કાવ્યાંજલિ : 4 ~ હરીન્દ્ર દવેની તરહી પંક્તિ પર આધારિત નવી ગઝલો ~ વિવિધ કવિઓ દ્વારા
[આપણું આંગણું બ્લૉગની ગઝલ શિબિરના શિબિરાર્થી મિત્રો દ્વારા હરીન્દ્ર દવેને કાવ્યાંજલિ.)
(સંકલન: રક્ષા શાહ, મીતા ગોર મેવાડા)
15) જીગ્નેશ ક્રિસ્ટી ‘સંગત’
“થોડો ઉદાસ છું અને માફક હવા નથી”
સાચું કહું આ રોગની કોઈ દવા નથી
જે ઓળખે છે એ બધા જાણે જ છે મને
તેથી વધારે એમને સમજાવવા નથી
જીવનમાં કંઈક બનવું છે ‘ને હું બનીને રહીશ
સપનાઓ મારા મારે જ દફનાવવા નથી
આવે ઘણાંય માંગવા મારી કને જખમ
ખુદના છે એટલે કોઈને આપવા નથી
અંગત ઘણાંય જોયા છે સામે મેં એટલે,
‘સંગત’ હવે તો કોઈને પડકારવા નથી.
16) વિપુલ જરીવાલા, સુરત
વર્તન ન બીબાઢાળ તો પળવાર થઈ શકે
“આ મારી મુફલિસીનો ન ઉપચાર થઈ શકે”
વાતાવરણ ને જોઈ ને હું રંગ બદલું નહિ
સરડો* નથી, છું પાણી, નજર પાર થઈ શકે
કડવું પરંતુ સત્યવચન બોલું છું સદા
આશય તો તેથી કોઈનો ઉદ્ધાર થઈ શકે
નકલી મહોરાં હાસ્યના લોકો ધરે અહીં
ના લાગણીઓનો કદી આકાર થઈ શકે
કુદરત રચે છે ચિત્ર સદા સાત રંગનું
મનમાં ભરો તો માનવી ફનકાર થઈ શકે
(સરડો=કાચિંડો)
17) મનીષા દુધાત, અંકલેશ્વર
“હમણાં તો આવજો કહી છૂટા પડ્યા હતા”
જાણે કે બેઉના પગે ખીલા જડ્યાં હતા
હસતા’તા જોરજોરથી હાથોમાં હાથ લઇ
ચોધાર આંસુએ પછી શાને રડ્યાં હતા?
આધાર જોઈએ બધે સામર્થ્ય પામવા
આકાશ આંબવા તમે શૂળે ચડ્યા હતા
ઘૂમે છે ઈર્દગિર્દ સૌ સુખના સમય લગી
આથમતી સાંજ દેખતાં કોઈ જડ્યા હતા?
આરસના શ્વેત દેહને શેનો હતો ભરમ?
પૂરો નહી જો પ્રાણ તો કોને ફળ્યાં હતાં?
કોનું કહેલું માનવું? રસ્તો જડે નહીં,
દિલ ‘ને મગજ વિવાદ કરી આથડયા હતા
ઇશ્વરને છેતરી બને ડાહ્યો તું માનવી,
ગીતા-કુરાન ખંતથી કોણે ઘડ્યાં હતાં?
સિદ્ધાંત કર્મનો કદી છોડે ન કોઈને
જેણે ગુમાવ્યું નૂર તે અંતે સડયા હતા
ચપટી વગાડતાં કરું મુઠ્ઠીમાં આ જગત
પણ દિલને નીતિશાસ્ત્રના મૂલ્યો નડ્યા હતાં
18) ડૉ. દિવ્યા દેઢિયા ‘દિવ્ય’
“તમને મળ્યા પછી એ સમસ્યા રહી નથી“
ચર્ચા કોઈ વિષયની અન્યથા રહી નથી
છે જેટલી સમજ, હવે ભણવી ફરી-ફરી
શાસ્ત્રોને શીખવાની અવસ્થા રહી નથી
જપ, તપ કરી-કરીને ભટક્યા અહીંતહીં
બાધા ફળી જવાની અભીપ્સા રહી નથી
સ્પર્શી ગયા હ્રદયને બે શબ્દો જે કહ્યા
જીવનમાં લાગણીની રિક્તતા રહી નથી
ચાહતમાં ‘દિવ્ય’ની ખૂટવાનું કંઈ નથી
એથી અધૂરી કોઈ તપસ્યા રહી નથી
19) ઘનશ્યામ કુબાવત
ઈશ્વરની આ કળાનો કોઈ જાણકાર છે
શ્રદ્ધા ખૂટી ગઈ ને પીડા બેસુમાર છે
મહેંદી ભરેલ હાથને જોયાં કરું છું હું
“કંટકની જિંદગી ને છતાં એ ખુમાર છે”
સુકેલ ડાળ આજ ફરી મઘમઘી ઉઠી
નક્કી અહીં તો હાલ કોઈ આવનાર છે
માળા કરું પ્રભુ હું હવે કેવી રીતથી
આ ટેરવાને રોજનો કાળો પોકાર છે
તારું જ રિક્ત સ્થાન હવે હદ વટાવે છે
હકથી કહી શકું કે તને ચાહનાર છે
પગલાં પડ્યાં છે આજ ભલા એમના અહીં
લાગી રહ્યું હૃદયમાં હવે તો સુધાર છે
રોજે દવાનું નામ દઈ પીધાં કરે છે તું
દર્દો ભલેને હોય અહીં સારવાર છે
20) દેવેન્દ્ર જોશી, મુંબઈ
“થોડું રડી શકું તો, દિલાસો મળી શકે”
ડૂબેલ નાવનેય, તરાપો મળી શકે
ધ્રૂજે ધરા ને તોય, જરા પણ ન ડગમગે
એવાય ઘરનો કોઈ, સહારો મળી શકે.
તારા નગરની પોળ, ગલીમાં હું ભટકું પણ
શું ઘર બતાવનાર, અજાણ્યો મળી શકે!
મેં માંગણી કરી છે, ઘણી તારા હાથની
તારા હકારનો શું, ઈશારો મળી શકે
વાવ્યા અનેક બીજ, ફકત એક આશથી
ઉદ્યાનનો સદાય, નજારો મળી શકે
ઘરનું એ બાંધકામ, અગર હોય નબળું તો
દીવાલમાંય ક્યાંક, તિરાડો મળી શકે
પળપળ હું તડપું કેમ, કરી યાદ પણ તને!
એમાંથી ક્યાંક કોઈ, વિસામો મળી શકે
(ક્રમશ:)
Vaaah… ઉમદા ગઝલ 🙏🙏🙏🙏