ગઝલત્રયી ~ ભાવેશ ભટ્ટ
૧. “પગે લાગ્યા……..!”
કરીને ઝૂકવામાં કરકસર પગે લાગ્યા
ખબર છે એને અમે મન વગર પગે લાગ્યા
થઈ હો ચીલઝડપ એવું બે ઘડી લાગ્યું
તમે જ્યાં સૌની ચુકાવી નજર, પગે લાગ્યા
નથી જરૂર પડી કોઈ પીર બાવાની
અમે તો જોઈ કોઈ પણ કબર, પગે લાગ્યા
એ સજ્જનોનો અહોભાવ કેમ ભૂલાશે ?
કે જેને થઈને વિવશ માવતર પગે લાગ્યાં
વિવેકમાં ય છુપાયાં રહસ્ય હોઈ શકે
અમુક મિલાવી નજરથી નજર પગે લાગ્યાં
ભલે કહ્યું ન કશું, પણ ગમ્યું નહીં મનમાં
જો કોઈ એને બની બેફિકર પગે લાગ્યાં
ફરી ફરીને જિવાડી ફરી ફરી માર્યો
કદી કોઈને કરી દરગુજર પગે લાગ્યા !
છબી આ દૃશ્યની ખેંચી એ જણ થયો છે ગુમ
કશેક ખીણને કોઈ શિખર પગે લાગ્યાં
જુઓ તો ભોંઠાં પડ્યાં આંગણાં ય પાછળથી
બિચારાં શું કરે જ્યાં ઘરના ઘર પગે લાગ્યાં !
– ભાવેશ ભટ્ટ
૨. “ઉપકાર ઓછો……….!”
હતો એક કિસ્સો વિગતવાર ઓછો
નથી અર્થ એનો કે છે સાર ઓછો
જુએ ખીણને કોઈ આધાર માફક
થશે એક આજે નિરાધાર ઓછો
મજા ચોંકવાની કદી ના ગુમાવે
રહે છે હમેશા ખબરદાર ઓછો
કદી બ્હાર પગ છે કદી બ્હાર છે હાથ
પડ્યો જિંદગીનો જ વિસ્તાર ઓછો
કિનારો ઊભો આજ અવળો ફરીને
નદીએ કર્યો સ્હેજ શણગાર ઓછો
ભરોસો નથી એનો જીતી શકાયો
હજી મોત આપે છે સહકાર ઓછો
નિમંત્રણ હતું ફૂલ જેવું અમારું
કહ્યું એમણે ‘છે જરા ભાર ઓછો !’
તરત ખેદની લાગણી વ્યક્ત કરશે
ગુના છે વધુ પણ ગુનેગાર ઓછો
નમે છે હજી ડોક અડધી જ એની
તમે જે કર્યો એ છે ઉપકાર ઓછો !
– ભાવેશ ભટ્ટ
૩. “સમસ્યા સફેદ સાડીની……….!
રહી અજીબ સમસ્યા સફેદ સાડીની
કફનને થાય છે ઈર્ષા સફેદ સાડીની !
ગલીનો બાંકડો આશ્ચર્યથી જુએ એને
કરે ન કોઈ જો ચર્ચા સફેદ સાડીની
તમામ શસ્ત્રને સાહિત્યકાર માની લો
રચી શકે છે એ ગાથા સફેદ સાડીની
અમુક તો ભૂલી જતા હોય ખુદના ઘરનો રંગ
કરે છે એટલી પરવા સફેદ સાડીની !
પડે જો આંસુ કદી કોઈ તોય ડહોળાશે
વધુ પવિત્ર છે ગંગા સફેદ સાડીની
જો હોય છે તો પછી હોય છે તમારી પણ
ન હોય માત્ર પરીક્ષા સફેદ સાડીની
નઠારી રાતના પ્રત્યેક પ્હોર ફંફોસે
રહે છે હોશમાં નિદ્રા સફેદ સાડીની
મનાવે મૌન રહી શોક કૂદનારીનો
નહીં જુબાની દે કૂવા સફેદ સાડીની
રહીને દૂર એ બદનામીથી બચાવે છે
ચહે છે ઓથ સિતારા સફેદ સાડીની
હશે કદાચ મદદનો જ એમનો આશય
મળ્યા ફિરાકમાં સાફા સફેદ સાડીની
ભલે કરે ન મને એક ખૂન માફ પ્રભુ
છતાંય કરવી છે હત્યા સફેદ સાડીની
– ભાવેશ ભટ્ટ
સરસ મજાની ગઝલો ભાવેશ.