સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 4 ~ મુકામ પોસ્ટ કૅમ્પ ઝાતરી ~ ડૉ. ભારતી રાજીવ રાણે
હમણાં-હમણાંથી નવા એપિસોડ માટે સિન્થિયાએ સ્ક્રિપ્ટ રાઈટરની મદદ લેવાની શરૂઆત કરી હતી. આવનારા એપિસોડમાં કહેવાની વાતો એ મનમાં ને મનમાં બોલતી રહેતી અને જે અંગ્રેજી શબ્દોનું ગુજરાતી એને ન આવડતું હોય એનું લીસ્ટ બનાવી સ્ક્રિપ્ટ રાઈટર પાસેથી યોગ્ય ગુજરાતી શબ્દો મેળવી લેતી. પછી આખો દિવસ મનમાં ને મનમાં એ શબ્દો ગોખતી રહેતી.
પેલા ગુજરાતીના પ્રોફેસરની વાત એને ગળે ઊતરી ગઈ હતી. એણે મનોમન નક્કી કરી લીધું હતું કે, માતૃભાષા તો સરસ રીતે આવડવી જ જોઈએ. પ્રેક્ષકોએ એ વાત ચોક્કસ નોંધી કે, સિન્થિયાનું ગુજરાતી ખરેખર સુધરી રહ્યું હતું.
આગલા એપિસોડની ઉદાસી ભૂંસવા માટે આજે સિન્થિયાએ ખુશનૂમા રંગોવાળા એથનિક સલવાર-કુર્તા અને ઓઢણી પહેર્યા હતા. રિમઝિમ ઝરમરતા વરસાદની ઝાંખી કરાવતા સૂરોવાળા મ્યૂઝિક સાથે હસતા મોંએ સ્ટેઈજ ઉપર એન્ટ્રી લઈને એણે લોકોનું અભિવાદન કર્યુ. આજે પોતાનો અને લોકોનો – બધાંનો મૂડ બદલવાની એની ઈચ્છા તો હતી, પણ બોલવાનું શરૂ કરતાં જ એ ઉદાસીમાં લપેટાઈ ગઈ… સિન્થિયા કહેવા લાગી :
‘હા, તો આપણે મારા પ્રિય દોસ્તની અણધારી વિદાયની વાત કરતા હતા. એ દિવસોમાં મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અચાનક આવી પડેલા આઘાતથી હું ભાંગી પડી હતી. શું કરવું તે સૂઝતું નહોતું. ઇન્ડિયા ન જવાનો નિર્ણય હું લઈ ચૂકી હતી, પણ બીજું શું કરવું તેના બધા રસ્તા જાણે ભૂંસાઈ ગયા હતા.
હું વાસ્તવિકતાથી, સ્મૃતિઓથી, મારી જાતથી સુદ્ધાં નાસી છૂટવા માગતી હતી, ત્યાં એક દિવસ જોર્ડનના ઝાતરી નામના રૅફ્યૂજી કૅમ્પમાંથી મારી બહેનપણી હિલ્ડાનો ફોન આવ્યો. હિલ્ડા મને ત્યાં બોલાવતી હતી. કહેતી હતી, અહીં ખૂણેખૂણે એટલું દુઃખ વિખેરાયેલું છે કે, એ જોઈને આપણે આપણું દુઃખ સાવ ભૂલી જ જઈએ.
એક ક્ષણમાં મેં જોર્ડન જવાનો નિર્ણય કરેલો. યુ. સી. બર્કલીના મારા પ્રૉફેસરે ગ્રાન્ટનું ગોઠવી આપેલું અને ‘ન્યૂ યૉર્ક વર્લ્ડ’ ન્યૂઝપેપરે ખાતરી આપેલી કે, જો સારી હશે તો છાપું મારી સ્ટોરી ચોક્કસ છાપશે.
જીવનની અસહ્ય વાસ્તવિકતાથી નાસી છૂટવા માગતી હોઉં તેવા ઝનૂન સાથે મેં જોર્ડનની ફ્લાઈટ પકડેલી. અમ્માન શહેરના ક્વીન આલિયા એરપોર્ટ ઉપર હિલ્ડા મને લેવા આવેલી.
દોઢેક કલાકની ડ્રાઈવ પછી અમે એરપોર્ટથી આશરે સો કિલોમીટર દૂર આવેલા ઝાતરીના કેમ્પ ઉપર પહોંચ્યાં. ઝાતરી નામના એ રેફ્યુજી કૅમ્પમાં અમારી ગાડી દાખલ થઈ ત્યારે રાતના દસ વગ્યા હતા. પ્રવેશવિધિની ઔપચારિકતાઓ પતાવતાં મેં નોંધ્યું કે, ઝાતરીમાં બધાં હિલ્ડાને ખૂબ માનની નજરે જોતાં હતાં.
કાંટાળા તારની અત્યંત ઊંચી વાડ અને ફ્રેમમાં મઢેલી જાળીઓથી રક્ષાયેલી વસાહત ત્યારે સાવ શાંત હતી. જંપી ગયેલાં તંબૂઓમાં, એમાં રહેનારાંના મનની આશા જેવો ઝાંખો પ્રકાશ ટમટમી રહ્યો હતો. હિલ્ડા એક પોર્ટાકૅબિનમાં રહેતી હતી. મેં જોયું કે, સાવ સામાન્ય કક્ષાની સગવડો વચ્ચે રહીને એ સેવા કરી રહી હતી.
હિલ્ડાનો સ્વભાવ મૂળે ખૂબ માયાળુ. એના સ્નેહભાવને કારણે નવા વાતાવરણમાં પ્રવેશતાં મને ઘણું સારું લાગ્યું.
બીજા દિવસે હિલ્ડા કામ પર ગઈ, પછી હું કૅમ્પમાં ફરવા નીકળેલી. કૅમ્પ શાનો, એ તો નાનું ગામડું જ જોઈ લો જાણે! લાખેકની તો એની વસ્તી હશે. કાટખૂણે પાડેલા કાચા રસ્તાઓની બંને તરફ તાણેલા પાર વગરના તંબૂઓમાં કેટલાં બધાં લોકો રહેતાં હતાં! ઓહોહો, કેટલો મોટો વિસ્તાર! તે પણ પ્રવૃત્તિઓથી ધમધમતો!
એક તરફ હારબંધ ખખડધજ ટપરીઓમાં નાનકડી બજાર લાગેલી હતી. ટીન-પ્લાસ્ટિકનાં વાસણ, સાદી ધરવખરી, હેંગરમાં લટકાવેલાં કપડાં, શાકભાજી અને અન્ય ખાદ્યસામગ્રી, શું નહોતું મળતું અહીં! એક જગ્યાએ બાળકો ફૂટબોલ રમી રહ્યાં હતાં. મેં નોંધ્યું કે ત્યાં પુરુષ-સ્ત્રીનો ભેદભાવ નહોતો. છોકરા અને છોકરીઓ એક સાથે રમી રહ્યાં હતાં.
જેમજેમ ફરતી ગઈ, મારું આશ્ચર્ય વધતું ગયું. કૅમ્પમાં અનેક મસ્જિદો હતી. એક થિયેટર પણ હતું. નિશાળો, સુપરમાર્કેટ, નાનાં મેડિકલ સેન્ટરો, એક મોટી હૉસ્પિટલ, લોકકલ્યાણ માટેનું કોમ્યુનિટી સેન્ટર, લાયબ્રેરી, બધું જ હતું ત્યાં. આખાય વિસ્તારની છેવાડાની જમીન પર બુલડોઝરો ફરી રહ્યાં હતાં.
આવનારા વખતમાં જે નિરાશ્રિતોને સમવવા પડવાનાં છે, તેની તૈયારીમાં જમીનને સમતળ અને રહેવા લાયક બનાવાઈ રહી હતી. એ તો ત્યાં રહી ત્યારે દરરોજ કૅમ્પને બારણે પહોંચી આવતાં લોકોનાં ટોળાં જોતાં સમજાયું કે નવી વ્યવસ્થા કરતા જવું કેટલું જરૂરી હતું.
કેમ્પમાં એક તરફ વહીવટી વિભાગ હતો જ્યાં બધું સુઘડ અને સગવડભર્ય઼ું હતું. જોકે પાકું મકાન એકેય નહોતું. આછાં રંગોથી રંગેલી પોર્ટાકૅબિનોની બહાર સમતળ પ્લેટફૉર્મ પર એલ્યુમિનિયમની ફ્રેઇમ પર મોટી છત્રીઓ મૂકીને કરેલા છાંયડામાં મુલાકાતીઓ માટે સ્ટીલના બાંકડા મૂકેલા દેખાયા.
અહીં કામ કરતી સંસ્થાઓનાં નામ વાંચતાં મારું આશ્ચર્ય ઓર વધી ગયું. યુનાઇટેડ નૅશન્સ પોપ્યુલેશન ફંડ, વિમેન ઍન્ડ ગર્લ્સ કોપ્રિહૅન્સીવ સેન્ટર, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, યુનિસેફ, વગેરે, અને આ રાહતયજ્ઞના સહભાગી દેશો હતાઃ અમેરિકા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ચાયના અને બીજા કેટલાય.
એ તો સાંજે હિલ્ડાએ સમજાવેલું કે, આખાય કૅમ્પનું સંચાલન જોર્ડનની સરકારે યુ.એન.એચ.સી.આર. એટલે કે, યુનાઇટેડ નેશન્સ હાય કમિશન ફૉર રેફ્યૂજીઝને સોંપેલું છે.
બીજે દિવસે હિલ્ડા મને એનું કામ જોવા લઈ ગયેલી. પ્લાસ્ટિકના કોથળામાં રેતી ભરીને તેમાંથી દીવાલો બનાવી આવાસો બનાવાતાં જોઈને મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. ગનીબૅગ આર્કિટેક્ચરની પદ્ધતિ અને ડિઝાઈનની આખીય પરિકલ્પના હિલ્ડાની હતી.
એ કહેતી હતીઃ ‘સહેલાઈથી મળી શકે તેવી સસ્તી સ્થાનિક સામગ્રીમાંથી વેધરપ્રૂફ શેલ્ટર બનાવવા એ અમારી સૌથી મોટી ચેલેન્જ હતી જેનું અમે સરસ સોલ્યુશન શોઘી કાઢયું છે. આ ઘરો ગરમીમાં શીતળતા અને ઠંડીમાં હૂંફ આપે તેવાં હોય છે.’
એની સંસ્થાનું મકાન પણ આ રીતે જ બનાવેલું હતું. તૈયાર થયેલ મકાનને જોતાં કલ્પના પણ ન આવે કે એ સાવ સાદી સામગ્રીમાંથી બનાવાયેલું છે! હિલ્ડાની ઑફિસવાળા સ્થળ ઉપર સ્ત્રીઓની અવરજવર દેખાઈ. હિલ્ડાએ સમજાવ્યું કે, ‘અમે એમને સ્વચ્છતાથી માંડીને મકાનની મરમ્મત તથા બાંધણીના પાઠ ભણાવીએ છીએ. પુરુષો તો સવારથી કામે લાગી જાય છે.’
મારા મનમાં હિલ્ડા માટે અને અમારી બર્કલી યુનિવર્સિટી માટે ગૌરવની લાગણી ઊભરાઈ આવી. ‘પ્રાઉડ ઑફ યુ, હિલ્ડા! તારા માટે મને ગર્વ છે!’ ભાવાવેશમાં હું બોલી ઊઠેલી.
શરૂઆતના દિવસોમાં કૅમ્પમાં વસતાં લોકોની ભાષા તો હું સમજી શકતી નહોતી પણ મને એમ લાગતું હતું કે આખાય પરિસરમાં એક પ્રકારની વિવશ શોકમગ્નતા છવાયેલી છે.
ક્રમશઃ ગોઠવાતી જતી જિંદગીઓની રોજીંદી ઘટમાળમાં સપાટી ઉપર તો શાંતિ હતી; ક્યારેક આનંદની લહેર પણ ફરકી જતી દેખાતી હતી; બાળકોને ઉત્સાહે રમતાં અને વૃદ્ધોને મસ્જિદમાં બંદગી કરતાં હું જોતી; પણ મને સતત એમ લાગતું કે, એ સૌના મનમાં ઊંડી ઊતરી ગયેલી વ્યથા એમની આંખોમાં તરવર્યા કરે છે. એ આંખો મને અસ્વસ્થ કરી નાખતી.
એ સૌનાં વીતકમાં ઊંડા ઊતરવાની ઈચ્છા હોવા છતાં મારે થોડા દિવસ રાહ જોવી પડેલી. એક તો ભાષાનો અવરોધ હતો ને બીજો અવરોધ હતો અપરિચયનો. ઉતાવળ કરીને માંડમાંડ શાંત થયેલાં દુઃખિયારાં લોકોનાં મનને હું ફરીથી ડહોળવા નહોતી માગતી. એમના હૃદયના ઘાવને ખોતરીને એ સૌને વીતી ગયેલી ભયાનક ક્ષણોને ફરી એક વાર જીવવા મજબૂર કરવા પણ નહોતી ઈચ્છતી.
યોગ્ય સમયે એ કિતાબ ખૂલવાની જ હતી, પણ એ સ્વાભાવિક રીતે થાય તેમ હું ઈચ્છતી હતી, એટલે શરૂઆતમાં હું હિલ્ડાના કામમાં મદદરૂપ થવામાં અને અરેબિક ભાષા શિખવામાં સમય પસાર કરતી, અથવા કૅમ્પની ગલીઓમાં ફર્યા કરતી. કોઈ વાર હૉસ્પિટલમાં તો કોઈ વાર ટપરીઓવાળી હાટમાં પહોંચી જઈને હું લોકો સાથે પરિચય કેળવવા પ્રયત્ન કરતી. એ લોકોની આંખો જાણે કાંઈક કહી રહી હતી.
મને લાગ્યું કે વેઠેલી વ્યથાઓના આતંકમાંથી બહાર આવવા મથતી એ આંખો અમાપ દર્દને પ્રતિબિંબિત કરી રહી હતી. મેં એ આંખોને કેંદ્રમાં રાખીને લોકોના ચહેરા પરના હાવભાવની તસવીરો પાડવા માંડી. આંખોને રસ્તે જાણે હું એ લોકોની જિંદગીમાં ડોકિયું કરવાની કોશિશ કરતી હતી.
કલ્પના કરી શકાય તેવું ઘણુંબધું એ આંખોમાં દેખાતું. પોતાની આંખ સામે સ્વજનોને રહેંસાતાં ને પળભરમાં અબોલ બની જતાં જોઈને હેબતાઈ ગયેલાં આંખો; અન્ય પરિવારની કાળજી નીચે ઊછરતાં અનાથ બાળકોની રિક્ત નિમાણી આંખો; કૅમ્પના પ્રવેશદ્વારની સામે લંબાતા સૂમસામ રસ્તાને તાકતી રહેતી, વિખુટાં પડી ગયેલાં સ્વજનોની રાહ જોતી ને અનાગતની પ્રતીક્ષામાં એગળતી આંખો; વતનથી દૂર વસવા મજબૂર થયા પછી વતનની એક ઝલકમાત્ર માટે તરસતી બુઝર્ગોની બુઝાતી આંખો; વરસોની મહેનતથી બાંધેલો સુખ-સમૃદ્ધિનો મહેલ એક ક્ષણમાં જમીનદોસ્ત થતો જોયા પછી જીવ બચાવીને નાસી આવેલી સ્ત્રીઓની જીવવા માટેના સંઘર્ષના થાકથી બોઝલ આંખો; આતંકની ક્ષણોમાં કાયમ માટે ગુમાવ્યા તે પ્રિયજનોના ચહેરાને આસપાસમાં વસતા અને હવે સ્વજન બનતા જતા ચહેરાઓમાં શોધતી આંખો; આક્રોશ, વિદ્રોહ અને લાચારીની નાગચૂડમાંથી છૂટી જઈને નવી જિંદગી શરૂ કરવા પ્રતિબદ્ધ જુવાનિયાઓની સુખ તરફ મીટ માંડતી આશાભરી આંખો… એ આંખો કેટકેટલું બોલતી હતી!
પહેલું ફીચર મેં આંખો કાંઈક વ્યક્ત કરતી હોય તેવી તસવીરોનું બનાવ્યું. લાંબો લેખ લખવાને બદલે આંખોને કેંદ્રમાં રાખીને પાડેલી તસવીરોમાં વ્યક્ત થતા ભાવોને બોલવા દીધા. દરેક ફોટાની નીચે એમાં દેખાતો ભાવ વર્ણવતા માત્ર ચાર-છ શબ્દો મેં લખ્યા.
પચીસ તસવીરોની એ સ્ટૉરીને નામ આપ્યું: ‘ટાઈમલેસ આઇઝ’ એટલેકે, ‘સમયાતીત આંખો’ પછી એને ‘ન્યૂ યૉર્ક વર્લ્ડ’ અખબાર ઉપર મોકલી આપી. એ પ્રકાશિત થઈ ને અમેરિકામાં હલચલ મચી ગઈ. સહાનુભૂતિનું અને લાગણીનું એક મોજું ઊમટયું જાણે! લોકોએ ઝાતરી કૅમ્પને યથાશક્તિ મદદરૂપ થવાની ઈચ્છા પણ બતાવી. અખબારના તંત્રી તરફથી ઈ-મેઇલ આવેલી :
‘વેલ ડન સિન્થિયા, તારી સ્ટોરીએ લોકોના દિલ હચમચાવી નાખ્યા છે. હું વધુ લેખોની રાહ જોઈશ. બાય ધ વે, તારી કોલમનું નામ અમે ‘વિથ લવ ફ્રૉમ કૅમ્પ ઝાતરી’ રાખ્યું છે. તારા પક્ષે નિયમિતતા અપેક્ષિત છે એ કહેવાની જરૂર ખરી? શુભેચ્છક બૉબ.’
હવે માત્ર આંખો ઉકેલવાથી ચાલે તેમ નહોતું. વહેલામાં વહેલું ભાષા સમજતા થઈ જવું અનિવાર્ય હતું. મેં સખત મહેનત કરવા માંડી. કેમેરો અને વોઈસ રેકોર્ડર લઈને આખાય કૅમ્પમાં ઘૂમતાંઘૂમતાં હું ઝાતરીની ભોમિયણ બની ગયેલી.
મારા કેમેરામાં નાની ફિલ્મો શૂટ કરી શકાતી હતી. રોજ રાતે લેપટોપમાં ડેટા ટ્રાન્સફર કર્યા પછી હું રોજનીશી લખવા બેસતી. ઝાતરીમાં અબાલવૃદ્ધ સૌ મારાં મિત્ર બની જતાં. બાળકો સાથે હું જ્ઞાનગમ્મતની વાતો કરતી તો વળી મોટેરાં સાથે સુખદુઃખ વહેંચી લેવાનો નાતો બંધાઈ જતો. કોઈ ચા પીવા બોલાવતું તો કોઈ વળી અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવા માટે મદદ માગતું.
જોતજોતામાં હિલ્ડાની અને ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી હું ત્યાં રહેતાં લોકોની સાદી બોલચાલની ભાષા સમજવા લાગી. ભાષાનો સેતુ બંધાયો, ત્યાં સુધી મેં ત્યાંનાં લોકોના જીવનને નિહાળવાનું અને તેનો અહેવાલ તૈયાર કરવાનું કામ કર્ય઼ું.
ભાષાનાં બારણાં ખૂલતાં જ સરસ સંવાદ સધાયેલો. શરૂઆતમાં હું લેપટોપમાં વાક્યો લખતી, અને એનું અરેબિક ભાષાન્તર સામી વ્યક્તિને સંભળાવતી. પછી એમનાં જવાબો વોઈસ ટૂ ટેક્થસ્ટની મદદથી વર્ડમાં લઈ લેતી. પછી એ આખા ડોક્યુમૅન્ટને ટ્રાન્સલેશન ટૂલમાં નાખીને અંગ્રેજી અનુવાદ મેળવતી.
હિલ્ડા મારી આ રોજની કસરત જોઈને ખૂબ હસતી. મશીનની બુદ્ધિ પર આધાર રાખતાં ઘણી વાર છબરડાય થતા, પણ ત્યારે હિલ્ડા મારી મદદ કરતી. થોડા દિવસોમાં તો હું એવા યુવાનોને ઓળખવા લાગી હતી, જેમને થોડુંઘણું અંગ્રેજી આવડતું હતું. એ લોકો હોંશેહોંશે મારા દુભાષિયા બનવા લાગ્યા.
એક દિવસ જાણવા મળ્યું કે, પ્રિન્સ્ટન યુનિવર્સિટીની પૅનસ્ટેટ કોલેજ ઑફ ઇન્ફર્મેશન સાયન્સ ઍન્ડ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ ઝાતરીમાં નેટવર્ક કનેક્ટિવીટી અને કોમ્યુનિકેશન ઉપર સર્વે કરી રહ્યા હતા. ત્યાંથી વળી એ પણ ખબર પડી કે, યૉર્ક યુનિવર્સિટી કૅમ્પના યુવાનો માટે હાયર એજ્યુકેશનના કોર્સ ચલાવતી હતી. બસ, પછી તો આ બંનેની મદદથી અંગ્રેજી અને અરેબિક બંને ભાષાઓમાં કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા યુવાનો સાથે પરિચય થયો અને એમ સંવાદ સાધવાની સરળતા થઈ ગઈ.
ખાલી તકલીફ એ હતી કે, ત્યાં મોટા ભાગનું કામ મોબાઇલ ફોન ઉપર થતું. કૅમ્પમાં કોમ્પ્યુટર બહુ એછાં હતાં. પણ જુવાનિયા જેનું નામ! ફોનથી બઘું કામ ચલાવવામાં પાવરધા બની ગયેલા…’
(ક્રમશ:)
Very interesting and Heart touching lagukatha 👌👌Hard work and dedication of Synthia in refugee camp is very appreciative. Thanks Bhartiben for sharing this story. Wish you all the best 🌹🌹Jashbhai (USA)
Dear Bharati ,
Thank you for crafting such a captivating story! Your creativity, vivid storytelling, and emotional depth pulled me right in. Every word felt purposeful, and the way you wove the narrative left a lasting impression. Keep sharing your incredible talent ..
Thanks a million for your encouraging words. It means a lot to me.
O don’t understand that it’s real or pari Kalpana but it’s amazing thought love your thought I m speechless
Hearty thanks for your feedback and kind words of encouragement. May I know your full name?