ગઝલ પંચવટીનો મલય પવન ~ અનિલ ચાવડા

ગુજરાતીના યુવાન અને અત્યંત પ્રતિભાશાળી કવિ, શાયર, નવલકથાકાર, વાર્તાકાર અને પ્રસિદ્ધ ગુજરાતી કોલમ લેખક અનિલ ચાવડાને અમે સહુ સાહિત્યપ્રેમી ગુજરાતીઓ આજે અહીં કેલિફોર્નિયાના બે એરિયામાં આવકારતાં અત્યંત આનંદ અનુભવી રહ્યાં છીએ. છેલ્લા બે-ત્રણ વર્ષોથી અનિલભાઈ અહીં શિકાગોમાં વસે છે. અનિલભાઈ, આપને સાંભળવાનો લ્હાવો મળી રહ્યો છે એ બહુ મોટી વાત છે. આપનું હ્રદયપૂર્વક સ્વાગત છે.  અનિલભાઈના ચાહકો અને અમારા દેશપરદેશમાં વસતાં વાચકોને એમની ગઝલના કેફનાં થોડા રંગછાંટણાં કરાવવા આ ગઝલનો ‘મલય પવન’ અહીં વહાવ્યો છે. આપ સહુને આ સ્પર્શી જશે જ.

૧.  “એકેએક પળ જીવત મઠારીને……!”

કરું સાષ્ટાંગ વંદન, ઝાડ! હું તારી ઉદારીને;
તને કાપે છે તો પણ હાથો તું આપે છે આરીને!

ગગનમાં તેથી હું ઊડી શક્યો પાંખો પ્રસારીને!
બધા મિત્રોએ ઉલઝાવીને રાખ્યો‘તો શિકારીને.

મને એક વાર મારું ભાગ્ય લખનારો બતાવી દો,
ના ના બદલો નથી લેવો, ફકત જોવો છે ધારીને.

ભલે એ હા કહે, તો પણ કદી એ હા સમજવી નહિ,
પ્રણયમાં શર્ત જે રાખે, જવાબ આપે વિચારીને.

પછી કહેજે બધે કે છે જગતમાં માત્ર એક જ રંગ,
પ્રથમ જો તો ખરો દુનિયાને તું ચશ્માં ઉતારીને!

મને જગ જીતવાની વાત નકરું તૂત લાગે છે,
કદી જીતીને કોઈ માલિક જવા ના દે જુગારીને!

ફરીથી કાશ કે ભૂતકાળને જીવી શકાતો હોત,
ગઝલ માફક હું એકેએક પળ જીવત મઠારીને!

મને ધિક્કાર, તો હું કમ સે કમ આઘાત તો પામું,
કશું પણ છે જ નહિ એવી રીતે ના જા નકારીને.

‘અનિલ’ બબડી રહ્યો છે શું જગત ને જાત વિશે તું?
અહીંયાં કોઈ સાંભળતું નથી તારી લવારીને.

          ~ અનિલ ચાવડા

૨.  “હું જ્યાં વસીવસીને……!” 

ઘોંઘાટથી થતો પર હું જ્યાં વસીવસીને
પહોંચી ગયાં છે ત્યાં પણ શ્હેરો ખસીખસીને!

ચુપચાપ ડંખતો’તો એ તો હતો ભરોસો,
માર્યો નથી મને કંઈ સાપે ડસીડસીને.

આવા નસીબ કરતા પથરા જ આપી દેને,
ચમકાવી તો શકું હું એને ઘસીઘસીને.

એવી રીતે કહી મેં મારી વ્યથાની વાતો,
કે લોટપોટ થઈ ગ્યા મિત્રો હસીહસીને!

જેમાંથી છૂટવા તું ઘાંઘો બની ગયો છે,
એ ગાંઠ મારી‘તી તેં પોતે કસીકસીને!

એ બ્હાવરાં થયાં છે મળવા મને બને નહિ!
ખાબોચિયે નદી કંઈ આવે ધસીધસીને?

પૂરપાટ કાર માફક આગળ વધી જઉં છું;
પાછળ ભલેને દોડે,  કૂતરા ભસીભસીને.

       ~ અનિલ ચાવડા

૩.  “સૂરજને ગળી ગઈ…..!”

તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ.
જોકે એને કાઢવામાં આંગળી ગઈ.

મુગ્ધતા ગઈ વજ્રતાને પામવામાં,
ચક્ર તો મેં મેળવ્યું પણ વાંસળી ગઈ!

રણમાં જે ખોવાઈ ગઈ એની કથા કહે,
એની નહિ જે જઈને દરિયામાં ભળી ગઈ.

કાન છે પણ જીભ ક્યાંથી લાવશે ભીંત?
સાંભળી ગઈ તો ભલેને સાંભળી ગઈ!

જે ગયા એ તો પરત આવ્યા નહીં પણ,
છાતી કૂટી કૂટીને તો પાંસળી ગઈ.

આગ હૈયાની હવે બુઝાઈ જાશે,
દેહમાંની આગ આગળ નીકળી ગઈ.

‘ચાલ દેખાડું તને સુંદર સિતારા‘,
એમ કહીને રાત સૂરજને ગળી ગઈ.

         ~ અનિલ ચાવડા

૪.  “મોજમાં રહું છું………!”

ચિંતા અપાર છે ને બહુ બોજમાં રહું છું
તો પણ પ્રભુની કૃપા કે મોજમાં રહું છું

જો ભવ્યતા છૂટી તો ભાંગી નથી પડ્યો કંઈ
સાગરમાં હોઉં એમ જ હું હોજમાં રહું છું

મિત્રો કહે, ‘કરીશું તું હોય તો જ મહેફિલ’
ગૌરવ એ વાતનું છે કે ‘તો જ‘માં રહું છું!

તહેવાર જેમ મારું એકાંત ઊજવીને,
યાદોની મસ્ત મોટી એક ફોજમાં રહું છું,

રહેતું‘તું વ્યગ્ર જે મન એ મગ્ન થઈ ગયું છે
ખણખોદ છૂટી ગઈ છે ને ખોજમાં રહું છું

~ અનિલ ચાવડા

૫.   “મ્હેકામ્હેક કરતા’તા…….!

હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતાં’તાં,
સતત આ રીતથી મારું ગજુ એ ચેક કરતાં’તાં.

‘જશો નહિ આમ છોડીને મને’ એવું એ કહેતાં’તાં,
અને સામાન પણ મારો ઝડપથી પેક કરતાં’તાં.

અમારી જિંદગી તો સાવ હમણાં કહું એ થઈ ગઈ છે!
વિધાતા શું જીવનના લેખ છેકાછેક કરતા’તા?

બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો,
વિચારો જેમ વાનર ત્યાંય ઠેકાઠેક કરતાં‘તા!

પ્રભુ ચરણે, સ્મશાને લાશ પર, કે કોઈ પણ સ્થાને,
ગયાં જ્યાં ફૂલ ત્યાં ચોમેર મ્હેકામ્હેક કરતાં’તાં

પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે
થયું કે આની માટે રાતદાડો એક કરતા‘તા?

        ~ અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. સરસ ગઝલો અનિલ, ખૂબ ખૂબ અભિનંદન મિત્ર.