|

ભજનમંડળી (લલિત નિબંધ) ~ નીલેશ ગોહિલ

ત્રણ ગામનો તરભેટો, એક બાજુ કેરી નદીનો કાંઠો, બીજી બાજુ મારગનો કાંઠો, વચાળે વડેશ્વર મહાદેવનું મંદિર. મંદિરે વાળુ-પાણી ઉકેલી ભજન રસિયાઓ પાથરેલા બૂંગણ ઉપર પોતપોતાના ગજા મુજબનું સ્થાન લઈ લીધું’તું.

કોઈ તબલાં વગાડી જાણે, કોઈ મંજીરાં તો કોઈ વળી હાર્મોનિયમ વગાડવાની હારોહાર મીઠું મધુરું ગાઈ જાણે, ને ભલે જેને ગાતાં-વગાડતાં નો આવડે, પણ જો સરખું સાંભળતાંય આવડે તો લખદરિયાની મોજ એક આંખના પલકારામાં લૂંટી જાણે.

મંજીરાં, કરતાલ, તબલાં ને હાર્મોનિયમ બસ આટલાં જ ઇન્સ્ટ્રુમેન્ટ.  હાર્મોનિયમ ને ઇન્સ્ટ્રુમેન્ટ શબ્દ આ વગડાની વચાળે સાવ બારખલા હતા. અહીં તો હાર્મોનિયમ ને પેટી, ને ઇન્સ્ટુમેન્ટને વાજિંતરો કે’વાય પણ આપણે પાંચ-સાત ચોપડી ભણી શું લીધું, ત્યાં તો સુધરીને ધૂડ થઈ ગ્યાં.

વડેશ્વર મહાદેવના મહંતશ્રી પરલોક સિધાવ્યા એને આજે દસમો દિવસ છે. રોજ સાંજે લોહી થીજાવી દે એવી ટાઢમાંય ભજન કીર્તન યથાવત રે’તાં. ટાઢને તો કાયદેસરનો હડકવા ઉપડ્યો’તો, તે જ્યાં ઉઘાડું ડિલ ભાળે ત્યાં લોહી સોંસરી હાડ લગી ડાઢું બેસાડી દેતી.

હજી નવજ વાગ્યા ‘તા, પણ ટાઢ તો ગાભા કાઢતી. ટાઢ ટાઈમ ટેબલને અનુસરવાનું ભૂલી ગઈ હોય કે પછી મારો રામ જાણે, પણ ટાઢે સમીસાંજમાં જ રાતના છેલ્લા પો’ર જેવી ધબડાટી બોલાવી દીધી.

હિમાલયમાં હાડ ગાળે એવી ભયંકર ટાઢમાંય ભજન રસિયા સારા પ્રમાણમાં ગોદડાં-ગાડલાં ઓઢી-પાથરીને ઓડિયન્સમાં ગોઠવાઈ ભજનમગ્ન થવા થનગની રહ્યા’તા. સાજિંદાઓ પોતપોતાનું વાજિંતર તાલે કરી લીધા પછી ગાયક કલાકારે ખોંખારો ખાધો અને પછી સાખીથી શરુઆત કરી. મા સરસ્વતી ને ગરવા ગણેશને યાદ કરી સંતવાણીના સૂર છેડ્યા.

થોડીક વારમાં ભજનની ભભક છૂટી. ગાનાર વ્યક્તિ કલાકાર નો’તો પણ ભજન ગાવાની અદાકારીનો પૂરો પાવરધો હતો, એને કલાકારથી કેમ ઓછો આંકવો?

વધારાના કલબલાટ કરતાં સંગીતવાદ્યો નો’તાં. જેટલાં હતાં એમાં એક તંબુરાની ખોટ વર્તાતી. એ ખોટ હવે હરિવર પૂરી કરશે એમ માનીને આગળ વધીએ. કરતાલ, મંજીરાં, તબલાં ને પેટી એક તાલે હતાં. અડખેપડખેના વાતાવરણ હારે એવો તો તાલ મળી ગયો તો કે જાણે જીવ નો મળી ગયો હોય!

કદાચ કેરી નદી વે’તી હોત તો એ સૂરમાં સૂર પુરાવી ભજન સરવાણીમાં ઝબોળિયું ખાઈ લેત ને ભાવનગરની ખાડી લગી ધન્યતા અનુભવેત; પણ કેરી નદીના તો કેદુના રામ રમી ગ્યા’તા.

સાદાઈથી પ્રગટતી વાણી સાધ્ય ભુલાવે એવી હતી. વિચારો વેડીને ભજન સરવાણી મને ક્યાંક બીજે જ તાણી જાતી. ક્યારેક પાણી વાળતી વેળાએ ધોરિયો છલકાય ત્યારે નાકું એક વખત રેળાય જાય, પછી નાકું સાંધતાં છેયવાતે કારી નો ફાવે તેમ મનેય કારી ફાવતી નો’તી. તોય નાકું સાંધવા છેલ્લી વારનો મરણિયો પ્રયત્ન બાકી રે’તો, એ હતો નાકા આડે સૂઈ જવાનો, પણ અહીં તો એય નિરર્થક નીવડે એમાં ક્યાં શંકા રહી’તી ?

ભજનમંડળી ભજનમગ્ન થઈ ચૂકી’તી. ભજનમંડળીથી થોડેક અલાયદો ચાનો રંઘેડો ચાલુ હતો. સારું છે કે, ગેસ ઉપર ચા બને એવી વ્યવસ્થા હતી, નકર આવી ટાઢમાં ચૂલો કેમ ફૂંકેત? ને કેમ બળતું કરેત? ને કે’દી ઊભરો આવેત? ઈમાંય બળતણ ખૂટેત તો અડધી રાતે કોની વાય્ડું ભાંગવા જાત?

નકરા દૂધની ચા તપેલામાં ઊભરે ચડી’તી. આ કડક, મીઠી મધૂરી, આદુવાળી ગરમાગરમ ચા આવી ટાઢ સામે ઝીંક જીલવા અમરત સમી હતી. ક્યારેક ચા બનાવતી વેળાએ જુવાનડાઓનો બખાળો વધી જતો તો તરત જ ભુવા બાપા ઊભા થઈને કહી જાતા, ‘ધીમે બોલો.’

એટલી વારમાં તો બધાયનાં ડાચાં મરેલી ઘો જેવા થઈ જાતાં, પછી એકેયનાં મોંઢામાંથી ઊંહકારોય નો નીકળે. પણ એ તો શાતવાર જ, ભુવા બાપા જેવો વાંસો વળે કે તરતોતરત હતા એવા ને એવા… નાક-કાન વગરના.

ચાના રંઘેડાની અડોઅડ વાતુંરસિયા, વાતુડિયાની પણ મંડળી જામી’તી. વચાળે ખોડચું (થડ-મૂળ સહિતનું જૂનું લાકડું) ધીમે ધીમે બળતું ને ફરતા ફરતા સાકડમોકડ ગોઠવાઈને જમાવી દીધી’તી.

આ લોકોનું ધ્યાન નકરું વાતુંમાં જ હતું એવું માનતા હો તો તમે ખોટા. આ લોકો સાવ નાખી દીધા જેવા નો’તા. હા… એ ખરું કે, અલકમલકની ઉખાળતા પણ હારોહાર ભજન સરવાણીમાં સમ ખાવા પૂરતી ચાંચ બોળી લેતા, “આ કોણ ગાય સે? તબલસી કોણ સે? ફલાણો ગાશે તો તો મોજ આવશે… ફલાણું ભજેન ગાશે તો જામો પડશે.” અને ભજન પૂરું નો થયું હોય ત્યાંજ જજમેન્ટ આપી દેતા એય વગર માંગ્યે…આટલા તો આ લોકો પરોપકારી હતા.

ક્યારેક વચાળે કોક શિખાઉ કલાકાર કે ઉંમરલાયક ગાતું હોય તો એને તો સાવ વખોડી જ નાખતા, “એ…આને કોક મોંઢે દાટો ભરાવો…” હજી આટલું માંડ એક જણ બોલી રહ્યો હોય કાં બીજો બોલે,  “તંય સુ કયુનો આદુ ખાઈને મંડાણો સે… એની કરતાં તો મને ભાળીને મારો પાડોય સારું ગેંગરે સે.”

વળી પડખેથી બીજો બોલે, “આજ તો આને માથું પકવ્યે પાર કર્યું…” વળી પાછો બીજો બોલ્યા વગર થોડો બેઠો રે? એય હાલતી ગાડીએ ચડી જાય, “તેં હાલીમવાલી મંડી જ પડ્યા સે ઈની જાતનાં, કલાકર થાવું કાંઈ નાનીમાના ખેલ સે કાંઈ?”

વાતવાતમાં વચાળે હસી લેતા ને કોઈ ભાળતું-સાંભળતું નથી એ જાણી પોતે ધાડ મારી હોય એવો ગર્વ અનુભવી લેતા. પોતે જ પોતાનો અંગૂઠો ધાઈને ચરણામૃત લઈ લેતા.

ભજનમંડળીમાં ખરેખર ભજન સાંભળવા બેઠેલાને ખોડચાનો સહારો લેવાની ક્યાં જરૂર હતી? એ તો “દલ દરિયામાં  ડૂબકી દેના મોતી લેના ગોતી…” ભજનના શબદથી તાપી રહ્યા’તા. ભજનનોય રંગ હવે જામ્યો ‘તો. ઓડિયન્સમાંથી ક્યારેક કોક હાકલો પડકારો થાતો રે’તો. કોક કોકનાં ડોકાં તાનમાં ડોલ્યે જાતાં. કોઈ વળી ઊંચો હાથ કરી ગાનારને બિરદાવતા. ભજનના શબદ અડખેપડખે પોતાની મેળે પ્રભુત્વ જમાવી દેતા.

“ભજેન વિના મારી ભૂખ નૈ ભાગે….
સમરણ વિના મારી તલપણ જાય રામા…”

ગાનાર અજબ છટાથી ગાઈ રહ્યો’તો, ને સાંભળનાર સૌ કોઈ એવા તો આનંદમાં આવી ગ્યા’તા કે, શું ટાઢ ને શું ઊંઘ ? કાંઈ ખબર જ નો હોય જાણે.

એક વ્યક્તિ ગાઈ લે એટલે તરત બીજાનો વારો. ભજન પૂરું થાય એટલે તરત જ ફાઈસ્ટર હોટલમાં નો હોય એવી સર્વિસ સેવાભાવિક જુવાનડાઓ આપતા.

ભજન વિરામ આવે કે તરત પાણી ભરીને દોડી જતા, પાછળ ચા માટે વાટકા આપતા જાય એની વાસોવાસ ચાની કીટલી ફરતી… બસ… હં… રાખો… હઉં… – નો કે’ ત્યાં લગી ચાની કિટલીનું નાળચું ઊંચું નો થાય…પછી ભલેને વાટકો છલકાતો… ચા પાણી પીધા પછી નવો કલાકાર ભજન ગાઈને ઓડિયન્સને ભજન સરવાણીમાં ઝબોળિયાં ખવરાવે.. વળી પાછા જૈ હો… હરિ હરિ… ઓહોહો… ભલે ભલે… બાપો બાપો…ના હાકલા પડકારા સાલું થાતા, ધીમે ધીમે નૈ બે-ણ ખેતરવાં છેટે કોઈ પાણી વાળતું હોય એનેય બરોબર સંભળાય એમ, પણ આવી હૈયાઠાર ટાઢમાં ન્યા કોણ હોય?

ઠેઠ અડધી રાત થયે જૈ બોલાવી, ભજનને વિરામ આપી બધું સગેવગે કરી લેતા. પથારી વાટ જોતી હશે એમ માની મેં આડેઅવળેથી પગરખાં ગોતી પગમાં નાખ્યાં. બીજી બીક એ કે, ક્યાંક વાતુંયે ચડી જાશું તો સવાર ક્યારે પડશે એની કાંઈ ખબર્ય નૈ રે, ને બીજા દિ’નું કામ રઝળી પડશે.

એક કોર ભજન બંધ થયાં એટલે ટાઢેય તોડિયા વસોડિયા સાલું કરી દીધા. હાલો હવે ઘર ભેગા. હવે ભલું કરે ભગવાન.

~ નીલેશ ગોહિલ
nileshgohil714@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment