‘ અમેરિકામાં સાહિત્યિક પ્રવૃત્તિ ‘ ~ રાજુલ કૌશિક
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
અરદેશર ફરામજી ખબરદારની આ રચના ત્યારે જેટલી યથાર્થ હતી એટલી જ આજે છે અને આવતીકાલે પણ રહેશે.
વ્યક્તિ ક્યાંય પણ જાય એનાં અસ્તિત્વની ઓળખ એની માતૃભાષા. વર્ષોથી કેટલાય ભારતીયોએ ભારત બહાર અન્ય દેશો તરફ પ્રસ્થાન આદર્યું. આશરે ૧૯ મી સદીના પ્રારંભથી ભારતીયોએ પોતાનાં ઉજ્જ્વળ ભાવિ માટે અમેરિકા પર પસંદગી ઉતારી. જ્યારે અમેરિકા કે અન્ય દેશોમાં પહોંચ્યાં હશે ત્યારે તો માત્ર સ્થાયી થવા માટે, જીવન જરૂરિયાતને પ્રાથમિકતા આપી હોય એ સ્વાભાવિક છે. સમય જતા સ્થિરતા આવી તે પછી કદાચ ઈતરપ્રવૃત્તિ કે પોતાના શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું હશે.
અન્ય દેશોની જેમ અમેરિકા આવીને વસેલ ગુજરાતીઓ વિવિધ ક્ષેત્રમાં નામ અને ખ્યાતિ પામ્યાં, પણ અત્રે વાત કરવી છે અમેરિકાસ્થિત ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોની.
અમેરિકાનાં અનેક રાજ્યોમાં થતી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવવા પ્રયાસ કર્યો જેમાં કોલંબિયા ડિસ્ટ્રીકના નિવૃત્ત ચીફ ફાયનાન્સીયલ ઓફિસર અને વર્લ્ડ બેંકના સલાહકાર તેમજ સાહિત્યકાર શ્રી નટવર ગાંધીએ નોંધેલી એક ઘટનાથી આરંભ કરીએ.
શ્રી નટવર ગાંધીએ જણાવ્યું છે તેમ, ‘૧૯૭૭ માં ભારતથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા, ત્યારે એમણે એવું સૂચન કર્યું કે અહીંના સાહિત્યરસિકોએ વારંવાર મળવું જોઈએ અને સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. એ સૂચનને ધ્યાનમાં લઈને અહીંના થોડાંક સાહિત્યરસિક મિત્રોએ ‘ગુજરાતી લિટરરી અકાદમી ઓફ નોર્થ અમેરિકા’ નામે એક સંસ્થાની સ્થાપના કરી. ત્યારથી મુખ્યત્વે ન્યૂ જર્સીમાં તે પશ્ચાત્ જુદાં જુદાં શહેરોમાં ગુજરાતી સાહિત્ય સંમેલન યોજાવા શરૂ થયાં.
આ કાર્યક્રમોમાં અમેરિકાસ્થિત તથા ભારતથી આમંત્રિત સાહિત્યકારોની ઉપસ્થિતિથી ગુજરાતી સાહિત્યનો પ્રસાર અને પ્રચાર વધ્યો અને અન્ય શહેરોમાં પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરતા ગ્રૂપ તેમજ સંસ્થાઓ કાર્યશીલ બન્યાં જેમાં પન્ના નાયક, મધુ રાય, બાબુ સુથાર, સુચી વ્યાસ- ગિરીશ વ્યાસે શરૂ કરેલી ફિલાડેલ્ફિયાની ‘ફ્રેન્ડ્સ ઑફ ફિલાડેલ્ફિયા’ નામની સંસ્થામાં જાણીતા સાહિત્યકારોનું બહુમાન કરવાની પ્રવૃત્તિ નોંધપાત્ર હતી.
ફિલાડેલ્ફિયાસ્થિત શ્રી કિશોર દેસાઈ સંપાદિત ‘ગુર્જરી’ અને શ્રી બાબુ સુથાર સંપાદિત ‘સંધિ’ નામનાં બે સામયિકો વાચકોમાં પ્રિય બન્યાં.
ફિલાડેલ્ફિયાથી સ્વ. કિશોર રાવળે અમેરિકાનું પ્રથમ ડીજીટલ ગુજરાતી મેગેઝિન “કેસૂડાં” શરૂ કર્યું.
ત્યારબાદ ન્યૂ જર્સીમાં “ચલો ગુજરાત,” કે “ગ્લોરિયસ ગુજરાત” જેવા સંમેલનો યોજાવા માંડ્યાં.
સમયાંતરે યુ.એસ.એ.નાં શિકાગો, વોશિંગટન ડી.સી., લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો, ડલાસ, હ્યુસ્ટન, આટલાન્ટા, બૉસ્ટનમાં ભારતીયોની સંખ્યા વધી જેમાં અનેક ગુજરાતીઓનું નામ વિવિધ ક્ષેત્રમાં અગ્રીમ સ્થાને મુકાવા માંડ્યું.
પ્રથમ આપણે વાત કરીએ હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય પ્રવૃત્તિની.
છેલ્લાં ૨૫ વર્ષથી એટલે કે ૨૦૦૧ હ્યુસ્ટનમાં ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ નામની સંસ્થાનો પ્રારંભ થયો. ઘર ઘરથી શરૂ થયેલી આ સંસ્થાનાં કાર્યક્રમોની સફળતાથી પ્રેરાઈને કમ્યૂનિટિ હોલમાં કાર્યક્રમ યોજાવા માંડ્યાં. ગુજરાતી સાહિત્ય સરિતામાં આજ સુધી ૭૦ થી ૭૨ જેટલાં સાહિત્યકારોને પોંખવામાં આવ્યા છે.
દીપકભાઈ ભટ્ટ, માનદ શાયર આદિલ મન્સુરી અને અદમ ટંકારવીએ આરંભેલી આ સંસ્થાનો મુખ્ય હેતુ ગુજરાતી સર્જકો અને કવિઓનો અમર વારસો જાળવી ગુજરાતી ભાષાનું સર્જન, સંવર્ધન, પ્રચાર-પ્રસાર, સ્થાનિક નવોદિત સર્જકોને માટે મંચ પૂરું પાડવું, ઉચ્ચ કક્ષાના લેખકો કે કવિઓને આમંત્રણ આપી, સ્થાનિક સર્જકોનું સ્તર ઊંચું લાવવા ઉપરાંત. અન્ય લલિતકલાનાં કાર્યોમાં સહકાર આપવાનો હતો જે આજ સુધી૨૭૧ બેઠકો થકી સિદ્ધ થયો છે.
લેપટોપ કે કમ્યૂટર પર ગુજરાતી લખવા માટે હ્યુસ્ટનસ્થિત વિશાલ મોણપરાએ જે કામ કર્યું છે એ ખરેખર સરાહનીય છે. પ્રમુખ પેડ ગુજરાતી કીબોર્ડના સંશોધક વિશાલ મોણપરાએ સાહિત્યિતિક પ્રવૃત્તિનાં શિરમોર સમી વેબસાઈટ બનાવી તે ગુજરાતી લેખકો માટે અત્યંત મહત્વની બની રહી. આ કીબોર્ડમાં મહત્વનો ફાળો આપવામાં વિજય શાહનું પણ નામ લઈ શકાય.
હવે જઈએ શિકાગો..
૧૯૯૬ થી ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિમાં મોખરે છે. વ્યવસાયે ડૉક્ટર દંપતિ ગઝલકાર ડૉ. અશરફ ડબાવાલા તેમજ કવયિત્રી ડૉ. મધુમતી મહેતા આ સંસ્થાનાં પ્રણેતા છે. તેમની સાહિત્યપ્રીતિ થકી શિકાગોમાં સાહિત્ય, સંગીતનાં સૂર ગૂંજતા રહે છે. આ સંસ્થા તરફથી મધુ રાય, આદિલ મન્સૂરી જેવા અનેક સર્જકોને ‘લાઇફ ટાઇમ અચિવમેન્ટ’થી સન્માનવામાં આવ્યા છે.
સાહિત્યિક પ્રવૃત્તિની વાત થાય ત્યારે સાન ફ્રાન્સિસ્કો, બે એરિયાની પ્રવૃત્તિની નોંધ અવશ્ય લેવી જ જોઈએ.
૨૦૧૨ માં સ્વ. ડો. પ્રતાપભાઈ પંડ્યાની “પુસ્તક પરબ” સંસ્થાની પ્રેરણા અને સહાયથી ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના પ્રયાસ રૂપે બેઠકની શરૂઆત થઈ, જેનાં આયોજક, સંચાલક હતાં પ્રજ્ઞાબેન દાદભાવાળા, કલ્પના રઘુ અને સ્વ. રાજેશભાઈ શાહ.
‘બેઠક’ માં વાંચન સાથે સર્જન કાર્યને પણ અગ્રીમતા આપવામાં આવી. વિવિધ વિષયો સાથે લખવાનાં મૂળ આશયથી શરૂ થયેલ ‘બેઠક’ દ્વારા અનેક સાહિત્યકારો, લેખકો અને કવિને આમંત્રણ આપી નવોદિતોનાં સર્જનને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ સરાહનીય હતો.
‘બેઠક’માં પાંચ વર્ષો સુધી વાર્તા સ્પર્ધા કરવામાં આવી હતી. ગુજરાતદિને ગુજરાત અને ગુજરાતી ભાષાનો મહિમા કરતા સ્ટેજ શોની પ્રણાલી આજે પણ જાળવી રાખવામાં આવી છે.
આમ તો અમેરિકામાં ગુજરાતી ભાષાની અસંખ્ય વેબસાઇટ્સ અને બ્લોગ્સ છે.
૨૦૧૬માં સ્વ.પી.કે.દાવડાએ શરૂ કરેલું ‘દાવડાનું આંગણું’એ થોડો અલગ ચીલો ચાતર્યો જેમાં શ્રી ઉત્તમ ગજ્જરની પ્રેરણા, શ્રી સુરેશ જાનીની ટેકનિકલ સહાય અને શ્રી કનક રાવલની સક્રીય સહાયથી સાહિત્ય ઉપરાંત લલિતકળા વિભાગની શરૂઆત થઈ.
જયશ્રી વિનુ મરચંટ અને શ્રી બાબુ સુથાર ‘દાવડાનું આંગણું’માં જોડાતાં આંગણાંને ગતિ મળી. ત્યારબાદ એમાં અન્ય જાણીતા સાહિત્યકારો જોડાયાં.
આંગણાંની ગતિ અને પ્રગતિમાં મધુરાય, સ્વ. હરનિશ જાની, નટવર ગાંધી, પન્ના નાયક, રાહુલ શુક્લ, ભાગ્યેશ જહા, અનિલ ચાવડા, જુગલકિશોર વ્યાસ, પ્રવીણકાન્ત શાસ્ત્રી જેવાં સાહિત્યકારોએ તેમજ સ્વ. શ્રી રવિશંકર રાવળ, ખોડિદાર પરમાર, જ્યોતિ ભટ્ટ, કાર્તિક ત્રિવેદી અને અન્ય ચિત્રકારોનું મોટું યોગદાન રહ્યું.
‘દાવડાનું આંગણું’માં ટોચના છબીકાર હોમાયબાનુ વ્યારાવાલા, જગન મહેતા તેમજ શિલ્પકારોમાં શ્રી નરેન્દ્ર પટેલ અને શ્રી રાઘવ કનેરિયા જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકારોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું.
શ્રી.પી.કે.દાવડાના સ્વર્ગવાસ બાદ ‘દાવડાનું આંગણું’ ૨૦૨૧માં જયશ્રી મર્ચન્ટ તેમજ હિતેન આનંદપરા દ્વારા નવા અવતાર, નવી ઓળખ સાથે શરૂ થયું ત્યારથી ‘આપણું આંગણું’ બ્લોગ પર અનેક લેખક/ લેખિકાઓનું સાહિત્ય મુકાય છે.
‘આપણું આંગણું’ ના નેજા હેઠળ ટૂંકી વાર્તા શિબિર, લલિત નિબંધ શિબિર, ગઝલ શિબિર, ગીત શિબિર, નાટ્યલેખન શિબિરનું આયોજન થતું રહે છે જેનાં થકી અનેક નવોદિત લેખકો/ લેખિકા, ગઝલકાર ઉભરી આવ્યાં.
ફ્લોરિડાની યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં ચિત્રા- (Center for the study of Hindu traditions) નામની સંસ્થામાં વસુધાબહેન નારાયણ અને ડૉ.દિનેશ શાહનાં સંચાલન હેઠળ પોએટ્રી ફેસ્ટિવલ યોજાય છે.
અમેરિકાનાં સર્જક કે સર્જનની વાત કરીએ ત્યારે એક શબ્દ યાદ આવે.’ડાયસ્પોરા’.
‘ડાયસ્પોરા’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્રાસવાદીઓથી ત્રસ્ત ઘરબાર છોડીને વિશ્વભરમાં રઝળપાટ કરતી યહૂદી પ્રજાની વેદનામાંથી સર્જાયેલ સાહિત્ય થકી. જેમણે ઘરઝુરાપો કે વતનઝુરાપો વેઠ્યો હોય, જેમને વતન પાછાં ફરવાની અદમ્ય ઈચ્છા હોય એવાં લોકોની વેદનાથી સર્જાયેલું સાહિત્ય એટલે ‘ડાયસ્પોરા’ સાહિત્ય.
જોકે, ‘ડાયસ્પોરા’ સાહિત્ય વિશે મતમતાંતર છે, છતાં વર્ષો પહેલાં આવેલી પેઢી કે જેમણે અમેરિકા આવીને સંઘર્ષ ખેડ્યો છે એવાં અનેક સર્જકોના સંઘર્ષને ઉજાગર કરતાં પુસ્તક ‘સ્મૃતિસંપદા’નો ઉલ્લેખ કરવો ગમશે.
નેશવિલ- ટેનેસીમાં રહેતાં શ્રીમતી રેખા સિંધલ સંપાદિત પુસ્તક ‘સ્મૃતિસંપદા’માં વિશ્વપ્રવાસિની પ્રીતિ શાહ- સેનગુપ્તા, નટવર ગાંધી, ડૉ.જયંત મહેતા, ભારતીય અવકાશ વિજ્ઞાની-ડૉ.કમલેશ લુલ્લા, દેવિકા ધ્રુવ, બાબુસુથાર જેવા અનુભવોથી સમૃદ્ધ અમેરિકાસ્થિત પંદર સર્જકોની જીવનયાત્રા આલેખાઈ છે જેને ડૉક્યુમેન્ટરી પુસ્તકની કક્ષાએ મૂકી શકાય.
અમેરિકામાં ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરનાર તંત્રી-પ્રકાશક કિશોરભાઈ દેસાઈની હાજરીમાં ‘વિદેશીની’ તરીકે જાણીતાં વરિષ્ઠ કવયિત્રી પન્નાબહેન નાયક હસ્તક, હ્યુસ્ટન ખાતે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
નેશવિલમાં ગુલાલ- (Gujarati Language And Literature Lovers) નામે ગ્રૂપ પર સાહિત્યિક બેઠકોનું આયોજન થાય છે.
ગુલાલની વાત થાય છે ત્યારે કેલિફોર્નિયાસ્થિત જયશ્રી મરચંટ અને બૉસ્ટનસ્થિત રાજુલ કૌશિક દ્વારા સંપાદિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘ગમતાંનો ગુલાલ-વાતમેળો’ વિશે જણાવવું ગમશે.
‘ગમતાંનો ગુલાલ-વાતમેળો’ વાર્તાસંગ્રહમાં યુ.એસ.એ., યુ.કે. તેમજ ઑસ્ટ્રેલિયાસ્થિત વાર્તાકારોને ગમતી, તેમની જ પસંદગીની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતી વાચકોને આ પુસ્તક માણવું ગમશે.
વિદેશની ધરતી પર ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિ વિશે લખાય તો એક આખું દળદાર પુસ્તક તૈયાર થાય, પણ આજે તો અહીંથી જ સમાપન કરું છું.
નવા વર્ષની સૌને શુભકામના.
આલેખનઃ રાજુલ કૌશિક
સૌજન્યઃ હર્ષવદન ત્રિવેદી. “ગરવી ગુજરાત” (લંડન-પશ્ચિમી જગતના સાપ્તાહિક)માં પ્રસિદ્ધ લેખ.