સમૂહ ગાન ~ કવિઃ ઉદયન ઠક્કર (જન્મ તારીખઃ૨૮/૧૦) ~ સ્વરકારઃ અમર ભટ્ટ

૨૮ ઓક્ટોબરને રોજ, આજે, ગુજરાતી ભાષાના અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક સક્ષમ, કવિ શ્રી ઉદયનભાઈ ઠક્કરને “આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો તરફથી જન્મદિવસની વધાઈ આપતાં, હું જયશ્રી મરચંટ અત્યંત આનંદ અનુભવું છું.

આપણા જાણીતા ગાયક અને સ્વરકાર તથા અગત્સ્ય ફાઉન્ડેશનના સ્થાપક, શ્રી અમરભાઈ ભટ્ટએ આજે ઉદયનભાઈના જન્મદિને આ ગીત મને સ્વરબદ્ધ કરીને મોકલ્યું.

અમરભાઈ ઉદયનભાઈ માટે લખે છેઃ 

“‘કેળવણીથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જીવથી કવિ’ એવા કવિ ઉદયન ઠક્કરનું એક ગીત માણો- ‘સમૂહગીત’. વિષય સ્વયંસ્પષ્ટ છે. ઉદયન ઠક્કરની સર્જનાત્મકતાના મને હંમેશાં આકર્ષ્યો છે-

‘અવાજ વિરુદ્ધ અવાજ’, ‘પાંડોબા અને મેઘધનુષ’, અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત, ‘કાકારેકુ’ – કેટકેટલી કવિતાઓ યાદ કરું? આજે આ સ્હેજ જુદા પ્રકારનું મારું સ્વરનિયોજન માણો.”

સમૂહ ગાન / કવિઃ ઉદયન ઠક્કર (જન્મ તારીખઃ૨૮/૧૦)

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદી જી!

અવાજ ૧ :
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યાં છે
અટકળની આ વાત નથી, મેં થોડાં થોડાં ચાખ્યાં છે….
ઠેર ઠેર એની કાયામાં વમળ-વર્તુળો ઊઠે છે
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી

અવાજ ૨ :
મોડું-વ્હેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે
જળસમૂહને એક છોકરી તણખ્ખલાથી ખાળે છે
દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે?
મીણનો જથ્થો નષ્ટ થશે, પણ અજવાળાંઓ ફેલાશે

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી

અવાજ ૩:
શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે!
રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે!
જાણે પંખી ડાળ મૂકીને, જાત હવામાં ફેંકે જી
અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી

કવિઃ ઉદયન ઠક્કર
સ્વરકારઃ અમર ભટ્ટ
ગાયકોઃ આલાપ દેસાઈ, પ્રહર વોરા, દેવર્ષિ સોનેજી
વાદ્યસંગીત નિયોજકઃ પ્રહર વોરા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ઉદયનભાઈનો એક નોખો અવાજ, નોખી ભાત છે. આ ગીત પણ એની સાબિતી છે. કવિને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ.