દિવાળી કાવ્યો (ભાગ: ૧) ~ વિવિધ કવિઓ દ્વારા ~ (વિનંતી: વાંચો, વંચાવો, શૅર કરો)
(૯ ગઝલ + ૩ મુક્તક)
૧. ડૉ. ભૂમા વશી, મુંબઈ
ચાલો સૌ સંગાથે મળીએ દીવો કરીએ
અંધારું ઓગાળી લઈએ, દીવો કરીએ
જાગી જઈએ અંતરની આંખોને ખોલી
સ્મિત કરી સાથે ઝળહળીએ દીવો કરીએ
બા-દાદાનાં આશિષોની છે રંગોળી
રંગ-ઉમંગે સાથે રહીએ દીવો કરીએ
સાફ કરીને મનનાં સઘળા પૂર્વગ્રહોને
ટાઢકથી હૈયામાં વસીએ દીવો કરીએ
તોરણમાં બંધાયા ફૂલો, એવી રીતે
સ્નેહ કરી ઈશ્વરને સ્મરીએ દીવો કરીએ
વાદવિવાદોનાં તણખાને છોડી દઈને
તારામંડળમાં ટમટમીએ દીવો કરીએ
બોમ્બ ધડાકા યુદ્ધો સઘળાં ક્યાં લગ કરશું?
તારું મારું છોડી દઈએ દીવો કરીએ.
૨. શૈલેષ પંડ્યા ‘નિશેષ’, જામનગર
દીપ ભીતર ઝળહળે, તો બસ દિવાળી છે
કોઈ મનગમતું મળે, તો બસ દિવાળી છે
કોડિયાંમા આશ પૂરી બાળતો જે કર
એ ઘરે ચૂલો બળે, તો બસ દિવાળી છે
કોઈનું દુ:ખ સાંભળીને આંખથી તારી
અશ્રુ એક-બે નીકળે, તો બસ દિવાળી છે
ઘરવટો દીધો છે વરસોથી જે માને એ
મા ઘરે પાછી વળે, તો બસ દિવાળી છે
ચીજવસ્તુ થઈ ગયેલી આ હથેળીમાં
સ્નેહની ભીનપ ભળે, તો બસ દિવાળી છે
૩. જિજ્ઞેશ ક્રિસ્ટી “સંગત”
મદદ કરીએ ચલો કોઈને થોડી આ દિવાળીમાં
બધાની છે ઘણી હાલત કફોડી આ દિવાળીમાં
કરીએ કામ એવું કે જગતમાં યાદ રાખે સૌ
કરો બસ એટલું અભિમાન છોડી આ દિવાળીમાં
તવંગર કેટલો છું એ ભૂલીને કામ કરજો આ
તમે બસ ભેટ આપો હાથ જોડી આ દિવાળીમાં
ફકત આ પાર ના કરશો તમે દોસ્તો મદદ, પણ ત્યાં
જરાં ઓ પાર લઇ જાજોને હોડી આ દિવાળીમાં
જરૂરતમંદ લોકોને હવે લઈ આવીએ આગળ
બની જઈએ ચલોને કાખઘોડી આ દિવાળીમાં
ઉતાવળ રાખજો “સંગત” મદદ કરવા તમે સૌને
મદદ કરજો બધાને આમ દોડી આ દિવાળીમાં
૪. સુનિલ કઠવાડિયા ‘અમર’, વડોદરા
ગર્વ જાતે ભાંગશો તો રોજ દિવાળી જ છે
સત્ય માર્ગે ચાલશો તો રોજ દિવાળી જ છે
જૂઠની દુનિયા ભરેલી, જૂઠ છે જ્યાં કિંમતી
વાત સાચી જાણશો તો રોજ દિવાળી જ છે
હો ગઝલ કે હો કવિતા છે સ્વરૂપે લાગણી
શબ્દ દિલથી ચાખશો તો રોજ દિવાળી જ છે
લાગણીના છે સબંધો, લાગણીથી ચાહજો
પ્રેમ દિલમાં રાખશો તો રોજ દિવાળી જ છે
ઈશ્વરે ખુલ્લી જ રાખી છે તિજોરી કાયમી
હાસ્ય સૌનું માગશો તો રોજ દિવાળી જ છે
ઇશ્કની કિંમત કરે એ ઇશ્કને પામે નહીં
પ્રેમ સાચો વાવશો તો રોજ દિવાળી જ છે
બસ અમર યાદો તમારી માત્ર પૂંજી છે બચી
આંગણે જો આવશો તો રોજ દિવાળી જ છે
૫. કુસુમ કુંડારિયા, રાજકોટ
આંગણું મારું થશે ઝળહળ તમારા આગમનથી
પર્વ જેવું લાગશે હર પળ તમારા આગમનથી
છે દિવાળી રોજ મારે, પ્રેમથી ભેટો તમે તો
ને વહે ઝરણું ઉરે ખળખળ તમારા આગમનથી
હું કરું દીવો તમારા નામનો ને આવે લક્ષ્મી
શુભ અને છે લાભ સઘળી પળ તમારા આગમનથી
હું અહમ બાળુ અને ઈર્ષાને બાળી દો તમે તો
ના રહે નફરત કે કોઈ છળ તમારા આગમનથી
રાખતી શ્રધ્ધા અને વિશ્વાસ કાયમ જાતમાં હું
એટલે વરસે સદા વાદળ તમારા આગમનથી
૬. શીતલ ભાડેશિયા, રાજકોટ
ચહેરે કોઈના જો સ્મિત લાવો તો દિવાળી છે
બની ખુશીનું કારણ ને હસાવો તો દિવાળી છે
ભલે તોફાન સંકટનું, દીપક શ્રદ્ધાનો પ્રગટાવો
નિરાશાને જીવનમાંથી હટાવો તો દિવાળી છે
અહમ, ઈર્ષા, ને નફરત મનના માળિયેથી ખંખેરી
નવા વર્ષે હૃદયમાં પ્રેમ વાવો તો દિવાળી છે
ભલેને કંઈ ના આપીએ કોઈ ભેટ મોંઘી પણ
હૃદયથી પ્રેમ સાચો જો જતાવો તો દિવાળી છે
મદદ નિ:સ્વાર્થ ભાવે કોઈ દુઃખીની કરીએ બસ
ખરા દિલથી તમે આશિષ કમાવો તો દિવાળી છે
થવાનું છે ધુમાડો આખરે માણસ મટીને, તો
જીવન અવસર ગણી હર દિન મનાવો તો દિવાળી છે
ગણે મહેમાનને ઈશ્વર, કરે સ્વાગત ઉમળકાથી
ગમે ત્યારે જો ‘શીતલ’ ઘેર આવો તો દિવાળી છે
૭. દિલીપ ધોળકિયા “શ્યામ”, જૂનાગઢ
જ્ઞાન દીપક દિલમાં પ્રગટે, તો દિવાળી માનજો
આંખ સૌની સ્નેહે છલકે, તો દિવાળી માનજો
ઝૂંપડે ઓઢી ઉદાસી, કંઈક બચપણ પાંગરે
બાળ એવા હેતે હરખે, તો દિવાળી માનજો
આશ લઈ ગુજરાનની બેઠાં જે માનવ રોડ પર
ચીજ એની આજ ખપશે, તો દિવાળી માનજો
કંઇક દુઃશાસન ઘૂમે છે, ચિરહરણનાં વેંતમાં
એ શરમથી સ્હેજ અટકે, તો દિવાળી માનજો
એકલાં જ્યાં માવતર સંતાન વિના હો દુઃખી
ત્યાં નયન ખુશીથી ચમકે, તો દિવાળી માનજો
થાય છે બરબાદ ખોટી આદતે પરિવાર ત્યાં
ના વ્યસનથી કોઈ ભટકે, તો દિવાળી માનજો
ભાઈ સાથે રોષ કરતાં, જીદથી ત્યાં પણ અગર
વાત ખોટી દિલમાં ખટકે, તો દિવાળી માનજો
૮. ગીતા પંડ્યા, મુંબઈ
વળાવ્યા અણગમા, એની અસરમાં છે દિવાળી
સદા ગમતા પ્રસંગોની સફરમાં છે દિવાળી
હશે લાંબા, જરા ટૂંકા પનાની પણ પછેડી
સમાધાની છતા ગમતી બહરમાં છે દિવાળી
વળાંકો લાખ વળવામાં ઘસરકા પણ પડ્યા છે
અધૂરાં સ્હેજ અનુભવની કસરમાં છે દિવાળી
ઝગે છે દીવડો તારા પ્રણયનો સ્થિરતાથી
ભરે અજવાસ જો તારી નજરમાં, છે દિવાળી
હૃદયનાં આંગણામાં એક રંગોળી સનાતન
દિવસનાં આઠ, આ આઠે પ્રહરમાં છે દિવાળી
૯. પાયલ ઉનડકટ
ગયું જે વર્ષ છોડો પ્રેમથી, નવ વર્ષ એક ઊગ્યું
ભલે વિખરાય ને વિરમ્યું ફરીથી સ્વપ્ન એક જાગ્યું
પડ્યું છે રામજીને રાજ્ય હકનું છોડવું જોને
ઘણું એવું મળ્યું ના પ્રાર્થનામાં પણ કદી માગ્યું
પધારો શ્યામ મારા આંગણે મેં સાથિયા દોર્યા
તમારી રાહમાં મેં બારણે તોરણ નવું ટાંગ્યું
થયું પૂરું લો સુખ દુ:ખથી ભરેલું વર્ષ આજે એક
હજુ આવ્યું હતું હમણાં ને પલકારે ગયું લાગ્યું
વધાવો વર્ષ આ નવલું જલાવી દીપ આશાનાં
દુઆમાં રાખજો એને હૃદયથી દૂર જે ભાગ્યું
૧૦. રિદ્ધિ પરમાર “ઓજસ”
છે ઝળહળ આ દીવા કે આવી દિવાળી
અમે દિલથી આજે વધાવી દિવાળી
ફકત ઘર નહીં, પણ છે અંતરમાં “ઓજસ”
બધાને વતનમાં છે લાવી દિવાળી
૧૧. રમેશ મારુ “ખફા”
પ્રેમભાવ રાખો તો, રોજની દિવાળી છે
પ્રીતે હાથ ઝાલો તો, રોજની દિવાળી છે
સ્નેહ પાથરો દિલથી, વેરઝેર ભૂલી જાવ
હૈયે રામ સ્થાપો તો, રોજની દિવાળી છે
૧૨. અંકિતા મારુ ‘જીનલ’
કકળાટ કાઢવા બને છે ચૌદશે વડા
આવે દિવાળી-રાત તો ફૂટે ફટાકડા
આ પર્વ છે પ્રકાશનો, મહિમા છે સાજનો
શોભા વધારે ભીંતની રંગીન ચાકડા
(ક્રમશ:)
સરસ સંકલન
ખૂબ ખૂબ આભાર ખૂબ જ સરસ સંકલન
આ તો બધા કાવ્યો કે ગઝલો સરસ જ છે
અત્યંત સુંદર !!
સુંદર સંકલન. અભિનંદન
જોરદાર તેજોમય પ્રસ્તુતિ
ખૂબ ખૂબ આભાર..ખૂબ સુંદર સંકલન
Thanks….. Hitenbhai…. So good collection….. Of DIWALI… Poetry..