પાંચ સખી ગીત ~ પરબતકુમાર નાયી
(1) તોરણ બાંધ્યાની વેળા

સખી! તોરણ બાંધ્યાની વેળા આવી,
સખી, સાયબાની સાંઢણીએ શેરીમાં આવીને
રણ-ઝણ ઘૂઘરીઓ રણકાવી.
સખી, તોરણ બાંધ્યાની વેળા આવી.
સૂની આ સેજ માથે ફૂલો પથરાવો,
વચ્ચે મૂકી દો ચોપાટ,
બારીના પડદામાં અત્તર છંટાવીને
દીવે ચડાવો નવી વાટ!
શીરા-કંસારનાં આંધણ મૂકો,
સખી સાયબાએ સાંકળ ખણકાવી!
ઊઘડશે પોયણીનાં પાન જેમ-જેમ સખી,
એમ-એમ ઉઘડશે કોડ,
ઓરડામાં ઝળહળ ઝળહળ સાયબો
ને આંગણે ગુલાબનો છોડ!
સાથિયા પુરાવો સખી સામૈયું લો!
આજ એવી તો ગઈ છું હું ફાવી.
(2) સોણલું સોળમા વરસનું
સખી, સોણલું આ સોળમા વરસનું,
સખી પાંપણથી વેઠ્યું ન જાય.
સખી, સોણલે સલુણાં રૂપ ઉઘડ્યાં,
સખી, સોણલામાં ઉઘડ્યા કંઇ રંગ.
સખી, ફૂલનીય ઠેસ જરા વાગે તો,
મારાં આછેરાં ધ્રુજે સૌ અંગ.
સખી, અમથું અમથુંય કોઈ શેરીમાં મલકે
તો ગાલ મારા ગુલાબી થાય.
સખી, બારસાખે બેસી મોર બોલતો,
સખી હૈડું વીંધે છે એની ગ્હેંક.
સખી, બારી પછવાડે ખીલ્યો મોગરો,
એની મધરાતે પજવે બહું મ્હેંક!
સખી, કમખામાં વેલ-બુટ્ટા ટાંકું
તો સોય મને ટેરવાંમાં આવી ભોંકાય.
(3) ફાગણનો રંગ ચડે
સખી, ફાગણનો રંગ ચડે અણસમજુ આંખમાં
ને કેસૂડો ગાલમાં ઘોળાય.
મને અડકીને વાયરોય
સુગંધી સુગંધી થાય.
સૂડાઓ ઠોલે છે ચાંચ ઉપર ચાંચ મૂકી
આંબાનાં કૂણાં કૂણાં પાન.
લીંબોળી પાકવાની અમથી એક ઘટના પણ
છાતીમાં જગવે તોફાન.
શેઢાની માટીને હળવેથી ખોતરું
તો ટેરવામાં ટશિયો ભરાય.
નખ જેવી નાનકડી ઈચ્છાના આજકાલ
પડછાયા પ્હાડ જેવા પડતા.
અધમણ ઉજાગરાનો ભાર લઈને પંખીના
ટહુકાઓ પાંપણને અડતા.
શેરીની પછવાડે છાનું રે છપનું
કોઈ સીટીઓ વગાડતું જાય.
(4) ઝાલરિયાં લ્યો

સખી, સાયબાનો સંદેશો આવિયો રે ઝાલરિયાં લ્યો,
સખી, હૈયાને મધમીઠો ભાવિયો રે ઝાલરિયાં લ્યો
સખી, બારસાખે ચિતરાવું ઓકળી રે ઝાલરિયાં લ્યો,
સખી, ઊંચી મેડી આજ ઊજળી રે ઝાલરિયાં લ્યો
સખી, આછું આછું સ્મિત હોઠમાં રે ઝાલરિયાં લ્યો,
સખી, મનગમતું માગીશું ગોઠમાં રે ઝાલરિયાં લ્યો
સખી, સોના બાજોઠ રૂડો ઢાળશું રે ઝાલરિયાં લ્યો,
સખી, નેણભરી નાવલિયો ન્યાળશું રે ઝાલરિયાં લ્યો
સખી, દૂધ સાકરની ભરું તાંસળી રે ઝાલરિયાં લ્યો,
સખી, ઘી’ની વરસાવું એમાં વાદળી રે ઝાલરિયાં લ્યો
સખી,ઓઢણ ઓઢાડી કરું છાંયલા રે ઝાલરિયાં લ્યો
સખી, નખનાં બનાવું કૂણાં નેવલાં રે ઝાલરિયાં લ્યો
(5) મળવું પોષાય નહીં
![]()
સખી, મળવું પોસાય નહીં અમને.
મળવાની ઘટનામાં આંસુનો દરિયો
ને કૂવો ભમ્મરિયો,
કૂવાનાં પાણી છે રાતાં.
મળવાની ઘટનામાં મ્હેંક મ્હેંક તન,
તોય મુંઝાતું મન,
છાતીનાં છૂંદણાં સુકાતાં!
મળવાની ઘટનામાં શ્વાસોની શૂળ
વીંધે છે આખું શરીર,
એમાં સાચવીએ ક્યાંથી પાલવને?
સખી, મળવું પોસાય નહીં અમને.
મળવાની ઘટનામાં બળબળતો તાપ
અને મીઠો સંતાપ,
આવો નકકામો વાદ કોણ વ્હોરે?
મળવાની ઘટનામાં પગલાંની ઠેસ
અને શમણાંનો દેશ
એ તો મધરાતે નીંદને ચોરે!
મળવાને બદલે જો આપે ટળવળવું,
તો તો આપી દઉં આખાય આ ભવને.
સખી, મળવું પોષાય નહીં અમને.
~ પરબતકુમાર નાયી
+91 79902 88193

પાંચે પાંચ કાવ્ય ગીત ભાવથી મઢયા અને લય થઈ ભર્યા બહુજ સુંદર ગીતો.કવિને અભિનંદન
Khub saras pravatbhai badha git saras che
મુગ્ધ પ્રણયના મધુર ગીત