નટવર ગાંધીને (જન્મદિને – ઓક્ટોબર 4)  ~ સોનેટ ~ પન્ના નાયક 

હવે હું તો ચાલી, વય વરસ નેવુથી વધુ છું.
થયું જે મારાથી બધું જ બધું તે ચોક્કસ કર્યું,
પરંતુ જાણું છું નથી થયું ઘણું, ઊણું અરધું,
હવે જે કૈં બાકી, ફરજ ચૂક, તે માફ કરજે.

મને ચિંતા મોટી મુજ વિરહમાં શું કરીશ તું?
કહે કોની સાથે કરીશ અમથી આડીઅવળી
બધી વાતો? ઘેલાં કહીશ સપનાં શેખચલીનાં?
અને કોની સાથે અઢળક ઢળી પ્રેમ કરશે?

કહે કોની સાથે ખડખડ હસી આખુંય ઘર
ભરી ઉલ્લાસે તું સૂરસભર સંવાદ રચશે?
અને કોની પાસે મૃદુ હૃદયના હાસ્ય હળવા,
હિલોળા હૈયાના, ઉર અભરખા ઠાલી કરશે?

થતું:  થોભું થોડા વરસ પછી સાથે જ જઈએ,
પરંતુ એ તો છે વિધિવશ બધું, હું વિવશ છું.

~ પન્ના નાયક

વય અને સાયુજ્ય બેઉનું સમીકરણ કેવું હોય અને કેવું હોવું જોઈએ એ જાણવું હોય તો ગુજરાતી ભાષાના ”ધ લિવિંગ લેજંડ” આદરણીય પન્નાબહેન નાયક અને અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સીને નાદારીમાંથી બહાર કાઢનાર, માજી સી.એફ.ઓ આદરણીય શ્રી નટવર ગાંધીને એકવાર સાથે જરૂર મળવું જોઈએ.

નટવરભાઈ આ ઉંમરે પણ વર્લ્ડ બેંકમાં પોતાની કુશાગ્ર બુદ્ધિમતા અને કુશળતાથી માનદ્ સેવા આપી રહ્યા છે. પન્નાબહેન પણ જીવનસાથી નટવરભાઈને એમને પ્રિય સાહિત્યપ્રકાર, સોનેટની ભેટ આપવા, ૮૦ વર્ષે સોનેટ લખતાં થયાં કે જે એમની કાવ્યસર્જનની શૈલીથી સાવ જુદો સાહિત્યનો પ્રકાર છે.

બેઉનો પ્રેમ સમાજ અને ઉંમરથી પર છે, જેને હું ‘આધિદૈવિક’ કહું છું. મોટી વયે એકમેકને ચાહીને, એકમેકનું સાયુજ્ય કોઈ પણ છોછ વિના માણવું અને સતત ઉલ્લાસથી જીવવું એ જ એમનો ગુરુમંત્ર છે.

બેઉ આ ઉંમરે પણ સફર પર જવા કોઈ યુવાન કપલ જેટલા જ ઉત્સાહી. સાહિત્યની નાડાછડીથી બંધાયેલું આ જોડું વિશ્વ સાહિત્ય, કલા અને સંગીતને પણ તરવરાટભર્યા જુવાન હૈયા જેટલા જ ઉંમગથી માણે.

પન્નાબહેન દરેકના ફોન અને સંદેશાઓના આજની તારીખમાં પણ સમયસર અને યોગ્ય જવાબો આપે. નવા ઊગતાં પ્રતિભાવાન સર્જકોને યથોચિત પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરે. પોતાના કાર્યક્ષેત્રમાં હજુ પણ વ્યસ્ત રહેતા નટવરભાઈ પણ એમણે કંઈક વાંચ્યું હોય અને ગમ્યું હોય તો એનો પ્રતિભાવ સમયસર લખીને મોકલે જ.

હું જો ક્યાંક અટકું કે અપસેટ થાઉં તો પન્નાબહેન ધીરજ બંધાવે અને જો મારી ભૂલ હોય તો પ્રેમથી, અધિકારથી ટોકે પણ ખરાં. પણ ત્યારે મને વિશેષ આનંદ થાય કે મારી જિંદગીનાં ૭૫ વર્ષો વીતાવી ગયા પછી પણ આ ઉંમરે મને એક, મિત્ર અને માર્ગદર્શક તરીકે આટલો સ્નેહ કરનારું કોઈ છે! તો, નટવરભાઈ માગ્યા વિના સલાહ ન આપે પણ જો માગો તો સાચી જ અને નિખાલસ સલાહ જ મળે.

નટવરભાઈની આટલી ઉજ્વળ કારકિર્દી માટે એમની તીક્ષ્ણ બુદ્ધિમતા સાથે એમના સ્વભાવનું જે સમતોલન અને સંતુલન જવાબદાર છે, એ જ Equilibrium & Balance તેઓ વ્યક્તિગત જીવનમાં પોતાની શિસ્તબદ્ધતા સાથે તાલ મેળવીને રાખે છે.

પન્નાબહેનની, સરળતા ને સાલસતા તથા નટવરભાઈની દૂરદર્શિતા સાથેની કુશાગ્રતાના તાણાવાણાથી વણાયેલો એમનો પ્રેમ એક અનોખું, અવિનાશી પોત સર્જે છે.

પન્નાબહેન અને નટવરભાઈ બેઉની પાસેથી જીવનને દરેક સંજોગોમાં મોજથી જીવીને કેમ અર્થપૂર્ણ બનાવવું એ હું શીખતી રહું છું.

જન્મદિન પન્નાબહેનનો હોય કે નટવરભાઈનો, મેં બેઉને એક એકમ રૂપે જ જોયા છે, મહેસૂસ કર્યાં છે. જન્મદિનની શુભકામનાઓ આપતાં પણ બેઉ એકસાથે જ મારાં મનમાં આવે છે.

નટવરભાઈ, તમારી “મેગ્નેટિક” અને “વાયબ્રન્ટ” પર્સનાલિટી તમને સદા ૬૦ વરસથી ઉપર વધવા જ નથી દેવાના. તમે બેઉ ખૂબ સુંદર, સ્વસ્થ, અને આરોગ્યમય સાયુજ્ય માણો અને ઉંમરની તો ‘ઐસી કી તૈસી’ કરીને ઉલ્લાસ કરતા રહો, એવી જ બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરું છું.

Wishing you a very Happy Birthday and Blessed Years ahead.

આપને વંદન.

~ જયશ્રી વિનુ મરચંટ 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. સર્જક બેલડીને ખૂબ સ્નેહ અને આદર સાથે શુભેરછા 💐