સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 6 ~ દર્દના દરિયામાં સુકૂનના દ્વીપ ~ ડૉ. ભારતી રાજીવ રાણે

(શબ્દો: ૩૧૫૪)

‘ઝાતરી વિશે તો હું અગણિત વાતો કરી શકું. ત્યાં વિતાવેલ એકેએક દિવસ મારા મનમાં એવો તો કોતરાઈ ગયો છે, કે તે ક્યારેય ભૂંસાશે નહીં. બધું કહેવું તો શક્ય નથી, પણ આ છેલ્લી બે-ત્રણ વાત નહીં કહું તો ઝાતરીનું ચિત્ર અધૂરું રહી જશે.

ઝાતરીમાં દુઃખોના દરિયા વચ્ચે પણ હળવાશના, મિત્રતાના, અને માનવીય સંવેદનાના ટાપુ હતા જ. એમાંનો એક ટાપુ હતોઃ મૈત્રીનો.

હિલ્ડા તો પહેલેથી જ મારી બહેનપણી હતી, તેમાં કૅમ્પની હૉસ્પિટલનો ડૉક્ટર રૈહાન ભળ્યો હતો. જોતજોતામાં અમારી દેસ્તી એવી જામી કે, જાણે અમે ત્રણેય એકબીજાંને યુગોથી ઓળખતાં ન હોઈએ!

દરરોજ સાંજે પોતપોતાનાં કામથી પરવારીને અમે મળતાં. ઘણુંખરું હિલ્ડા અને હું હૉસ્પિટલ જતાં અને અમે ત્રણેય કલાકો સુધી ડૉક્ટરના ડયૂટીરૂમમાં બેસતાં.

દિવસ દરમિયાન મને કે હિલ્ડાને, જેને સમય મળે તે ત્રણેય માટે કશુંક સરસ ખાવાનું બનાવે. એને પૅક કરવાનું લંચબોક્સ પણ નક્કી જ હતું. ખાવાનું એમાં ભરીને હૉસ્પિટલ જવાનો અમારો લગભગ રોજીંદો ક્રમ હતો. ક્યારેક રૈહાન પણ સેન્ડવિચ, સૂપ, સલાડ એવું કાંઈક બનાવી રાખતો.

એ કહેતો, ‘તમે સ્ત્રીઓ છો એટલે ખાવાનું બનવવાની ફરજ તમારી જ, એ તે કેવું? અમને પુરુષોને પણ એ આવડવું જ જોઈએ. ઍટલિસ્ટ મને તો આવડે જ છે.’

‘એમાં સ્ત્રી-પુરુષનો સવાલ નથી. જેને સમય મળે તે બનાવે. તું અમારા બંને કરતાં વધારે અગત્યનું કામ કરી રહ્યો છે, એટલે તારો સમય નાસ્તો બનાવવાને બદલે દરદીઓને સારા કરવામાં વપરાય તે જ ઠીક.’

‘હું નાનો કીકલો હોઉં એમ મને સમજાવો નહીં!’ કૃત્રિમ છણકો કરતો એ નાસ્તાને ન્યાય આપતો.

હું આસપાસના લોકો સાથે એમની આપવીતી વિશે વાતો કરીને આવતી, ત્યારે વધુ પડતી ભાવુક થઈને ઉદાસ થઈ જતી. હિલ્ડાનો સ્વભાવ એવો તીખો કે, પોતાનું ધાર્યું ન થાય ત્યારે અકળાઈને ઉશ્કેરાઈ જાય. એનો આક્રોશ સાતમા આસમાને પહોંચતાં વાર ન લાગે. રૈહાન પાસે અમને બંનેને શાંત કરવાની જડીબુટ્ટી હતી.

‘યાર, તારી પાસે તો બધા દુઃખની દવા છે. કેટલી શાંતિ થઈ ગઈ મનમાં!’ હિલ્ડા કહેતી.

‘શાંતિ તો તારા મનમાં છે જ. તું એને ઊંડેઊંડે દબાવી ન મૂકતી હોય તો!’ રૈહાન હિલ્ડાને કહેતો. જરાક અંતર રાખીને ડૉક્ટર અમારા મનના હર દુઃખની દવા કરતો.

અમારા ત્રણેય વચ્ચે અનેક વિષય ઉપર વાતો થતી. પાતપોતાના દેશને, વિશ્વભરના રાજકરણની આંટીઘૂંટીની, ઝાતરીનાં લોકોની, વ્યાવસાયિક અનુભવોની, બાળપણની મસ્તીની, વીતેલી જિંદગીના ખાટામીઠા પ્રસંગોની, આદર્શોની, માન્યતાઓની, વિચારોની, ભવિષ્યની કલ્પનાઓની, સફળતાઓની, નિષ્ફળતાઓની, સંતોષની, અસંતોષની, મનમાં ચાલતી ગડમથલની…

અમારા માટે કોઈ પણ વિષય અછૂતો નહોતો. એકબીજાં પ્રત્યેની સહૃદયતાથી અને ખુલ્લા દિલના સંવાદથી અમે એકબીજાંની હાજરીમાં સલામતી અનુભવતાં અને પોતપોતાના મનનું સમાધાન શોધી શકતાં. રોજબરોજ બનતા રમૂજી પ્રસંગોની વાતો અમે કરતાં ત્યારે હાસ્યની છોળો ઊડતી રહેતી. સુખદ હતો એ સાંજનો સમય.

એક દિવસ હિલ્ડાએ રૈહાનને મારા જીવનમાં બનેલી કરુણ ઘટનાની વાત કરી. કાયમ સ્વસ્થ અને મક્કમ દેખાતા રૈહાનનો ચહેરો ઉદાસ થઈ ગયો. એની આંખોમાં ભીનાશ તરવરી આવી. મારા માથા ઉપર હાથ મૂકીને એ કહેવા લાગ્યોઃ

‘હું કલ્પના પણ નહોતો કરી શકતો કે, તું મનમાં આટલું બધું દુઃખ સંઘરીને બેઠી હોઈશ! તારી જાતને ભરપૂર સમય આપજે. સમય બધા જ ઘાવ રૂઝવી શકે છે.’

હિલ્ડા કહે, ‘હું તો સિન્થિયાને કહું છું, જરાક મન હળવું થાય એટલે બીજો કોઈ સાથી, જીવનસાથી કે બૉયફ્રેન્ડ શોધી લેજે. કાંઈ નહીં તો તારા મૉમ-ડૅડની પસંદગીના છોકરા સાથે પરણી જજે. શી શૂડ મૂવ ઑન.

સામે બહુ લાંબી ઉંમર પડી છે. એમ એકલાં-એકલાં રસ્તો નહીં કપાય. પણ આ પાગલ તો કહે છે, મારા માટે એની યાદ જ પૂરતી છે. હવે મારા જીવનમાં સાથી તરીકે કોઈ પણ પુરુષને સ્થાન નથી. હું જિંદગીભર કુંવારી જ રહેવા માગું છું!’

‘સલાહો આપીને એને પજવીશ નહીં. એને પોતાની મેળે આઘાતમાંથી બહાર આવવા દે. મન બીજા કોઈને ન સ્વીકારે એ આજના સમય માટે સ્વાભાવિક છે. ભવિષ્યમાં વિચારો બદલાઈ શકે.

મારું તો એટલું જ કહેવું છે કે, જડ માન્યતામાં કે પોતે સર્જેલી કેદમાં બંધાઈશ નહીં. દરેક શક્યતા માટે મન ખૂલ્લું રાખજે. અને છેલ્લે પોતાનું મન કહે, મન કરતાંય વધારે હૃદય કહે, તેમ જ કરજે.’  ડૉક્ટરનું ઠરેલપણું અને હિલ્ડાનો સ્નેહ મારા ઘાવ ઉપર મલમનું કામ કરતા.

ઝાતરી છોડયા પછી મારી અને ડૉ. રૈહાનની એક વાર મુલાકાત થયેલી. ટી.વી.ના સ્ક્રીન ઉપર. મેં એને ઈન્ટરવ્યૂ માટે આમંત્રણ આપેલું. રૈહાને ઝાતરીની હોસ્પિટલના ડયૂટીરૂમમાંથી પોતાના લેપટોપ ઉપર ઈન્ટરવ્યૂ આપેલો. હું જ્યારે એની કામગીરીની અને પોતાની ફરજો પ્રત્યેના એના સમર્પણની મહાનતા વર્ણવવા લાગી, ત્યારે મને વચ્ચેથી અટકાવતાં એ કહેવા લાગ્યોઃ

‘તમે મને શરમિંદો કરી રહ્યાં છો. હું આટલી બધી પ્રશંસાને લાયક નથી. મને કાંઈક કહેવા દેશો, પ્લીઝ?’ કાયમ એકબીજાંને તુંકારો આપવા ટેવાયેલાં અમે બંને, જાહેરમાં કેવાં ડાહ્યાંડમરાં થઈને એકમેકને બહુવચનથી સંબોધી રહ્યાં હતાં! મેં એને બોલવા દીધો.

‘વહાલાં દર્શકો, જીવનમાં એક સમય એવો આવે છે, જ્યારે તમને તમારો રસ્તો સાફ દેખાવા લાગે છે. મનમાં નક્કર અહેસાસ થાય કે, આ જ, બસ, આ જ કામ કરવા માટે હું સર્જાયો છું! બસ, મને મારો રસ્તો દેખાયો એટલે મેં એના ઉપર ચાલવા માંડયું. એમાં કશું મહાન નથી.

રહી સમર્પણની વાતઃ મને ખાતરી છે કે, દુનિયાનો કોઈ પણ ડૉક્ટર પોતાનું કામ મારા જેટલી જ નિષ્ઠાથી કરતો હશે. પછી એ પ્રેસિડન્ટ ઑફ અમેરિકાની સારવાર કરતો હોય કે પછી ઝાતરીનાં નિરાશ્રિતોની. હા, એટલું ખરું કે ઝાતરીમાં કામ કરવામાં મને જે આનંદ અને આત્મસંતોષ મળ્યો, તેટલો કદાચ અમીરોની કે વગદારોની સારવાર કરનારને નહીં મળતો હોય!

મારી આપ સૌને નમ્ર વિનંતિ છે કે, હું જે કામ કરી રહ્યો છું તેમાં કોઈ મહાનતા ન જોશો. આજે હું અહીં આવ્યો છું, તે માત્ર એટલા માટે કે, ઝાતરીનાં મારાં લોકોનાં દુઃખ-દર્દ સાંભળીને જો કોઈનું હૃદય દ્રવશે, હિંસાનો ભોગ બનીને પોતાનું સર્વસ્વ ગુમાવનાર લોકોના દુઃખને હળવું કરવા જો કોઈ પ્રેરિત થશે, અને એમ દુનિયાને કોઈક ખૂણે મારા થકી કોઈનું પણ દુઃખ થોડું ઓછું થશે તો મારું પ્રસાર-માધ્યમ પર આવવું સફળ થયેલું માનીશ.

મનુષ્યજીવનની આવતી કાલ માટે હું બહુ આશાવાદી છું. જ્યાં સુધી મારા-તમારા જેવા સામાન્ય માણસના મનમાં અન્યોના દુઃખ-દર્દ પ્રત્યેની સંવેદના જીવતી રહેશે, ત્યાં સુધી બહેતર ભવિષ્યની આશા પણ જીવતી રહેશે…’

રૈહાનને સાંભળ્યા પછી મારે કાંઈ કહેવાનું બાકી રહેતું નહોતું. એ છે જ એવો! એની સાથે હોઈએ, ત્યારે કોઈ ઘટાદાર વૃક્ષના છાંયડે ઊભા હોઈએ, તેવું લાગે. રૈહાન આજે પણ ઝાતરીમાં રાત-દિવસ જોયા વગર સેવા આપી રહ્યો છે. કહો કે, ઝાતરી માટે એ આજીવન સમર્પિત છે.

છેલ્લે ઝાતરીના એક બુઝર્ગની વાત મારે તમને કરવી છે. એમની સાથે મારી ઓળખાણ ડેવિડે કરાવી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી સ્વયંસેવક તરીકે આવેલો ડેવિડ અનુવાદ માટેની મોબાઈલ  ઍપ બનાવી રહયો હતો, જેમાં કોઈના અરેબિકમાં બોલાયેલાં વક્યોનો તરત અંગ્રજી અનુવાદ મળે, જે વાંચવો ન પડે, સાંભળી શકાય.

આ ઍપના વોઈસ મૉડયુલેશન માટે તેણે જબીર અંકલનો અવાજ પસંદ કર્યો હતો. જબીર અંકલ વિદ્વાન હતા, અને તેઓ અરેબિક અને અંગ્રેજી બંને ભાષા ઉપર સારો કાબૂ ધરાવતા હતા.

હું ડેવિડ સાથે વારંવાર એમને ત્યાં જતી, અને એમની વાતો સાંભળતી. એમના વિચારો અદ્ભૂત હતા. ત્યાંની ભાષામાં જબીરચાચા એમ બોલવું હોય તો આમૂ જાબીરૂન એમ કહેવું પડે, પણ હું તો એમને ‘જે. અંકલ’ અથવા જબીરચાચા કહીને જ બોલાવતી.

ઝાતરીનાં લોકોની જિંદગીઓ નિહાળીને અને એમની કથાવ્યથા સાંભળીને મારાં મનમાં અનેક પ્રશ્નો ઊઠતા. એ તમામ હું જબીરચાચાને પૂછતી.

જબીરચાચાની કહાણી પણ હૃદય વલોવી નાખે તેવી હતી. એમને ઝાતરી આવવું નહોતું. એક નિર્મમ હત્યાકાંડમાં આખા કુટુંબમાંથી અંકલ અને એમની પુત્રવધૂ બે જણ જ બચી ગયેલાં. અંકલને ઘર, શહેર, કે દેશ છોડવો નહોતો. એમની ઈચ્છા હતી કે, પોતાના મહોલ્લામાં જ રહીને બચી ગયેલાંની મદદ કરતા રહે. મોતની હવે એમને પરવાહ નહોતી.

પુત્રવધૂ રોઝારીટા કહે, ‘અબ્બાજાન, ચાલો હિજરત કરી જઈએ.’

ચાચા કહે, ‘બેટા, હું તને આઝાદ કરું છું. તું આ લોકો સાથે ચાલી જા, અને નવી જિંદગી શરૂ કર. હું અહીં જ સારો છું. તારી અમ્મીજાનની કબ્રને જોઈને દિવસો પૂરા કરીશ.’

સસરાજીની વાત સાંભળીને રોઝારીટા પોશપોશ આંસુએ રડી પડી.

‘તમારા આશરા વગર હું ક્યાં જાઉં, અબ્બા? મને પીંખી નાખશે આ બધા! એકલી મોકલવા કરતાં તો મને ઝહર લાવી આપો, અને ઘરનાં બધાં સાથે દફનાવી દો. અલ્લાહને વાસ્તે મને એકલી ના છોડતા, અબ્બા, તમારે પાઁવ પડું છું!’ રોઝારીટા કરગરવા લાગી.

રોઝારીટાની આજીજી સાંભળીને જબીરચાચા પીગળી ગયા, અને તેને લઈને એક કાફલાની ઓથમાં દિવસો સુધી પગપાળા ચાલતાં-ચાલતાં અહીં ઝાતરી આવી પહોંચ્યા. ઝાતરી આવ્યા પછી રોઝારીટાને એક લાયક યુવાન સાથે પરણાવીને રૂખસદ કર્યા પછી, ચાચા એકલા જ રહેતા હતા.

હું જબીરચાચાને પૂછતી, ધર્મના નામે ઈન્સાન કેટલું લોહી રેડશે? પોતાના જાતે નક્કી કરેલા હક્કાબ, માન્યતાઓ, જીદ, ઈગો, બધું ઈન્સાનને કેમ એટલો આંધળો બનાવી દે છે કે, માસૂમ યતીમોની અને બેવજહ ઉજડેલા કુટુંબોની વેદના એને દેખાતી જ નથી! આનો કોઈ ઉપાય બતાવો, ચાચા!

જવાબમાં અંકલ જે. કહેતા, માણસના મનમાં ઘર કરી ગયેલા આક્રોશનું આ પરિણામ છે. અંગત જિંદગીના અસંતોષોનો વિસ્ફોટ! આજના ઈન્સાનની મહત્વાકાંક્ષા બહુ મોટી છે, અને મહેનતને નામે મીંડું. પરિણામ ઘોર અસંતોષ!

બડા અફસોસની વાત છે કે, ઈન્સાનને પ્રેમ કરતાં પહેલાં નફરત પચી જાય છે. નફરતનો ઉફાન માણસ ઉપર નશાની જેમ હાવી થઈ જાય છે. એને આંધળો બનાવી દે છે. શેતાનોને ઈન્સાનની આ કમજોરીનો લાભ ઉઠાવતા બરાબર આવડે છે. ઈન્સાનને ઉશ્કેરવો આસાન છે. એને અમનપરસ્ત કરવો એટલો જ મુશ્કેલ છે.

એક વાર મેં ચાચાને પૂછેલું : ‘માણસ એકલો હોય, અથવા પોતાના કુટુંબ સાથે હોય, ત્યારે એને જોઈને કલ્પના પણ ન આવે કે, ટોળામાં એજ વ્યક્તિ હૈવાન બની જશે! ખાસ કરીને કૂમળી ઉંમરનો છોકરો એકલો હોય, ત્યારે કેવો માસૂમ લાગે! પણ ટોળામાં જાય ત્યારે એને શું થઈ જતું હશે? કેવી રીતે એના મગજ ઉપર હિંસા સવાર થઈ જતી હશે? નફરતભર્યા ટોળામાં ભળી જાય પછી લોકો મનુષ્ય મટીને લોહી તરસ્યા હૈવાન બની જાય – એવું કેમ થતું હશે, ચાચા?

જે વરસો સુધી સહન કરે છે, તેનો વિસ્ફોટ અથવા તો દબાયેલાં- કચડાયેલાંનો ક્રાંતિકારી અવાજ કહીને હિંસાને જસ્ટીફાય કરનારાની સંખ્યા ઓછી નથી. પણ આ સ્વયંભૂ નથી. ગણતરીપૂર્વક એમને ઉકસાવવામાં આવે છે. કોઈને હિંસક બનાવવું એક આગ છે. એ આગમાં કૂમળા જીવોને હોમીને માણસજાતને શું મળશે? ઉપરવાળા જેવું કોઈ હોય, તો મને સમજાવશો કે, એણે આખેઆખી માનવજાતને આવી કેમ બનાવી?’

મારા મનનો આક્રોશ જોઈને જબીરચાચાની આંખોમાં અમી ઊભરાઈ આવ્યું. મારા માથા ઉપર હાથ મૂકીને એમણે કહ્યું, ‘શાંત થઈ જા, બેટી, આટલો ઉશ્કેરાટ તારી સૈહત માટે સારો નથી.

નાસમજ છે, નાદાન છે એ બધા! એમને ખુદને ખબર નથી, એ શું કરી રહ્યા છે! તારા સવાલનો જવાબ એક જ છે કે, આનો એકમાત્ર ઉપાય પ્રેમ, એખલાસ અને ભાઈચારાની ભાવના છે. બદલાની ભાવના ભૂલીને એખલાસની ભાવના આપણાં બાળકોને, જુવાનિયાંને અને મોટેરાંને શીખવી શકીએ, ત્યારે બુઝાય આ આગ!

જવાનીના જોશને યોગ્ય દિશામાં વાળનાર મસીહા ન જાગે ત્યાં સુધી ગેરમાર્ગે દોરાયેલાં ટોળાંના સિતમ સમાજ પર વરસ્યા કરશે. હા, રાજકીય માન્યતાઓનો ટકરાવ હોય છે, જે અત્યારે ચરમસીમા ઉપર છે.’

‘પણ ચાચા, મને નથી લાગતું કે, ઝાતરીમાં અત્યારે વસતો કોઈ પણ ઈન્સાન રાજકારણ સાથે જોડાયેલો હોય. કોણ રાજા, કોનું શાસન? એ બધી વાત સાથે એમને શી નિસબત? બે ટંકની રોટી અને કિલ્લોલ કરતા કુટુંબથી વધારે શું જોઈતું હતું, આ લોકોને? એવાં બધાંની નિર્મમ હત્યા, નિર્દોષોની પણ! એ ક્યાંનો ન્યાય?’

‘સત્તાધીશોની મહત્ત્વાકાંક્ષા, પાગલપન અને વિકૃત માનસિકતાનો ભોગ બેકસૂર અવામ સદીઓથી બનતી આવી છે. હરએક સરઝમીં, હરકોઈ વક્તની તફ્તીશ કરી જો. ઇતિહાસ ગવાહ છે, એક યા બીજા રૂપે આ બનતું જ આવ્યું છે. આપણે નહીં બદલીએ, ત્યાં સુધી ઈન્સાનની આ જ તકદીર રહેશે.

આ અને આવા બીજાં લાખો માયૂસ નિરાશ્રિતોને સિર્ફ દો વક્તની રોટી અથવા રહેવાનો આશરો આપવાથી નહીં ચાલે. આ વણજાર સર્જાતી અટકે એ માટે તારી પેઢીએ કાંઈક કરવું પડશે.

તમારી કલમો, તમારી વાણી, તમારાં કાર્યો, તમારા વિચારો, એને વ્યક્ત કરતા અવાજો, બધું બુલંદ કરવું પડશે. દુનિયાભરની અચ્છાઈઓ હાથ મિલાવી શકશે, ત્યારે આ કાયનાત ઉપર જન્નત ઊતરી આવશે.

ગહેરા અફસોસની વાત તો એ છે કે, બુરાઈઓ બહુ જલ્દી એકમેકને સાથ આપી શકે છે, જ્યારે અચ્છાઈ ઝટ એકજૂટ થઈ શકતી નથી. કેમ આવું થાય છે? – એ સવાલ તેં તારી જાતને અથવા સમાજને પૂછયો છે ક્યારેય? તમારી કેળવણી પાસે, યુનિવર્સિટીઓની તાલીમ પાસે, તારા પત્રકારત્વ પાસે જાવાબ છે, આ વાતનો?’

‘આખાય વિશ્વની સમસ્યા સામે અમે તો બહુ નાનાં છીએ. માની લઉં કે, સમસ્યાના સમાધાન માટે અમારી યુનિવર્સિટીઓ પણ અધૂરી પડે, પણ યુગોનું વૈશ્વિક ડહાપણ, જેની ધરોહર આપણા હાથમાં છે, તેનું શું?

હજારો વર્ષથી જે વિભૂતિઓ, પયગંબરો, ઋષિમુનિઓ, વિચારકો, આર્ષદૃષ્ટાઓ, જે બોધ આપી ગયા; વેદ, પુરાણ, કુરાન, બાઈબલ, હદીથ, અને એવા ગણ્યાં ગણાય નહીં તેટલા ગ્રંથોમાં વ્યક્ત થયેલું જ્ઞાન; એના પ્રણેતાઓની વિચારધારા, બુદ્ધ, મહાવીર, વિશ્વામિત્ર, અગત્સ્ય, સોક્રેટીસ, પ્લેટોના આદર્શો; વિશ્વભરમાંથી સદીઓનો સંચિત શાંતિ અને સંવાદિતાનો અવાજ, બધું જ મુટ્ઠીભર રાજ્યકર્તાઓના હુંકાર સામે કેમ ઝાંખું પડી જાય છે?

કેમ દુનિયા માત્ર હિંસક હુંકારને સાંભળે છે, પરંતુ સહસ્રાબ્દિઓના શાણપણને અને શાંતિના સંદેશને સાંભળતી નથી? મુટ્ઠીભર સિતમગારોના અવાજ સામે કેમ અમનનો એક પણ અવાજ ઊઠતો નથી? શું ઈન્સાનિયત ઈતિહાસ પાસેથી ક્યારેય કાંઈ શીખતી નહીં હોય?’

‘તું ઈતિહાસમાં ઝાંકી જો! સમંદરની લહેરોમાં જેમ ભરતી-ઓટ આવ્યા કરે છે, તેવું જ આખી કાયનાતની ઈન્સાનિયતનું છે!

અમુક સદીઓમાં ઈન્સાન લોહી તરસ્યો થઈને કહેર વર્તાવે, પરસ્પર કપાઈ મરે; પછી અમુક સદીઓ ભાઈચારાની અને એખલાસની આવે, ત્યારે બધું એવું શાંત થઈ જાય કે, સૌને લાગે કે, માનવજાતના ઊજળા દિવસો આવ્યા! અને પછી સમય બદલાતાં બધું ફરી એક વાર લોહિયાળ બની જાય. ઉપર-નીચે ફરતી ઘટમાળ જેવું!

આ મરવું-જીવવું, હિંસા-અમન, બધું ફર્યા કરે. ઈતિહાસ પાસેથી સબક શીખવાની કોઈનીય નીયત નથી, એનો જ અફસોસ છે, બેટા! આ બધું લાચાર થઈને જોયા કરવું પડે, એ આપણી બદનસીબી છે.’

‘આમાં શું થઈ શકે? આપણે શું કરી શકીએ, ચાચા?’

‘જરાતરા બચી રહેલી ઈન્સાનિયતની પરવરીશ કરવા સિવાય, આપણે કરી પણ શું શકીએ? તું જ્યાં પણ જાય, ત્યાં આ નેક કામ કરતી રહેજે. બેટી, તને દિલની દુઆઓ સાથે નિયામતુન (આશિર્વાદ) દઈ રહ્યો છું. ખુદા તને કામયાબી બક્ષે! અલ્લા હાફિઝ!’’
*
જબીરચાચાની સમજાવટથી કે પછી પોતાના મગજનો કોઈ પણ તર્કથી મારા મનનું સમાધાન થઈ શકતું નહોતું. પ્રશ્નો મનમાં ભૂતાવળની જેમ ભટકતા રહેતા.

મને બિલકુલ સમજાતું નહીં કે, એક મનુષ્ય બીજા મનુષ્યના લોહીનો તરસ્યો કેમ બની જતો હશે? કોઈની જિંદગી તહસનહસ કરીને શું મળતું હશે, સિતમગારોને? કોઈ પણ પશુ, પક્ષી, અરે! હિંસકમાં હિંસક પ્રાણી પણ પોતાના જાતિભાઈનો જીવ લેતાં નથી, આ મનુષ્ય જ કેમ આટલો ક્રૂર બની શકતો હશે?

દોષીઓની અથડામણોમાં લોહી તો નિર્દોષોનું જ વહે છે, એ ક્યાંનો ન્યાય છે? મનુષ્યમાત્રની શું આજ નિયતિ છે? જીવનનાં નગ્ન સત્યો જીરવવાં અઘરાં છે. હું એ સહી શકતી નથી, તેમ એનાં તરફથી મોં ફેરવી લઈ પણ શકતી નથી. આ આગના દરિયામાં મારે તરવું જ રહ્યું!
*
સિન્થિયાએ આ વાતો કરી, તે તમામ એપિસોડમાં સતત ઝાતરીના કેમ્પની તસવીરો પાશ્ચાદ્ભૂમિકામાં દેખાડવામાં આવી. ઝાતરી વિશે વાત કરતાં અનેક વાર સિન્થિયા ભાવુક બની જતી. એની આંખોમાં આંસુ તરવરી આવતાં, પણ ફરી સ્વસ્થ થઈને એ બોલવા લાગતી.

હિંસા પ્રત્યેનો એનો આક્રોશ અને કત્લેઆમનો ભોગ બનેલાં નિર્દોષ લોકો પ્રત્યેની એની કરુણા પ્રેક્ષકોનાં હૃદયને સ્પર્શી ગઈ.

વિગ્રહ કે આંતરવિગ્રહ હોવા જ ન જોઈએ, એવા લોકમતની લહેર સમાજમાં દોડી ગઈ. દુશ્મનદેશોની હસ્તી મિટાવી દેવાનો હુંકાર કરતા ચર્ચાપત્રો લખનારા કે ટેલિવિઝન ઉપર બદલાની ભાવનાભર્યો અભિપ્રાય આપતા લોકો વિચારતા થઈ ગયા. હિંસાની તરફેણ કરનારા જરાક ટાઢા પડયા. દુશ્મનાવટને બદલે એખલાસનો અને સમન્વયનો વિચાર સૌને શાતાદાયક લાગ્યો.

લોકોને સિન્થિયા શાંતિદૂત જેવી લાગી. લોકહૃદયમાં જાગેલો એ અહેસાસ ક્ષણજીવી હોઈ શકે, પણ એ ક્ષણોમાં તો સિન્થિયા સંવાદિતાની સંવાહક બનીને લોકોનાં મન ઉપર છવાઈ ગઈ હતી.
*
સિન્થિયાની વિચારશૃંખલા ન તૂટે એ માટે છેલ્લા બે ઍપિસોડનું રેકોર્ડિંગ એક જ દિવસે કરવામાં આવ્યું હતું. એમાં ઑડિયન્સ તરીકે વિવિધ ધર્મોના ધર્મગુરુઓને બોલાવવામાં આવેલા, સાથેસાથે પોલિટિક્સના વિદ્યાર્થીઓ અને હ્યુમેનિટીઝના પ્રૉફેસરોને પણ આમંત્રણ અપાયાં હતાં.

સિન્થિયા ઈચ્છતી હતી કે, આ બાબતમાં સમાજ ઉપર વગ ધરાવતા લોકોનો અભિપ્રાય લેવામાં આવે, અને તેને પ્રસારિત કરવામાં આવે, તો એનાંથી એક વૈચારિક આંદોલન ઊભું કરી શકાય. અમુક લોકોને તેણે અગાઉથી જાણ કરી હતી કે તેમને ચોક્કસ સમય ફાળવવામાં આવ્યો છે, જ્યારે હાજર રહેલ બાકીની દરેક વ્યક્તિને કહેવામાં આવ્યું કે, તેમને પ્રશ્ન પૂછવા અથવા પોતાના વિચાર વ્યક્ત કરવા એક મિનિટનો સમય આપવામાં આવશે.

પોતાની વાત પૂરી કરતાં પહેલાં સિન્થિયાએ એ તમામની હાજરીની નોંધ લેતાં સૌનું અભિવાદન કર્ય઼ું. અગ્રગણ્ય લોકોની ઓળખાણ પોતે આપી અને કહ્યું કે,

‘આજે આપ મને તો પ્રશ્ન પૂછી જ શકો છો, પણ એ પહેલાં મારે આપને પૂછવું છે કે, શું સામાન્ય મનુષ્યની વ્યથાઓને કોઈ ધર્મ હોય છે? હીંસક અથડામણો થાય ત્યારે એનું કારણ ગમે તે હોય, કોઈપણ સાચું કે ખોટું હોય, કોઈ એક પક્ષ કે પછી બંને પક્ષ દોષી હોઈ શકે, પણ સરવાળે સહન કોણ કરે છે?

આ ખૂની ખેલમાં જેમનાં જીવન વગર કારણે રોળાઈ જાય છે, તે સામાન્યજનનું શું? વૈશ્વિક સમાજના સભ્ય તરીકે એમાં આપણા સૌની કોઈ જવાબદારી નહીં? વિશ્વમાં ક્યાંય પણ એ બને, શું એ આપણી વૈશ્વિક ચેતનાનો એક અંશ નથી? આપણે સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરીશું કે પછી એમાં આપણે શું? કહીને શાહમૃગવૃત્તિ દાખવીશું?

ઝાતરીના કેમ્પને સિરિયનોએ હુલામણું નામ આપ્યું છે, ‘સલામ નેઈબર!’ પાડોસી તરીકે જોર્ડન જે કાંઈ કરી રહ્યું છે, તે સલામને પાત્ર છે જ.

હું સ્વીકારું છું કે, વૈશ્વિક રાજકરણમાં મારો કોઈ અવાજ નથી. માંધાતાઓના મનને હું સમજી શકવાની પણ નથી. હું દુનિયામાં કોઈ મોટું પરિવર્તન લાવી શકું તેમ છું, – એવી ગેરસમજ મારા મનમાં નથી. પણ મને લાગે છે કે, આપણે સૌ વિશ્વભરનાં સામાન્યજનના મનમાં એક ભાવના, એક ઓપિનિયન તો ક્રિએટ કરી જ શકીએ.

જો સામાન્ય મનુષ્ય પોતાના મનમાં બીજા મનુષ્ય માટેની નફરત પાળતો અટકશે, વિશ્વભરનાં લોકો બંધુત્ત્વમાં માનતા થશે, જો સૌના મનમાં શુભભાવના પ્રબળ હશે, તો મુઠ્ઠીભર સિતમગારોની શી વિસાત?

મારા વિચારો અપરિપક્વ હોઈ શકે, માટે જ આપ સૌને અહીં બોલાવ્યા છે. આપણી ચેનલના માધ્યમથી આપના અનુભવનો અને ડહાપણનો લાભ સૌને મળે અને આપણે સૌ મળીને લાંબા રસ્તા ઉપર પ્રકાશનું એકાદ કિરણ ફેલાવી શકીએ, તોય મારા માટે એ બહુ મોટી વાત હશે..’

તે દિવસે દરેક ધર્મના ગુરુઓ, તથા દરેક સ્તરનાં લોકો દિલ ખોલીને બોલ્યા. સૌના કહેવાનો સાર એક સરખો હતો. સૌએ માનવધર્મની તરફેણ કરી. સૌએ કહ્યું કે, તેઓ ઝાતરીની વાતો સાંભળીને અત્યંત દુઃખી થયા છે. સૌએ કહ્યું કે, વિશ્વબંધુત્વની ભાવનાનો વ્યાપ વધવો જોઈએ અને એ માટે સૌ પોતપોતાની હેસિયત પ્રમાણે હૃદયપૂર્વક પ્રયત્ન કરશે.

માત્ર એક વિદ્યાર્થીનેતાનો મત જુદો હતો. જોશપૂર્ણ અવાજમાં તે કહેવા લાગ્યોઃ

‘તો પછી અન્યાયનો બદલો લેવા કોઈએ લડવાનું જ નહી? કાયર બનીને બેસી રહેવાનું? ક્રાંતિ થોડો ભોગ તો લેવાની જ. ઉજળી આવતી કાલ માટે સૂકા ભેગું થોડું લીલું બળે તેનાથી કેટલો ફેર પડવાનો?’

સિન્થિયાનો ચહેરો લાલ થઈ ગયો. ઉશ્કેરાયેલા અવાજમાં તે બોલીઃ

‘કઈ ક્રાંતિની વાત કરો છો તમે? કોણ સાચું ને કોણ ખોટું એનો ન્યાય કોણે તોળવાનો? શસ્ત્રોના બળથી અત્યાચાર કરનારા, અને એમાંય જે વધારે બળવાન હોય, તે નક્કી કરશે કે પોતે કરે છે તે ન્યાયનો માર્ગ છે કે નહીં? અને સાચા કે ખોટા કોઈપણ જૂથને નિર્દોષોનાં લોહી રેડવાની અને કોઈનાં સ્વજનોના જીવ લઈને કુટુંબોનાં કુટુંબોને નિરાધાર કરી દેવાની સત્તા કોણે આપી?

શું આવા નિર્દોષોની સલામતી માટે ટહેલ નાખવી એ ધર્મમાર્ગ નથી? જે વિશ્વના દરેક પ્રશ્નનો જવાબ તોપ-બંદૂકનાં નાળચાં જ આપી શકતા હોય, તેવા વિશ્વને હું મારું ઘર કહેવાનો ઈનકાર કરું છું.

તમે તમારા ઘર પરિવાર સાથે સલામત છો, એટલે આવી વાતો કરી શકો છો. કોઈ વાર સિવિલ વૉરમાં હાથ કે પગ ગુમાવી બેઠેલ અનાથ બાળકની આંખોમાં ઊંડે નજર નાખી જોજો. જો એમની આંખોમાં આંખ મેળવી શકો તો ફરી આવજો અહીં, આપણે ફરી એક વાર ધર્મ-અધર્મની ચર્ચા કરીશું.’

સિન્થિયાનો પુણ્યપ્રકોપ જોઈને ઑડિયન્સ આખું સ્તબ્ધ થઈ ગયું. બે-ચાર ક્ષણ પછી જાણે સૌની અભાન અવસ્થા તૂટી હોય તેમ સ્ટુડિયો તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠયો. કાર્યક્રમના સમાપનમાં સિન્થિયા કહેવા લાગીઃ

‘આજે આ વાત અહીં જ પૂરી કરીશું. જીવનની કીતાબનાં કેટલાંયે પાનાં આશાભરી પ્રતીક્ષામાં રાહ જોઈ રહ્યાં છે કે કોઈ એમાં સચવાયેલી ભાવનાઓને ઉકેલે.

સંજોગવશાત્ ઝાતરીનું કામ મારે ઉતાવળે આટોપવું પડેલું. ઝાતરીમાં આઠ મહિના રહ્યા બાદ હું અમેરિકા પાછી ફરી. ત્યારેય મને ક્યાં ખબર હતી કે, દૂર વસેલી મારાં પૂર્વજોની ધરતી મને પોતાના તરફ ખેંચી રહી હતી?

ઝાતરીથી પાછી ફરી, એ વાતને મહિનાઓ વીતી ગયા પછી એક વાર ભારતની ધરતીએ મને સાદ કર્યો, અને તેના જવાબમાં ગણતરીની પળોમાં જ અહીં આવી વસવાનો નિર્ણય લેવાયો.

દરેક વસ્તુનો એક સમય આવતો હોય છે. એવો સમય જ્યારે બધું સહેલું બની જાય. પલક ઝપકતાં સપનાં સાચાં પડી જાય અને તમને વિશ્વાસ પણ ન આવે કે તમારા જ જીવનમાં આ બધું બની રહ્યું છે!

હું અહીં આવી પછીની મારી હકીકત તો તમારી નજર સામે જ છે. આ વરસોમાં તો આપ સૌ મારી સાથે જ રહ્યાં છો એટલે સ્પાર્કલ- સ્ટ્રીમ ટી.વી. ચેનલના વરસોનું સરવૈયું આપવાની ક્યાં જરૂર છે? પણ મેં મારા પ્રાણપ્રિય મિત્રને ગુમાવ્યો અને હું અહીં આવી એ વચ્ચેના સમયની વાત, મારી જિંદગીના ટર્નિંગ પોઇન્ટની વાત બરાબર સમજવી હોય તો વચ્ચે આપણે બીજી એક વ્યક્તિની વાત સાંભળવી પડશે.

એટલે હવે પછીના ઍપિસોડમાં હું નહીં, કોઈ બીજી વ્યક્તિ પોતાની વાત કહેશે. અત્યારે તો હું એટલું જ કહીશ કે, એમની અને મારી જિંદગી, ખરેખર તો તેમની, મારી, અને બીજી એક સ્ત્રીની જિંદગી એક દિવસ અકસ્માત્ જ અથડાઈ અને મારી લાઈફ બદલાઈ ગઈ! સૉ વેઈટ ફૉર અ ન્યૂ ગેસ્ટ ઈન ધ કમિંગ એપિસોડ ઑફ માય સ્ટોરી!..’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.