વ્યૂહ ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખક- તરુણકાંતિ મિશ્ર ~ અનુવાદઃ ડૉ. રેણુકા સોની
ઇંટરવ્યુ પત્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. કૂલ એકવીસ ઉમેદવાર હતા, એમાંથી સતર જણા આવ્યા હતા. એ પહેલા પાંચ દિવસમાં લગભગ સો ઉમેદવારોન આ એક નોકરી માટે ઇંટરવ્યુ લેવાયા હતા.
અભિમન્યુએ પોતાની કાંડા ઘડિયાળમાં જોયું, પોણાસાત વાગ્યા છે. બસ સ્ટેનડે પહોંચતા અડધો કલાક થશે. ત્યાંથી ‘ઢેંકાનાળ’ બીજા ત્રણ કલાક થાય .
પ્લાસ્ટિક ફોલ્ડરમાં સર્ટી વગેરે મૂકતા ‘ભદ્રક’ બાજુથી આવેલો ઉમેદવાર બોલ્યો, “ આ તો એક દેખાડો જ છે, બધું પહેલેથી નક્કી છે. “
‘કોરાપુટ’ બાજુથી આવેલા ઉમેદવારે પૂછ્યું, “શું નક્કી છે ?”
“અરે ! કોને નોકરી મળશે તે.”
“પેલી છોકરીને.”
વાતને સ્પષ્ટ કરતાં પેલાએ કહ્યું, “પેલી નારંગી ડ્રેસ પહેરીને આવી હતી એ છોકરીને…” રિસેપ્શન હોલ માંથી બહાર નીકળતો ‘આઠગડ’થી આવેલો, સમય કરતાં વહેલો ટાલિયો બની ગયેલો ઉમેદવાર આ વાત સાંભળી ઊભો રહી ગયો. ”હા, હા તેના દેખાવના લીધે…”
“ના, ના, દેખાવ નહીં- તેનું બીજું કારણ છે !”
“કયું કારણ !”
“લાગવગ છે, લાગવગ …! ખુદ પ્રધાનના દફતરમાંથી.”
“ જો આવું જ હોય તો, આવો તમાશો શા માટે ? આપણે આટલે દૂરથી બોલાવવાની ક્યાં જરૂર હતી.?”
‘કોરાપુટથી’ આવેલા ઉમેદવારની બાઘાઈ પર પેલો સબ જાણતો યુવક ગુસ્સે થઈ ગયો. બોલ્યો, “અરે ભાઈ, કાગળ પર તો દેખાડવું પડે ને ! દેશમાં કાયદો જેવું કંઈ હોય કે નહીં !”
“બેકાર યુવાનને આપઘાત કરવાની સંમતિ આપતો કાયદો હોત તો…”આમ બોલતો બોલતો કોરાપુટથી આવેલો યુવાન નીકળી ગયો, એની બસનું ટાણુ થઈ ગયું હતું.
ઇંટરવ્યુ તો વખતસર પતી ગયો હતો, પણ વેરીફીકેશનમાં વાર લાગી. બધું પતતાં, પતતાં મોડું થઈ ગયું. અભિમન્યુ ફાઈલ હાથમાં પકડી, રિક્ષા લઈ બસસ્ટેન્ડ જવા નીકળો. બસમાં ખુબ ભીડ હતી. જેમ તેમ કરી એક બસમાં ચડ્યો. ધક્કામુક્કી કરી ડ્રાઈવરની સીટ સુધી પહોંચ્યો. નસીબ જોગે આગળ એક સીટ ખાલી હતી. એના પર કોઈની નજર પડી ન હતી. તે ત્યાં બેસવા આગળ વધ્યો. બીજા એક જણની નજર તે સીટ પર પડી હતી. તે એક છોકરી હતી. પણ તે પહેલો પહોંચી બેસી ગયો. સીટ પર કબજો જમાવી અભિમન્યુએ છોકરી સામે જોયું. નારંગી રંગનો ડ્રેસ પહેરેલી છોકરીના ખભે ડફલ બેગ હતી. નારંગી રંગનો ડ્રેસ! અભિમન્યુએ ફરીવાર છોકરી સામે જોયું. અરે ! આ તો તે છોકરી છે, જે ઇંટરવ્યુંમાં હતી.
એને યાદ આવ્યું, ધક્કામુક્કી માં તેણે કોઈનો પગ ચગદી નાખ્યો હતો , કદાચ તે આ છોકરી હતી. તેને જરી પણ પસ્તાવો થયો નહીં. દુઃખ તો બિલકુલ નહીં. તેણે છોકરી સામે જોયું, તે ઓઢણી અને ખભે ભરાવેલી ડફલ બેગ સંભળાતી ભીડમાં સીધી ઊભી રહેવાનો પ્રયત્ન કરતી હતી.
પાછળથી કોઈએ, બૂમ પાડી, “ લેડીસ પેસેંજર માટે એક સીટ ખાલી કરો.” કદાચ તે કંડક્ટર હતો. પણ અભિમન્યુ બારીની બહાર જોતો બેસી રહ્યો, ઊભો થયો નહીં. બીજા કોઈએ પણ સાંભળ્યું નહીં.
બસ એક ઝટકા સાથે ઊપડી. છોકરીએ એક ક્ષણ માટે બૅલેન્સ ગુમાવ્યું, તેની બેગ અભિમન્યુના ખભા સાથે અથડાઈ. છોકરી ધીમેથી બોલી, “સોરી.”
તે દેખાવમાં સુંદર હતી, કોઈની પણ નજરે ચઢી જાય એવી. એટલે તો ‘આઠગડ’ થી આવેલો ઉમેદવારને લાગ્યું હતું, આ છોકરીને તેના દેખાવના લીધે નોકરી મળશે.
છોકરી ભારી ડફલ બેગને સંભાળવાનો પ્રયત્ન કરતી હતી, આટલી ભારી બેગ લઈ આજે ઇંટરવ્યુમાં કેમ આવી હશે ! એમાં કેટલાં રૂપિયા લાવી હશે ? કોને આપ્યા હશે ? પ્રધાનના પી. એ. ને કે બીજા કોઈને ?”
આ વિચારથી અભિમન્યુને ગુસ્સો આવ્યો. ઇંટરવ્યું પત્રમાં લખવામાં આવ્યું હતું, ઉમેદવારને કદાચ રાત રોકાવું પડે એ માટે તૈયારી કરીને આવવું. અભિમન્યુએ વિચાર્યું હતું, જરૂર પડશે તો મામાના ઘરે રોકાઈ જશે.
છોકરીએ એક હાથે બસની સીલિંગ પરનો રોડ પકડ્યો હતો અને બીજા હાથે ભારી બેગ સંભળાતી હતી. અઘરું હતું આ કામ.
અભિમન્યુએ કહ્યું, “બેગ લાવો, મારી સીટ નીચે જગ્યા છે, મૂકી દઉં.”
છોકરીએ વિરોધ કર્યો નહીં. આભારવશ તેની સામે જોયું.
છોકરીની આંખો સુંદર છે. ના, ખાલી આંખો નહીં, મોં પણ સુંદર છે. અણીદાર નાક, પાતળા હોઠ.
કોણીથી ધક્કા મારતો કંડકટર નજીક આવ્યો.બોલ્યો, “ ટિકિટ, ટિકિટ…
અભિમન્યુ કંઈ બોલે તે પહેલા છોકરી બોલી, ‘ઢેંકાનાળ’.
ઓહ! છોકરીને પણ ‘ઢેંકાનાળ’. જવું છે ! ‘ઢેંકાનાળ’.માં ક્યાં રહે છે આ, ક્યારેય કદી જોઈ તો નથી !
છોકરી એ પાંચસો રૂપિયાની સાવ વળી ગયેલી નોટ ધરી.
“છીયાસી રૂપિયા રોકડા આપો.”
છોકરીએ કહ્યું તેની પાસે છુટા નથી.
કંડક્ટરે નોટ બરાબર તપાસી. કહ્યું, “આ નોટ નહીં ચાલે.”
“નહીં ચાલે એટલે?” છોકરીએ સંકોચ થી પૂછ્યું.
“આ નોટમાં ગડબડ છે. બીજી નોટ આપો.”
“શું ગડબડ છે ?”
“ જોતા નથી, ગાંધીજીની મૂછ- કંઈ ખબર પડી? આ નહીં ચાલે, બીજી નોટ આપો.”
છોકરી પાસે બીજા પૈસા હતા નહીં . એણે અમથી અમથી પોતાની પર્સ ફંફોળી, થોડા સિક્કા સિવાય કંઈ નીકળ્યું નહીં. “આ નોટ તો સારી છે, હું કાલે જ પોસ્ટઓફિસથી લાવી છું.”
“તે સાલાએ ઠગી લીધા. આજકાલ પોસ્ટઓફિસમાં ડાકુ છે. ડાકુ – ડાકુ.”
“જુઓ આ નોટ સાચી છે, ત્રણ લાવી હતી, બે વપરાઈ ગઈ, આ એક વધી છે.”
કંડક્ટર બીજા તરફ ફર્યો, “ ટિકિટ, ટિકિટ !”
છેલ્લે અભિમન્યુનો વારો આવ્યો. તેણે કહ્યું, ‘ઢેંકાનાળ’.
એ જ વખતે તેની બાજુની સીટ પર બેઠેલો જાડોપાડો માણસ ‘ફટ’ કરતો પોતાની સીટ પરથી ઊભો થઈને કહે,”અરે ! ઊભી રાખો, ઊભી રાખો. મારે અહીં ઉતરવું છે.“
યાત્રીઓમાં ગણગણાટ થયો. “ આ શું ? આ એક્સપ્રેસ બસ છે. ખાલી ચાર સ્ટોપેજ છે, અને આ તો હજુ થોડે આવ્યા છીએ અને આ કહે છે, મારે ઉતરવું છે.”
માણસે કહ્યું, “ હા, હા, ઉતરવું છે. મારાથી આગળ નહીં જવાય. પેટમાં ગડબડ થઈ છે. હમણા છૂટી પડશે. નહીં રહેવાય…
બસ ઊભી રહી. માણસ ઊતરીને એક રિક્ષામાં બેસી ગયો. ઓળખીતો રિક્ષાવાળો રાહ જોઈને રસ્તાની એક બાજુ ઊભો હતો. તેને લઈને રિક્ષા ઊપડી.
તે ખાલી પડેલી સીટ પર બેસવા એક યુવાન આગળ ધસ્યો, અભિમન્યુએ આંખના ઈશારાથી છોકરીને બેસવા કહ્યું.
છોકરી અભિમન્યુ પાસે બેસી ગઈ.
ધસી આવતો છોકરો અટકી ગયો, બોલ્યો, “ હા, મેડમ, બેસી જાઓ, તે સીટ પર બેસી જાઓ…
તે એવી રીતે બોલતો હતો જાણે તે છોકરી માટે સીટ રોકવા દોડયો હતો.
છોકરીએ બેસી મોં પરથી પરસેવો લૂછ્યો, ઓઢણી સરખી કરી, એ પછી નીચા નમીને પોતાના પગ પર નજર નાખી. તેણે છોકરીનો પગ જોરથી કચડી કાઢ્યો લાગે છે. લોહી તો નથી નીકળ્યું ને ?
અંધારામાં બસ આગળ આગળ દોડતી હતી.
છોકરી આછા અંધારામાં હાથમાં પકડી રાખેલી પાંચસોની નોટ જોતી હતી, જાણે પગ પર વાગેલો ઘા જોતી ન હોય !.
તેણે મોં ઊંચું કરીને અભિમન્યુને પૂછ્યું, “ ઇંટરવ્યું કેવો રહ્યો ?”
તેના જવાબની રાહ જોયા વગર બોલી, “ મારો તો સાવ ખરાબ ગયો છે. એક પણ સવાલનો જવાબ સરખો આપ્યો નથી.”
અભિમન્યુએ છોકરી તરફ જોયું. તેણે સરસ ડ્રેસ પહેર્યો છે. ઘરેથી નીકળતી વખતે અત્તર છાટ્યું લાગે છે. હજી પણ આછી સુગંધ આવે છે. મોં પર પરસેવો છે. લાલ રંગની નેઈલ પોલીસ લગાવેલા હાથમાં જૂની પાંચસો રૂપિયાની નોટ પકડી છે.
“મારો પણ સારો નથી ગયો. ક્યાં ક્યાંથી એવાં સવાલ પૂછ્યા કે હું જવાબ આપી શક્યો નહીં.”
થોડી વાર પછી બોલ્યો, “ કદાચ એ લોકોએ પહેલેથી નક્કી કરી લીધું છે, કોને નોકરી આપવી, આ તો દેખાડો છે.”
“ એટલે ?”
“એટલે કે ફિક્સીંગ ! બીજું શું !”
છોકરીએ અભિમન્યુની સામે જોયું, “આવું કરાય ? આ તો પાપ કહેવાય !”
બસ હવે સુમસામ રસ્તા પર હતી. ભૂરાયા ઢોરની જેમ ગર્જન કરી દોડતી હતી. પવન મોં પર વાગતો હતો. વાદળામાં દાતરડા જેવો ચાંદો હતો.
‘બદામ બાડી’ બસ સ્ટેન્ડ પર ઘણાં લોકો ઉતારી ગયા. હવે બધાંને બેસવાની સીટ મળી ગઈ હતી, કેટલાક ઝોકાં ખાતા હતા.
છોકરીએ પણ ઝોકા ખાવાનું શરુ કર્યું, પણ સીટ પરનનો ગ્રીપ રોડ આડો આવતો હતો. તેનું માથું ભટકાતું હતું, એટલે તે જાગીને સીધી થઈ જતી હતી. તેના એક હાથમાં લીલા રંગનું પર્સ અને બીજા હાથમાં ડૂચો વળેલી પાંચસોની નોટ હતી.
દૂરથી ‘ગોવિંદપુર’ બજારની લાઈટ દેખાઈ, , ‘ઢેંકાનાળ’ હવે બહુ દૂર નથી. મોટો અવાજ કરી દોડતી બસ એક સ્પીડ બ્રેકર પર ચઢી, અને આંચકો આવ્યો. કેટલાક યાત્રીઓની ઊંઘ ઊડી ગઈ. તે છોકરી પણ જાગી ગઈ. છોકરીએ આંખો ચોળીને બહાર જોયું. એ પછી પોતાના હાથમાં રહેલી નોટને તાકી રહી.
છોકરીએ ધીમા સ્વરે પૂછ્યું, “આ નોટ ખરેખર ખોટી છે?”
અંધારામાં કંઈ ખબર ના પડે, વળી અભિમન્યુને અસલી નકલી નોટ વિશે સમજણ નથી. એ તો એટલું જાણે કે નકલી નોટ જેની પાસે હોય તેને પોલીસ પકડે.
તેણે ડોકી હલાવી ના કહી. છોકરીએ લાંબો નિસાસો નાખ્યો. તેણે પર્સ ખોલી એક ગોળી કાઢી મોં માં નાખી, કદાચ માથા દુખાવાની ગોળી હશે. એ પછી એણે બારીની બહાર જોયું. ‘ઢેંકાનાળ’ હવે નજીક આવતું હતું.
છોકરીએ અભિમન્યુ સામે જોયું. તમે શું ‘ઢેંકાનાળ’ રહો છો ? કઈ સ્ટ્રીટમાં ?”
અભિમન્યુએ પોતાનું સરનામું કહ્યું. છોકરી એ કહ્યું અમે “ રથગડા’ પોળમાં રહીએ છીએ. તમે ‘રથગડા’ પોળ જોઈ છે?
“હા જોઈ છે. મારા દોસ્તારના કાકા, યોગેશ મહાંતિ ત્યાં રહેતા હતા.”
“ યોગેશ મહાંતિ! તે તો અમારા ઘરની સામે રહેતા હતા! એક દિવસ અડધી રાતે એ જ મારા બાપુજીનું ડેડ બોડી ઘેર લાવ્યા હતાં. બાપુજી નશાબંધી અને આબકારી વિભાગમાં હતા. કળા બજારિયાઓએ તેમના પર વેર રાખીને તેમને મારી નાખ્યા.” પછી છોકરી એકદમ ચૂપ થઈ ગઈ.
થોડીવારમાં બસ ‘ઢેંકાનાળ’માં પ્રવેશે છે આગળ બાઈપાસ છે.
છોકરી એ ડફલ બેગ સીટ નીચથી કાઢી. ખોળામાં મૂકી. પછી ચેન ખોલી તેમાંથી કંઈ શોધવા લાગી. બેગમાં પહેરવાનાં કપડાં, ટોયલેટ કીટ, બે જૂની પત્રિકા, અને એક ચોકલેટનો ડબ્બો હતો.
ડબ્બો કાઢી કંઈ વિચારતા વિચારતા થોડી વાર સુધી હાથમાં ફેરવતી રહી. અભિમન્યુએ પૂછ્યું, ”નાની બહેન માટે છે ?”
“ના, મા માટે.“
થોડીવાર ચૂપ રહી, પછી બોલી, “બાપુજી મરી ગયા તે દિવસથી માં ગાંડી થઈ ગઈ છે. હવે એ નાના બાળક જેવું કરે છે રડતી હોય કે પછી એકલી એકલી હસતી હોય. કંઈ ખાતી નથી. મીઠાઈ કે ચોકલેટ જુવે તો ઝૂંટવી લે. રમકડાં કે ફુગ્ગા લાવી આપવા માટે જીદ કરે. અને ક્યારેક રસ્તા પર નીકળી…..” તેને થયું કે તે વધારે પડતું બોલે છે , એટલે પછી ચૂપ થઈ ગઈ.
એટલીવારમાં પાછળથી કંડક્ટરનો અવાજ સંભળાયો. થોડીવારમાં તે આવી ટિકિટના છ્યાંસી રૂપિયા માગશે. આછા અંધારામાં છોકરીએ અભિમન્યુ સામે જોયું. “ખરાબ ન લગાડતા, એક રિકવેસ્ટ છે !”
અભિમન્યુએ તેની સામે જોયું.
“આ ચોકલેટનો ડબ્બો બસો વીસ રૂપિયાનો છે, હું આજે બીગ બજારમાંથી લાવી છું. તમે આ લઈને મને સો રૂપિયા આપશો ? મારી પાસે ટિકિટ ભાડાના પૈસા નથી…”
અભિમન્યુ કંઈ જવાબ આપે તે પહેલા કંડકટર પાસે આવીને ઊભો હતો….!
********
(લેખક પરિચયઃ તરુણકાંતિ મિશ્ર – જન્મ – (૧૯૫૦ )કેન્દુઝર ( ઓરિસ્સા ), વાર્તાકાર, નવલકથાકાર. સાહિત્ય કૃતિ- કોમળ ગાંધાર, બહુબ્રીહી, પ્રજાપતિર ડેણા નાહીં, આકાશ સેતુ વગેરે., પુરસ્કાર – ઓરિસ્સા સાહિત્ય અકાદમી પુરસ્કાર, સારળા પુરસ્કાર)