સિન્થિયા (લઘુનવલ) ~ પ્રકરણ 3 ~ સપનાં, વિરહ અને વિચ્છેદ ~ ડૉ. ભારતી રાજીવ રાણે
ત્રીજા એપિસોડ વખતે દર્શકોનાં મનમાં મિશ્ર ભાવ હતા. સિન્થિયાના મિત્ર સાથે થયેલા વિચ્છેદની વાત સાંભળવાની આતુરતામાં સિન્થિયા માટેનો સૌનો સદ્ભાવ ભળેલો હતો. આગલા હપ્તા વખતે પૂછાયેલા પ્રશ્નોના જવાબ સાંભળ્યા પછી, સૌના મનમાં સિન્થિયાનું સ્થાન હતું તેના કરતાં પણ ઘણું વધારે ઊંચું થઈ ગયું હતું.
સિન્થિયા આજે લાંબી બાંયના કોલરવાળા બ્લાઉઝ સાથે લાલ-લીલી નકશીદાર કિનારીવાળી કાળા રંગની હૅન્ડલૂમની સાડીમાં સાલસ અને ગરિમાપૂર્ણ લાગી રહી હતી. એના કપાળ ઉપર મોટો લાલ ચાંદલો શોભતો હતો. ઝાઝી ઔપચારિકતા વગર એણે પોતાની વાત માંડી:
‘મિત્રો, ટ્રાન્સબોર્ડર જર્નાલિઝમ અમારું સપનું હતું. દેશ-વિદેશના સીમાડા ઓળંગીને અમારે આખી દુનિયા સુધી પહોંચવું હતું. અભ્યાસ પૂરો થયો ત્યારે મારી પાસે કામ તો હતું, પણ તે અમેરિકા પૂરતું સીમિત હતું. મારે તો યુદ્ધથી કે સિવિલવૉરથી તબાહ થઈ ગયેલા કોઈ દેશમાં જઈને કામ કરવું હતું.
આવી હિંસક અથડામણોમાં અનેક નિર્દોષ લોકોના જીવન બરબાદ થઈ જાય છે એ વાત તરફ વિશ્વનું ધ્યાન ખેંચવું હતું. હૃદય હચમચાવી નાખે તેવી ડોક્યુમેન્ટરી ફિલ્મો અને ફોટો-સ્ટોરીઝ બનાવીને આખા વિશ્વમાં શાંતિની તરફેણ કરતો ઍપિનિયન ક્રિએટ કરવો હતો. એ માટે હું યોગ્ય તકની રાહ જોઈ રહી હતી, જ્યારે મારા મિત્રને પોતાનું સપનું સાચું કરવામાં જરાય વાર ન લાગી.
સપનું સાકાર કરવા એ ઈન્ડિયા ગયો. કહેતો હતો કે, જો મારે દુનિયાને બહેતર બનાવવા માટે કામ કરવાનું હોય, તો આપણાં મૂળ જ્યાં છે, તે દેશ માટે કેમ ન કરવું? મેં સાંભળ્યું છે કે, ભારત પાસે યુવાનો છે, ટેલેન્ટ છે, નેચરલ રિસૉર્સિઝ છે, પણ કરપ્શનને કારણે પ્રગતિ રૂંધાઈ રહી છે. આય વિલ ટ્રાય ટુ રિડયૂસ ઈટ. હું મારાથી બનતું બધું જ કરી છૂટીશ.
એ માટે તેણે કોઈ મોટું શહેર નહીં, વતનનું નાનું ગામ પસંદ કર્ય઼ું. ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ગ્રાસરૂટ લેવલ પર, એટલે કે, સાવ નીચા સ્તરથી કામ શરૂ કરીને એ એક મૉડેલ ડેવલપ કરવા માગતો હતો, જેને આગળ જતાં મોટાં શહેરો અને દરેક રાજ્યોમાં ઍપ્લાય કરી શકાય.
એ માનતો હતો કે, સ્ટિંગ ઓપરેશનો કરીને, તેનો મિડિયામાં જોરદાર પ્રચાર કરીને સનસનાટી મચાવી દેવાથી, કે ભ્રષ્ટાચારીને માત્ર જેલમાં ધકેલી દેવાથી ભ્રષ્ટાચાર ઓછો નહીં થાય.
જ્યારે સમાજ ભ્રષ્ટાચારીને હલકો માનશે, તેનો બહિષ્કાર કરતો થશે, ત્યારે ભ્રષ્ટાચાર કાબૂમાં આવવા લાગશે. માટે આસપાસનાં લોકોની નજરમાં ભ્રષ્ટાચારીને નીચો પાડી દેવાનો અને સામાન્ય લોકોમાં એવો લોકમત કેળવવાનો કે જેથી લોકો એને ધિક્કારે, એના ઘરમાં કોઈ પોતાના દીકરા-દીકરીનો લગ્નસંબંધ બાંધવા રાજી ન થાય, કોઈ એને જાહેર સમારંભોમાં માન ન આપે, ઊલટું એને જોઈને મોં ફેરવી લે, તો એ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરતા પહેલાં પાંચ વાર વિચાર કરશે. મારા મિત્રનો એ સ્વભાવ હતો કે, એના મનમાં નવાનવા આઇડિયા આવ્યા જ કરતા.
હું સતત એના સંપર્કમાં રહેતી. એ બધું મારી સાથે શેર કરતો. એની ખુશીઓ, ઍચિવમૅન્ટ્સ, ફ્રસ્ટ્રેશન્સ, બધું જ. ઇન્ડિયા વિશે પણ એ ઘણું બધું કહેતો.
ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈને કહેતો હતો કે, અહીં તો ભ્રષ્ટાચારને લોકોએ સ્વીકારી જ લીધો છે. મોટામોટા સ્કૅમ કરીને પૈસા કમાનાર સ્ટેઇજ ઉપર બેઠેલો દેખાય. મોટીમોટી સંસ્થાઓના પ્રમુખપદે બેઠેલો દેખાય. ભ્રષ્ટાચારી રાજકરણીઓની ચમચાગીરી કરવામાંથી ઊંચા ન આવતા સમાજ વિશે શું કહેવું?
કશુંક ખોટું થયું હોય તેની લોકોને જાણ જ ન હોય, એવું અહીં બિલકુલ નથી. લોકો બધું જાણે જ છે, છતાં ચારેકોર માત્ર પૈસાનો અને સત્તાનો દબદબો દેખાય છે. જેમણે પોતે જ કીચડમાંથી બહાર નથી નીકળવું એમની મદદ શી રીતે થઈ શકે?
મેં સૂચવેલું, ટ્રાય ટૂ મૂવ ઓપિનિયન ઑફ ધ યંગ જનરેશન. નવયુવાનોની માનસિકતા કેળવવાની કોશિશ કરી જો. બની શકે કે એ લોકો તને વધારે સારી રીતે સમજી શકે.
દર વખતે એ એમ તો કહે જ કે, આવી જા ને અહીં, સાથે કામ કરવાની મજા આવશે! પણ મારા અને એના ફિલ્ડ ઑફ ઇન્ટરેસ્ટ – કામ કરવાના રસ્તા અલગ હતા. હું કહેતી, ‘હમણાં આપણે પોતપોતાનું કામ બરાબર કરી લઈએ, પછી ક્યાં અને કેવી રીતે સાથે રહેવું એનો પ્લાન બનાવશું.’
રાતના હું કલાકો જાગીને એની સાથે વાતો કરતી અને દિવસે મારા પ્રોજેક્ટ ઉપર કામ કરતી. આમ ને આમ છ મહિના વીતી ગયા. મેં મારાં મૉમ-ડૅડને એના વિશે વાત કરી દીધી.
ડૅડ એક વાર એને વિડિયો કૉલ પર મળ્યા. એમને એ ગમી ગયો. કહેતા હતા: ‘ઇન્ડિયાથી એને પાછો બોલાવી લે તો તમારી સગાઈ કરી આપું!’
મૉમ કહે, ‘જેમ બને તેમ જલદી બોલાવજે. લગનની ઉંમર વીતી ન જવી જોઈએ. તારું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ થઈ ગયું. હવે સમય ગુમાવવાની જરૂર નથી.’ રિલેક્સ મૉમ, એ દિવસો ગયા હવે! હવે તો બધાંની ર્ફ્સ્ટ પ્રાયોરિટી પોતાની કરિયર હોય. મેરેજનો નંબર બીજો. – મેં મૉમને વહાલ કરતાં કહેલું.
‘ચાલ હવે બહુ ઢાપલી ના થા! કહ્યું ને સમય ગુમાવવાનો નથી!’ મૉમ મક્કમ હતી.
પણ સમયને કાંઈક બીજું જ મંજૂર હતું. મારો ફ્રેન્ડ કહેતો હતો કે એ કોઈ એકદમ ચેલેન્જિંગ સ્ટોરી પર કામ કરી રહ્યો છે. એનાં મૂળ ગામડા સુધી લંબાયેલાં હતાં, પણ કૌભાંડ દેશવ્યાપી નીકળ્યું. કોઈ બહુ મોટા કૌભાંડની કડીઓ એ શોધી રહ્યો છે. જો એ સફળ જશે તો દેશભરમાં તહેલકો મચી જશે. લાખો યુવાનેના ભવિષ્ય સાથે થતી છેતરપિંડીનો અંત એના કામ થકી આવશે. વેઇટ ફૉર ધ ગૂડ ન્યૂઝ! એણે ફોન પર કહેલું.
એ એનો છેલ્લો કૉલ હતો. ત્યાર બાદ દિવસો સુધી હું પ્રયત્ન કરતી રહી. દર વખતે ફોન સ્વિચ ઑફ હોવાનો મેસેજ મને મળતો. પહેલાં તો થયું, જોખમી ન્યૂઝ બ્રેક કરવાનો હશે એટલે અન્ડરગ્રાઉન્ડ ચાલ્યો ગયો હશે. પણ દિવસો સુધી એના તરફથી કોઈ સમાચાર ન આવતાં મને ચિંતા થવા લાગી. મને ખબર હતી કે એ નાના ગામમાં એના કાકાને ત્યાં રહેતો હતો. મેં હિંમત કરીને કાકાને ત્યાં લૅન્ડલાઈન પર ફોન જોડયો. સામે છેડે એની કઝીન સિસ્ટર હતી. એ રડમસ અવાજે બોલી રહી હતીઃ
‘તમે સિન્થિયાદીદી છો? ભાઈએ મને તમારી વાત કરી હતી. ઘરમાં બીજા કોઈને તમારા વિશે ખબર નથી. દીદી, તમને ખબર મળ્યા? ભાઈ હવે આપણી વચ્ચે નથી!’
‘શું..શું બોલે છે તું, એનું તને કાંઈ ભાન છે? આર યુ ઇન યૉર સેન્સિસ?’ મેં ચીસ પાડીને પૂછયું.
‘શાન્ત થાવ દીદી, ભગવાનના સોગંદ ખાઈને કહું છું. એક એક્સિડન્ટમાં ભાઈ… પરોઢિયે એની મોટરસાયકલ એક ટ્રક સાથે ભટકાઈ હશે. ટ્રક ડ્રાઈવર તો ભાગી ગયો. આ બન્યું તેના કલાકો પછી રસ્તા પર ભાઈની કચડાયેલી ડેડબોડી મળી.
આટલો વહેલો એ શા માટે બહાર નીકળ્યો હશે? એને તો બહુ જ ધ્યાનથી વાહન ચલાવવાની ટેવ હતી. આટલો ભયંકર ઍક્સિડન્ટ શી રીતે થયો હશે? બધું અમારી સમજ બહારનું છે.
દીદી, એ તમને બહુ પ્રેમ કરતો હતો. કહેતો હતો કે, અત્યારે જે કામ એણે હાથ પર લીધું છે, એ પતે કે તરત જ અમેરિકા પહોંચી જઈ તમને સરપ્રાઇઝ આપવાનો છે. એમ પણ કહેતો હતો કે, અમેરિકા પહોંચતા જ એ તમને લગ્ન માટે પ્રપોઝ કરવાનો છે’…
હું સ્તબ્ધ બનીને એ છોકરીની વાત સાંભળી રહી હતી. મારું મગજ, મારું આખું શરીર જાણે બહેર મારી ગયું હતું. આમાંની એક પણ વાત માનવા માટે મારું મન તૈયાર નહોતું. હું એક પણ શબ્દ બોલી ન શકી. આંખમાં આંસુનું એક ટીપુંય ન આવ્યું. હું ખૂલીને રડી પણ ન શકી!
મારે ઇન્ડિયા દોડી જવું હતું. એની એકએક ચીજને ભેટીને રડવું હતું મારે. એના મોતનું કારણ મારે શોધવું હતું. મને ખાતરી થઈ ગઈ હતી કે, જર્નાલિઝમે જ એનો ભોગ લીધો હતો. સત્યને ઉજાગર કરવાની બહુ મોટી કિંમત ચૂકવી હતી એણે!
મેં મૉમ-ડૅડને વાત કરી. સાથેસાથે વિનંતિ કરી કે મને ઇન્ડિયા લઈ જાય અથવા એકલી ત્યાં જવા દે. પણ ડૅડ-મૉમ સમજુ હતા. દુનિયાદારીની પાક્કી સમજ હતી એમનામાં. તે દિવસે તો તેમણે એમ જ કહ્યું કે તેઓ આ વિશે વિચારશે. પછી બીજા દિવસે બંનેએ સાથે બેસીને મને સમજાવ્યું કે, અત્યારે ઇન્ડિયા જવું સલાહભર્ય઼ું નથી.
ડૅડને ડર હતો કે, પત્રકારત્વના જોશમાં એનાં મૃત્યુનું કારણ શોધવાનું મન હું રોકી નહીં શકું. બંનેને મારી કાબેલિયત પર વિશ્વાસ પણ હતો કે, એ હું શોધીને જ જંપીશ. અને એટલે જ તેમને લાગતું હતું કે ઇન્ડિયા જઈશ તો હું જીવના જોખમમાં સપડાઈ જઈશ. આમ જીવન ફેંકી દઈને નહીં, કોઈ નક્કર કામ કરીને એને ખરી અંજલિ આપવી જોઈએ, એવું તેમણે મને સમજાવ્યું.
મૉમને એમ હતું કે, દીકરીના પ્રેમપ્રકરણની જાણ એમના ગુજરાતી સમાજમાં ફેલાઈ જાય તો પછી ભવિષ્યમાં મારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય. બંનેની વાત એમની પોતાની રીતે સાચી હોઈ શકે. ભવિષ્યમાં લગ્ન તો મારે કરવા જ નહોતા, એટલે મૉમની વાતનો ત્યાં જ અંત આવી જતો હતો, પણ ડૅડની વાત મારા ગળે ઊતરી ગઈ.
વળી મને એમ પણ સમજાયું કે, હું જીદ કરીશ તો ડૅડ મને જવા તો દેશે, પણ મને એકલી તો નહીં જ મોકલે. એ પોતે જરૂર સાથે આવશે. મારે શા માટે એમની જિંદગીને જોખમમાં નાખવી જોઈએ? અને મેં ઇન્ડિયા જવાનું માંડી વાળ્યું.’
પોતાના જીવનની આટલી દુઃખદ ઘટનાની વાત તેણે એકદમ સ્વસ્થતાથી કરી. ખોટા લાગણીવેડામાં સરી ગયા વગરની એની સચ્ચાઈ શ્રોતાઓને સ્પર્શી ગઈ હતી.
સિન્થિયાએ પોતાની વાત પૂરી કરી ત્યારે એના છેલ્લા વાક્યને કારણે શ્રોતાઓના મનમાં દુઃખ સાથે અચરજનો ભાવ ઉમેરાઈ ગયો હતો. આજની વાત કરુણ હોવાને કારણે જાણીને આજે પ્રશ્નોત્તરી રાખવામાં આવી નહોતી.
*
એપિસોડ ટી.વી. પર તો પૂરો થયો, પણ સિન્થિયાના મનમાં મચેલી ઉથલપાથલ હજી શમી નહોતી. મનની વાત ખૂલ્લા દિલથી કહી શકવાને કારણે તે ઘણી હળવાશ તો અનુભવી રહી હતી, પણ વીતેલા દિવસોના સ્મરણથી એ અળગી ન થઈ શકી.
એ દિવસોને યાદ કરતાં એક આખેઆખો સમાજ સિન્થિયાની નજર સામે આવી ગયો. કેટકેટલા ચહેરા, એમનાં વીતક, એમની સાથે બંધાયેલો ભાવસંબંધ, બધું જાણે ગઈકાલે બન્યું હોય, તેમ યાદ આવી ગયું.
ત્યારે જેમણે એને આઘાતમાંથી બહાર લાવીને સ્વસ્થ થવામાં મદદ કરેલી, એ સૌની સિન્થિયાને આજે ફરી જરૂર હતી. પ્રેક્ષકો સામે વાત કરતાં ઊભરી આવેલા જખમોને ફરી એક વાર રૂઝવવા માટે!
સિન્થિયાને યાદ આવી ગયું કે, જીવનના આ મોટામાં મોટા આઘાતમાંથી બહાર નીકળવા તેણે જોર્ડનવાળું એસાઈનમૅન્ટ સાઈન કરેલું. એને હિલ્ડા યાદ આવી ગઈ.
જોર્ડેનિયન મૂળની પણ અમેરિકામાં ઊછરેલી હિલ્ડા. ઈસ્ટ કોસ્ટથી યુ.સી. બર્કલી યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં એડવાન્સ્ડ આર્કિટેક્ચરલ ડિઝાઈનમાં માસ્ટર્સ કરવા હિલ્ડા સાન ફ્રાન્સિસ્કો આવી, ત્યારે સિન્થિયાના ઘરનું બેઝમૅન્ટ એણે ભાડે લીધેલું.
સિન્થિયાનાં મમ્મીના પ્રેમાળ સ્વભાવને કારણે હિલ્ડા ભાડૂઆત નહીં, કુટુંબના સભ્ય જેવી બની ગયેલી. પ્રેમાળ કુટુંબ સાથે રહીને જોર્ડેનિયન હિલ્ડા મંજુબહેનના હાથનાં ખમણ ઢોકળાં, પાતરાં, ખીચડી, કઢી, બટાકાનું શાક, વેઢમી, બધું હોંશેહોંશે ખાતી થઈ ગયેલી અને સિન્થિયાની પાક્કી દોસ્ત પણ બની ગયેલી.
બંને દરરોજ સિન્થિયાની કારમાં જ કૉલેજ જતાં. હિલ્ડા મોડી છૂટવાની હોય, ત્યારે એની રાહ જોવામાં સિન્થિયાને વાંધો નહોતો. એટલો વધારાનો સમય તેને પોતાના બોયફ્રેન્ડ સાથે ગાળવા મળતો. હિલ્ડા સિન્થિયાના બૉયફ્રેન્ડને ઓળખતી. એ કાયમ કહેતી,
‘તારે સિન્થિયા સાથે વધારે સમય પસાર કરવો હોય, ત્યારે મને કહી દેવાનું! હું જાણીજોઈને મોડું કરીશ. પણ બદલામાં એક ટ્રીટ મને જોઈશે, સમજ્યો ને!’
કૉલેજ છોડયા પછી પણ હિલ્ડા મંજુઆન્ટીના સંપર્કમાં રહેતી. તે દિવસે હિલ્ડાએ અમસ્તો જ ફોન કરેલો, ત્યારે મંજુબહેને રડમસ અવાજમાં કહેલું:
‘બેટા, યુ નૉ સિન્થિયાનો બોયફ્રેન્ડ? હી ડાઈડ ઈન એક્સિડન્ટ! સિન્થિયા વેરી સેડ!’
હેબતાઈ ગયેલી હિલ્ડાએ તરત જ સિન્થિયાને ફોન જોડેલો.
‘હેલ્લો, સિન્થિયા, કેમ છે તું?’
‘ઠીક છે યાર, બસ, દિવસો પસાર થઈ રહ્યા છે.’
‘હા, મને ખબર છે. આન્ટીએ વાત કરી. એટલે જ તને ફોન કરી રહી છું.’
‘મારા તો માન્યામાં પણ નથી આવતું. કહે છે કે, ઇન્ડિયામાં એક્સિડન્ટ થયેલો. હી વૉઝ ઓન એ સેન્સિટીવ એસાઇનમૅન્ટ. ખેર, જવાદે એ વાત. તું કેમ છે? શું કરે છે આજકાલ?’
‘જોર્ડનમાં છું. ટૂ બી પ્રિસાઈઝ ઝાતરી નામના નિરાશ્રિત-કૅમ્પમાં.’
‘શી વાત કરે છે! આર યુ ઓ.કે?’
‘અરે, એમ ગભરાઈ ન જા. એક પ્રોજેક્ટ પર અહીં આવી છું. સિરિયાના આંતરવિગ્રહમાં અનાથ અને નિરાધાર થયેલાં લોકો માટે જોર્ડનની સરકારે આ સરહદી સ્થાન ઉપર રાહતકૅમ્પ શરૂ કર્યો છે.
ઘરથી બેઘર થયેલાં અને હિંસક હુમલાઓમાં સ્વજનોને ગુમાવી બેઠેલાં લોકો નદીનાં પૂરની જેમ રાત અને દિવસ અહીં આવી રહ્યાં છે. એમાં કેટલાં બધાં બાળકો હોય છે!
બે વર્ષમાં તો આ કૅમ્પ એટલો વધી ગયો છે કે અહીં જાણે નાનું ગામડું જ વસી ગયું છે! એક સેવાભાવી સંસ્થા સાથે જોડાઈને હું અહીં આવી છું. મારું કામ તંબૂમાં રહેતાં લોકો માટે સ્થાનિક રીતે મળી શકતી સામગ્રીમાંથી સસ્તા પણ સુઘડ આવાસ ડિઝાઈન કરવાનું અને કૅમ્પનાં લોકોને એ રીતે ઘર બાંધતાં શીખવવાનું છે.
આમ તો અહીં આવવા માટે ઘણાંબધાં ઉત્સુક હતાં, પણ મારું જોર્ડેનિયન મૂળ કામ લાગી ગયું. હું સ્થાનિક ભાષા અને લિપિ જાણતી હોવાથી મને તથા મારી ટીમને કામ કરવાની ઘણી સરળતા રહે છે. અહીં ચારેકોર એટલું દુઃખ વિખરાયેલું છે કે, આપણી બધી જ નિરાશાઓ ભૂલાઈ જાય.
હેય, હું તને કાંઈક કહું? તું પણ આવી જા ને અહીં! જર્નાલિઝમ માટે તને અહીં ઘણી બધી વાર્તાઓ મળશે. એ બધાથી ઉપરની વાત એ છે કે, અહીં તને ખરી માનસિક શાંતિ મળશે. મનગમતું કામ કરતાંકરતાં આ દુખિયારાં માટે કાંઈક કરી છૂટવાના સંતોષમાંથી મળતી શાંતિ. રહેવાની વ્યવસ્થા મારી સાથે થઈ જશે. પરમિશન વગેરેનું પણ હું ફોડી લઈશ. આવી જાને યાર, એ બહાને જૂની યાદો તાજી કરીશું. આન્ટીનો પ્રેમ હું શી રીતે ભૂલી શકું?’
હિલ્ડા આટલું લાંબું બોલી તેટલામાં જ સિન્થિયાનો વિચાર પાક્કો થઈ ગયો. યુદ્ધ અથવા વર્ગવિગ્રહની હિંસાને કારણે સહન કરનારાં ઉપર સંશોધન કરવાનું એનું સપનું આમ એકાએક સાચું થઈ જશે, તેની એને કલ્પના પણ નહોતી.
‘હા આવું છું. એકાદ ન્યૂઝ-પેપરમાં વાત કરી જોઉં છું. ગ્રાન્ટ માટે યુનિવર્સિટીમાં પણ પ્રયત્ન કરીશ. ક્યાંય મેળ નહીં પડે તો અંગત ખર્ચે પણ હું આવીશ જ. તને વિગતે ઈ મેઈલ કરું છું.’ સિન્થિયાએ તરત જવાબ આપેલો.
યુ.સી. બર્કલીના એના પ્રૉફેસરે ગ્રાન્ટનું ગોઠવી આપેલું અને ‘ન્યૂ યૉર્ક વર્લ્ડ’ સમાચારપત્રે ખાતરી આપેલી કે, જો એની સ્ટોરી સારી હશે તો છાપું એને ચોક્કસ છાપશે.
સ્મૃતિઓથી અને જીવનની અસહ્ય વાસ્તવિકતાથી નાસી છૂટવા માગતી હોય તેવા ઝનૂન સાથે તેણે સાન ફ્રાન્સિસ્કોથી જોર્ડનની રાજધાની અમ્માનની ફ્લાઈટ પકડેલી.
અમ્માનના ક્વીન આલિયા એરપોર્ટ ઉપર હિલ્ડા તેને લેવા આવેલી. એરપોર્ટ નાનકડું અને સાવ સાદું હતું. ઈમિગ્રેશન કાઉન્ટર પરનાં માણસો પણ એકદમ સરળ હતા. અમેરિકાની ચમકદમકથી દૂર, વરસોથી ઝંખેલા કોઈ સ્થાન ઉપર કામ કરવા આવી પહોંચવાના આનંદ સાથે સિન્થિયાએ જોર્ડનની ધરતી ઉપર પગ મૂક્યો.
એરપોર્ટ પર બહેનપણીઓ ભેટી, ત્યારે બંનેની આંખોમાં આંસુ હતાં.
‘કૅમ્પ પર પહોંચતાં દોઢેક કલાક થશે. તને ભૂખ લાગી છે? ખાવું-પીવું છે કાંઈ? ઘરે તો મેં તારા માટે સેન્ડવિચ અને સૂપ બનાવેલ છે. અને મને ખબર છે, મંજુ આન્ટીએ મારા માટે ચોક્કસ કાંઈક ખાવાનું મોકલ્યું હશે… લેટ મી થિંક, ઢેબરા, અથાણું અને સુખડી, રાઈટ?’ ગાડીમાં બેસતાં પહેલાં હિલ્ડાએ સ્નેહાળ અવાજે પૂછેલું.
‘ના, ના, આય ઍમ ઓકે. સીધાં ઘરે જ જઈશું. અને હા, મમ્મીએ તો તું વિચારે છે, તેનાં કરતાંય કેટલુંય વધારે તારા માટે મોકલ્યું છે. મને કહેતી હતી કે, ‘હિલ્ડાને ખાવા દેજે. તું બધું પૂરું નહીં કરી નાખતી!’ સિન્થિયાએ ચારેકોર નજર ફેરવતાં કહેલું.
ઔપચારિક વાતો કરતાં-કરતાં પણ આખે રસ્તે નવા દેશને નાંણવા ને તાગવા પ્રયત્ન કરતી હોય તેમ, એની નજર સતત ફરતી રહી.
એણે જોયું કે, હાઈવે નંબર પંદર ઉપર પાંચેક મિનિટ ડ્રાઈવ કર્યા પછી ગાડી 45 નંબરના રસ્તે વળી હતી. માફરાક ગવર્નેટ નામના ચેકપોઇન્ટ ઉપર પણ બહુ લાંબો વિધિ નહોતો કરવો પડયો.
હિલ્ડાનું હોમવર્ક અને હાજરી, અમેરિકન નાગરિકત્વનું વજન, સાથે લીધેલા કાગળોની સ્પષ્ટતા અને જોર્ડન સરકારની સરળતા – બધું મળીને સરવાળે એ એક આવકારદાયક અનુભવ હતો.
એ વેરાન રસ્તે ચાલતાં એને સમજાયું કે, હિલ્ડા લેવા ન આવી હોત તો જાતે કૅમ્પ પર પહોંચતાં બહુ મુશ્કેલી પડી હોત. કારણ કે, રસ્તાનો અમુક ભાગ આમજનતા માટે બંધ હતો. હાશ, રાતને સમયે એરપોર્ટથી કૅમ્પ સુધી શી રીતે પહોંચી શકાયું હોત, એ સવાલ હવે રહ્યો નહોતો!
હિલ્ડા એક પોર્ટા કૅબિનમાં રહેતી હતી. લોખંડના પાયા પર જમીનથી જરાક ઊંચી એ કૅબિનમાં પહોંચવા માટે ચડવા પડતા ત્રણેય પગથિયાંની બંને કોર હિલ્ડાએ ફૂલછોડનાં કૂંડાં મૂકયાં હતાં.
કૅબિનમાં દાખલ થાવ એટલે ડાબી બાજુને ખૂણે એક ટેબલ ઉપર રસોડાનું કાઉન્ટર બનાવેલું હતું. સામેની દીવાલ પર સ્ટડીટેબલ હતું અને તેની બંને તરફ એકએક નાનકડો ફોલ્ડિંગ ખાટલો ગોઠવાયેલો હતો. કેબીનની ત્રણેય દીવાલો પર નાનકડી બારીઓ હતી, જેનાં પર જાડાં કપડાંના પડદા ઝૂલી રહ્યા હતા.
કૅબિન સાથે એક સાવ નાનો વૉશરૂમ જોડાયેલો હતો. બધું એટલું પ્રાથમિક કક્ષાનું હતું કે, સિન્થિયાને જરા વારમાં જ સમજાઈ ગયું કે, સાથે રહેવા દઈને હિલ્ડાએ તેના પર કેટલો મોટો ઉપકાર કર્યો હતો! એને મમ્મી યાદ આવી ગઈ. એને લાગ્યું કે, મમ્મીના નિઃસ્વાર્થ પુણ્યનું ફળ એને મળી રહ્યું હતું!
સિન્થિયા સવારે ઊઠી ત્યારે હિલ્ડા કામ પર જવાની ઉતાવળમાં હતી. ‘લંચ પર મારાથી અવાશે નહીં. એક અગત્યની મીટિંગ છે. સાંજે પાંચ વાગ્યે મળીશું. મેં જમવાની થોડી તૈયારી કરી છે. શાકભાજી, બ્રેડ, દૂધ, કૉફી, બધું રસોડામાં છે. બીજું ઘણું તને મળી જશે. પ્લીઝ હેલ્પ યૉરસેલ્ફ ઍન્ડ બી કમ્ફર્ટેબલ. અને હા, બપોરે બરાબર ઊંઘી લેજે. આજે રાતે મન ભરીને વાતો કરવાની છે, તું એ માટે તૈયાર રહેજે.’ વહાલથી ભેટીને જતાં હિલ્ડાએ કહેલું.
(ક્રમશ:)