સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 7 ~ વણકહી વાત અને હરખનાં આંસુ ~ ડૉ. ભારતી રાજીવ રાણે
જાહેરમાં કહી શકાય એટલું તો સિન્થિયાએ કહી દીધું, પણ જે કહી નહોતું શકાયું, તે વાત એનો કેડો છોડતી નહોતી. તે દિવસે હિલ્ડા રૈહાનને પૂછી બેઠેલી: અમે તો અમારી જિંદગીનાં રહસ્યો તારી સામે ખોલી નાખ્યાં, પણ તું તો પોતાના વિશે કાંઈ બોલતો જ નથી. બહુ મીંઢો છે તું! રાયન એક મિનિટ હિલ્ડા સામે તાકી રહ્યો, પછી ધીરેથી બોલ્યો,
‘દરેકનાં જીવનમાં ક્યારેક ને ક્યારેક સંજોગોના ખેલ ખેલાતા હોય છે. મારી જિંદગીમાં પણ ખેલાયા. મારી સગાઈ થઈ ગઈ હતી. અમ્મીની પસંદની છોકરી, મારી માસીની દીકરી સાથે. સુંદર હતી એ. ભોળી, નાદાન, વહાલી લાગે તેવી. એની સાથે મેં બહુ ઓછો સમય વીતાવ્યો હતો. એ પણ ઘરનાંની હાજરી વચ્ચે. અમારાં કુટુંબોની એ જ રીત હતી.
હું ઝાતરી આવ્યો, ત્યારે સમજાયું કે, મારો રસ્તો જુદો હતો, અને બહુ લાંબા સમય સુધી મારે આ રસ્તા ઉપર જ ચાલવું હતું. મારી આ કઠીન યાત્રામાં એ નાજુક-ભોળી છોકરીને સાથે લઈને ચાલી શકાય તેમ નહોતું.
હું વારંવાર ઘરે જઈ શકતો નહીં. અહીં નેટવર્કનાં ઠેકાણાં નહીં, એટલે સંપર્ક પણ નહીંવત્ થઈ ગયો. એણે રડી-રડીને મારી રાહ જોઈ. પછી એક દિવસ માસીએ સામે ચાલીને અમારી સગાઈ તોડી નાખી. જે થયું તે સારું જ થયું. સંબંધ તોડવાનું અને એનું દિલ તોડવાનું પાપ મારા માથે ન આવ્યું. હું મુક્ત થઈ ગયો. અમ્મી ઉદાસ થઈ ગઈ, પણ હું મારા નિર્ણય ઉપર અફર રહ્યો. મારા માટે ઝાતરીનું આ મિશન જ સર્વસ્વ બની ગયું. મારી પહેલી અને આખરી પ્રાયોરિટી!’
‘એ નાજુક છોકરી અહીં ચાલી ન શકે, એ તો બરાબર, પણ કોઈ ખડતલ, સમજુ, ભણેલી છોકરી સાથે મળીને અહીંનું કામ ન કરી શકાય? સાથે ચાલી શકે, તેવી કોઈકને જીવનસાથી બનાવી લે ને!’ હિલ્ડા પોતાનું મન અનાયાસ ખોલી બેઠેલી. સિન્થિયાને મનમાં શંકા તો હતી જ કે, હિલ્ડાને રૈહાન બહુ ગમે છે. મિત્રભાવથી વિશેષ કૂણી લાગણી એનાં મનમાં છે.
રૈહાન હિલ્ડાના આડકતરા એકરારથી ચમક્યો નહીં. એ તો જાણે પહેલેથી જ જાણતો હોય, અને આવા સંજોગનો સામનો કરવા સજ્જ હોય, તેમ બોલ્યોઃ
‘ના, હિલ્ડા, હું હવે મારો આગળનો રસ્તો અને ભવિષ્યની જિંદગી નક્કી કરી ચૂક્યો છું. અહીંનાં લોકોની દશા જોયા પછી થાય છે કે, એમના માટે જેટલું બની શકે તેટલું કરવું. શક્તિની છેલ્લી બૂંદ વપરાઈ જાય, ત્યાં સુધી એમના માટે કામ કરતા રહેવું. હવે પ્રેમ કરવો, લગ્ન કરવું, એ બધું મારા હક્કનું કામ નથી. એટલુંય ન કરી શકું તો ધૂળ પડી મારી જિંદગીમાં!’
‘હું ચાલીશ તારી સાથે. તારા મિશનને ખલેલ પહોંચાડયા વગર, તને પૂરેપૂરી સ્વતંત્રતા અને સમય આપીને તારો સાથ નિભાવીશ. તારી ફરજોને મારી બનાવીને ચાલીશ, બસ! મને એક તક નહીં આપે?
તને નહીં જ ફાવે તો એક મિનિટમાં છૂટી થઈ જઈશ. તું એક ઈશારો કરજે, પછી ક્યારેય તને મારું મોં પણ નહીં બતાવું. આટલી ખાતરી આપું છું, પછી તો માની જા! મને લાગવા લાગ્યું છે કે, હું તારા વગર નહીં રહી શકું. તારા હૃદય ઉપર હાથ મૂકીને કહે, ખરેખર તારા મનમાં મારા માટે લાગણી નથી? જરાય પ્રેમ નથી?’
‘પોતાની પસંદ-નાપસંદ કરતાં ક્યાંય મોટું કામ આપણે ત્રણેય લઈને બેઠાં છીએ. એને ખાતર પણ સંબંધોને નામ ન આપી શકીએ, એટલો ત્યાગ આપણે કરવો જ રહ્યો. સિન્થિયા પોતાનું મન સ્પષ્ટ કરી ચૂકી છે. તારી મને ખબર નથી.’
હિલ્ડા કહે, ‘મને તો લાગે છે કે, ઝાતરીનું કામ તારું મન હોય, ત્યાં સુધી કરીએ, પછી અમેરિકા જઈને સ્થિર થઈ જઈએ. પરિવાર બનાવીએ અને બાકીનું જીવન આનંદથી પસાર કરીએ.’
‘આનંદ હવે આ બધાંની સારવાર કરવામાં જ મળે છે, હિલ્ડા! હું મારા મનની બધી જ કૂણી લાગણીઓને બાળી ચૂક્યો છું. હું તારી રીતે વિચારી શકતો નથી. તારાં સપનાંનો સાથીદાર બની શકતો નથી. મને માફ કરી દે.
હું તમારાં બંનેનો મિત્ર છું અને રહીશ. સાચો પ્રામાણિક મિત્ર. આપણે સંપર્ક જાળવશું. જોડાયેલાં રહીશું. સુખ-દુઃખમાં સાથ આપીશું. કોઈ એક વ્યક્તિ સાદ આપે તો એ સાંભળતાં જ એકબીજાંની મદદ માટે દોડી આવશું. પણ એ સંબંધ ત્યાં જ અટકશે. માત્ર મૈત્રી. આત્માની મૈત્રી. એથી વિશેષ કાંઈ નહીં!
માફ કરજે, હું મારા વિચારોમાં સ્પષ્ટ છું અને એના અમલ ઉપર મક્કમ છું. તું સુંદર છે, યુવાન છે. તને તારા લાયક જીવનસાથી મળી જ રહેશે. યુ મસ્ટ મૂવ ઍાન! હું દિલથી ઈચ્છું છું કે, તું મને પાછળ મૂકીને આગળ વધી જાય…’
હિલ્ડા કાંઈ બોલી નહીં. રૈહાન સામે એકટક જોતી રહી, ને એના એકેએક શબ્દને સાંભળતી રહી. પછી તેણે આંખો લૂછી, સિન્થિયાનો હાથ પકડયો, અને ઊઠીને ચાલવા લાગી. બારણાં સુધી પહોંચ્યા પછી અચાનક પાછી વળી, સિન્થિયાનો હાથ છોડીને દોડી ગઈ, અને રૈહાનને વળગી પડીને અઢળક આંસુએ રડી.
બસ, બંનેની એ છેલ્લી મુલાકાત. સિન્થિયાને થયું, આ હિંસાની અને નફરતની જ્વાળાએ કેટકેટલા સંબંધોની આહૂતિ લીધી હશે!
હિલ્ડાને ક્યાં ખબર હતી કે, ઝાતરી છોડવાને દિવસે વહેલી સવારે સિન્થિયા હૉસ્પિટલ ગયેલી. હિલ્ડાનું આખી રાત રડવું સિન્થિયાથી સહન ન થયું. એને થયું કે, રૈહાનને સમજાવવાનો છેલ્લો પ્રયત્ન કરી જોઉં. કાશ, જતાં પહેલાં કે પછી, બંનેને એક થતાં જોઈ શકું! સવાર-સવારમાં સિન્થિયાને આવેલી જોઈને રૈહાનને ખૂબ નવાઈ લાગી.
‘સિન્થિયા, તું અત્યારે? બધું ઠીક તો છે?’ જરાક ચિંતિત સ્વરે રૈહાને પૂછેલું.
‘કશું ઠીક નથી. પણ એ સમજાવવા જેટલો સમય પણ મારી પાસે નથી! તને કલ્પના પણ છે કે, હિલ્ડા ગઈ રાત્રે કેટલું રડી છે? આદર્શોના નામે તેં એનું દિલ કેટલું દુઃખાવ્યું છે, એનો અહેસાસ છે તને?’ સિન્થિયા આવેશમાં બોલતી રહી.
ડૉ. રૈહાનનો ચહેરો સખત થઈ ગયો.
‘મારા ક્યા વર્તન ઉપરથી તમે બંનેએ માની લીધું કે, હિલ્ડાનો મારા ઉપર કોઈ હક્ક પહોંચે છે? મેં ક્યારેય એવું વર્તન કર્ય઼ું કે હિલ્ડાને એવી ગેરસમજ થાય, કે મારા મનમાં એના માટે કૂણી લાગણી છે? એ રડી, મેં એનું દિલ દુઃખાવ્યું, એ જાણીને મને પણ દુઃખ થાય છે. સાચો દોસ્ત છું, તમારા બંનેનો! પણ બસ, એટલું જ. તેં કે હિલ્ડાએ મારા મનમાં શું છે, એ જાણવાનો ક્યારેય પ્રયત્ન કર્યો ખરો?
આજે તારી પાસે સમય ઓછો છે, એટલે સીધી જ વાત કરું, મને સમજવાનો પ્રયત્ન કરજે. હું યેસેનિયાને પસંદ કરું છું. એ પ્રેગનન્સી ટર્મિનેટ કરાવવા આવી, ત્યારથી મનમાં હતું કે, એને સહારો આપું, અપનાવી લઉં એને. એણે સહેલા અત્યાચારોના ડાઘ એના મન પરથી ભૂંસી નાખું. મેં યેસેનિયાને મારા મનની વાત કહી પણ ખરી. પણ એ તો કહે,
‘મારે કોઈની દયા નથી જોઈતી! હું એકલી જ જીવી લઈશ. પુરુષજાતને નફરત કરું છું હું! તું મારાથી આઘો જ રહેજે!’
બસ, એ ઘડીએ જ મેં નક્કી કરેલું કે, હવે મારા જીવનમાં કોઈનેય સ્થાન નથી. મારું કામ એ જ મારા જીવવાનો મકસદ. એ દિવસે હિલ્ડાએ પોતાના મનની વાત કરી, ત્યારે તમને બંનેને હું આ વાત કહી શક્યો હોત, પણ હું હિલ્ડાનું મન તોડવા નહોતો માંગતો. અને યેસેનિયા વિશે કાંઈ પણ કહેવાનો મને શો અધિકાર હતો? બોલ, આમાં મારો શો વાંક છે?
હિલ્ડાને થોડા દિવસ આકરું લાગશે, પછી શી વિલ મૂવ ઑન. આપણે સમજાવીશું એને. એના એકરારથી આપણા ત્રણેય વચ્ચે કાંઈ પણ બદલાવું ન જોઈએ. એટલીસ્ટ મારા તરફથી તો નહીં જ બદલાય. તું વિશ્વાસ રાખજે. આ પહેલી અને છેલ્લી વાર તારી વાત ન માનવા બદલ મને માફ કરી દેજે!’
રૈહાનની વાતમાં સચ્ચાઈનું વજન હતું. સિન્થિયાને પોતાની બાલિશ હરકત બદલ શરમ આવી.
‘માફ જરી દેજે મને, હું તને સમજી ન શકી! કેવી મિત્ર કહેવાઉં હું? પ્લીઝ ફરગીવ મી…’ કહેતી એ પાછી ફરી હતી.
‘અત્યારમાં ક્યાં ચાલી ગયેલી?’ એવું હિલ્ડાએ પૂછયું, ત્યારે એ જૂઠું બોલેલી.
‘મોર્નિંગ વૉક લેવા અને છેલ્લે-છેલ્લે જબીરચાચાને બાય-બાય કરવા! ચાલ હવે તૈયાર થઈ જાઉં નહીંતર મોડું થઈ જશે.’ વાત લંબાય નહીં અને હિલ્ડા એના મોઢા ઉપરના ભાવ પકડી ન પાડે, એ માટે આડું જોતી સિન્થિયા નાહવા ચાલી ગયેલી.
હિલ્ડા એ પછી ઝાતરીમાં લાંબું રોકાઈ ન શકી. નસીબ જોગે એણે હાથ ઉપર લીધેલું કામ પણ પૂરું જ થઈ રહ્યું હતું. ઉતાવળે કામ આટોપીને એણે પણ ઝાતરી છોડયું, એવા સમાચાર મળેલા સિન્થિયાને. પછી થોડા સમયમાં હિલ્ડાની સગાઈના સમાચાર આવેલા.
‘થેંક ગોડ, શી હેઝ મૂવ્ડ ઑન! હિલ્ડા સગાઈ કરી રહી છે!’ – એણે રૈહાનને જણાવ્યું ત્યારે બંનેએ રાહતનો શ્વાસ લીધો.
‘એને અભિનંદન આપવાનો ફોન કરું કે નહીં?’ ડૉક્ટરે પૂછેલું.
‘ના, એ તને સમાચાર આપે, તેની રાહ જો. હજીય જો તને એ સાચો દોસ્ત માનતી હશે, તો ચોક્કસ તને જણાવશે. આપણે રાહ જોઈએ.’ અને પછી રૈહાન ઉપર હિલ્ડાનો ફોન ગયેલો. એક વર્તુળ પૂરું થયું.
સિન્થિયાનો હરખ મનમાં સમાતો નહોતો. કારણકે, એક ચક્રાવાત પછી પણ ત્રણેયની મિત્રતા અકબંધ રહી હતી. આજે એ વાત યાદ કરતાં પણ સિન્થિયાની આંખોમાં હરખનાં આંસુ આવ્યાં.
(ક્રમશ:)