માત અંબા અવતરે છે ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

નવરાત્રિનો નવલો રંગ બધે વર્તાઈ રહ્યો છે. મા અંબાની આરાધના આપણને ભક્તિનો અવસર આપે છે અને શક્તિ પ્રદાન કરે છે.

Ambe Maa GIFs | Tenor

દર વરસે નવા નવા ગરબાઓ અને ગીતો નવરાત્રિમાં પ્રસ્તુત થતાં રહે છે એ પણ આનંદનો વિષય છે. ખાસ આ કટાર માટે લખાયેલી પંક્તિઓ દ્વારા આદ્યશક્તિને આપણા શબ્દસુમન ધરીએ. માધવી ભટ્ટ લખે છે…

નવેનવ રાતની વાત લખવી છે
નમે અંતર તને સાક્ષાત લખવી છે
તમારી જ્યોતથી અજવાળજો છિદ્રો
રહું શરણે સદા વાત લખવી છે

`સરખેસરખી સાહેલડી ને ઝાંઝરનો ઝણકાર’ વાતાવરણને રોચક અને રોમાંચક બનાવે છે. શહેરોમાં નવરાત્રિ ઝાકઝમાળ ને રોનક માગે છે. સ્ટાર ગણાતા કલાકારોનો કાફલો મુંબઈને ધમરોળે છે.

Feeling the love! 🫶 Tickets coming soon — stay tuned, follow us & turn on notifications to stay ahead. 🔔🔥 🎤 Featuring: Parthiv Gohil live at NESCO 📍 Rangilo Re Navratri |

પરાંવિસ્તારોમાં બોરીવલી મોટા મેદાનોને કારણે આયોજકોનું માનીતું બન્યું છે. વરસાદનું વિઘ્ન દર વર્ષે થોડાઘણા અંશે આવે જ છે એટલે ઘણા આયોજકો મૉલ કે હોટલના હૉલમાં નવરાત્રિનું આયોજન કરવા લાગ્યા છે.

ઘરમાં સ્થાપિત થતો ગરબો ઘરમંદિરને કે ઘરના કોઈ ખૂણાને વધુ તેજસ્વી બનાવે છે. ગરબામાંથી દીવાનો પ્રકાશ અનેક આશાઓ સાથે ફેલાય છે. પાયલ ઉનડકટ માનું સ્વાગત કરે છે…

લીંપ્યું મેં વ્હાલ આંગણ તોરણે ઘરને સજાવ્યું છે
પૂરીને સાથિયે મોતી તને હું આવકારું મા
બનાવું ખીર, પૂરી, લાપસી ને લાડવા શીરો
જમાડી ગોરણી નાની તને હું આવકારું મા

નાનકડી ગોરણીઓને ઘરે જમાડવાનો લ્હાવો ખરેખર અલગ અનુભૂતિ કરાવે છે. નાની દીકરીઓમાં છલકાતી નિર્દોષતા આપણું કે આપણા સંતાનોનું બાળપણ યાદ કરાવી દે.

એક તરફ આપણી આંખો એમને વાત્સલ્યથી જોતી હોય તો બીજી તરફ અખબારમાં સ્ત્રી પરના અત્યાચારની કોઈ કરુણ ખબર વાંચીને મન ખિન્ન થઈ જાય. નીરજા પારેખ આદ્યશક્તિના અવતરણનું કારણ દર્શાવે છે…

ત્રાસ ફેલાવે અસુરો, દેવો ઘૂંટણિયે પડે ત્યાં
સહુના તારણહાર થઈને, માત અંબા અવતરે છે
દુર્જનો જ્યારે જગતમાં, કોઈ સ્ત્રીને દુભવે છે
દુષ્ટ જ્યાં વિવેક ચૂકે, માત અંબા અવતરે છે

Kali Ma A Goddess Misunderstood Kali Ma… Visually a scary looking goddess with her tongue protruding, large shimmering eyes, skulls around her neck, a skirt of arms, holding a severed head! Kali

માતાએ હાથમાં હથિયાર ધારણ કર્યા છે તે સૂચક છે. માતૃત્વથી વિશેષ કરુણામય કશું જ ન હોઈ શકે છતાં જરૂર પડે ત્યારે આ જ માતૃત્વ શક્તિરૂપા પણ બની શકે. આસૂરી તત્ત્વો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભટકાતા જ રહેવાના. એમને ઓળખતા શીખવું પડે ને લડતાં પણ શીખવું પડે. સ્વાતિ રાજીવ શાહ માતાને વિનવે છે…

મનનાં મત્સર હણજે માડી
ભીતર ઝળહળ કરજે માડી
ટીપેટીપું રાક્ષસ જણશે
કરમાં ખપ્પર ધરજે માડી

વાંસળી વેરણ ન થાય અને ગૌરવ ખંડિત ન થાય એનું ધ્યાન રાખવું પડે. વાત સલામતીની દૃષ્ટિએ તો છે જ પણ વાત સંસ્કાર અને અસ્મિતાની દૃષ્ટિએ પણ છે. બેઠા ગરબાની પરંપરામાં જે ગરબાઓ ગવાય છે તેમાં માતા પ્રત્યેની ભક્તિ છલોછલ વર્તી શકાય છે.

ભાષાવૈભવ અને અર્થવૈભવ દીવામાં અનોખું તેજ પૂરે છે. વિશ્વભરમાં અનેક નાગર મંડળો આ પરંપરાને જીવતી રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ માતાની વંદના કરે છે…

જય મા ભવાની, દુર્ગા, જય આદ્યશક્તિ માતા
હરનારી તું દુઃખોની, ભક્તોને સુખની દાતા
સ્થાપન થશે જ્યાં ઘટનું, પધરામણી ત્યાં માની
હર રોજ ભોગ માને તો અવનવા ધરાતા

11111 kg (1 piece Ladoo) Prasad offered at Shakti Peeth Ambaji Temple - AbuTimesAbuTimes

માને સામગ્રી ધરાવીએ, માનો શણગાર કરીએ, પરિસરની સજાવટ કરીએ એ સારી વાત છે. આ બધામાં જો સંવેદના ઉમેરાય તો એ દિવ્યતા તરફ દોરી જાય. મમતા શર્મા એને પામવાનો પ્રયાસ કરે છે…

એટલે હું ક્યાં ડરી છું કાળના પડકારથી?
મૌન મારું સાંભળી તું હામ ભરવા આવતી
તેજના અંબાર તારા ના થયા ખાલી કદી
સૂર્ય, ચંદ્ર, તારકો તારી ઉતારે આરતી

આરતીની આશકા લઈ સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ. ડૉ. ભૂમા વશી પ્રાર્થનાને પાનાંથી આગળ ને હોઠોની પાર વહેતી કરે છે…

નવ દિન નહીં, જીવનની પળપળ પ્રાર્થના
માતા તમારી હું કરું છું અર્ચના
વિશ્વંભરી, વરદાયિની, તું અંબિકા
પામું દરસ એવી છે અભ્યર્થના

લાસ્ટ લાઈન

મળ્યો કેવો ભાવાભિવ્યક્તિનો અવસર
આ નવરાત માની પ્રશસ્તિનો અવસર

ગજબ તેજ આંખોમાં, હાથે ત્રિશૂળ હો
એ બાળાઓ પામે મા શક્તિનો અવસર

સજી સોળ શણગાર ઘૂમે છે ગરબે
મળ્યો સ્ત્રીને નિર્મળ આ ભક્તિનો અવસર

ઘૂમી ગરબે ચાચરમાં થાકે ચરણ, તો
હૃદય આંગણે આવે તૃપ્તિનો અવસર

વધૂ, પુત્રી, માતા સ્વરૂપે બિરાજી
મા સર્વેને આપે છે મુક્તિનો અવસર

~ મિતુલ કોઠારી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. સુંદર પ્રાસંગિક લેખ હિતેનભાઈ