બે લઘુકથા ~ (1) મોટાભાઈ (2) દિપાલી ~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’, અમદાવાદ
(1) મોટાભાઈ
“હેપી બર્થ ડે ભાભીજી”. લાવણ્યાના ફોનની સ્ક્રીન પર મેસેજ ફ્લેશ થયો અને એ ચમકીને ફોન અનલૉક કરતાં વિચારવા લાગી કે, ‘મારો જન્મદિવસ તો ત્રણ દિવસ પહેલાં હતો, તો પછી આજે આટલું લેટ વિશ કોણ કરે છે?’ એ હતાં મિ. હર્ષદ ગણાત્રા એક મોટી કંપનીના માર્કેટિંગ હેડ.
હજી આજે સવારે જ પોતાના નામ પ્રમાણે જ અતિસુંદર લાવણ્યાએ બ્રેકફાસ્ટના ટેબલ પર નવી આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ વિશે પોતાના એન્જિનિયર પતિ રાહુલનો અભિપ્રાય પૂછ્યો હતો, કેમકે હર્ષદ ગણાત્રા રાહુલના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હતાં.
રાહુલે કહ્યું, “અરે હર્ષદભાઈ તો એકદમ જેન્ટલમેન છે. નવ – દસ વર્ષ પહેલા અમારી જ કંપનીમાં માર્કેટિંગમાં હતાં.”
ફ્રેન્ડ રિકવેસ્ટ એસેપ્ટ કરી પછી લાવણ્યાએ હર્ષદભાઈને પોતાના ભાઈ બનાવ્યા ને “મોટાભાઈ” સંબોધવાનું ચાલુ કર્યું. સામે પક્ષે હર્ષદભાઈ પણ લાવણ્યાને “નાનકી” કહીને સંબોધતા.
રક્ષાબંધનના દિવસે હર્ષદભાઈ પોતાને ત્યાં ગેસ્ટ હોવાથી ના એમની “નાનકી”ને બોલાવી શક્યા કે ના એ ખુદ આવી શક્યા. પણ એમણે “નાનકી”ને પ્રોમિસ કર્યું હતું કે જેવો ટાઈમ મળશે કે તરત એ રાખડી બંધાવી જશે.
એક દિવસ બપોરે લાવણ્યાના ઘરની ડોરબેલ વાગી. એણે દરવાજો ખોલ્યો તો સામે જ ઊભા હતા તેના “મોટાભાઈ”. ખૂબ ખુશીથી તેણે હર્ષદભાઈને આવકાર્યા.
એના એક કલાક પછી રાહુલને લાવણ્યાએ રડતાં રડતાં ફોન કર્યો, અને રાહુલ હાંફળોફાંફળો ઘરે દોડી આવ્યો. આવતાવેંત જ એણે જોયું તો લાવણ્યાના ‘મોટાભાઈ’ ઉર્ફે હર્ષદ ગણાત્રા ફર્શ પર નિશ્ચેતન હાલતમાં ચતાપાટ પડ્યા હતા, અને લાવણ્યા ફાટેલી બાંયને દુપટ્ટાથી ઢાંકતી, ધ્રૂજતી ઊભી હતી.
(2) દિપાલી
“અરે! દીપ, તું આ શું બોલી રહ્યો છે? તને કંઈ ભાન-બાન છે કે નહિ?” દક્ષાબહેને થોડા ઊંચા સ્વરે પોતાના એકમાત્ર દીકરા દીપને ઉદ્દેશીને કહ્યું.
આથી, દીપ વધુ અકળાયો અને તેણે પણ સામે વધુ ઊંચા સ્વરે પોતાની મમ્મીને સંભળાવ્યું, “જો મમ્મી! આ મારી જિંદગી છે, અને તેને મને યોગ્ય લાગે તે રીતે જીવવાનો મને પૂરો અધિકાર છે. હું હવે ૧૮ વર્ષનો થઈ ગયો છું.”
દક્ષાબહેન અને નરેશભાઈનું એકમાત્ર સંતાન દીપ. નાનપણથી જ ખૂબ દેખાવડો. નાનપણમાં વેકેશનમાં ઘરે આવતી પિતરાઈ બહેન શ્રુતિનાં ફ્રોક પહેરીને આખા ઘરમાં દોડાદોડી કરતો ત્યારે દક્ષાબહેન અને નરેશભાઈ ખૂબ હસતાં.
પણ ધીરે ધીરે દીપ જેમ મોટો થતો ગયો તેમ તેની સ્ત્રૈણ પહેરવેશની માંગણીઓ વધવા માંડી અને દક્ષાબહેનને સમજ પડી ગઈ કે તેમનું એકમાત્ર સંતાન દીપ હવે “દિપાલી” બનવાને રસ્તે છે. તેમણે તેને ખૂબ સમજાવ્યો, નરેશભાઈએ તો તેને માર્યો પણ ખરો અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી. પરંતુ,દીપ પર તેની કોઈ અસર થઈ નહિ.
હવે દીપને “લિંગ પરિવર્તન”નું ઓપરેશન કરાવીને કાયમ માટે “દીપ”માંથી “દિપાલી” બનવું હતું, જે દક્ષાબહેન અને નરેશભાઈને મંજૂર નહોતું.
રોજબરોજનાં ઝઘડાં, સમજાવટો, કાઉન્સિલિંગ… બધાથી થાકીને દક્ષાબહેને આખરે આજે એક નિર્ણય લીધો. અને બીજા દિવસે સવારે જ્યારે દીપને એ જણાવવા તેમણે દીપના રૂમનું બારણું ખોલ્યું ને પંખા સામે જોતાં તો તેમની આંખો ફાટી ને ફાટી જ રહી ગઈ.
~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’, અમદાવાદ
niralirashminshah@gmail.com
બન્ને વાર્તા સરસ