જળબંબાકાર (હાસ્યલેખ) ~ મિતા ગોર મેવાડા

બાજુવાળા શિલ્પાબેન હાફળાંફાફળાં દોડતાં આવ્યા અને હાંફતાં-હાંફતાં બોલ્યાં, “સાંભળો પાણી જતું રહ્યું છે, ખબર છે ને?”

હજી તો સવારના સાત જ વાગ્યા હતા. ઘરના વડીલ સભ્યો હજી હમણાં જ જાગીને વારાફરતી મોહમાયા સિવાયના બીજા ત્યાગ કરવામાં પડયાં હતાં. અને જે અસભ્ય હતાં એમણે હજી પથારીનો પણ ત્યાગ નહોતો કર્યો. પાછો આજે રવિવાર હતો ને? આજે તો આરામવાર. પણ શિલ્પાબેને આપેલા સમાચારથી તો જાણે ઘરમાં હડકંપ મચી ગયો. જગની જંજાળ છોડીને સૂતેલા યોગીઓ જળની જંજાળમાં ફસાયા.

ઉંઘતા હતા તેમને ઉંઘતા જ ઝડપી દેવામાં આવ્યાં અને તેઓ હજી બરાબર જાગૃત થાય એ પહેલાં જ લુંટારુંની માફક તેમના આળસ અને નિંદ્રા લૂંટી લેવામાં આવ્યાં. બાથરૂમમાં કેટલાય વખતથી રીઢ્ઢા ભાડૂઆતની જેમ અડ્ડો જમાવીને બેઠેલા ટબ, બાલદી, ટંબલર વગેરેને; મકાનમાલિક ભાડુઆતને ઘસડીને બહાર કાઢે તેમ બહાર કાઢવામાં આવ્યાં.

સોસાયટીની ટાંકીમાં પાણી ખલાસ થઈ ગયું હતું, પણ ઘરની સામે સુધરાઈનો નળ હતો ત્યાં પાણી આવતું હતું. ત્યાં લાંબી લાઈન લાગવા માંડી હતી.

બાળવયના કહી શકાય તેવા સભ્યો તગારું, બાલદી અને કોઈક તો વળી તપેલી હાથમાં લઈ લાઇનમાં ઊભા રહી ગયાં. જે વયસ્ક હતા તેમાંથી એકને ટેબલ પર ચડાવી માળિયા પર મૂકેલી અને જવલ્લે જ વપરાતી પિત્તળની પવાલી નીચે ઉતારવા રોક્યો. બીજા બે જણા ટેબલને પકડી પવાલી પડે તો પવાલી અને ચડનારો પડે તો ચડનારાને કેચ કરવા ઊભા રહ્યા.

ધૂળવાળી પવાલીને નીચે ઉતારી ઘરમાં જે થોડું ઘણું પાણી હતું તેના છંટકાવથી પ્રથમ તો સાફ કરવામાં આવી. તેને ક્યાં મૂકીને એમાં પાણી ભરવું તે સ્થાન નક્કી કરવામાં થોડી ચડભડ થઈ ગઈ.

મોટાભાઈએ સૂચન કર્યું કે બાથરૂમના એક ખૂણામાં પવાલીને મૂકીએ, અને હંમેશની આદત પ્રમાણે ભાભીએ વિરોધ નોંધાવ્યો. ભાભીએ કહ્યું કે બાથરૂમમાં જગ્યા ઓછી પડે અને નહાવાની તકલીફ તો થાય જ પણ અમને  સાડી પહેરતાય ફાવે નહિ.

વળી જેમ જેમ બધા ન્હાતાં થાય તેમ તેમ કપડાં પણ સાથે ધોઈ નાખવાના હોય એટલે પવાલી જો બહાર હોય તો તેનું પાણી સાથેસાથે વાપરી શકાય.

બાને થયું કે એમણે પણ આ બાબતમાં પોતાનો અભિપ્રાય આપવો જોઈએ એટલે એમણે કહ્યું કે રસોડાની ચોકડીમાં પવાલી મૂકીએ.

પણ ત્યાં પણ આ જ પ્રશ્ન ઊભો થાય કે ચા-નાસ્તાના વાસણ પછી ક્યાં ધોવા? આખરે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે રસોડાની પાછળ આવેલા રવેશમાં પવાલી મૂકવી.

બહાર જે જળસૈનિકો પાણી માટે જંગ છેડવા ગયા હતા. તે જંગ જીતીજીતીને રસોડામાં અને ત્યાંથી  બહાર રવેશમાં જઈ પવાલી ભરવાના કામમાં લાગી ગયા. પણ તેમની આ કૂચથી રસોડામાં ખાસ્સું પાણી ઢોળાયું.

મોટાકાકી જે આ ગતિવિધિઓનું સુપરવિઝન કરી રહ્યા હતા તેમનો પગ લપસી ગયો. તરત જ તેમને આ ધાંધલધમાલથી દૂર પલંગ પર સુવડાવી દેવામાં આવ્યાં.  એની સાથે બીજા બધા વડીલોને પણ રસોડામાં આવવાની મનાઈ ફરમાવવામાં આવી.

અચાનક નિષ્ક્રિય થઈ ગયેલાં આ બધાં વડીલો માટે હવે પાણી ભરવા માટેની આ ધાંધલધમાલ જોયા સિવાય બીજો કોઈ કાર્યક્રમ રહ્યો નહીં. પણ સક્રિય એવા તેમના મગજને આ શારીરિક નિષ્ક્રિયતા માફક ન આવી. એથી એમણે શરીરને બદલે પોતાની સઘળી શક્તિ વાણી તરફ કેન્દ્રિત કરી. અને એટલે એક પછી એક વાક્બાણ છૂટવા મંડ્યાં.

“ઊર્જા, જરા સાઈડમાં આવી જા તો. વાગી જશે.”

“નિરાલી, જ્યાં ત્યાં પગલાં નહીં પાડ.”

“નિમિત્ત, પાણી છલકાવ નહીં,ધીમે ચાલ.”

“જોજે, જગલા પડતો નહીં હોં, સાચવીને આવ”

અને જગલો નામે જગન્નાથ નામનો સૈનિક અચાનક આવેલા આ શિખામણના હુમલાથી ધ્યાનચૂક થઈ ગયો. એના માથા પર મૂકેલું તગારું તેનો આ ધ્યાનભંગ થઈ જવાનો અપરાધ સહન ન કરી શકવાને કારણે શરમથી ઢળી પડ્યું. એ પછી તો બહારના હોલમાં ચારેકોર  પાણી-પાણી થઈ ગયું.

મહાભારતના યુદ્ધ વખતે ગ્રહણ થવાથી સૂર્યાસ્ત થઈ ગયો છે એમ સમજીને કૌરવોએ  જેમ યુદ્ધ અટકાવી દીધું હતું એમ પાણી માટેનો આ જંગ થોડીક ક્ષણો માટે અટકી ગયો. ગ્રહણ વખતે કૃષ્ણએ પોતાની શક્તિઓ વડે સૂર્યને જેમ વાદળમાંથી બહાર કાઢી ફરી યુદ્ધ શરૂ કરાવ્યું એમ કૃષ્ણ સમાન મુત્સદી બાએ પણ સોફામાંથી સૂચનો આપવાના શરૂ કર્યા.

“મીના, જલ્દી પોતું લઈ આ બાજુ આવો. વર્ષા, આ પાણીને પ્લાસ્ટિકનું ઝાડુ લઈ બાથરૂમ તરફ વાળી લો. છોકરાંઓ બધા એક સાઈડમાં થઈ જાવ.”

આ અણધારી આફતને પહોંચી વળવા આફતના ધોરણે કામ થવા લાગ્યું. પહેલાં બહારના હૉલને ધોઈ નાખવામાં આવ્યો. ત્યારબાદ  પેસેજ અને સાથે સાથે બાથરૂમ પણ પાણીથી ધોઈ નાખવામાં આવ્યાં.

પાણી ભરવાના જે કાંઈ પણ વાસણો હતા તે બધા જ ભરાઈ ગયા બાદ અભરાઈ પરથી ન વપરાતી મોટી તપેલીઓ, છાલિયા અને લોટા નીચે ઉતારવામાં આવ્યાં.  આ બધા વાસણો વપરાશ યોગ્ય ન રહ્યા હોવાથી પ્રથમ તેમને માંજવામાં આવ્યા અને ત્યારબાદ તે બધામાં પણ પાણી ભરવામાં આવ્યું.

એ પછી બે મોટા કૂકર, રોજ વપરાતી તપેલીઓ, અને ઊંડી કડાઈઓનો વારો આવ્યો. પાણી ભરી શકાય એવું કોઈ જ વાસણ કે વસ્તુ બાકી ન રહેવાથી ઘરના બધા જ સભ્યોએ ઝડપથી નાહવાની અને બીજી ક્રિયાઓ પૂરી કરી. તેમના કપડાં પણ સાથેસાથે ધોઈ દોરી પર સુકવી દેવામાં આવ્યાં.

પાણી ભરવા માટે હવે તો કોઈ પણ વાસણ બચ્યું ન હતું એટલે આવતાં પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો તેના સુઝાવ ચર્ચવામાં આવ્યાં. વડીલોનાં સૂચવ્યાં પ્રમાણે વધારાની ચાદરો, ઓશીકાનાં કવર, હૉલના પડદા અને દરીઓ ધોઈ નાખવામાં આવી.

પાણી આણનાર સૈનિકોનો ઉત્સાહ હજુ પણ ઓસર્યો ન હતો તેથી પાણીનું આવાગમન ચાલુ જ હતું. સૌ પ્રથમ રસોડાની ફર્શ, પ્લેટફોર્મ પરની ટાઇલ્સ, વાસણ ઘસવાની ચોકડી અને છેલ્લે બહારના રવેશને પણ ધોઈ નાખવામાં આવ્યો.

કબાટમાં પડી રહેલાં અને દિવાળીએ જ બહાર નીકળતાં વધારાના કપડાં ધોઇ નંખાયા બાદ હવે આવતાં પાણીનું શું કરવું એમ બધા વિચાર કરતા હતા, ત્યાં તો બહારથી કોઈએ બૂમ પાડી, “પાણી જતું રહ્યું.”

પાણી જતું રહેવાના સમાચારથી હાહાકાર થવો જોઈએ એના બદલે જાણે બધાના મનમાં હાશ થઈ ગઈ. હવે આવતાં પાણીનું શું કરશું એવો પ્રશ્ન ઊભો નહીં થાય. દુનિયા પરથી જાણે મોટું સંકટ ઉતરી ગયું હોય એમ બધા નિરાંત કરી બેઠાં.

બધાં જળસૈનિકો પણ હાશ કરીને પાણી ભરતી વખતે પોતાને થયેલા અનુભવોનું વર્ણન કરવામાં લાગી ગયા. બકુડાએ સામેવાળા મનુડાને કેવી રીતે પાછળ પાડી દીધો અને કૂદકો મારીને બાજુવાળી ટેણી કઈ રીતે લાઈનમાં આગળ વધી ગઈ એનું વિસ્તારપૂર્વક, વધારી ચડાવીને રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું.

યુદ્ધનો અહેવાલ સાંભળી પ્રફુલ્લિત અને તૃપ્ત થયેલા વડીલોની બીજી તરસ જાગૃત થઈ.

“મીના વહુ, ચાલો હવે, ચા મૂકો. આ બધા થાક્યાં છે તો બીજી વાર ચા પીએ.” ક્યારના ખુરશીમાં બેસીબેસીને થાકી ગયેલા બાએ આજ્ઞા કરી.

“પણ ચા શેમાં મૂકું? બધા જ વાસણોમાં અને તપેલીઓમાં પાણી ભરેલું છે.” મીનાભાભીએ  રસોડામાંથી ડોકું બહાર કાઢી પૂછ્યું.

“અરે એમાં શું? એક તપેલીનું પાણી ઢોળી દે અને એમાં જ ચા મૂકી દે.” મોટાકાકીએ પણ પગમાં કળ વળી ગઈ હોવાથી શિખામણ આપવાના પોતાના રોજિંદા કાર્યની શરૂઆત કરી દીધી.

“તમે પણ શું મોટાકાકી? એમ  કાંઈ થોડી પાણી ઢોળી નંખાય? જોતાં નથી આપણા દેશમાં પાણીની કેટલી તંગી છે? છેલ્લાં બે વર્ષથી વરસાદ કેટલો અનિયમિત રીતે થાય છે, અને આપણે ઝાડ કાપવામાંથી ઉપર નથી આવતાં. જુઓને આ આજે જ ન આવ્યું. આવું હવે વારંવાર થશે. જ્યાં સુધી આપણા લોકો પાણીને કરકસરથી વાપરતા નહીં શીખે ત્યાં સુધી પાણીનો બગાડ જ થવાનો, અને એની અછત જ રહેવાની. અમથું સરકાર રોજ બૂમ પાડે છે :સેવ વોટર! ” મોટાભાઈએ તો નાનકડું લેક્ચર જ આપી દીધું.

પણ રોજરોજ એમના લેક્ચર્સ સાંભળીને ટેવાઈ ગયેલાં ભાભીને એ ખબર ન પડી  કે પાણી નહીં ઢોળીને તપેલી ખાલી કરવા માટે એમણે શું કરવું જોઈએ?

એટલામાં તો બાજુવાળા શિલ્પાબેન પાછા ડોકાયા. “સાંભળ્યું ? આપણી સોસાયટીવાળાએ ટેન્કર મંગાવ્યું છે. હમણાં થોડીવારમાં પાણી આવી જશે અને ટાંકી ભરાઈ જશે.”

મીનાભાભી રસોડામાં ચારે તરફ પાણીથી ભરેલા વાસણોને જોઈ રહ્યાં.

~ મિતા ગોર મેવાડા
mitamewada47@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.