તાવડીવાજું ~ દિવાળી/ નૂતન વર્ષ નિમિત્તે લેખ ~ મધુ રાય
(૨૦૧૧માં લખાયેલો લેખ સાભાર પ્રસ્તુત છે)
શ્રી ગણેશાય નમઃ
આજે નવું વરસ છે. ઊઠયો ત્યારથી, કદાચ ઊંઘમાંથી જ, નવા વરસની મારી સ્મૃતિઓ મારા અવયવોમાં સળવળે છે. નાકમાં, ગળામાં, આંખમાં, જીભ ઉપર, કાનમાં, ચામડી ઉપર, નવા વરસનાં ખાસ શિશુ સંવેદનો મારા પીઢ મગજ ઉપર ટકોરા મારે છેઃ ઊઠો, ઊઠો, ચાર વાગી ગયા છે; દૂધે નહાવાનું છે, સંધ્યા કરવાની છે, નવાં ચડ્ડી બાંડિયું પહેરીને વડીલોને પગે લાગવા જવાનું છે.
દિવાળીની સીઝનમાં પિતાશ્રી રામાયણ મહાભારતના પ્રસંગોવાળાં, લાલ શાહીથી ‘નૂતન વર્ષાભિનંદન’નાં કાવ્યમય લખાણ છાપેલાં પોસ્ટકાર્ડ લઈ આવતા અને મારી પાસે સગાં સ્નેહીને લખાવડાવતા.
અમારા ઘરે ઘૂઘરા, મોહનથાળ વગેરે મીઠાઈઓ બનતી. મારા પિતાશ્રી કલકતાની એન્ગ્લો ગુજરાતી સ્કૂલમાં માસ્તર હતા. શાળા ઉપરાંત એક મારવાડી છાત્રનિવાસમાં નામું લખવા જતા અને પૈસાપાત્ર વિદ્યાર્થીઓને ઘરે ખાનગી ટયુશન આપતા.
તે રાહે તે તુલસીદાસ શેઠ નામે બડાબજારના એક શ્રીમન્તના બે પુત્રો જયન્ત અને અશ્વિનને તેમની ગદ્દીએ ભણાવવા જતા. એમના એક રેવાશંકર પંડયાજી નામે ગુમાસ્તા મારા પિતાજીના સ્નેહી હતા. કલકતામાં દેશી પેઢીને ‘ગદ્દી’ કહેવાનો રિવાજ હતો.
બડાબજારના બડતલા નામના વિસ્તારમાં તુલસીદાસ શેઠનું બહુમાળી મકાન હતું. એમાં વચ્ચોવચ્ચ પહોળો ચોક હતો અને ઉપર માળાઓમાં ચારે તરફ ફરતા કઠેડા હતા. અમારા મકાનમાલિકની માફક તે લોકો પણ ભાટિયા હતા ને હાલાઈ બોલીમાં બોલતા.

સૌથી ઉપરના માળે મોતીના મોર, સાથિયા, લાભશુભનાં તોરણોવાળું શેઠસાહેબનું ઘર હતું. તેની નીચેના માળે તેમના નોકરિયાતોનાં ઘર હતાં. તેનાથી નીચેના માળે એક વિશાળ ખંડમાં પથરાયેલી તેમની ગદ્દી હતી. તેમાં ચારે દીવાલોને સરસાં ડબલ ગાદલાં અને લાંબા ગોળ તકિયા ગોઠવાયેલા રહેતા.
રાચરચીલામાં દેશી ઢબનાં ઢાળિયાં, તિજોરી, પાણીનું માટલું, તેનો હાથાવાળો કળશિયો, તથા માણસોમાં મહેતાજી, ગુમાસ્તા, પટાવાળા વગેરે તેમ જ દીવાલો પર ગંજાવર ફ્રેમોમાં શ્રીનાથજી, હથેળીમાંથી રૂપિયાના સિક્કા ખેરવતાં લક્ષ્મીજી, મદુરાઈ મિલ્સનું કેલેન્ડર, ઓસમાન વીરાની કંપનીનું કેલેન્ડર વગેરે રહેતાં.
ખાસી મોટી સાઇઝનાં ફ્રેમ કરેલાં એ બે કેલેન્ડરોમાં વચ્ચે દેવદેવીનાં રંગીન પેઇન્ટિન્ગ અને તેની ચારે તરફ બાર મહિનાની તારીખોનાં કોષ્ઠક રહેતાં.
ગદ્દીમાં દિવસે પેઢી ચાલતી; સાંજે વલ્લભભાઈ માસ્તર જયન્ત અને અશ્વિનને ભણાવવા આવતા; અને રાત્રે વાંઢા ગુમાસ્તા ગદ્દીમાં સૂવા આવતા. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નાની મોટી દુકાનો હતી. સહેજ જમણી તરફ જતાં ‘સતનારાણ પાર્ક’ હતું, ત્યાં ભાંગ અને ઠંડાઈની મંડીઓ હતી. રસ્તે ચટાઈ પાથરીને ફૂલ તેમ જ પૂજાની સામગ્રી વેચતા ફેરિયા બેસતા.
તે સમયે તુલસીદાસ શેઠસાહેબના પુત્રોને ‘બાબાસાહેબ’ અને ‘નાના બાબાસાહેબ’ કહેવાનો રિવાજ હતો. તે રાહે તેમને ‘તમે’ કહેવામાં આવતું. દર દિવાળીએ તેમને ત્યાં રંગોળીઓ થતી, મીઠાઇઓ વહેંચાતી ને પુરબહારમાં ફટાકડા ફૂટતા. એકવાર એક ફટાકડો અશ્વિન બાબાસાહેબના હાથમાં ફૂટી ગયેલો, તે ખૂબ દાઝેલા.
નવા વરસે પિતાશ્રી મને વહેલો ઉઠાડતા. ગરમ પાણીની બાલટીમાં કળશિયો દૂધ રેડી હું નહાતો. પછી પિતામ્બરી પહેરી પિતાશ્રી સાથે બેસીને સંધ્યા કરતો. માતુશ્રી ગીતાપાઠ કરતાં. કેળાં, સફરજન, સાકરના દાણાવાળો પ્રસાદ લેવાતો.
માતાપિતાના ચરણસ્પર્શ બાદ તે દિવસે ખાસ નવાં ગંજીફરાક ને નવાં ચડ્ડી બાંડિયું પહેરવાનું થતું. નવા બાંડિયાના કડક કોલર ગળે ઘસાતા, તેના લાલ ઊઝરડા પડતા. કડક ચડ્ડી સાથળ પર ખરડાતી. હવામાં ફટાકડાની ગંધ રહેતી. અમારી દસ બાય દસની ઓરડીની તાજી પેઇન્ટ કરેલી ભીંતોમાંથી ટરપેન્ટાઇનની વાસ આવતી. તેમાં અગરબત્તી અને પ્રાઇમસ પર ઊકળતા કેસરિયા દૂધની સુગંધ ભળતી.
તે સમયે અમે કોઈ ચા નહોતાં પીતાં. સામાન્ય દિવસોમાં અમારા ઘરે પોલસનની કોફી બનતી. સપરમા દિવસોમાં કેસરિયાં દૂધ પીવાતાં. અમારા ઘરે દર નવા વરસે સૌથી પહેલાં મારા પિતાજીના ખંભાળિયાના સમયના વિદ્યાર્થી જમનભાઈ પગે લાગવા આવતા. દૂધ અને સૂકામેવાથી તેમનું સ્વાગત થતું.
જતાં પહેલાં જમનભાઈ મારા હાથમા એકાદ સિક્કો પકડાવતા જતા. તેવામાં મારા પિતાશ્રીના બીજા વિદ્યાર્થી ભાઈઓ પરસોતમમામા અને મગનમામા પગે લાગવા આવતા. તેઓ પણ કશીક મીઠાઈ કે નાની શી સોગાદ મારી માના હાથમાં આપતા જતા.
દરમિયાન અમે બાળકો બાજુના ફ્લેટમાં રહેતા મકાનમાલિક લક્ષ્મીદાસ કાકા અને જેવન્તી માસીને પગે લાગવા જતાં. માસી અમને કઢેલા દૂધનો કપ આપતાં અને કાકા એક રૂપિયો આપતા. ત્યારબાદ અમારી નીચેના માળે રહેતા બે જૈન કુટુંબોને પગે લાગવા જવાનું થતું, અને ત્યાં પણ દૂધ અને રૂપિયો મળતાં.
તે પછી પિતાશ્રીના મિત્ર ઠાકાકાકાની દુકાને પગે લાગવા જવાનું થતું. ઠાકાકાકાને હોઝિયરીનો બિઝનેસ હતો. તે મને જોઈને ખૂબ હરખાતા. પિતાશ્રીની રકઝક છતાં ઠાકાકાકા મને મુઠ્ઠી વાળવાનું કહેતા, અને મુઠ્ઠી વડે મોજાંનું માપ લઈ એક સરસ ગંજી ને બે મોજાંનાં પડીકાં ધરાર હાથમાં આપી દેતા.
આમ દયાશંકરકાકા, રેવાશંકરકાકા, તથા બીજા વિધવિધ સ્નેહીસંબંધીઓને પગે લાગી. એક એક કપ દૂધ પીતો પીતો, જે કાંઈ લાધે તે લેતો લેતો પિતાશ્રીની આંગળીએ હું આખરે બડતલાની ગદ્દીએ આવતો. ત્યાં તુલસીદાસ શેઠસાહેબના મોભા મુજબ ફરી ચાંદીના કટોરામાં એલચી, બદામપિસ્તા અને સાકરવાળું દૂધ મળતું.
દૂધ મને પચતું નહીં પણ દૂધથી તાકાત આવે જાણી હું જયાં જયાં પગે લાગવા જાઉં ત્યાં કઢેલાં દૂધના કપ ઉપર કપ પરાણે પીતો અને પછી ભોગવતો.
તુલસીદાસ શેઠના મુનીમ ચોપડામાં વલ્લભભાઈ માસ્તરનું નામ લખીને ચાંદીનો રૂપિયો મારા હાથમાં આપતા. બીજો કોઈ ગુમાસ્તો પિતાશ્રીના હાથમાં ધોતિયું કે સાડી કે કશાક વાસણની લહાણી આપતો.
એકવાર તે લહાણીમાં ઝમગમતા લીલા રંગનો જાડો ગરમ ધૂસો યાને બ્લેન્કેટ મળેલો. કોઈના કહેવાથી પિતાશ્રીએ તેમાંથી મારા માટે કોટપાટલૂનનો ગરમ સૂટ શીવડાવી આપેલો.
ધૂસાનો રંગ ચકમકતો લીલો હોવાથી આંખે ખૂંચતો હતો. તેનું કાપડ જાડું ને કાચકાગળ જેવું હતું તેથી તે ગળે, ગાલે ને હાથે ખૂંચતું હતું. શી ખબર કોની સલાહથી પિતાશ્રીએ તે જ જાડા ગરમ કાપડમાંથી નેકટાઈ પણ કરાવી આપેલી. કોઈના લગ્ન કે એવા કશાક મંગળ અવસરે હું નવાંનક્કોર ગંજી, ખમીસ, કોટપાટલૂન, મોજાં ને નેકટાઈ તેમ જ નવાનક્કોર પઠાણી સેન્ડલ પહેરીને ગયો હતો. પગમાં ડંખ પડેલા.
આ બધી વાતોને આજે અરધી સદી વીતી ગઈ છે. અમે પછીથી અમદાવાદ આવી ગયાં હતાં અને ત્યાં નવા વરસની નવી પ્રણાલી દાખલ થઈ હતી. શી ખબર તુલસીદાસ શેઠસાહેબ, બાબાસાહેબ, ઠાકાકાકા ને બીજા સ્નેહીઓ ક્યાં હશે, શું કરતા હશે.
હું આજે અમેરિકા છું. અહીં ત્રણ બહુમાળી બિલ્ડિન્ગોના કોમ્પલેક્સમાં સત્તરમા માળે એક સ્ટૂડિયો એપાર્ટમેન્ટમાં રહું છું.

બાજુમાં નુવાર્ક એવેન્યુ ઉપર ઇન્ડિયન મારકેટ છે. ત્યાં દર વરસે નોરતાંમાં ગરબા થાય છે; દિવાળી, નવા વરસની ધામધૂમ હોય છે. અત્યાર સુધી અમારા બિલ્ડિન્ગ કોમ્પલેક્સમાં ક્રિસમસ તથા યહૂદીઓના હાનુક્કાના તહેવારો ઊજવાતા હતા. હવે જોતજોતામાં આ ત્રણ મકાનોમાં ૪૦૦ જેટલાં ઇન્ડિયન ઘર થઈ ગયાં છે. તેથી આ વરસે પ્રથમવાર અમારા કોમ્પલેક્સમાં દિવાળી ને નવા વરસનો ઓચ્છવ છે.
અમારા બિલ્ડિન્ગમાં એક સ્પેનિશભાષી મ્યુનિસિપલ કોરપોરેટર રહે છે. તે તથા અમારા ગામના બ્લેક મેયર દિવાળી સેલેબ્રેશનમાં હાજર રહેશે. આજે કોમ્પલેક્સના કોમન એરિયામાં દીવાનાં તોરણ લટકાવાયાં છે. બાળકોને ‘પોની રાઇડ’નો લહાવો મળશે. બપોરે ઇન્ડિયન ફૂડ અપાશે. હિન્દી ફિલ્મોનાં ગીત વાગશે. સાંજે ગરબા ડાન્સ થશે.
દર વરસે હું દિવાળી કે નવા વરસે વિશેષ કશું કરતો નથી. સિવાય કે સાંજે રાહુલભાઈને ત્યાં જમવાનું હોય છે. આ વરસે ઘરઆંગણે આવું બધું છે તો આંટો મારવા કદાચ જઈશ. નવા વરસે જે કરીએ તે શુકન ગણાય. આજે નવું વરસ છે તો તુલસીદાસ શેઠસાહેબ, તેમનો આપેલો લીલો ધૂસો અને તેમાંથી બનાવેલાં સૂટ, નેકટાઈ યાદ આવી ગયાં.
ઘણા વખતથી કાંઈ લખાયું નથી. આજે આ લખાય છે. કદાચ આ નવા વરસના શુભ શુકન છે. કશુંક નવું લખાવાના શ્રી ગણેશ છે. સાલમુબારક, ડિયર ડાયરી!
“પ્રેમે લખી ઇ પત્રિકા સ્નેહથી સ્વીકારશો”
આટલું લખાણ ‘ગદ્યપર્વ’ને મોકલી આપેલું પરંતુ ગીતા ભરત નાયકે ઇ-પત્ર લખી ”લવિંગલી” આદેશ આપ્યો છે કે તે બેસતા વરસના દિવસે સાંજે ને રાત્રે શું કર્યું તે પણ વર્ણવો.
‘ગદ્યપર્વ’નો નવો અંક સિતાંશુ યશશ્ચંદ્ર, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, હરીશ મીનાશ્રુ, પ્રબોધ પરીખ, ભરત નાયક જેવા ‘ગુજરાતી ગદ્યના મહાન લેખકો’થી ખચિત હશે; તેમની હારમાં બેસી શકો તેવું લખજો. તે મિષે આ રેકર્ડની બીજી સાઇડ આ તાવડીવાજામાં મૂકું છું.
દિવાળીના ફંક્શન નિમિત્તે મકાનના કોમ્પલેક્સમાં સ્વીમિંગ પુલના દરવાજા પાસે મીનાર હોટલમાંથી તન્દૂર લાવી મૂકવામાં આવેલો. તેમાં ફરમાયશ મજબ રૂમાલી રોટી, નાન, સાદી રોટી વગેરે શેકાતાં હતાં.
ટારપોલીનથી ઢાંકી દીધેલા સ્વીમિંગ પુલના લાઉન્જમાં સખત ઠંડી હતી તેથી એક તાપણું મૂકવામાં આવેલું. તેની પાસે ફુલબ્લાસ્ટમાં હિન્દી ફિલ્મોનાં ગાણાં વાગતાં હતાં. એક બફ્ફે ટેબલ ઉપર શાકાહારી, ફરાળી તેમ જ ભમરાળી વાનગીઓ મૂકેલી.
ચોકમાં છડેછડા ભારતીય નર નારી એકબીજાને અડક્યા વિના બોલડાન્સ કરતા હતા. તેમાંથી અચાનક ભાંગરા ડાન્સ થઈ ગયો. એથી કેટલાક પીઢ નર્તકો નિવૃત્ત થઈ ભોજન તરફ વળ્યા. તેના જવાબમાં કેટલાંક બાળકો અચકોમચકો કરતા નાચવા લાગ્યાં.
મકાનના ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ જોન ટિનામેન ભાંગરા કરતા હતા. અમારા બિલ્ડિન્ગની એક ગોરી મહિલા બહાર ઊભી ઊભી આ બધું ઇલ્લિગલ છે બંધ કરો, બંધ કરો એવી મતલબના ફરફરિયાં બધાના હાથમાં આપતી હતી.
લાઉડસ્પીકરનાં ગીતોનો અવાજ બધું ઢાંકી દેતો હતો છતાં જે તેની પાસેથી પસાર થાય તેને તે ધૈર્યથી સમજાવતી હતી કે અમેરિકામાં પરદેશીઓ અને પરધર્મીઓએ જ દાટ વળ્યો છે! આ પ્રવૃત્તિની પાછળ કશુંક શયતાની કાવતરું છે!
પછી તે મહિલા તે પાપી પ્રવૃત્તિના ફોટા પાડવા લાગી. એસોસિયેશનના પ્રમુખ જોન ટિનામેને તે મહિલાને તેની સાથે ડાન્સ કરવા ઇજન મોકલ્યું. તે ચાલી ગઈ તો ટિનામેને મને નાચવા ઇશારા કર્યા. એક રૂપાળી યુવતીએ કહ્યું, કમોન, અંકલ! અને સપરમા દિવસે પિત્તો ગુમાવવો પડે (‘અંકલ!’) તે પહેલાં મેં રાહુલભાઈના ઘરની રાહ લીધી.
રાહુલભાઈ શુક્લ નામે વાર્તાલેખક ન્યુ જર્સીના વોરન ગામમાં હાથીદાંતનો બનાવેલો હોય તેવા નમણા બંગલામાં રહે છે. આમ તે સફળ ઉદ્યોગપતિ છે. તેમના પિતાશ્રી ભાનુભાઈ શુક્લ સુરેન્દ્રનગરથી ‘સમય’ નામે અખબાર કાઢે છે.
રાહુલભાઈ તથા મીનાભાભી એમના પુત્ર આકાશને તેમ જ મને દર બેસતા વરસે બ્રિજવોટર ગામે આવેલા બાલાજી ભગવાનના ભવ્ય મંદિરે પગે લાગવા લઈ જાય છે. દર વરસની માફક મંદિરે હરનિશભાઈ અને હંસાભાભી પણ આવ્યાં હતાં. હરનિશભાઈએ દૂરથી એક માણસને બતાવીને મને કહ્યું કે આ માણસ સુનીલ દત્તના સ્ટૂડિયોમાં સત્યનારાણની કથા કરવા ગયો હતો.
રાહુલભાઈ પ્રભુ દર્શન પછી અમને બધાંને તેમના નમણા આલિશાન બંગલામાં લઈ આવે છે. દર વખતની માફક આ વરસે પણ તેમના નાના ભાઈ રાજેન, તેનાં પત્ની નેહા, બે લવલી બાળકીઓ જૂહી અને જિયા; મોટીબહેન રેખાબેન, ભાણેજ અસિત, તેની પત્ની અપેક્ષા, તેમ જ ટચલી આંગળી જેવી તેમની ત્રણ બેબલીઓ રિયા, રેશમા ને રોશની, પણ આવેલાં. મિત્રોમાં હું તથા હરનિશભાઈ. કેમકે એક જમાનામાં તેમના પિતાશ્રીને ત્યાં ઉમાશંકર, સુંદરમ્, જેવા સાક્ષરો આવતા તેમને જોઈને રાહુલભાઈને થતું કે એક દિવસ મારે પણ સાક્ષર મિત્રો હશે. એમ કહી રાહુલભાઈ પત્ની સામે જોઈને આંખ મારે છે.
હું જ્યારે જ્યારે ભારત આવું છું ત્યારે કોઈ સંસ્થા ભાષણ કરવા બોલાવે તો કેવું સરસ, એવી અભિલાષાથી આવું છું. બાલાજીના આશીર્વાદથી કોઈ કોઈ વાર તે અભિલાષા પૂર્ણ પણ થાય છે. તે સબબ મને અવારનવાર શાલ દુશાલા કે ખાદીભંડારના હસ્તનિર્મિત ગરમ ઘૂસા યાને બ્લેન્કેટ લાધે છે, જે મારી બહેનો શશીબહેન, વિનુબહેન, માતુશ્રી વિજિયાબહેન કે પછી બાંધવી પ્રેરણા લઈ લે છે. પરંતુ ગયા વરસે એક સરસ કચ્છી ધૂસો મળેલ હોવાથી તુલસીદાસ શેઠસાહેબને યાદ કરીને તે ધૂસાની નેહરુ જાકિટ બનાવડાવી લાવ્યો છું, જે આજના સપરમા દિવસે પહેરી હતી.
રેખાબહેન તે જાકિટ જોઈ છક્ક થઈ ગયાં. હવે ઇન્ડ્યા જાઓ ત્યારે મારે માટે આવી જાકિટ કરાવતા આવજો કહીને તેમણે બહુ જ ખુશાલી દર્શાવી. તેથી મેં ”આ જ રાખી લો ને,” એવો આગ્રહ કરીને તેમને પહેરી જોવા સમજાવ્યાં. તેમણે પહેરી જોઈ; પરંતુ રાખી લેવાની ના પાડી.
રાહુલભાઈના પાર્ટી હોલમાં એક તરફ સ્ટેજ છે; સામી ભીંતે સિનેમાના પરદા જેવડો સ્ક્રીન છે; આ તરફ પગ લાંબા કરી બેસી શકાય તેવું ઓડિટોરિયમ છે. રાહુલભાઈને ફિલ્મોનો શોખ છે, તેથી ઓડિટોરિયમની ભીંતે ભીંતે નૂતન, નરગિસ, મધુબાલા તથા દેવાનંદ, ગુરુદત્ત વગેરે સિનેતરકોની ભીંત સાઇઝની છબીઓ છે.
એક ભીંતે પચાસેક નાની નાની ફ્રેમોમાં બિલ ક્લિન્ટન, મધુ રાય વગેરે સેલેબ્રિટીઝ સાથે રાહુલભાઈ-મીનાબહેનના ફોટા છે. એક ખૂણામાં દેશ-વિદેશનાં રંગબેરંગી રમ્ય દ્રવ્યોથી શોભીતો ‘બાર’ છે. બાર પાસે ઊભા ઊભા રાહુલભાઈ અને હાસ્યલેખક હરનિશભાઈ સામસામે ‘ગાઇડ’ ફિલ્મના ડાયલોગ બોલતા હતા. તેમના કહેવા મુજબ તે ફિલ્મ ઓલટાઇમ ગ્રેટ ફિલ્મ હતી.
હું તે સાંભળવા જાઉં ત્યાં તો અસિતભાઈની બે બેબલીઓ રિયા અને રેશમા મારો એક-એક હાથ પકડીને મને સ્ટેજ તરફ લઈ ગઈ. ત્યાં રાજેનભાઈ કેરિયોકીની સંગત સાથે ફિલ્મી ગીત ગાતા હતા. રેશમાએ મને ગાવા માટે આગ્રહ કર્યો. મેં રકઝક કરી તો બંનેએ મારા હાથ ખેંચીને મને એક સીટમાં બેસાડી દીધો ને પછી ખિલકિલ ખિલકિલ કરતાં કરતાં મારી જાકિટ ઉપર તબલાં વગાડવા લાગી. તેથી તેમનાં મમ્મી અપેક્ષાબહેન તેમને વઢવા આવ્યાં.
વઢી લીધા પછી તેમણે મને કહ્યું કે તે મારી બુક વાંચી રહ્યાં છે. તે મને ગમ્યું. બેબલીઓએ આંખો ફાડીને મને પૂછ્યું, હેં, તું બુક શા માટે લખે છે? તે પણ બહુ ગમ્યું. રાજેનભાઈનું ગીત પૂરું થયા પછી આકાશ ગાવા લાગ્યો. આકાશે માણસની હાઇટ વધારવાના ઇલાજ ઉપર અંગરેજીમાં એક બુક લખી છે.
ટેબલ ઉપર મેક્સિકન હાઉસ-મેઇડ ખંતથી જમવાની વાનગીઓ ગોઠવવા લાગી. જમવામાં ગોળ તેમ જ ખાંડથી બનાવેલા ચૂરમાના લાડુ, બાસૂદી, ખીર, પેંડા, બરફી અને બુંદી હતાં. વરખવાળાં ચમચમ પણ હતાં પણ વરખ બનાવવામાં પ્રાણીહિંસા થાય છે તેવું જાણ્યા પછી હું વરખવાળી મીઠાઈ ખાતો નથી.
વાલની તથા મસૂરની દાળ હતી. શાકમાં ઊંધિયું, દૂધીચણા અને છોલે હતાં. ફરસાણમાં મેથીના ગોટા, મૂઠિયાં, ઢોકળાં તેમ જ વીંટલા ખાંડવી હતાં. પ્લસ પ્લેન રાઇસ કે કેસર બિરયાનીનો વિકલ્પ હતો. રુચિ મુજબ પુરી, રોટલી, રોટલા તથા થેપલાં પણ ઉપલબ્ધ હતાં. અથાણાં, કચુંબર, પાપડ, ફરફર, ગુવારની કાચરી ઇત્યાદિ તો હોય જ.
જમ્યા પછી મીનાબહેન પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ઠાંસી ઠાંસીને પુરી, બાસુદી, ઊંધિયું, દાળ, ભાત વગેરે ભરી આપે છે, જે મને ચાર ટંક સુધી તૃપ્ત કરશે. હું આભાર માનું છું. જવાનો દેખાવ કરું છું. મીનાબહેન કહે છે, ખાલી આભારથી નહીં ચાલે. બધાએ ગાવાનું છે.
માફકસર દ્રવ્યસેવન તેમ જ ચિક્કાર ભોજન બાદ બધાંએ કેરિયોકી સંગીત સાથે ગીતો ગાવાનાં હતા. મેં પણ માઇકલ જેકસનની સ્ટાઇલથી ચેનચાળા કરતાં કરતાં એક ગીત ગાયું. હંસાબહેને કહ્યું કે મને તો અસ્સલ રેકર્ડ વાગતી હોય તેવું સૂરીલું લાગ્યું. તે બી ગમ્યું.
યજમાનના કમ્પયુટરમાં નવાં પુરાણાં હજારો ફિલ્મી ગાણાં છે. કેરિયોકીનું સોફ્ટવેર છે. તેમાંથી સિલેક્ટ કરો એટલે તે ગાણાના વર્ડિંગ કમ્પયુટરની સ્ક્રીન ઉપર આવે ને તેનું સંગીત લાઉડસ્પીકર ઉપર આવે. તમારે સ્ટેજ ઉપર ચડીને હાથમાં માઇક પકડીને સ્ક્રીનમાંથી વાંચી વાંચીને ઓરિજિનલ મ્યુઝિક સાથે ગાવાનું. બહુ ફાઇન લાગે. તમને થાય કે મૂકેશ તમારી પાસે પાણી ભરે.
ઓઓઓઓ સુનો મગર યે કિસીસે ના કહેનાહ /
તિનકે કા લેકર સહારા ન બહેનાહ
બિન મૌસમ મલ્લહાર ના ગાનાહ /
આધી રાત કો મત ચિલ્લાનાહ
વરના પકડ લેગા પુલ્લિસ્સ વાલાહ /
ટુણ ટુણ, ટુણ ટુણ દિલ કા હાલ સુને દિલ વાલાહ
madhuthaker@yahoo.com દિવાળી, ૨૦૧૧
ઝીણવટભર્યું ને ઉમદા વાહ.