પુષ્પગંધા (વાર્તા) ~ માના વ્યાસ, મુંબઈ
“ક્યારેય ન સૂતું શહેર” જેની ઓળખાણ છે એ મુબંઈ શહેર સવારના છ વાગ્યે એકદમ ધમધમતું થઈ જાય. એક વાત તો છે, અહીં દરિયાની રેતીની જેમ આળસ ખંખેરાઈ જાય. નાનાં મોટાં બધાંને જ લગભગ વ્યસ્ત હોવાનું વળગણ હોય છે.
રીડેવલપમેન્ટનાં પૂરમાં તણાઈને અમારું બિલ્ડિંગ પણ નવુંનક્કોર થઈ ગયું. વચ્ચે ત્રણ વરસ સુખે-દુઃખે દૂર રહી આવ્યાં. ફરી પાર્લે ઇસ્ટનાં નવાં બિલ્ડિંગમાં અમને પાંચમે માળે પશ્ચિમ તરફનો ફ્લેટ મળ્યો છે. અઢી બેડરૂમ અને નાનીશી બાલ્કની.
મુંબઈમાં બાલ્કની એટલે વૈભવ. લોકો એ મળે તો પણ એને જડબેસલાક બંધ કરી એક રૂમ તરીકે વાપરવા માંડે. પણ અમે તો સરસ લીલાંછમ છોડ લાવી સજાવી દીધી.
ઘણીવાર સાંજે ઢળતો સૂરજ આસપાસની હરિયાળી વચ્ચે સૂરજમુખી જેવો લાગે છે એ વાત હું બધાને જણાવવાની લાલચ રોકી શકતી નથી.
અમે બંને રિટાયર્ડ પ્રોફેસરો હવે પ્રાઇવેટ કોચિંગ કરી પોતાને વ્યસ્ત રાખીએ છીએ. પરદેશ વસતા દીકરાએ મોટો ફ્લેટ લેવો હોય તો મદદ કરવા તૈયારી બતાવેલી પણ અમને જરૂર ન લાગી.
સવારે બાલ્કનીમાંથી મારી નજર નીચે ગઈ. સામે ફૂટપાથની ધાર પર ફૂલવાળી આવીને બેસી ગઈ હતી. ચારે બાજુ રંગબેરંગી ફૂલો જ ફૂલો. પીળાં કેસરી ગલગોટા. મઘમઘતા સ્વર્ણચંપાના સોનેરી ફૂલ, સફેદ મોગરા અને જાઈના ગજરા. ગુલાબી અને લાલ ગુલાબ, સુગંધી સેવંતી, ભભકાદાર ક્રિસેનથેમમ. વાહ! જોઇને મન પ્રસન્ન થઈ ગયું.
હું ઝટપટ તૈયાર થઈ નીચે ગઈ. પહેલાં બેઠેલી એ સ્ત્રી નહોતી પણ બાર- તેર વર્ષની છોકરી બેઠી હતી. એની પાતળી આંગળીઓ ફટાફટ ગજરો ગૂંથતી હતી.
“કસ દિલે હે ગજરે?” (ગજરાનો શું ભાવ?)
એણે નજર ઉઠાવી ઉપર જોયું. અદ્ભૂત સુંદર હતી એ કથ્થઈ રંગની મોટી આંખો. કોઈ બ્યૂટી પાર્લર પણ ન કરી શકે એવી સોનેરી ઝાંયવાળા ઢગલો સૂકા વાળ વચ્ચે શોભતું ઘાટીલું મુખ. ચમકતી ચોખ્ખી ત્વચા પર અનેરો નિખાર. પુષ્પના ઢગલા વચ્ચે શોભતું પુષ્પ જાણે.
“પન્નાસ ચે તીન.” (પચાસનાં ત્રણ)
“ફાર માગ આહે. પન્નાસ ચે ચાર દેશીલ કા? (ખૂબ મોંઘા છે. પચાસના ચાર આપશે કે?)
એ જરા વિચારમાં પડી. મને એનાં મુખ પર આવતી અવઢવની વાદળીઓ જોવાનો મને અનેરો આનંદ આવ્યો.
“ઓકે, ચલ માલા દ્યા. (ચલ મને આપી દે) કહી હું હસી પડી. સામે એ પણ હસી. એની શ્વેત સુરેખ દંતાવલી સ્હેજ શ્યામ વાન સાથે સુંદર લાગતી હતી.
“તૂ ખૂપ સુંદર દિસતેસ.” ( તું ખૂબ સુંદર લાગે છે.)
એ થોડી લજ્જા પામતી હસી.
બસ ત્યારથી મારો હવે રોજનો ક્રમ થઈ ગયો. એ પુષ્પગંધા સાથે વાતચીત કરવાનો. એનું નામ કવિતા હતું. માએ કોઈ ટીવી સીરિયલ જોઈ પાડેલું.
એની મા સુરેખા પાક્કી બિઝનેસવુમન હતી. સવારે ચાર વાગ્યે ઊઠી પાંચ વાગ્યે દાદરથી લોકલ ટ્રેનમાં ફૂલો લાવવાનાં. બધાંને વીણી ચૂંટી ટોપલામાં ભરી ઉપર-ઉપર સારાં, વચ્ચે ગઇકાલનાં વાસી અને નીચે તાજાં ફૂલો મુકવાનાં. મોંઘવારી ને સંઘર્ષની વાતો કરતાં સલૂકાઇથી ચાર ફૂલ ઉમેરી ત્રણ ફૂલ પાછાં કાઢી લેવાનાં.
જ્યારે મેં પૂછ્યું, “કવિતાને સ્કૂલે કેમ નથી મોકલતી?” તો ચબરાક માલણ કહે, “બહુ ભણીને શું કરવાનું? આખરે તો ફૂલો જ વેચવાના છે.”
એક દિવસે હું બાલ્કનીમાં ઊભી રહી મારી સ્પેશિયલ ચા પી રહી હતી. મારી નજર નીચે ગઈ. કવિતા ફૂલો સંભાળતી વચ્ચે બેઠી હતી. એક પોલીસવાળો એને દબડાવી રહ્યો હતો. એણે દંડો કવિતાના હાથ પર ધીરેથી ફેરવ્યો. મારું માથું ભમી ગયું. હું એજ મિનિટે ચંપલ પહેરી નીચે આવી. એટલી વારમાં મને અનેક ખરાબ વિચારો આવી ગયાં. મારું મગજ એક પોલીસવાળા સાથે કઇ રીતે ઉગ્ર થયાં વિના વર્તવું એ વિશે વિચારવા લાગ્યું હતું. નીચે ગેટની બહાર આવી તો મારા કાને શબ્દો પડ્યાં.
“હો મામા, મલા ઘાબરવૂં નકા. આમાચા કડે ઈથે બસાઇચી પરમિશન આહે.” (મામા, મને ડરાવો નહીં. અહીં બેસવાની અમને પરમીશન છે.)
“હો.. દાખવા..પ ર મિ શ ન.”
“આઇ યેવુન તુમ્હાલા દાખવેલ.” એ જરાય ડર્યા વિના બોલતી હતી. હું તો દંગ રહી જોતી રહી. મને પોતાને પોલીસને જોઈ થડકારો થઈ જતો.
આખરે મા આવી. એ મીઠાબોલીએ ચાર ગજરા પોલીસમામાને બાંધી આપ્યા ને એ ચાલ્યો ગયો. એનાં ગયા પછી માએ મફતિયા પોલીસ પર ઢગલાબંધ રીસ કાઢી.
એક દિવસ પુષ્પગંધાએ મને પૂછ્યું, “મને ભણાવશો?”
અને એમ એ સ્વર્ણચંપાની સુગંધ લઈ અઠવાડિયામાં ત્રણ દિવસ મારી પાસે ભણવા આવવા લાગી. એની હાજરી ફૂલોની સુગંધ જેવી હતી. આસપાસ હોય તો ભર્યુંભર્યું લાગે. એનું બેસવું, ઉઠવું પણ સફાઈદાર. કામઢી તો એટલી કે રસોડામાં પાણી પીવા જાય પછી ત્યાં બધું ચોખ્ખું કરી આવે. કોઈવાર રજનીગંધાની છડી લઈ આવે અને વાઝમાં સજાવી દે.
આવી દીકરી હોય તો!
સાતમી કક્ષા સુધી મરાઠીમાં ભણેલી એટલે હિન્દી શીખતાં વાર ન લાગી. મેં એને સહેલી વાર્તાની ચોપડીઓ લાવી આપી. એને લખવાનું ખાસ ફાવતું નહીં પણ વાંચવાનો શોખ લાગી ગયો.
“માલા થોડે અંગ્રેજી શીકવા ના.” કવિતાએ એક દિવસ અંગ્રેજી મેગેઝિન ઉથલાવતા પૂછ્યું.
મને આશ્ચર્ય તો થયું પણ હવે ડીજીટલ વર્લ્ડમાં અંગ્રેજીનું મહત્વ કેટલું છે એ જાણી મેં એને શીખવવાનું કબૂલ કર્યું. શરુઆતમાં થોડી તકલીફ પડી. છોકરી સવારથી કામે લાગતી. મા ફૂલ લેવાં બજાર જાય પછી ઘરનું કામ કરવાનું, જોઇતી વસ્તુઓ લાવવાની અને માને જલ્દી ફૂલ વેચવામાં મદદ કરવા આવી જવાનું. ફરી સાંજે છથી આઠ વધેલાં ફૂલ વેચવા બેસી જવાનું.
“તારા પપ્પા શું કરે છે?” એક દિવસે મેં પૂછ્યું.
“એ અમારી સાથે નથી રહેતા.” કવિતા ધીમેથી બોલી.
સુરેખાનાં ગળામાં મંગળસૂત્ર જોયેલું એટલે મને બીજી કોઈ ધારણા નહોતી.
“મેલ્યા, સોડુન ગેલા… કવિતા છે વરસની હતી ત્યારે છોડી ગયો. અમારી ચાલીની વિધવા બાઈ સાથે લફરું કર્યું અને બંને ભાગી ગયાં.” સુરેખા કડવાશથી બોલી.
“તો આ મંગળસૂત્ર?”
“અરે, મંગળસૂત્ર હોય એટલે કોઈ હેરાન ન કરે. બધાંને થોડી ખબર છે નવરો ભાગી ગયો છે? બાકી આ દુનિયા તો એટલી ખરાબ છે બેન. શાંતિથી જીવવા ન દે. આ મારું લાયસન્સ છે…” કહી ખસિયાણુ હસી પડી. કાળા કિડિયાનું વજન હોય એમ એ તોળવા માંડી.
એક સાવ સામાન્ય બાઇની સમજણ મને અચંબિત કરી ગઇ. પછી મેં કવિતા દ્વારા જાણ્યું કે મા ખૂબ સારી છે. દાદાદાદીનું પણ ધ્યાન રાખે છે. એમને અવારનવાર પૈસા પણ મોકલે. ભલે દીકરો ઘરડાં માબાપને ભૂલી ગયો પણ વહુ ધ્યાન રાખતી હતી. એટલે જ અડોશપડોશમાં સૌ મા-દીકરીનું ધ્યાન રાખતાં હતાં.
એક દિવસ મારી નણંદ શુચિતા નવું ઘર જોવા આવી. સાવ અલગારી એવી શુચિતા પ્રોફેશનલ ફોટોગ્રાફર હતી અને કુંવારી હતી. દેશવિદેશ ઘૂમવું, જંગલ, નદી, પર્વતના ફોટા પાડવા એનું કામ હતું. ઘણાં હીરો હિરોઈન પણ ફોટો સેશન માટે બોલાવે. એ આવે એટલે વાતોનો ભંડાર લઇ આવે. અમને ખૂબ સારું બનતું હતું.
શુચિતા ઘર જોઈ ખુશ થઈ ગઈ. આખો દિવસ અમારી સાથે રહી. રવિએ ખાસ એમની મમ્મીની સ્ટાઇલની દાળ બનાવી હતી.
સાંજે ઢળતા સૂરજને એણે અનેક સુંદર રીતે ફોટામાં કેદ કરી લીધો. હું એને વળાવવા નીચે ગઇ. સામેથી કવિતાએ હાથ હલાવી સ્મિત કર્યું. હું શુચિતાને ખેંચીને ફૂલો અપાવવા લઈ ગઈ.
“અરે, ભાભી મારે ત્યાં મંદિર જ ક્યાં છે? કે હું ફૂલ ચડાવીશ.” એ હસતા બોલી.
“તો ગજરો લે, તારા બોયકટ વાળમાં લટકતો સરસ લાગશે.” કવિતા ખિલખિલ હસી પડી. શુચિતા એને બે ઘડી જોતી રહી.
“હું તારો ફોટો પાડું?” શુચિતાએ કવિતાને પૂછ્યું.
ફરી કવિતાનાં ચહેરા પર અવઢવની રેખાઓ ખેંચાઈ ગઈ.
“કવિતા,આ મારી નણંદ છે. એ ફોટોગ્રાફર છે. તું મેગેઝિન જોતી હતીને! એમાં એનાં ફોટા આવે છે.”
“પણ બેન પછી એને કોઈ સાથે જોડીને ગંદા ફોટા બનાવી મોબાઈલ પર મુકે તો. આપણી છોકરી બદનામ થઈ જાય ને!” ચબરાક સુરેખાએ આશંકા દર્શાવી.
“ના, આ એવું કામ નથી કરતા.” મેં સમજાવતા કહ્યું.
“ઓકે તો.” કવિતાએ હા કહી.
શુચિતાએ અનેક એંગલથી એનાં ફોટા પાડ્યા. સાદગી ભર્યું એનું કુદરતી સૌંદર્ય લેન્સમાં ઝિલાઈ ગયું. છેલ્લે શુચિતાએ સુરેખાને પાંચસો રૂપિયા આપી ખુશ કરી દીધી.
બીજે મહિને મેગેઝિનમાં કવિતાનાં નામ સાથે ફોટા છપાયાં. ફોટા ખરેખર સુંદર આવ્યાં હતા. કવિતા ગ્લોસી પેપર પર પોતાની તસવીર જોતી જ રહી ગઈ. અચાનક પોતાનાં દેખાવ પ્રત્યે સભાન થઈ ગઈ. ઘણીવાર હું જોતી કે જતાંઆવતાં પેસેજમાં જડેલા આદમકદ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ લેતી.
એ વર્ષે મેં એને આગ્રહ કરીને દસમા ધોરણની પરીક્ષા અપાવડાવી અને એ પાસ પણ થઈ ગઈ. મેં વિચાર્યું મારી દીકરી પાસ થઈ હોત તો મેં શું કર્યું હોત? હું અને રવિ એને માટે સરસ ડ્રેસ લઈ આવ્યાં.
એક દિવસ એ કામનાં વખતે ઉપર આવી. મને લાગ્યું જ કે ખાસ વાત હશે.
“આંટી, બે જણ – એક પુરુષ અને સ્ત્રી મને મળવા આવ્યાં હતાં. એ લોકો મને હહહ પેલું સરસ કપડાં પહેરીને ચાલવાનું હોય ને..”
“રેમ્પ વોક?”
“હા એજ. એ માટે પૂછવા આવેલાં. મોડેલિંગ.”
“ઓહ નો.”
“તો હું હા પાડું કે ના?”
“ના જ વળી. જો કવિતા. આ બધું જોવામાં સારું લાગે. ખૂબ મહેનત હોય. ખૂબ પ્રેક્ટિસ કરવી પડે. લોકો છૂટછાટ લે.. તારી માને પૂછ્યું?”
“હા.”
“શું કહ્યું? માએ?”
“હા કહી છે.”
“એમ? મને આશ્ચર્ય થયું. આ તે કેવી મા?”
“સુરેખા તે કવિતાને મોડેલિંગની હા પાડી? તને ખબર છે એ દુનિયા કેટલી લપસણી છે? કેવાં લોકો સાથે કામ કરવું પડે?”
“તાઇ, અહીં પણ રોજ મવાલી લોકો નજર મારવા આવે છેને. આ પોલીસ પણ કેટલો બદમાશ છે. તમારો વોચમેન પણ કંઈ ઓછો નથી. આખો દિવસ મનમાં ફફડાટ રહ્યાં કરે છે કે મારી ને દીકરીની લાજ કેમ બચાવવી! ચાલીમાં પણ ગીધ જેવા આદમી ભર્યા છે. મોડેલિંગમાં કમસે કમ પૈસા તો કમાશે.”
મને કમકમા આવી ગયા.
એકવાર હું રોજનાં સમય કરતાં વહેલી ઘરે આવી ગઇ. મેં ચાવીથી દરવાજો ખોલ્યો અને હું અવાક્ થઈ ગઈ. કવિતા મેકઅપ કરીને સાવ ટૂંકા કપડાં પહેરી, ઊંચી એડીના ચંપલ પહેરી દર્પણ સામે અવનવા ઢંગથી ચાલી રહી હતી. મને જોતાં ગભરાઈ ગઈ અને પડતી આખડતી બાથરૂમમાં ભરાઈ ગઈ. એ દિવસથી મેં એને ઘરમાં આવવાની મનાઈ કરી દીધી.
મેં શુચિતાને ફરિયાદ કરી તો એ કહે, “કોઈ જબરજસ્તી નથી.”
“પણ શુચિ, કવિતા સત્તર જ વર્ષની છે.”
“છોકરીએ ના પાડવી હોય તો એની મરજી છે. બાકી આ લાઇનમાં સારા માણસો પણ હોય છે.” શુચિતાએ લાગણીશીલ થયા વિના કહ્યું.
મારાથી એનાં પર આક્ષેપ થઈ ગયો. અમારાં સંબંધમાં ખટાશ આવી ગઈ. મને ખૂબ અફસોસ થઈ આવ્યો. એક સારી નિર્દોષ છોકરીને મેં ફેશનની દુનિયાનાં કળણમાં જવા રસ્તો કરી આપ્યો. મારી પુષ્પગંધા એની સુગંધ ખોઈ બેસશે તો!
પછી અમે ઘણો સમય દીકરા પાસે અમેરિકા ગયાં. પાંચ મહિના પછી આવ્યાં ત્યારે ફૂલવાળી ગાયબ હતી. બેત્રણ દિવસ જોયું પણ સુરેખા કે કવિતા દેખાયાં નહીં. મેં વોચમેનને પૂછ્યું.
“મેડમ અબ વો નહીં બૈઠતી. બેટી કો બડા કામ મિલ ગયા હૈ. ઉસકે સાથ જાતી હૈ.”
ઘણો સમય નીકળી ગયો. કોઈ ડંખ રાતવરત મને પજવ્યા કરતો. મારી પ્રિય બાલ્કનીમાં ઊભા રહેવું અને સામે ખાલી ફૂટપાથને જોવું મારે માટે દુષ્કર બની રહેતું. પેપરમાં છપાતી બળાત્કારની ઘટનાઓ મારાં મનનો ભરડો લઈ લેતી અને ક્યાંક એનું નામ તો નથીને એ શોધ્યાં કરતી.
રવિની તબિયત નરમગરમ રહેતી હતી એટલે શુચિતા ઘરે આવી. મને પણ સારું લાગ્યું. અમે ફરી સાવ નોર્મલ થઈ વાતો કરી. પણ મને ફરી પાછી કવિતા યાદ આવી ગઈ. આડીઅવળી વાત પછી મેં અચકાતા એને કવિતા વિશે પૂછ્યું.
“શી ઇઝ ફાઈન. ખૂબ હોશિયાર છે. કાલે જ મોટી બ્રાન્ડનો ફેશન શો છે તમારે આવવું હોય તો મારી પાસે પાસ છે. ”
મોટા હોલમાં રેમ્પ વોક માટે સ્ટેજ સજાવેલું હતું. ઝાકઝમાળ રોશની વચ્ચે છેલ્લી ઢબનાં કપડાંમાં સજ્જ લોકો વચ્ચે હું સાદી જરા અલગ તરી આવતી હતી. શુચિતા થોડો સમય મળીને જતી રહી.
શો ચાલુ થયો. અત્યંત પાતળી ઊંચી મોડેલો ભભકાદાર મેકઅપ અને અતરંગી પહેરવેશમાં એક પછી એક રેમ્પ વોક કરવા આવવા લાગી. મને એમનામાં કોઈ રસ નહોતો. મારી આંખો શોધી રહી હતી મારી પુષ્પગંધાને.
આખરે એ આવી. એની કુદરતી સુંદરતાને છુપાવતો મેકઅપ, ઘૂંટણથી ઉપર ચપોચપ પહેરેલો ખૂલ્લા ખભાવાળો પોષાક અને સ્ટાઈલ કરેલાં વાળમાં ઓળખાય એવી નહોતી રહી.
એક અજબ આત્મવિશ્વાસ સાથે એ વોક કરતી આગળ આવી. મારી સાથે એની નજર મળી. બે સેકન્ડ માટે જોતી ઊભી રહી પછી એક પ્રોફેશનલ સ્મિત આપી જતી રહી. મને નાની ગજરો ગૂંથતી છોકરી યાદ આવી ગઈ. જે ફૂલો વચ્ચે બેસી સુગંધ રેલાવતી હતી.
શો પછી પાર્ટી હતી. મેં એને દૂરથી જોઈ. હાથમાં જ્યૂસ પકડી કોઈ સાથે શાલિનતાથી વાત કરતી હતી. સિલ્વર કલરનો ઓફ શોલ્ડર મિની ડ્રેસ પહેરીને ઊભી હતી. એની ઉઘડતી શ્યામરંગી ત્વચા પર કુશળતાથી કરેલા મેકઅપમાં એ પુખ્ત લાગી રહી હતી. લાંબા પગ નીચે માંડ નસીબ થતી સ્લીપરને બદલે ત્રણ ઈંચના સેંડલ પહેરેલાં હતાં. જમીન સાથે રહેવા ટેવાયેલી એની પાની પેન્સિલ હીલમાં કઇ રીતે ફીટ થતી હશે તેની મને નવાઈ લાગતી હતી.
એક આધેડ ઉંમરનો પુરુષ એની નજીક આવી ખભા પર હાથ મૂકી હળવું આલિંગન આપી અભિનંદન આપતો હતો. થોડી વાત કર્યા પછી પુરુષ એનો નાજુક હાથ પકડી ખેંચતો હોય એમ કમરાની બહાર લઇ જવા લાગ્યો. મારું ધ્યાન સતત એ તરફ જ હતું. થોડું અચકાતી કવિતા એની સાથે ઘસડાઈને જતી હતી. હું સતર્ક થઈ ગઈ.
લોકોને વિંધીને હું બહાર આવી ને મારે કાને ડર્યા વિના મક્કમતાથી બોલાયેલા શબ્દો પડ્યાં, “સોરી સર મૈં યે સબ કામ નહીં કરતી હૂં.”
મારી બાજુમાં શુચિતા ઊભી હતી. મને લાગ્યું મારી પુષ્પગંધાએ એની સુગંધ સાચવી રાખી છે.
~ માના વ્યાસ, મુંબઈ
mana.vyas64@gmail.com
Sunder varta.have ni chokrio e smart ane majbut banvu j eahyu