પેલું ઘર (વાર્તા) ~ ઉમા પરમાર, સુરત
કંઈકેટલાયે સપનાં સજાવીને એ આ ઘરમાં આવી હતી. પેલાં ઘરની અગણિત યાદો હૈયાની સંદૂકમાં ઠાંસી-ઠાંસીને ભરી હતી. નીરજ જેવો સમજુ-પ્રેમાળ જીવનસાથી અને માતા-પિતા જેવાં સાસુ-સસરા. લોકો સાચું જ કહેતાં હતાં કે, ‘ભાગ્ય તો બંસી જ લઈને આવી છે.’
એનો ગૃહપ્રવેશ, આસપાડોશ, મિત્રમંડળ, સગાંવ્હાલાંની અવરજવર, બધું એને ખૂબ ગમ્યું હતું. એનો સ્વભાવ જ મોજીલો, હસમુખો. ભીડભાડમાં રહેવું ગમે. એકાંતમાં ગભરામણ, બેચેની થાય. એથી વિરુધ્ધ નીરજ થોડો ગંભીર અને એકાંતપ્રિય હતો, ભીડથી હંમેશા દૂર ભાગે. ‘અપોઝિટ એટ્રેક્ટ્સ’ એ અહીં ખરું પડ્યું હતું જાણે.
થોડાં જ સમયમાં જ ઘરનાં લોકો પર બંસીની ધૂન સવાર થઈ ગઈ. સુંદર મજાનાં ઘરમાં એવી તો એ ગોઠવાઈ ગઈ કે ખૂણે-ખૂણે એની છાપ દેખાય. ચંચળતા બંસીનો રાગ હતો, તો સમજણ નીરજની આગવી ઓળખ. બંનેનો સુમેળ એમનાં મા-બાપોને કોઠે ઠંડક આપતો. સંતાનોને સુખી અને ખુશ જોવાં કોને ન ગમે?
સમયનાં ઢાંચામાં અને એ ઘરમાં બધું ધીમે-ધીમે ગોઠવાતું જતું હતું. ઘરની-બહારની-સામાજિક વગેરે જેવી બધી જવાબદારીઓ એ કુનેહથી પાર પાડતી. આ ઘર અને બંસીને, એકબીજાની આદત પડી ગઈ હતી.
બંસીએ દૂર સુધી નજર લંબાવી.. ડૂબતાં સૂરજે ઘેરાં રંગોની નિશાની છોડી હતી. એણે નજરને પાછી વાળી, ઘરમાં ફેરવી. તેનાંથી એક ઊનો, છાનો, મૌન નિઃશ્વાસ નીકળી ગયો. આજે વર્ષો પછી એ ત્યાં જ ઊભી હતી, જ્યાં એની સાથે ઘરનાં ખૂણામાંથી ટહુકયાં કરતી એકલતા હતી, જે એને પ્રિય હતી. ઘર છોડતાં પહેલાં એણે ખાલી ઘરમાં નજર ફેરવી, વિષાદ ચહેરા પર ઊભરી આવ્યો.
આ ખાલીપણું ક્યાં ભરી જવું? ભલે નીરજે લાખ કહ્યું હોય, પણ … જોકે શુભમનો ગઇકાલે સાંજે ફૉન આવી ગયો હતો. “મમ્મી લાડુ બનાવી દીધાં? પેકિંગ બરાબર કર્યું? જરૂરી દવા બધી લીધી છે ને? બસ, હવે તને મળવા ને તારા હાથનાં લાડુ ખાવા આતુર છું.”
બંસીએ હા-હા કહેતાં સાંભળ્યા કર્યું પણ એમાં જે ભાર હતો તે શુભમ ક્યાં કળી શકે એમ હતો ? હવે એણે ટિકિટ મોકલી આપી હતી તેથી ગયે જ છૂટકો!
***
વહેલી સવારે ઠંડીનું જોર વધ્યું હતું. એ કારણે તબિયત ન બગડે માટે શુભમ અને વહુ શિવાની બંને બંસીને સવારે ચાલવા જવાની ના પાડતાં. તેથી એ સવારે નહોતી જતી, પણ સાંજે બે-ચાર આંટા મારી લેતી.
એણે બારીનો પડદો સહેજ ખસેડયો અને બારી બહાર નજર કરી. ઠંડીનાં લીધે સૂરજ ટૂંટિયું વાળી સૂતો હશે. હજી એણે વાદળોની રજાઈમાંથી મોઢું બહાર નહોતું કાઢ્યું. ક્યાંય સુધી તે આમ જ બેસી રહી, ખાસ્સો સમય! આકાશમાં પંખીઓની અવરજવર દેખાવા લાગી હતી. મુક્ત મને ઊડતાં પંખીઓનાં બનતાં અવનવાં આકાર જોવાની એને મજા પડતી. આકાશ ત્યારે સુંદર લાગતું! પેલા ઘરે તો આ એની મનગમતી પ્રવૃત્તિ હતી.
એ ઊભી થઈ બહાર બાલ્કનીમાં આવી. ચોથા માળેથી નીચે નજર કરી. થોડું ધુમ્મસ છવાયેલું હતું, બિલ્ડીંગનો સફાઈ કામદાર કમ્પાઉન્ડ વાળી રહ્યો હતો. હવે આળસ મરડીને ધીમે-ધીમે ઊઠી રહેલો સૂરજ એનાં અદ્ભૂત રંગો આકાશમાં વિખેરી રહ્યો હતો. હળવેથી પા-પા પગલી કરતાં સૂરજનાં કિરણો જાણે એને ગુડ મોર્નિંગ કહી રહ્યાં હતાં.
‘મમ્મી, ચાલો, ચા-નાસ્તો રેડી છે.’ શિવાનીની બૂમ સાંભળી એ ફ્રેશ થઈ બહાર આવી. ચૂપચાપ ત્રણે જણાં ચા-નાસ્તાને ન્યાય આપી રહ્યાં. બંસીને તો આખી રાત ઊંઘ નહોતી આવી. કદાચ ઊંઘને પણ સરનામું બદલાયાની ખબર પડી ગઈ હતી. પડખાંની સાથે યાદો પણ બદલાતી રહેતી હતી! આંખોમાં એક ભારેખમ મૌન છવાયેલું હતું.
‘મમ્મી, રાતે ઊંઘ તો આવી ને બરાબર?’
‘અરે, સરસ ઊંઘ આવી છે શુભમ. તું ખોટી ચિંતા ન કર. એમ પણ નવી જગ્યા છે તેથી જરા લાગે એવું, બાકી સરસ વાતાવરણ છે અહીં.’
હજી શુભમ-શિવાનીને અહીં આવ્યાને વરસ જ થયું હતું. તેથી બંસીએ બોલી તો દીધું પણ મન તો ત્યાં હતું. જો શિવાની બૂમ ન પાડતે તો એ હજી પણ ત્યાં જ હોત! એ સાચું બોલીને દીકરા-વહુને દુઃખ પહોંચાડવા નહોતી માંગતી.
શુભમ-શિવાની તો ફટાફટ પરવારી પોતાનાં કામે જતાં રહ્યાં. એ એકલી પડી. ઉપરથી સાવ નવરી. આખા ઘરમાં ફરી વળી. શું કરવું તે સૂઝયું નહીં. અહીં આવ્યાં પછીનો આ યક્ષપ્રશ્ન હતો.
એ સોફા પર બેઠી. સરસ કલર હતો. મોંઘા પણ એટલાં જ હશે, હાથ ફેરવતાં મનોમન વિચારી રહી. બેસો એટલે સીધાં અંદર ઘૂસી જાવ એવાં પોચાં-પોચાં સોફા… યાદોનું પણ તો એવું જ… વળી એ અંદર ને અંદર ઘૂસતી ગઈ. નરમ, પોચી અને સુંવાળી યાદો… !
પેલાં ઘરે તો બેડરૂમમાં બહાર પડતી બાલ્કની એને બહુ ગમતી. એનાં ઊઠવા પહેલાં બાલ્કની ઊઠી ગઈ હોય. પંખીઓનો મેળો લાગતો જાણે. બાથરૂમની બહાર પડતી બારી, છાજિયું અને પાઇપલાઇનનાં નાનાં બાકોરાં અને બાલ્કનીનાં ખૂણે માળા બંધાયેલાં જોવાં મળે. એને તો પંખીઓનાં કલરવમાં મજાનું સંગીત સંભળાતું.
કોઈ-કોઈ વાર એ બધાને ધ્યાનથી જોયાં કરતી, ખાસ તો પેલાં કબૂતરની લાલ આંખો જાણે એને જ તાકી રહેતી એવું લાગતું. થોડાં દિવસમાં એણે એની સૂઝ મુજબ પક્ષીઓ માટે નીરજનાં બૂટનાં ખોખામાં કાણાં પાડી ઘર બનાવી બાલ્કનીમાં મૂકી દીધાં હતાં. એ આતુરતાથી રાહ જોતી કે ક્યારે એમાં તેઓ માળો બાંધે.
સવાર-સાંજ એ નાનાં-નાનાં ડબ્બા અને ઢાંકણમાં પક્ષી માટે ચણ-પાણી મૂકતી. રોજ સાંજે હરખથી નીરજને આ પંખીઓ વિષે વાત કરે. એને મન આ રસભર્યો ટોપિક બની રહેતો.
***
અચાનક ડોરબેલ વાગી ને બંસી પેલાં ઘરેથી પાછી ફરી. કામવાળી બાઈ હતી. ક્યારેક ભાંગીતૂટી હિંદીમાં એ બંસી સાથે થોડી વાતોની આપ-લે કરી લેતી. બંસીને પેલાં ઘરે કામ કરતી સવિતા યાદ આવી ગઈ. એને કોઈ કામ ચીંધવું જ નહોતું પડતું. જાણે ફેર-ફુદરડી ફરતી હોય એવી ત્વરાથી બધા કામ કરી નાખતી. કામ પતી જાય પછીય થોડીવાર ગપાટા મારવા બેસી રહે.
‘મેં જાતી હું, અંદર સે લૉક કર લેના.’ કામવાળીનાં ગયાં પછી એ, બારણું બંધ કરી, રૂમમાં જઈ આડી પડી. પેલા ઘરે તો બપોરે બારી પાસે સૂતી-સૂતી એ ચોરસ ચોક્ઠામાંથી દેખાતાં ચોરસ આકાશને જોયાં કરતી. રાત પડે ને એ જ ચોરસ આકાશ અનંતમાં ફેરવાઈ જતું.
ચાંદ-તારાની વાદળોની ઓથે રમાતી સંતાકૂકડી જોઈને તો બંસી કોઈ તંદ્રામાં સરી પડતી. શ્વેત-શ્યામ-વાદળી રંગોમાં પોચાં રૂની ગોદડીનાં ઠેર-ઠેર મારેલાં પેચ એ જોયાં જ કરતી. બસ, આકાશમાં ચાલતાં રહેતાં વાદળાં ને એને પાર રહેલી વણદીઠી, અદ્ભુત દુનિયામાં એ પહોંચી જતી. તેમાંય ઝગમગતાં તારાનું ગજબનું આકર્ષણ એને.
લગભગ રોજ સાંજે, ખાસ તો નીરજ ઑફિસથી આવે પછી બંને ચા લઈને આ બાલ્કનીમાં બેસે અને એકબીજાંને દિવસભરની અલક-મલકની વાતો કરે, એકબીજાંને સાંભળે. ચાની સાથે એ સામે બેઠેલાં નીરજને પીતી રહેતી.
પવનમાં ફરફરતાં રહેતાં નીરજનાં વાળ જોવાં એને ગમતાં. ઢળતાં સૂરજના મનભાવન સોનેરી રંગોની ઝાંય એના પારદર્શક ચશ્માં પર રંગોની પીંછી ફેરવતી હોય એવું એને લાગતું. બંસી એની વાત કહેતી જાય ને ઉપર પેલા માળામાંથી થોડી-થોડી વારે ડોકિયા કરતાં રહેતાં ચકલાઓને જોતી જાય. અજબ રાહત મળતી એને! ત્યાં બેસીને ખુલ્લા આકાશમાં ભવિષ્યનાં રંગો પૂરવાનું ગમતું. એની વાતો તો ખૂટે જ નહીં કોઈ દિવસ. નીરજ હામી પુરાવ્યા કરે.
એને યાદ આવ્યું કે, એકવાર એણે ટેબલ પર ચઢીને માળામાં જોયેલું પણ ખરું! ચકલીના નાનાં ઈંડા જોતાં જ એનાં હરખનો પાર ન રહ્યો. પણ આ રીતે ટેબલ પર ચઢવા બદલ બધાં એને કેવું ખીજવાયા હતાં… પ્રેગનન્સીમાં તો આવું કરાય?
પછી તો એક સવારે એણે પેલાં માળામાંથી ઝીણાં-ઝીણાં બચ્ચાંઓનો અવાજ સાંભળ્યો. ઓહોહો! ખુશીની મારી બધાંને કહી આવી કે ચકલીનાં બચ્ચાં બહાર આવી ગયાં! થોડા મહિના પછી એને ત્યાં પણ…! શુભમનો જન્મ. પછી તો બસ, ઝીણો-મીઠો-મધૂરો અવાજ ઘરમાં ગુંજતો રહેતો. ક્યારેક સમય મળે ત્યારે નાના શુભમને ખભે થાબડતી એ બાલ્કનીમાં આંટા મારે કે ઊભી રહી દૂર ક્ષિતિજે જોયાં કરે. પેલાં આકાશમાં પૂરેલાં રંગોનો વિસ્તાર કરતી રહે!
…અને અહીં એ આકાશ જ નહોતું. એણે બારી બહાર જોયું. દૂર-દૂર સુધી ચારે બાજુ ઈમારતોનો ખડકલો થયો હતો જાણે! ન પૂરો સૂર્યોદય દેખાય કે ન સૂર્યાસ્ત! મોટી ઈમારતો પાછળ સૂર્યાસ્તને લીધે અંધારું પણ જલ્દી ઊતરી આવતું. શુભમ-શિવાનીને તો આવતાં જ મોડું થઈ જતું. એ ગરમ રસોઈ તૈયાર રાખતી.
જમી-કરીને બે-ચાર વાતો કરી ન કરી બંને પોતાનાં લેપટોપ કે મોબાઈલમાં ખૂંપી જતાં. એ સોફા પર બેસીને બંનેને જોઈ રહેતી. ક્યારેક નીરજના હોવાનો આભાસ થતો! એ વિચારી રહી, મારી જેમ એકલા હોવું એ કોઈ માટે આશીર્વાદ તો કોઈ માટે અભિશાપ હોઈ શકે છે. ખરેખર તો માનવી એકલો હોય ત્યારે પણ સતત કોઈ ને કોઈ યાદથી તો ઘેરાયેલો જ હોય છે!
એણે એ બંને પરથી નજર હટાવી બીજી દિશામાં જોયું. ઊભી થઈ બહાર બાલ્કનીમાં આવી. ખુરશી ખેંચી બેઠી. તે દિવસે, તે સાંજે, પેલા ઘરે બેઠી હતી એમ જ! નીરજ થોડો મોડો આવ્યો હતો. પપ્પા-મમ્મીનાં અચાનક જવા પછી એ વધુ ગંભીર થયો હતો. ઑફિસમાં વધુ સમય ગાળતો. આવીને એની લગોલગ ખુરશી ખેંચી, બંસીનો હાથ, હાથમાં લઈ બેસી ગયો હતો.
એણે નજર મિલાવવાનું ટાળ્યું હતું. પછી સજળ નયને બંસીને ભેટી પડ્યો. છેલ્લાં થોડાં સમયથી એની તબિયતમાં નોંધપાત્ર રીતે ફેરફાર થયાં કરતાં હતાં. પણ, ઘરની જવાબદારી અને કામનાં ભારણને લીધે કે કાળજીનાં અભાવે એ ધ્યાન નહોતો આપી શક્યો. બંસીનાં આગ્રહવશ તે ત્રણેક દિવસ પર જ ડૉક્ટરને બતાવી આવ્યો. નિદાન- કેન્સર.
રિપોર્ટ જોઈને ડઘાયેલી બંસી કંઈ બોલી જ ન શકી! આખા શરીરે જાણે લકવો મારી ગયો. અણધારી આ વાતથી એ વિસ્ફારિત નજરે નીરજ સામે તાકી રહી! પૂછવું હતું ઘણું પણ, ડૂમો એની છાતીમાં અટવાઈ પડ્યો… બસ, ત્યાર પછીની કોઈપણ સાંજ બંસીને સુંદર નથી લાગી.
પપ્પા-મમ્મી હોત તો આ વાત કેમ કરીને સહન કરતે? તે પોતે કેવી રીતે આ પચાવી શકી? કોઈ અકળ શક્તિ મળી હતી? સ્ત્રી મૂળભૂત રીતે જ સહનશીલ હોય છે કે પછી એ સાબિત કરવા માટે તે સહનશીલ બની જાય છે તે કહેવું મુશ્કેલ છે.
નીરજ એને સચ્ચાઈ સ્વીકારવા સમજાવતો. મૃત્યુ વિષેની એની વાતો એને મરતા પહેલાં જ જાણે દૂર કરતી હોય એવું એ અનુભવતી. મનની ઉથલપાથલનો કોઈ ક્યાસ કાઢી શકાય નહોતો. ક્યારેક એને લાગતું કે એક સાથે એ બે સંતાનોનું ધ્યાન રાખી રહી છે, શુભમ અને નીરજ!
સમયનાં વહેણે પછી તો વહેવાની ઝડપ પકડી. શુભમ પણ જાણે અચાનક મોટો થઈ ગયો. નીરજે એની પાસે વચન માગેલું કે, એ એને શાંતિથી જવા દેશે. ન હોસ્પિટલની દોડધામ, ન કોઈ મોટી સારવાર, ન કોઈ રિબામણ… છેલ્લાં શ્વાસ સુધી આ બાલ્કનીમાં સાથે બેસીને સૂર્યાસ્ત જોશે.
ભારે હૈયે બંસીએ મ્લાન હસીને નીરજને વચન આપેલું. એનું અસ્તિત્વ પૂરું ડૂબી જાય ત્યાં સુધી એ ઝઝૂમી. છેલ્લે જ્યારે તે ખૂબ બીમાર થયો તો બંસી અને શુભમ, એના ના કહેવાં છતાં હૉસ્પિટલ લઈ તો ગયા પણ…! જિંદગીની એ સાંજ, નીરજને પોતાની સાથે લઈને આથમી ગઈ! સાથે-સાથે ઘણું બધું આથમી ગયું, બંસીનાં જીવનમાંથી.
એનાથી છૂટા પડતી વખતે એને રડવું હતું, પોક મૂકીને… પણ, શુભમ સામે જોઈ એણે મજબૂત બનવું પડ્યું. રાત્રે ખાલી પથારી પર હાથ ફેરવતી, ઓશિકાને ભીંજવી દેતી એ મનોમન વલોપાત કરતી,
“હું ક્યારેય તારો સાક્ષાત્કાર નહીં કરી શકું, તને બાથમાં નહીં લઈ શકું. પડખાં ફરીફરીને પણ રાત તો પૂરી નથી થતી. જિંદગી કેમ જશે? જેની આદત પડી હોય તેના વગર ક્ષણભર રહેવું પણ કેટલું મુશ્કેલ હોય છે? તું સદૈવ મારાં હ્રદયમાં રહેશે નીરજ.”
***
સમયને ક્યાં બ્રેક કે રિવર્સ ગિયર હોય છે? એ ઘણીવાર અહીં બાલ્કનીમાં, ડૂબતો સૂરજ, રંગીન આકાશ શોધવાં મથ્યા કરતી. ક્યારેક બાલ્કનીમાં બેઠી-બેઠી ઉપર પેલાં આંશિક ખાલી થયેલાં માળાને જોયાં કરતી.
મોટાં થઈને ઊડી ગયેલાં બચ્ચાં પછી પણ ચકલી તો ત્યાં જ હતી! નીરજના ગયા પછી નોકરી કરી, શુભમને ભણાવી-ગણાવી, પરણાવ્યો. ત્યારે એને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ ઘર ભવિષ્યમાં છોડવું પડશે. પણ શુભમની મોટી કંપનીમાં જૉબ, ઘરથી દૂર, બેંગલુરુમાં કંપનીમાંથી મળેલ વેલ-ફર્નિશ્ડ ફ્લૅટ, અને ત્યાં શિફ્ટ થવાની બંનેની ઈચ્છા…
બાકી એ તો ક્યારેય આ ઘરથી દૂર જઈ શકે એમ જ નહોતી. ઘરમાં તો એનો જીવ રહેતો! આ બધું છોડવું સહજ ક્યાં હતું? પણ થયું. સમયે સમયનું અને બંસીએ એનું કામ કર્યું. એને મન તો આ ઘર, અને એનાં દરેક ખૂણામાં નીરજની યાદો ખીચોખીચ ભરેલી હતી. એ બાલ્કની એની પ્રિય જગ્યા હતી જ્યાં નીરજ સાથે બધી અને આખરી સાંજ ગાળી હતી…માણી હતી!
એને યાદ આવ્યું કે છેલ્લે-છેલ્લે તો નીરજ ખૂબ ફિલસૂફીભરી વાતો કરતો. એને અંદરખાને ડર લાગતો પણ હોય તોય એ જતાવતો નહીં.
“મૃત્યુથી શું ડરવાનું? મૃત્યુ કરતાં માનવીને તેની કલ્પના વધુ ડરાવે છે. અહીં કોઈનું પણ જીવન શાશ્વત નથી. છતાં આપણે એનો મોહ જતો નથી કરી શકતાં. જો તમે એનાં દેહની જગ્યાએ એના આત્માને ચાહી શકો, મનને પામી શકો, એની લાગણીઓ અનુભવી શકો તો મૃત્યુ પામનાર વ્યક્તિ સદૈવ તમારી સાથે જ છે… એ તમને નિશ્ચિત સમયે પ્રતીત થશે જ! ડરવાથી કોઈ સમસ્યાનું સમાધાન થોડું થશે? ઊલટું પ્રશ્નો વધશે. તું સમજ, હોસ્પિટલનો ICU રૂમ, ત્યાંની ટિપીકલ ગંધ, મોટાં-મોટાં મશીનો, યુનિફોર્મધારી ડૉક્ટર-નર્સ-અન્ય સ્ટાફને સતત તમારી આસપાસ જોવાં અને આટલું ઓછું હોય તેમ પેલી અસહ્ય વેદના તો ખરી જ! એના કરતાં મૃત્યુની પળ, અહીં ઘરે, તારી ને શુભમ પાસે વીતે તો શું ખોટું છે? મેં સ્વીકારી લીધું છે. બસ, તું હિંમત ન હારતી, સદા શુભમની સાથે રહેજે.”
બંસી એની પીડા સમજી શકી. તેથી જ આટલી મજબૂત બની શકી હતી. તે નીરજની અંતિમ ઈચ્છાનું માન રાખવા આ લોકો પાસે આવી તો ગઈ હતી, પણ…સદેહે અહીં ને અદેહે ત્યાં, એમ બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી.
પ્રશાંત મહાસાગર જેવું અશાંત મન તોફાને ચઢ્યું હતું. વિચારોની મોટી-મોટી લહેરો એને ફંગોળી રહી હતી. પેલાં ઘરમાં એને ખાલીપો નહોતો વરતાતો. ત્યાં તો બધું જ હતું… અમૂલ્ય એવી નીરજની યાદો.
ના, એ કશા પર ધૂળ નહીં ચઢવા દે. આ તોફાનને શાંત કરવા મથતી તે સૂવાનો પ્રયત્ન કરવા લાગી. ફરી ઊઠીને બાલ્કનીમાં આવી. શીત પવનની લહેરખી વચ્ચે એ આકાશને નીરખી રહી. પેલાં ઝગમગતાં, એને આકર્ષતા તારાઓ ક્યાંક ખોવાયેલાં હતાં. જેને એ શોધી રહી, કદાચ એમાંનો એકાદ તારો નીરજ હોય !
***
આ ઘર કે પેલું ઘર? રાતભર અવઢવમાં રહેલી બંસીની આંખ ક્યારે લાગી તે જ ખબર ન રહી. સવારે ઊઠી ત્યારે એ પોતાનાં નિર્ણયથી સંતુષ્ટ હતી. દ્વિધા અનુભવતું મન હળવું થયું હતું. જીવનચક્ર તો સમયની સાથે ચાલતું જ રહેશે. નીરજને આપેલું વચન એ પેલાં ઘરે રહીને પણ પાળશે!
આખરે બીજા દિવસે એણે દીકરાને કહી જ દીધું…
‘શુભમ, મારી ટિકિટ બુક કરાવી દેજે.’
***
લેખિકા: ઉમા પરમાર
Email: uparmar473@gmail.com