ગાડી જીવનની બે પાટા પર ચાલે છે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

મુંબઈની ઍક્વા મેટ્રો લાઈનનો આરે JVLRથી કફ પરેડ સુધીનો પૂરો માર્ગ ૯ ઑક્ટોબરે જનતા માટે શરૂ થયો. પહેલા જ અઠવાડિયે ૧૨.૮૨ લાખ મુસાફરોએ સવારી કરી.

કફ પરેડથી ઍરપોર્ટ માત્ર ચાલીસ મિનિટમાં પહોંચવું એ મુંબઈગરા માટે અલાઉદ્ની કા જાદુઈ ચિરાગ જેવું છે.

ગ્લોબલ કશાની ઍક્વા મેટ્રો નિમિત્તે આજે લૉકલ-વંદના કરીએ. ગીતા પંડ્યા મુંબઈ લૉકલની ક્ષમતા-વિષમતા દર્શાવે છે…
જિંદગીની ટ્રેન અચરજ એમ કરતી રહે છે
અંતરાયો લાખ આવે મસ્ત ફરતી રહે છે
મુંબઈની જાન લૉકલ, પણ ગજબનું જીવન
જિંદગી જીવાડતી ને, `જાન’ હરતી રહે છે
લૉકલ ટ્રેનમાંથી પડી જવાને કારણે કે પાટા ઓળંગતા અકસ્માતને કારણે છેલ્લા બે દાયકામાં બાવન હજાર લાકોએ જીવ ગુમાવ્યો છે. આજે પણ રોજ સાતથી દસ માણસ કમોતે મરે છે.

ગુજરાતથી આવતા મુલાકાતીઓ મુંબઈની લૉકલ ટ્રેન જોઈને હેબતાઈ જાય છે. રશ અવર્સમાં બે માણસ પણ ન ચડી શકે એવી સ્થિતિમાં એમની નજર સામે જ પંદર-વીસ જણ ટ્રેનમાં ચડી જાય.

લટકીને જવું પડે તોય જવાનું એ આ શહેરની તાસીર નથી, કરુણતા છે. મિતુલ કોઠારી વાસ્તવિકતા બયાં કરે છે…
ગામ ને શહેરનાં ફાંટા પર ચાલે છે
ગાડી જીવનની બે પાટા પર ચાલે છે
ફેર ટિફિન અને ભાતનો છે ફક્ત
કોઇ જાજમ, કોઇ કાંટા પર ચાલે છે
હોય તહેવાર સરખા બધાનાં, છતાં
કોઇ હલવા, કોઇ સાટા પર ચાલે છે
છોને સૌને ચમકતું દીસે બહારથી
મારી ભીતરનું ઘર વાટા પર ચાલે છે
ફિલસૂફી શાંતિની સાચી, પણ જિંદગી
આગગાડીનાં ઘુઘવાટા પર ચાલે છે
આગગાડી કોલસાથી ચાલતી. એ પછી ડિઝલ ઍન્જિન આવ્યા. હવે ઈલેક્ટ્રિક ઍન્જિન આવી ગયા છે. યુવા પેઢીની ભાષામાં કહીએ તો વંદે ભારત અને મેટ્રો ટ્રેનમાં તો ઍન્જિનનો કન્સેપ્ટ જ `નીકાળી’ કાઢવામાં આવ્યો છે.

કોલકત્તા, દિલ્હી, લંડન, ન્યુ યૉર્ક જેવા શહેરોની મેટ્રોમાં સફર કરનારને મુંબઈ આવવા સગર્વ આમંત્રણ છે. આગામી ત્રણેક વર્ષમાં અનેક મેટ્રો લાઈન મુંબઈને મળેલું `મોહમયી’ બિરુદ વધારે સાર્થક કરશે.

ભારતી વોરા `સ્વરા’ કહે છે એવી આશા ચોક્કસ ફળવાની છે…
તુંય જ્યારે ટ્રેન થઈને ગુજરે છે
મારી પંખી જેમ પાંખો ફફડે છે
રાહ જોઉં જેમની વર્ષોથી હું
આવશે એ, આંખ આજે ફરકે છે
સાઇકલમાં બેસનારી આવશે
દિલ હવે તો ઘંટડી થઈ રણકે છે
ઊડે ઊંચે, આવવાનું નીચે છે
આ વિમાનો અમથા નભને ગજવે છે
લાખો વૃક્ષોએ શહીદી વ્હોરી છે
ટ્રેન એના કર્મ ફળથી ધ્રૂજે છે.
આવતાં મોડું થશે પણ આવશે જ
બા બળદગાડામાં બેસી આવે છે
મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂના અને નાગપુરમાં મેટ્રોસેવા ચાલે છે. ગુજરાતમાં અમદાવાદમાં મેટ્રોસેવા વિસ્તરી રહી છે તો સુરતમાં ૪૦ કિલોમીટરને આવરતી સેવા ૨૦૨૭માં શરૂ થવાની ધારણા છે.
વડોદરામાં મેટ્રોનો પ્રસ્તાવ કેન્દ્રીય મંજૂરીની રાહ જોઈ રહ્યો છે તો રાજકોટમાં વિચાર પ્રારંભિક તબક્કે છે. બળદગાડા અને ઘોડાગાડીમાં પ્રવાસ કરનાર; આયુષ્યના સાતમા-આઠમા દાયકામાં વિહરનાર પેઢી માટે આ કદાચ આશ્ચર્ય લેખાય. એકવીસમી સદીમાં જન્મેલી પેઢી માટે આવી સુવિધા સહજ લેખાય. મુસાફરીમાં સગવડ અને સમયની બચત ઉમેરાય એ આવશ્યક છે. અલ્પા વસાની વાત લૉકલ ટ્રેનનો લાડકવાયો કે લાડકવાયી વિશેષ સમજી શકશે…
ચાર, બે કે તઇણ પૈડાની સવારી જોઈએ
ના મળે તો ચાલવાની પણ ખુમારી જોઈએ
ઇચ્છેલું કયાં કોઈને સીધ્ધું મળે છે આ જગે
સીટ ચોથી બેસવાની પણ ઠગારી જોઈએ

કોરોના પહેલા અને પછી જીવનશૈલીમાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. કોરોના પહેલા લૉકલ ટ્રેનમાં ચોથી સીટમાં અડધુંપડધું કે ઊભડક બેસવું સ્વાભાવિક હતું. કોરાના પછી ચોથી સીટ પર બેસવાની પરંપરા લગભગ લુપ્ત થવા આવી છે. એક તરફ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો સંદેશ અર્ધજાગૃત મનમાં હજી ક્યાંક જાગૃત છે; તો બીજી તરફ ચર્ચગેટથી બોરીવલી વચ્ચેનો ધસારો પ્રમાણમાં ઓછો થયો છે. જે હોય એ, ચોથી સીટ પર બેસીને અનેક ગઝલો રચવાનો અતીત વૈભવ વર્તમાનને રોમાંચિત કરે છે. ડૉ. ઈમ્તિયાઝ મોદી `મુસવ્વિર’એ શેરસ્થ કરેલી ચિંતનકણિકા માણવા જેવી છે…
ક્યારેક લોકલની ઢબે, ક્યારેક ઝડપી ટ્રેનમાં
પ્રારબ્ધમાં જે છે લખાયું, તે તને મળશે જ ને

લાસ્ટ લાઈન
હું એટલુંય સત્ય ન સમજી શક્યો હજી
કે, ટ્રેન જિંદગીની હું ખુદ હાંકતો નથી
એક ખાસિયત મને ગમી એની, એ લો કહું
-સીટી એ મારતી રહે, સઘળી વ્યથા ત્યજી
મનમાં સ્મરણ રહ્યું નહીં એ વાતનુંય કે
ગાડી ઊભી ન રહી શકે સિગ્નલ મળ્યા પછી
એ ધ્યેય કેમ પ્રાપ્ત કરી ના શકે? કહો
પાટા મૂકીને ક્યાંય એ ભાગી નથી જતી
વિભિન્ન પ્રકૃતિના મુસાફર મળે છે રોજ
એક જ લઢણનાં વ્યક્તિઓ મળતાં નથી કદી
ગંતવ્ય-સ્થાન હોય બધાંનું સમાન, તોય
એક સૂએ ટેસથી, તો બીજો ટૂંટિયું વળી
`નિઃસ્વાર્થ’ ડ્રાઇવર છે પ્રભુ, એટલે જ તો
કોઈ ટિકિટ વગર, મેં મફતમાં સફર કરી
~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા `નિઃસ્વાર્થ’
‘વાહન’ વિષય સંબંધિત મુક્તક-ગઝલ-શેર
૧.
કોઈ દયા ન દાખવે લાચાર જોઈને
ખાલી સડક વટાવી મેં બે-વાર જોઈને
થોડાક હીનભાવથી પેડલ ઘુમાવ્યું નહિ
સામેથી આવતી હતી એ કાર જોઇને
~ ડૉ. પ્રણય વાઘેલા
૨.
સાવ ખીચોખીચ રીક્ષા હોય છે
માણસાઈની પરીક્ષા હોય છે
કેમ ઊંડા ના ગયા એ ધ્યાનમાં?
શુ સપાટીની જ દીક્ષા હોય છે?
~ રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’
૩. મુંબઈની લોકલ ટ્રેન
કામ માટે રોજ ભોરે જાગતી આ જિંદગી
ને સમય સાથે રહીને દોડતી આ જિંદગી
ગાય ગરબા નોરતે ને વારતહેવારે કથા
ટ્રેનમાં મુંબઈ સમાવી, નાચતી આ જિંદગી
પેટ માટે વેઠ કરતા, કેટલા માણસ અહીં
સ્વપ્નને આંખે સજાવી, હાંફતી આ જિંદગી
માંડ લીધો શ્વાસ ત્યાં તો લાગતા ધક્કા સતત
માનવીની ભીડ વચ્ચે, થાકતી આ જિંદગી
રોજના અંધારમાં આવી હવે છે રોશની
આવતા મેટ્રો અહીં જો ભાગતી આ જિંદગી
~ કમલેશ શુક્લ
૪. મેટ્રો ટ્રેન
પૂરઝડપે દોડતી આ મેટ્રો ટ્રેન
દ્વાર ઑટો ખોલતી આ મેટ્રો ટ્રેન
આખી મુંબઈની છે લાઇફલાઈન એ
એકબીજાને જોડતી આ મેટ્રો ટ્રેન
એસીમાં જીવને મળે રાહત ઘણી
છાપ સુંદર છોડતી આ મેટ્રો ટ્રેન
આવશે આગળ કયુ સ્ટેશન હવે?
એવુ પણ સંબોધતી આ મેટ્રો ટ્રેન
રૂલ્સ પણ ફૉલો કરે છે એ બધા
ક્યાં નિયમ પણ તોડતી આ મેટ્રો ટ્રેન?
~ શિલ્પા શેઠ ‘શિલ્પ’
૫.
પાદરે ના હો બળદગાડા હવે
પાથર્યા છે ટ્રેનના પાટા હવે
ફેર પડતો પણ નથી માનવ તને
વૃક્ષ કાપીને કર્યા રસ્તા હવે
કારમાં એસી કરી યાત્રા કરે
મંદિરે ના જાય પગપાળા હવે
બાગમાં બસ ફરવા જાવું છે રહ્યું
શ્હેરમાં ક્યાં છાંયડા જડતાં હવે?
પાસ મેટ્રો નો કઢાવ્યો છે મેં તો
રોજે રિક્ષાના વધ્યા ભાડા હવે
ભાવ જે પેટ્રોલ નો વધતો હતો
અંતે ઈ-બાઈક લઈ ફરતાં હવે
માથા પર હેલ્મેટ પહેરી રાખવી
રોડ પર થ્યા છે બહુ ખાડા હવે
બાંધે પુલ ત્યારે તું પ્રશ્નો પૂછે નૈ
ટોલ ફી ભર દોઢ ને ડાહ્યા હવે
~ સંજયસિંહ બી જાડેજા, જામનગર
૬. માનવી
ચાર વાગે ઊઠીને દોડ્યા કરે છે માનવી
ભીડમાં એ જાતને પીસ્યા કરે છે માનવી
આંખમાં હો ઊંઘ તોયે એ ઢસડતો જાતને
પાંચ દસની ટ્રેનને પકડ્યા કરે છે માનવી
સ્વપ્ન જેવું આંખમાં આંજયા પછી આખું જીવન
એ જ લોકલ ટ્રેનમાં ભાગ્યા કરે છે માનવી
આમ તો સાથે જતા હો રોજ મેટ્રોમાં છતાં
આંખમાં નહીં, ફોનમાં તાક્યા કરે છે માનવી
બેઉ છેડા જોડવા, દોડ્યા પછી થાકી જઈ
પાસબુકને જોઈને હાંફ્યા કરે છે માનવી
~ ડૉ. ભૂમા વશી
૮.
મારા વિચાર ટ્રેનની માફક પસાર થાય
ફાટક ઉપર ઊભેલ હું જોતો રહું છું રોજ
~ મહિમ્ન પંચાલ
૭. છુટ્ટા શેર
છે ભલે મુંબઈની લોકલ ટ્રેન જેવી જિંદગી
માની લીધી છે મેં ચાર્ટર્ડ પ્લેન જેવી જિંદગી
***
વૃક્ષો કરે છે અરજી સુણજો નગરપતિઓ
ના કાઢજો નિકંદન મેટ્રો ઉગાડવામાં
***
એના લગ તેથી જ ક્યાં પહોંચાય છે
તું ‘અહમ્’ની ‘કાર’ લઈને જાય છે
***
સોંપ્યું મેં સ્ટિયરિંગ લે આ તારા હાથમાં
મારાં જીવનની તું હવે હંકાર કાર દોસ્ત
~ રાજેશ હિંગુ
vah…jordar. tamam mitrone abhinann …….