મેં સમયનો હિસાબ માંડી જોયો હતો. હું કેનેડાથી પછી આવી, તેના આઠેક મહિનાની આસપાસ આપણને શનાયા ત્યજાયેલ મળી હતી. મને રત્નાની પરિસ્થિતિમાં થયેલ ફેરફાર, અચાનક તેનું ગુમ થવું…આ બધુ જ સમજાઈ ગયું હતું! રત્ના મારી ગેરહાજરીમાં અહીં જ રહેતી હતી, એની પણ મને ખબર હતી.
શશિ, હું તમને હતપ્રભ કરવા નહોતી માગતી. હું નહોતી ઈચ્છતી, તમે આ નાલેશી સાથે જીવો. મેં તમને જો કહ્યું હોત, તો તે પછી તમે ક્યારેય મારી સામે આંખ માંડીને જોઈ શકત નહીં.
મેં તેને માનવસહજ ભૂલ અથવા નબળાઈ ગણીને સ્વીકારી લીધી. પણ, તમારું સંતાન આમ રસ્તે રઝળે, તે મને માન્ય ન હતું. તમારી જાણ બહાર, તમારા પ્રોસ્ટેટના ઓપરેશન વખતે, મેં ડોકટરકાકાને કહીને તમારા બંનેનો ડીએનએ ટેસ્ટ પણ કરાવી લીધો હતો.
મેં ડોકટરકાકા પાસે વચન માગ્યું હતું, કે તે આ વાત કોઈને નહીં કહે. હવે ડોકટરકાકા પણ નથી. એટલે હવે તમારા રહસ્યનો આખરી તંતુ પણ નાશ પામ્યો છે. અને હા, ડીએનએનો રિપોર્ટ પણ આ જ ફાઈલમાં છે.
તમારા અખુટ પ્રેમનો ધોધ મેં અવિરત ઝીલ્યો છે. તમારા અને રત્નાના બનાવ પછી પણ, મેં તમારા પર ક્યારેય શંકા નથી કરી. મેં તમને તે પછી ખૂબ જ સજાગ રહેતા જોયા છે. ક્યારેક ઢળતી સાંજે, મેં તમને વરંડામાં જઈને આંસુ લુછતા જોયાં છે.
બેચાર વાર મેં તમને પૂછ્યું પણ હતું કે તમે આંસુ લૂછો છો? તો તમે હસીને કહ્યું હતું કે આંખમાં કચરો પડી ગયો હતો. આજે સમજાય છે કે તમને શું અંદરને અંદર કોરી ખાતું હતું, જે આંખમાં આવીને ખટકી જતું હતું. પશ્ચાતાપના એ આંસુઓનું અપમાન હું કેવી રીતે કરી શકું?
એક વાતની ચોખવટ કરી દઉં. આ પત્ર દ્વારા તમારો તેજોવધ કરવાનો કોઈ આશય નથી. મને તમારા માટે કાયમ ખૂબ આદર અને પ્રેમ રહ્યો છે. આપણું સહજીવન ખૂબ જ સરસ રહ્યું છે. પ્રભુ જો મને ફરી જન્મ આપે, તો તમારી જ અર્ધાંગના બનાવે, તેવી સતત મારી પ્રાર્થના હતી, છે અને સદાય રહેશે.
પણ છેલ્લે, એક વિનંતી છે. શનાયાને સગા બાપનો પ્રેમ આપજો અને તે મોટી થાય ત્યારે એક પિતા તરીકે એનું કન્યાદાન કરવા સુધી તમારે જીવવાનું જ છે.
શનાયાના લગ્ન થાય ત્યારે એને મા અને બાપ, કોઈનીયે કમી ન લાગે એમ ગરિમાપૂર્ણ વિદાય આપજો. તમે કન્યાદાન આપવા બેઠાં હશો ત્યાં, તમારી બાજુમાં, હું પણ હોઈશ જ.
બસ, એને કદીયે એવું ન લાગે કે એ અનાથ હતી. શનાયા અનાથ નથી, શનાયા ક્યારેય અનાથ નહોતી. મારી લાડલી શનાયાને તમે વહાલ કરતા હશો ત્યારે એમાં મારા વહાલની ભાગીદારી કાયમ રહેશે. આપણી એ દીકરીએ ઘરના સૂનકારને એની હયાતીથી ભરી દીધો છે.
સદૈવ તમારી પદ્મા.”
શશિકાંત પદ્માના ફોટામાં તેના ચરણસ્પર્શ કરી રહ્યો.
~ અજય વખારિયા
+91 99252 12642