રાવણહથ્થો (કવિ ઉદયન ઠક્કર) ~ કૃતિ વિવેચન: મિતા ગોર મેવાડા   

“હું નાનો માણસ છું પણ કવિતાએ મને મોટો કર્યો છે. હું ભોંય પર ચાલું  છું પણ કવિતાએ મને પાંખો આપી છે.”

આ શબ્દો છે વર્તમાન સમયના નોખા-અનોખા કવિ ઉદયન ઠક્કરના. ‘રાવણહથ્થો’ કાવ્યસંગ્રહ આપી ખરેખર કવિતાની પાંખો દ્વારા સાહિત્યના નભમાં તેમણે ઉડ્ડયન કર્યું છે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કૃત કાવ્યસંગ્રહ

કાવ્યસંગ્રહનું નામ પણ અનોખું છે ‘રાવણહથ્થો’. જોકે કાવ્યને લય, તાલ, સંગીત સાથે સંબંધ તો છે જ, પણ અહીં રાવણે પોતાના આંતરડામાંથી જે વાજિંત્ર બનાવ્યું એની વાત છે. કવિએ પણ જાણે પોતાના આંતરડામાંથી કલમ બનાવીને લખ્યું હોય તેમ તેમના કાવ્યો વાંચીને લાગે છે.

સાત ખંડમાં વિભાજિત તેમનો આ કાવ્યસંગ્રહ અપાર વૈવિધ્ય આપે છે. છેક પુરાણકાળથી લઈને અર્વાચીન સમય સુધીનો વ્યાપ સંવેદનાઓનું ભાવવિશ્વ રચે છે.

કવિના પોતાના જ એક કાવ્યમાં દર્શાવ્યા પ્રમાણે અત્યારે રચાઈ રહેલા ઝેરોક્સ સાહિત્યની સામે એમણે પોતાની આગવી ઓળખ ઊભી કરતી કૃતિઓ રચી છે.

પ્રથમ વિભાગમાં પ્રાચીન સંદર્ભો અને વાર્તાઓને વણી લીધી છે અને તે સમયને અનુરૂપ અનુષ્ટુપ શ્રગધરા, મિશ્રોપજાતિ વગેરે છંદોનો વિનિયોગ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક પ્રાસ બરાબર બેસતો ન હોય એમ લાગે, પણ લય જળવાઈ રહે છે. જેમકે પ્રથમ કાવ્ય “ધર્મયુદ્ધ”માં વસંતતિલકા છંદમાં, “કંઠે”, “સાથે”, કતારે” લીધા પછી “તેમ” કઠે છે. “વરદાન”માં પણ અનુષ્ટુપનો લય ખોડંગાય છે.

પુરાણોની ઓછી જાણીતી વાર્તાઓને કાવ્યરૂપે મૂકી કવિએ પુરાણોનો તેમનો કેટલો સૂક્ષ્મ અભ્યાસ છે તે દર્શાવ્યું છે. “રામરાજ્ય” રાજાની સત્તા કરતા કવિની સત્તા સર્વોપરી છે એવું એક અનોખું પરિમાણ એમણે આપ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે.

બીજો વિભાગ સાંપ્રત સમયનું ચિત્રણ કરે છે. “હું હજી શીખું છું”માં માનવ સ્વભાવની સંકુચિતતાને, બાળકનો નિરપેક્ષ પ્રેમ  દર્શાવીને પ્રદર્શિત કરી છે. તો “ફેન્સી ડ્રેસ”માં બાળપણ અને પ્રૌઢજીવનની અસમાનતા બતાવી છે. પણ સૌથી સરસ તો “વારતા” અને “ડિમન એક્સપ્રેસ “દ્વારા અંગ્રેજીનું આક્રમણ આપણી ભાષા, સંસ્કૃતિ અને પરંપરા ઉપર કેવો પ્રહાર કરે છે તેનું વ્યંગાત્મક ચિત્રણ છે.

“રામરાજ્ય”માં કવિની મહત્તા બતાવી છે તો “કાપલી”માં કવિની મજબૂરી દેખાય છે. આ અછાંદસ કાવ્યોમાં અંતે આવતી ચમત્કૃતિ કાવ્યને કાવ્ય તરીકે પ્રમાણિત કરે છે.

ત્રીજા વિભાગમાં મોટેભાગે છેલ્લા 60-70 વર્ષના ઇતિહાસની વાતો વણી લેવાઈ છે. જેમાં ભારતીયની સાથે સાથે વિદેશી વાતોને પણ કવિએ વણી લીધી છે. મુખ્યત્વે વાર્તારૂપે પ્રસિદ્ધ આ વાતોને કાવ્યાત્મક રૂપ આપવામાં કવિ સફળ રહ્યા છે. બાહ્ય સંદર્ભો દ્વારા અંતર તરફ જતી સર્જનાત્મક ગતિ અહીં દેખાય છે.

“ફાતિમા ગુલ” કાવ્ય દ્વારા ગાંધીવાદ પર ખૂબ મોટો કટાક્ષ કવિ કરી શક્યા છે.

ચોથા વિભાગમાં કવિએ તેમના ચાર પ્રિય કવિઓને શબ્દાંજલિ આપી છે.

પાંચમા વિભાગમાં ચિત્રકલા અને સ્થાપત્યના સંદર્ભો લઈને કવિએ પ્રમાણિત કર્યું છે કે કવિતા માટે કોઈપણ વિષય અછૂતો નથી અથવા તો કોઈ પણ કલામાં કાવ્ય રહેલું છે.

મનહર છંદના ઉપયોગ દ્વારા કવિ દલપતરામે વ્યંગ કાવ્ય લખ્યા એ જ છંદનો કવિએ અહીં વ્યંગાત્મક રચનાઓમાં વિનિયોગ કર્યો છે.

“ક્રુઝેડ” નામના છઠ્ઠા વિભાગમાં ખ્રિસ્તના મધ્યકાલીન ઐતિહાસિક  પરિવેશમાં રચાયેલી રચનાઓ છે જેને ભવાઈ,  હરિગીત, ચોપાઈના સ્વરૂપમાં લખીને કવિએ ભારતીય વાઘા પહેરાવ્યા છે.

સાતમા વિભાગમાં સોરઠા, દુહાઓની સાથે ગઝલો લખીને કવિએ અર્વાચીન સાહિત્ય સાથે પોતાના સર્જનને જોડ્યું છે.

“ક્યાં કવિતા? ક્યાં મુજેડો કચ્છીમાડુ?
કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું”

વેપારધંધા માટે જાણીતી કચ્છી કોમમાં જન્મ લઈને પોતે સાહિત્ય તરફ વળ્યા એ વાતને ‘કોકિલાએ ઘર વસાવ્યું કાગડાનું’ કહી કવિએ પોતાની સર્જનાત્મકતા તરફ અચરજ ભલે બતાવ્યું હોય, પણ તેઓ એક  સુસજ્જ કવિ છે એ તેમની સમગ્ર સર્જનયાત્રામાં વર્તાય છે.

આગળના વિભાગમાં છંદ અલંકારના બંધનો વિના વહેતી કાવ્યની સરવાણી અહીં કિનારાનું બંધન સ્વીકારી સાહિત્યના સમુદ્રને મળવા અધીરી થઈ હોય એમ લાગે છે, પણ છતાં અહીં વ્યંગનો સાથ એમણે છોડ્યો નથી.

“કાચા કાવ્યો પાકા પૂઠા” કહીને છાશવારે પુસ્તકો છપાવતા વર્તમાન કવિઓ પર કટાક્ષ કર્યો છે અને “ગજવે ઘંટ ભણાવે ઉઠાં” કહીને શિક્ષણ પ્રણાલી પર પ્રહાર કર્યો છે.  તો,

“પાનખર વીતી છતાં ખરતાં રહે છે,
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું”

– શેર કવિની ભીતરમાં રહેલી સંવેદનશીલતાને પ્રગટ કરે છે.

એક મજબૂત અને સશક્ત કાવ્યસંગ્રહ આપીને કવિ  ઉદયન ઠક્કરે પોતાની સર્જનશીલતા પર ચાર ચાંદ લગાવ્યા છે.

~ મિતા ગોર મેવાડા
mita.mewada@gmail.com

Leave a Reply to દેવેન્દ્ર રાવલCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment